એવિયેશન ઇન્ડસ્ટ્રીને અલવિદા કહીને ફુલટાઇમ આર્ટ-ટીચર તરીકે કાર્યરત પૂર્વી વ્હોરા શ્રાવણ માસમાં ‘થર્ટી ડેઝ ઑફ શિવા’નો સંકલ્પ લઈને દરરોજ મહાદેવનો એક સ્કેચ બનાવીને અનોખી શિવઉપાસના કરે છે
પૂર્વી વ્હોરા (તસવીરો: જિતેન ગાંધી)
ક્યારેક જીવન આપણને એવા માર્ગે લઈ જાય છે જ્યાં શોખ ધીમે-ધીમે પૅશન બની જાય છે અને એ પૅશન આપણને સાચી આઇડેન્ટિટી આપે છે. ૧૨ વર્ષ એવિયેશન ઇન્ડસ્ટ્રીમાં કૅબિન-ક્રૂ તરીકે કામ કરી ચૂકેલાં વિલે પાર્લેમાં રહેતાં ૪૦ વર્ષનાં પૂર્વી વ્હોરા અત્યારે ફુલટાઇમ આર્ટિસ્ટ છે. નાનપણથી જ આર્ટ પ્રત્યેના પ્રેમને જીવંત રાખ્યો હોવાથી આજે તેમણે ચારકોલ આર્ટમાં માસ્ટરી મેળવીને શ્રાવણ મહિનાના ત્રીસ દિવસ દરમિયાન શંકર ભગવાનના ૩૦ અલગ- અલગ સ્કેચ બનાવવાનો નિર્ણય લીધો છે. આ સંકલ્પ વિશે અને તેમની લાઇફ-જર્ની વિશે તેમની પાસેથી વધુ જાણીએ.
આર્ટ પ્રત્યેનો પ્રેમ નાનપણથી જ
ADVERTISEMENT
જીવનમાં આર્ટ પ્રત્યેનો પ્રેમ કઈ રીતે ડેવલપ થયો એ વિશે વાત કરતાં પૂર્વી કહે છે, ‘બાળપણથી લઈને આજ સુધી આર્ટ મારા માટે માત્ર શોખ નહીં પરંતુ એક પ્રકારનું મેડિટેશન અને સાથોસાથ શાંતિ અને શક્તિનો સ્રોત રહી છે. નાનપણથી જ મને આર્ટ બહુ ગમતી હતી. સ્કૂલના દિવસોમાં આર્ટ ઍન્ડ ક્રાફ્ટની એલિમેન્ટરી અને ઇન્ટરમીડિએટ સ્પર્ધાઓમાં હું નિયમિત ભાગ લેતી. ઘણી વખત ઇનામ પણ જીતતી. એ વખતે કલર પેન્સિલ્સ, ક્રેઝી આઇડિયાઝ અને ક્રીએટિવિટીથી ભરપૂર દુનિયામાં હું જીવતી હતી. આર્ટપ્રેમી હોવા છતાં મેં કૉમર્સમાં ડિગ્રી લીધી કારણ કે એ વખતે કૉમર્સ ભણવાનું ચલણ વધારે હતું. મનમાં ક્યાંક આર્ટ માટેનો પ્રેમ હતો પણ પ્રૅક્ટિકલિટી માટે કૉમર્સ તરફ વળવું પડ્યું. આગળ ચાલીને એવિયેશન ક્ષેત્રમાં મારી કારકિર્દી શરૂ થઈ. ૧૨ વર્ષ જૉબ કરી, જેમાંથી ૧૦ વર્ષ જેટ ઍરવેઝમાં કૅબિન-ક્રૂ તરીકે અને પછી ઍર ઇન્ડિયામાં પણ રહી. હોટેલ-ઇન્ડસ્ટ્રીમાં પણ કામ કર્યું. આ બધાં વર્ષોમાં દુનિયાનાં અનેક શહેરો જોયાં, અનેક લોકો મળ્યા, અનેક અનુભવો ભેગા કર્યા પરંતુ એક વાત હંમેશાં કૉમન રહી; હું જ્યાં જતી ત્યાં મારી બુક અને પેન્સિલ મારી સાથે જ હોય. પ્લેનમાં બ્રેક મળતો ત્યારે, હોટેલના રૂમમાં એકાંત મળે ત્યારે કે મુસાફરી દરમિયાન થોડી ક્ષણો મળે ત્યારે હું સ્કેચ બનાવી લેતી. કોરોનાકાળ પછી મેં નોકરીમાંથી બ્રેક લીધો. બે વર્ષ તો ફક્ત મંથન જ કર્યું કે શું કરું. એ દરમિયાન મને સમજાયું કે હવે હું જે કરું એ મનથી કરું અને એ છે આર્ટ, મારા શોખને હવે પૂરો સમય આપવો છે. એ જ સમયમાં મેં ફેવિક્રિલ સાથે જોડાઈને આર્ટ-ટીચર તરીકે કામ શરૂ કર્યું. આજે હું બાળકોને આર્ટ શીખવાડું છું.’
ચારકોલ આર્ટની શરૂઆત
આમ તો પૂર્વી મિક્સ મીડિયા આર્ટ, ડૉટ પેઇન્ટિંગ, સ્કેચિંગ, પેબલ આર્ટ, લિક્વિડ એમ્બ્રૉઇડરી જેવી આર્ટ કરે જ છે પણ ચારકોલ સ્કેચિંગમાં રસ કેવી રીતે જાગ્યો એ જણાવતાં કહે છે, ‘મને સ્કેચિંગનો શોખ પહેલેથી જ હતો. પેન્સિલથી ચહેરા બનાવવામાં, શેડિંગ કરવામાં મને આનંદ આવતો; મને ખાસ કરીને ચારકોલ આર્ટ તરફ ઍટ્રૅક્શન થતું. કાળો રંગ અને એના અઢળક શેડ્સમાં અસીમ શક્તિ છે. માત્ર બ્લૅક કલરથી જ ઘણાં ઇમોશન્સને દેખાડી શકાય છે. યુટ્યુબ પર ચારકોલ આર્ટના વિડિયોઝ જોતી અને મને લાગતું કે આમાં મને માસ્ટરી મેળવવી છે. જાન્યુઆરીમાં શીખવાનું શરૂ કર્યું અને પછી સતત પ્રૅક્ટિસ કરી. જ્યારે કોઈ સ્કેચ પૂરો થતો ત્યારે એનું રિયલિસ્ટિક ફિનિશ મને એક નવી એનર્જી આપતું. મારા માટે ચારકોલ માત્ર માધ્યમ નથી પણ ધીરજ, એકાગ્રતા અને ક્રીએટિવિટીનું પ્રતીક છે.’
30 ડેઝ ઑફ શિવા
દર વર્ષે શ્રાવણ માસમાં પૂર્વી આખો મહિનો ફળાહાર ખાઈને અને દૂધ પીને ઉપવાસ કરે અને આખા મહિના દરમિયાન મીઠું પણ ખાય નહીં. આ વખતે તેમને કંઈક અલગ કરવું હતું એમ જણાવતાં પૂર્વી કહે છે, ‘દર વર્ષ કરતાં આ વર્ષે મારે કંઈક અલગ કરવું હતું. આથી મેં મહાદેવની અલગ-અલગ મુદ્રાના ચારકોલ સ્કેચ બનાવવાનું નક્કી કર્યું. ઇન્ટરનેટ પરથી લગભગ ૧૦૦ ફોટો જોયા, એમાંથી નટરાજ અવતારથી લઈને યોગિની મુદ્રા, શિવલિંગ અને વિવિધ અભિવ્યક્તિઓના ૪૦ ફોટો પસંદ કર્યા. પહેલા દિવસે સ્કેચ પૂરો કરવામાં ૧૦ કલાક લાગ્યા. થોડી વાર લાગ્યું કે કદાચ આ સંકલ્પ અધૂરો રહી જશે પણ ભગવાનના નામ સાથે શરૂઆત કરી હતી એટલે અધૂરું મૂકવાનું મન નહોતું. ધીમે-ધીમે સમય ઘટાડીને ૫–૬ કલાકમાં સ્કેચ પૂરા કરવાનું શરૂ કર્યું. દરરોજ હાઇપરલૅપ્સ વિડિયો બનાવીને ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર અપલોડ કરું. રક્ષાબંધન જેવા તહેવારમાં મુશ્કેલી પડી. એક તરફ તહેવારની તૈયારીઓ અને બીજી તરફ સંકલ્પ. એ દિવસે મેં ઉજાગરા કરીને સ્કેચ પૂરો કર્યો હતો. મારો આ સંકલ્પ શિવની સાધનાનો હતો અને આ દરમિયાન મને અલગ પ્રકારની ડિવાઇન એનર્જીની અનુભૂતિ થઈ. મન એકાગ્ર રહ્યું, શાંતિ અનુભવાઈ. થાકી ગઈ હોવા છતાં સ્કેચ પૂરો કર્યા વિના ઊંઘતી નહોતી. અંતે જ્યારે ૩૦ દિવસ પૂરા થશે ત્યારે હવે આગળ શું કરવું એ વિચાર આવે છે.’
રિયલિસ્ટિક આર્ટનો શોખ
પૂર્વીને ચારકોલ આર્ટ ઉપરાંત રિયલિસ્ટિક આર્ટનો શોખ છે. આ વિશે જણાવતાં તે કહે છે, ‘મને ખાસ કરીને રિયલિસ્ટિક આર્ટ ગમે છે. જ્યારે કોઈ ચહેરો કે મૂર્તિ એવી બનાવું કે જે જીવંત લાગે ત્યારે એનો આનંદ અવિસ્મરણીય હોય છે. મહાદેવના પણ થોડા સ્કેચ એવા જ બનાવ્યા હતા જે હાઇપર રિયલિસ્ટિક લાગે. સ્કેચ પૂરા થયા પછી હું એને ફિક્સ કરવા સ્પ્રે કરું છું જેથી લાંબો સમય ટકી રહે. આગળ જઈને આ સ્કેચને ફ્રેમ બનાવીને રાખી શકાય.’
પરિવારનો સાથ
પૂર્વીને પતિ અને દીકરાનો ભરપૂર સપોર્ટ મળી રહે છે. ફૅમિલી વિશે વધુ જણાવતાં તે કહે છે, ‘મારા પતિ ચિરાગ વ્હોરા ઍક્ટર છે. મારો દીકરો આરવ નવ વર્ષનો છે અને અત્યારે તે ચોથા ધોરણમાં ભણી રહ્યો છે. મારા માટે મોટી વાત એ છે કે મારા પતિ ચિરાગનો સપોર્ટ મને હંમેશાં મળ્યો છે. સવારે દીકરાને તૈયાર કરવાથી લઈને સ્કૂલમાં મૂકવા સુધીની જવાબદારી તેમના માથે હોય છે જેથી હું ઘરનું કામ પતાવીને મારા આર્ટવર્ક પર ધ્યાન આપી શકું. મારો દીકરો આરવ પણ હવે સમજદાર બન્યો છે. તે પોતાનું હોમવર્ક કરે અને હું મારી આર્ટ. ઘણી વાર હું મેકિંગનો વિડિયો રેકૉર્ડ કરતી હોઉં ત્યારે વચ્ચે આવીને ડાન્સ કરે અને કૅમેરા સામે ફની પોઝ આપે જેથી તેની હરકતો કૅમેરામાં રેકૉર્ડ થાય. એ સમયે હું પણ થોડો બ્રેક લઈને તેની સાથે મસ્તી કરી લઉં અને પછી પાછો તે હોમવર્ક કરે અને હું મારો સ્કેચ. જો પરિવારનો આવો સપોર્ટ હોય તો સપનાં સાકાર કરવાનું સરળ બની જાય છે.’
ફ્યુચર ગોલ્સ
ફ્યુચર ગોલ્સ વિશે વાત કરતાં પૂર્વી કહે છે, ‘મારે ઍક્રિલિક કલરમાં વિશાળ હાઇપર રિયલિસ્ટિક પોર્ટ્રેટ બનાવવું છે. ઍક્રિલિક વિશે મને ખબર છે પણ એને પ્રોફેશનલી શીખીને પછી જ હું એ કામ હાથ ધરવા માગું છું. મને એક્ઝિબિશન્સમાં રસ નથી, મને વર્કશૉપ્સ વધુ ગમે છે કારણ કે હું માનું છું કે બાળકોને આર્ટની નજીક લાવવાં વધારે મહત્ત્વનું છે. આજના ડિજિટલ યુગમાં જ્યાં AI જનરેટેડ આર્ટ વધી રહી છે ત્યાં બાળકોને ટ્રેડિશનલ આર્ટનું મૂલ્ય સમજાવવું જરૂરી છે. હું માનું છું ડિજિટલ કે AI જેટલું પણ આગળ વધી જાય, હાથથી બનાવેલા સ્કેચમાં જે લાગણીઓ હોય છે, ઝીણવટ હોય છે એ ક્યારેય રિપ્લેસ થઈ શકતાં નથી.’

