મળો બૉલીવુડના ઍક્ટર વિશાલ જેઠવાનાં મમ્મી પ્રીતિ જેઠવાને. વિશાલ મમ્મીને સર્વસ્વ માને છે અને એનું કારણ છે. સિંગલ પેરન્ટ તરીકે તેની મમ્મીએ વિશાલની સાથે તેનાં બે ભાઈ-બહેનના ભવિષ્યને ઉજ્જવળ બનાવવામાં ઘણી મહેનત કરી છે અને આજે એ રંગ લાવી રહી છે
કાન ફિલ્મ ફેસ્ટિવલ અટેન્ડ કર્યા પછી પૅરિસમાં આઇફલ ટાવરના સાંનિધ્યમાં મમ્મી સાથે વિશાલ જેઠવા.
૨૦૧૯માં આવેલી રાની મુખરજીની ‘મર્દાની 2’માં વિલનનો રોલ ભજવીને આપણા ગુજરાતી ઍક્ટર વિશાલ જેઠવાએ બૉલીવુડમાં જબરદસ્ત એન્ટ્રી મારેલી. ટીવી-જગતમાં તો ૨૦૧૩થી પ્રવેશેલા વિશાલને ‘મર્દાની 2’ પછી ફિલ્મો મળતી રહી અને હવે તે જાહ્નવી કપૂર અને ઈશાન ખટ્ટર સાથેની ‘હોમબાઉન્ડ’ નામની ફિલ્મમાં દેખાવાનો છે. આ ‘હોમબાઉન્ડ’ એ જ ફિલ્મ છે જેનું સ્પેશ્યલ સ્ક્રીનિંગ ગયા મહિને ફ્રાન્સના વિશ્વવિખ્યાત કાન ફિલ્મ ફેસ્ટિવલમાં થયું હતું. આ ફિલ્મના સાથી કલાકારો અને પ્રોડ્યુસર કરણ જોહર સાથે વિશાલે પણ કાનમાં રેડ કાર્પેટ પર વૉક કર્યું હતું. વિશાલ માટે આ મોટી ક્ષણ હતી અને તેના માટે એનાથી મોટી વાત એ હતી કે એ ક્ષણની સાક્ષી બનવા તેની મમ્મી પ્રીતિ જેઠવા ત્યાં હાજર હતી.
વિશાલ પોતાની મમ્મી વિશે ઇન્ટરવ્યુમાં અવારનવાર વાત કરતો હોય છે. વિશાલના પપ્પા હયાત નથી અને વિશાલ આજે જ્યાં છે એ મુકામ પર તેને પહોંચાડવા મમ્મીએ ખૂબ સંઘર્ષ કર્યો છે. પ્રીતિ જેઠવાએ વિશાલની જેમ પોતાનાં બીજાં બે બાળકોને પણ સક્સેસફુલ બનાવ્યાં છે. નાની ઉંમરમાં જ ત્રણેય બાળકોના માથેથી પિતાની છત્રછાયા દૂર થયા બાદ પ્રીતિબહેને ઘરના મોભી તરીકેની કમાન સંભાળી લીધી હતી. ત્રણેય બાળકોના ભવિષ્ય સાથે બાંધછોડ ન થાય એ માટે તેમણે દિવસ-રાત મહેનત કરી હતી. વિશાલે એક ઇન્ટરવ્યુમાં પણ આ વિશે જણાવ્યું હતું કે ‘મારા ઘરની આર્થિક પરિસ્થિતિ એટલી નબળી હતી કે મારી મમ્મી સૅનિટરી પૅડ્સ અને પપ્પા નારિયેળ અને મગફળી વેચતાં હતાં. મેં ગરીબીને બહુ જ નજીકથી જોઈ છે એટલે મને લાઇફમાં જે પણ સારી ચીજો મળે છે એની વૅલ્યુને હું સમજું છું. અત્યારે હું અહીં સુધી પહોંચ્યો એની પાછળ મારી મહેનત તો છે જ પણ સાથે મારી મમ્મીએ આપેલું યોગદાન પણ એટલું જ મહત્ત્વનું હોવાથી તે મારી સફળતાની સૌથી પહેલી હકદાર છે અને રહેશે.’
ADVERTISEMENT
કાન ફિલ્મ ફેસ્ટિવલ માટે જતી વખતે મમ્મી પ્રીતિ સાથે ફ્લાઇટમાં વિશાલ જેઠવા.
એટલે જ મમ્મીને વિશાલ સર્વસ્વ માને છે અને તેને ખુશ રાખવી એને પોતાનો ધર્મ સમજે છે. ‘હોમબાઉન્ડ’ના સ્ક્રીનિંગ માટે વિશાલ કાન જઈ રહ્યો હતો ત્યારે મમ્મી સાથે જ હતી. મમ્મી સાથેની ફ્લાઇટની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સાથે વિશાલે જે લખેલું એમાંથી મમ્મી માટેનો તેનો બેહદ પ્રેમ છલકાતો હતો. વિશાલે હિન્દીમાં લખેલું : બચપન સે સપના થા કિ એક દિન ફ્લાઇટ મેં બૈઠૂંગા. ફિર યહ સપના દેખા કિ એક બાર ઝરૂર વિદેશ ઘૂમૂંગા. ઔર ઇન સબસે બડા એક ઔર સપના થા કિ એક દિન અપની મમ્મી કો ફ્લાઇટ મેં વિદેશ ઘુમાને લે જાઉંગા. તો આજ મેરે લિએ બહુત બડા દિન હૈ ક્યોંકિ મૈં યે સપના જી રહા હૂં. કાન અટેન્ડ કરને સે ભી બડી ખુશી યે હૈ કિ મૈં અપની મમ્મી કે સાથે કાન અટેન્ડ કર રહા હૂં.
મમ્મી માટે આટલો પ્રેમ છલકાવ્યા પછી વિશાલે મમ્મી સાથેની પૅરિસની તસવીરો પણ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી હતી. કાનથી તેઓ પૅરિસ ગયાં હતાં અને ત્યાં આઇફલ ટાવર સાથે ફોટો પડાવ્યા હતા. ખૂબ જ સુંદર તસવીરો સાથે વિશાલે લખ્યું તું : ઇન ધ સિટી ઑફ લવ, વિશ માય ફૉરેવર લવ.
દીકરા પાસેથી આવો અનહદ પ્રેમ પામતી મમ્મી સાથે ‘મિડ-ડે’એ પોતાના જીવનની તડકીછાંયડી વિશે વાતો કરી છે.
પોતાનાં ત્રણેય સંતાનો સાથે પ્રીતિ જેઠવા
સંઘર્ષકાળ કપરો
સિંગલ પેરન્ટ તરીકે આવતી મુશ્કેલીઓ વિશે વાત કરતાં પ્રીતિ જેઠવા તેમના સંઘર્ષકાળને યાદ કરતાં જણાવે છે, ‘મારો વિશાલ નવમા ધોરણમાં ભણતો હતો ત્યારે તેના ડૅડી નરેશ જેઠવાનું હાર્ટ-અટૅક આવવાથી ૨૦૦૮માં અવસાન થયું હતું. મારાં મમ્મીના ઘરે પણ ખૂબ સંઘર્ષ કર્યો હતો. ત્યાં હું ઘરકામ કરવા જતી હતી. લગ્ન કરીને હું મલાડ આવી ત્યાં નાની રૂમ અને એમાં પંખો પણ નહોતો. ૨૪ વર્ષની ઉંમરે હું ત્રણ સંતાનની મા બની ગઈ હતી. મારા પતિનો એમ્બ્રૉઇડરીનો બિઝનેસ હતો, પણ તેમને પહેલી વાર હાર્ટ-અટૅક આવતાં તબિયત નબળી પડી ગઈ હતી. તેમની સારવાર માટે અમે મલાડની રૂમ અઢી લાખ રૂપિયામાં વેચીને મીરા રોડ શિફ્ટ થયાં. મારા જેઠની દીકરીનાં લગ્નમાં હાજરી આપવા અમે દેશમાં ગયા અને જે દિવસે ઘરે પહોંચ્યા એ જ દિવસે તેમને બીજી વાર હૃદયનો હુમલો આવ્યો અને એ તીવ્ર હોવાથી તે બચી ન શક્યા. એ સમયે અમારા પરિવાર પર સંકટનું આભ ફાટી ગયું હતું. ત્રણ બાળકોને કેવી રીતે મોટાં કરવાં એનું ટેન્શન તો હતું જ અને આ સ્થિતિમાં પોતાની જાતને સંભાળવી પણ મુશ્કેલ હતી, કારણ કે ફૅમિલીમાં કોઈ નહોતું. બાળકોને ભણાવવાનો અને ઘર ચલાવવાનો ખર્ચ કાઢવા માટે બહાર કમાવા જવું પડે એમ જ હતું તેથી મેં સૅનિટરી પૅડ્સ સેલ કર્યાં હતાં, સાડી વેચી હતી, જે પણ નાનાં-મોટાં કામથી આવક થાય એ બધું જ કર્યું. PROનું કામ પણ કર્યું હતું. પછી મને એક વ્યક્તિએ કેટરિંગમાં કામ કરવાની ભલામણ કરી. તેમણે એક ઑર્ડર અપાવ્યો પછી મને ભાઈંદર, પાલઘર અને બોઈસરમાં ઑર્ડર્સ મળતા ગયા. અને એ સમયે એવું લાગ્યું કે હું મૅનેજ કરી લઈશ. હું નહોતી ઇચ્છતી કે મારાં સંતાનો કોઈ રેંકડીમાં કંઈ વેચવા માટે ઊભાં રહે કે મેડિકલની દુકાનમાં કામ કરે. તેમને જે બનવાની ઇચ્છા છે એ બની શકે એ માટે હું સતત મહેનત કરતી હતી. એક દિવસ તેઓ સક્સેસફુલ બનીને મારું અને તેમના પપ્પાનું નામ રોશન કરશે એવી આશા તેમની સાથે જોડાયેલી હતી.’
અર્શ સે ફર્શ તક
વિશાલને અભિનયક્ષેત્રમાં રસ કઈ રીતે જાગ્યો એ વિશે વાત કરતાં પ્રીતિબહેન કહે છે, ‘વિશાલ જ્યારે ભણતો હતો ત્યારે તે બૅકગ્રાઉન્ડ ડાન્સર હતો. તેને ઍક્ટિંગ વિશે ખબર પણ નહોતી અને એમાં રસ પણ નહોતો. તે જે ડાન્સ-ક્લાસમાં જતો હતો એની નીચે જ ઍક્ટિંગ ક્લાસ હતા અને આવતાં-જતાં તે જોતો હતો ત્યારે તેને પહેલી વાર ઍક્ટિંગ કરવાનું મન થયું. આ વિશે મને જ્યારે વાત કરી ત્યારે હું એ ક્લાસના સર સુધી પહોંચી અને ક્લાસની અધધધ ફી સાંભળીને જ મેં ના પાડી દીધી, પણ વિશાલનું મન હતું તો મેં સરને સમજાવ્યું કે હું આટલી ફી એકસાથે ભરવાને બદલે ટુકડે-ટુકડે ભરીશ. વિશાલના ડેડિકેશનને જોઈને સરે મારી વાત માની. કોર્સ પૂરો કરીને ભણવાની સાથે-સાથે તેણે ઑડિશન્સ આપવાની શરૂઆત કરી. તેણે અઢળક ઑડિશન્સ આપ્યાં. ઑડિશન બાદ તેનું સિલેક્શન ન થાય તો તે હારીને બેસી જવાને બદલે વધુ સારી રીતે પોતાને પ્રિપેર કરીને જતો હતો. તેને અંદરથી એક ફીલિંગ હતી કે એક દિવસ તો હું જરૂર ક્રૅક કરીશ અને તેણે કર્યું. પહેલી વાર તેને ‘પરવરિશ’ સિરિયલમાં નાનો રોલ મળ્યો. તે ૨૦૧૩માં ‘ભારત કા વીર પુત્ર મહારાણા પ્રતાપ’માં યુવાન અકબરની ભૂમિકા ભજવીને લાઇમલાઇટમાં આવ્યો, પછી તેણે ‘સંકટ મોચન મહાબલી હનુમાન’, ‘દિયા ઔર બાતી હમ’, ‘પેશવા બાજીરાવ’ અને ‘ચક્રધારી અજય ક્રિષ્ના’ જેવી સિરિયલોમાં મહત્ત્વનાં પાત્રો ભજવ્યાં હતાં અને એ દરમિયાન તેને ફિલ્મોની ઑફર પણ આવતી હતી. ૨૦૧૯માં ‘મર્દાની 2’માં તેને બૉલીવુડમાં પહેલો બ્રેક મળ્યો હતો. એના આધારે ‘સલામ વેન્કી’, ‘IB71’ અને ‘ટાઇગર 3’ જેવી ફિલ્મોમાં મહત્ત્વની ભૂમિકા મળી. હવે ‘હોમબાઉન્ડ’ ફિલ્મમાં રોલ કરવાની તક મળી. આ ઇન્ડસ્ટ્રીમાં કોઈ ઓળખાણ વગર પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવાનું બહુ જ મુશ્કેલ હોય છે, પણ ઇમ્પૉસિબલ નહીં એ વિશાલ વારંવાર સાબિત કરી રહ્યો છે અને મારા દીકરા પર મને ગર્વ છે.’
અનફર્ગેટેબલ કાન ફિલ્મ ફેસ્ટિવલ
વિશાલ જેઠવાની નવી ફિલ્મ ‘હોમબાઉન્ડ’ની પસંદગી ફ્રાન્સના વિખ્યાત કાન ફિલ્મ ફેસ્ટિવલ માટે થઈ હોવાથી તેને ફિલ્મના કો-સ્ટાર્સ ઈશાન ખટ્ટર અને જાહ્નવી કપૂર તથા દિગ્દર્શક નીરજ ઘાયવાન અને નિર્માતા કરણ જોહર સાથે આ ફિલ્મ ફેસ્ટિવલની રેડ કાર્પેટ પર ચાલવાની તક મળી હતી. એ સમયના અનુભવ શૅર કરતાં વિશાલનાં મમ્મી કહે છે, ‘વિશાલને જ્યારે ખબર પડી કે તેની ફિલ્મની પસંદગી કાન ફિલ્મ ફેસ્ટિવલમાં થઈ છે ત્યારે તેનો હરખ જોવા જેવો હતો. વિશાલની કારકિર્દી માટે આ બહુ મોટી સિદ્ધિ હતી. બાળપણથી તેને મને ફ્લાઇટમાં બેસાડવાની ઇચ્છા હતી, પણ ધાર્યું નહોતું કે એ ફ્લાઇટ કાન ફિલ્મ ફેસ્ટિવલ માટેની હશે. આમાં થયું એવું કે મારા વીઝા પાસ થવામાં થોડી મુશ્કેલી આવતી હોવાથી મેં વિશાલને કહ્યું કે મારા વીઝાના પ્રૉબ્લેમ છે, ટિકિટ લઈ લઈશું અને વીઝા પાસ નહીં થાય તો એ ટિકિટના પૈસા પાણીમાં જશે; પણ વિશાલનો આગ્રહ હતો કે હું તેની સાથે આવું. તે જે પણ મહત્ત્વપૂર્ણ જગ્યા પર જાય તો મને સાથે લઈને જ જાય. તે મને લકી ચાર્મ માને છે. તેણે મને પોતાની સાથે લઈ જવા બહુ મનાવી અને અંતે મેં તેની વાત માનીને વીઝા મેળવવા ફરીથી અપ્લાય કર્યું અને લકીલી એ થઈ ગયું. જ્યારે તેને આ વાતની ખબર પડી ત્યારે તેને કાન ફિલ્મ ફેસ્ટિવલ કરતાં પણ વધુ ખુશી મારી સાથે ફ્લાઇટમાં બેસવાની હતી. ત્યાં પહોંચ્યા પછી રેડ કાર્પેટ પર ચાલવા માટે તેમને આપેલા નિર્ધારિત સમય પર પહોંચવાનું હોય. એ પછીના દિવસે વિશાલની ફિલ્મનું સ્ક્રીનિંગ હતું. ત્યાં એ ફિલ્મ જોઈને પ્રેક્ષકોની તાળીઓનો ગડગડાટ જોઈને મને મારા દીકરાના કામ પર બહુ ગર્વ થતો હતો. મારા જીવનની એ સૌથી સુખદ અને અનફર્ગેટેબલ ક્ષણો હતી.’
ગુજરાતી સંગીતનું ઘેલું
ગુજરાતી પરિવારમાં જન્મેલો વિશાલ જ્યારે મલાડ રહેતો હતો ત્યારે સંસ્કાર ગુજરાતી મીડિયમ સ્કૂલમાં ભણ્યો હતો અને પછી તેનું ઍડ્મિશન કાંદિવલી એજ્યુકેશન સોસાયટીમાં થયું હતું. ગુજરાતી ભાષામાં સ્કૂલમાં ભણ્યા બાદ ઠાકુર કૉલેજથી તેણે BComની ડિગ્રી મેળવી હતી. વિશાલે જાહેરમાં તેનો ગુજરાતી ફોક મ્યુઝિક પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો છે. કેટલાક ઇન્ટરવ્યુઝમાં તેણે કહ્યું પણ છે કે જો હું અભિનય ક્ષેત્રમાં ન હોત તો ગુજરાતી ફોક સિંગર હોત. તેણે રાજભા ગઢવીએ ગાયેલું છપાકરું પણ ગાયું છે. વિશાલના ગુજરાતી ભાષા અને સંગીત પ્રત્યેના પ્રેમ વિશે પ્રીતિ જેઠવા કહે છે, ‘ગુજરાતી છીએ તો માતૃભાષા પ્રત્યે તો પ્રેમ હોવો જ જોઈએ એવું મારું માનવું છે. મારાં બાળકો નાનાં હતાં ત્યારે હું ગુજરાતી મ્યુઝિક સાંભળતી અને સંભળાવતી ત્યારથી વિશાલને ભજન, ડાયરા અને ગીતો બહુ જ ગમે. તેને કીર્તિદાન ગઢવી, રાજભા ગઢવી, કિંજલ દવે, ગીતા રબારી જેવા બધા જ કલાકારો ગમે. વિશાલ ઘરે હોય તો પણ તે ડબ્બા વગાડીને ગુજરાતી ગીતો ગાતો હોય છે. એટલે તેણે કહ્યું કે જો અભિનય ક્ષેત્રમાં ન હોત તો ફોક સિંગર હોત એ સાચું જ કહ્યું છે. તેને કોઈ કહેશે કે નહીં કે તે ગુજરાતી છે, પણ હકીકતમાં તે પાક્કો ગુજરાતી છે.’
ટ્રિપલિંગ્સ કો નઝર ના લગે
વિશાલનું તેનાં ભાઈ-બહેન સાથેનું બૉન્ડિંગ પણ સારું છે એમ કહેતાં પ્રીતિબહેન જણાવે છે, ‘વિશાલનો તેના સિબ્લિંગ્સ સાથેનો બૉન્ડ બહુ સારો છે. એક કૉલ કરીએ તો ત્રણેય ભેગાં થઈ જાય. સાચું કહું તો અમારી ચારેય વચ્ચે બહુ જ પ્રેમ છે. મારાં સંતાનોમાં ડૉલી મોટી દીકરી છે. તે ૩૩ વર્ષની છે અને વ્યવસાયે CS છે. તેનાં મૅરેજ કાંદિવલીમાં રહેતા ઇન્ટરનૅશનલ ક્રિકેટર અલ્પેશ રામજિયાણી સાથે થયાં છે, તે અત્યારે યુગાન્ડા માટે રમે છે. મારા જમાઈનો સ્વભાવ પણ બહુ સારો છે. વિશાલને કાન ફિલ્મ ફેસ્ટિવલ માટે ઍરપોર્ટથી પિક-અપ અને ડ્રૉપનું કામ તેમણે જ કર્યું હતું. તે હંમેશાં અમારા માટે હેલ્પફુલ રહે છે અને તેમનો આ સ્વભાવ મને બહુ ગમે છે. ડૉલીથી નાનો વિશાલ છે. તે ૩૧ વર્ષનો છે. સફળ કારકિર્દીને માણી રહ્યો છે. તેના પછી રાહુલ છે તે ૨૮ વર્ષનો છે. તે ઇન્ટીરિયર ડિઝાઇનિંગની સાથે ઍક્ટિંગ પણ કરે છે. તેણે ‘અટલ’ સિરિયલમાં અવધ બિહારી વાજપેયીની ભૂમિકા ભજવી છે. આ ઉપરાંત તેણે ‘ચક્રવર્તી સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ’માં પણ લીડ રોલ કરીને લોકપ્રિયતા મેળવી છે. મારાં ત્રણેય સંતાન અને જમાઈ સાથે હું હૅપી લાઇફ જીવી રહી છું. મેં વર્ષો સુધી જે સ્ટ્રગલ કરી એનું ફળ મને હવે મળી રહ્યું છે અને હું એ વાતનો સંતોષ માનું છું.’
વિશાલની નવી ફિલ્મ ‘હોમબાઉન્ડ’માં શું છે?
આ ફિલ્મમાં ઉત્તર ભારતના એક ગામડાની વાર્તા છે. બચપણથી દોસ્ત એવા બે યાર પોલીસ-ઑફિસર બનવાનું સપનું જુએ છે – એ આશાએ કે આ નોકરી આદર અપાવશે જે તેમને ક્યારેય નહોતો મળ્યો. જોકે તેઓ તેમના ધ્યેયની નજીક પહોંચે છે ત્યારે દબાણ અને સંઘર્ષ તેમની મિત્રતામાં પ્રૉબ્લેમ્સ સર્જી દે છે.

