કૉમેડિયન ભારતી સિંહ કહે છે કે પંજાબી અને ગુજરાતી કપલે બાળક પેદા જ ન કરવું જોઈએ, કારણ કે તેમનું બાળક ખૂબ મસ્તીખોર નીકળે છે
હર્ષ લિમ્બાચિયા, ભારતી સિંહ
ગુજરાતી સ્ક્રીનરાઇટર, ટીવી-હોસ્ટ હર્ષ લિમ્બાચિયાને પરણેલી પંજાબી કૉમેડિયન ભારતી સિંહે તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં પોતાના પુત્રની મસ્તી અને તોફાનનું ઉદાહરણ આપતાં કહ્યું હતું કે આવાં કપલનું બાળક દેશી ઘી અને ઢોકળાંનું અજબ કૉમ્બિનેશન હોય છે, એટલે તેનો ઉછેર ખૂબ જ પૅશન અને હિંમત માગી લે છે. જોકે આ તો વાત થઈ થોડી રમૂજની, પણ શું હકીકતમાં આવાં કપલ્સનાં બાળકો મસ્તીખોર અને તોફાની બારકસ હોય છે કે નહીં એ જાણવા અમે કેટલાંક ગુજરાતી-પંજાબી કપલ્સને તેમના અનુભવો પૂછ્યા
મોટી જેટલી શાંત એટલી જ નાની અશાંત
ADVERTISEMENT
બે બાળકો હોય ત્યાં એક બાળક શાંત હોય અને એક બાળક તોફાની હોય છે, પણ જ્યારે તે બાળક પંજાબી અને ગુજરાતી કપલનું હોય તો પછી પૂછવાનું જ શું રહ્યું? ધમાલ અને મસ્તી તો ફુલ ઑન રહેવાની જ! આવો જ કંઈક અનુભવ છે મુલુંડમાં રહેતાં ગાર્ગી શાહનો. તેઓ કહે છે, ‘હું ગુજરાતી ઘરમાં પરણી છું. મારે બે દીકરીઓ જ છે. મોટી છોકરી શાંત છે, ખૂબ ડાહી છે; પણ નાની દીકરી ખૂબ જ તોફાની. અત્યારે તો તે ૨૦ વર્ષની થઈ ગઈ છે છતાં તેનામાં ભરપૂર મસ્તી હજી છે. તેની અંદર એક રૂલિંગ કૅરૅક્ટર છે. આખા ઘરને જ નહીં પણ તેનાં દાદા-દાદીને પણ ઑન ફીટ રાખે છે. તેને જોઈને કહી શકો છો કે તે ગુજરાતી-પંજાબીનું કૉમ્બિનેશન છે. તેનો દેખાવ પંજાબી જેવો છે અને ખોરાક ગુજરાતી જેવો. બધું ગુજરાતી ફૂડ તેને ભાવે છે. બન્ને કલ્ચરની સાથે જોડાયેલી છે. તે એકદમ ટૉમ બૉય જેવી છે. તેને રમવાનું ખૂબ ગમે છે. સ્પોર્ટ્સમાં તેને એટલો જ રસ છે. તેને રમતી જોઈને લાગશે નહીં કે કોઈ છોકરી રમે છે. એકદમ બિન્દાસ છે. જોકે તે લાગણીશીલ અને માયાળુ પણ એટલી જ છે.’
મારી દીકરીને મળશો એટલે બધું સમજાઈ જશે
મારો મોટો દીકરો તો બહુ શાંત અને નરમ છે પણ મારી દીકરીને મળશો એટલે કહેશો કે આ તો એકદમ રફ ઍન્ડ ટફ છે, તેનો રુઆબ બીજી છોકરીઓથી અલગ જ છે એમ જણાવતાં સાંતાક્રુઝમાં રહેતાં હંસા કૌર કહે છે, ‘હું ગુજરાતી છું અને મારા હસબન્ડ સરદાર છે. મને એક દીકરો અને દીકરી છે. મારી દીકરી હવે જૉબ કરે છે. અત્યારે પણ તે એકદમ બિન્દાસ છે, પણ તે જ્યારે સ્કૂલમાં જતી હતી ત્યારે તેનાથી બધાં બાળકો ડરતાં હતાં. ઈવન મારા દીકરાને પણ કોઈ ધમકાવી જાય તો તે તેની ખબર લઈ નાખતી હતી. તેના તોફાનનો એક દાખલો આપું તો તે બહુ નાની હતી ત્યારે સ્કૂલમાં રોજ રડીને જતી એટલે ટીચર તેને પૂછતાં કે તું રોજ કેમ રડે છે, તને કોઈ પ્રૉબ્લેમ છે? તો તે કહેતી કે મારા પેરન્ટ્સ મને બહુ મારે છે. આવું તે રોજ કરતી. એટલે એક દિવસ સ્કૂલમાંથી મારા ઘરે ચાઇલ્ડ સાઇકોલૉજીનાં ટીચર આવ્યાં. તેમણે બધા સવાલ કર્યા. અમારી વર્તણૂક જોઈ અને કલાક સુધી બધું માર્ક કર્યું અને પછી અમને કહ્યું તમારી છોકરી જેવું કહે છે એવું તો મને જરાય લાગી રહ્યું નથી, તમે તો બહુ સારી ફૅમિલી છો. પછી અમને બધી સાચી વસ્તુની જાણ થઈ. મારી દીકરી એટલાં તોફાન કરતી કે હું તો મારી દીકરીને કહેતી કે જો તું તારા ભાઈ કરતાં પહેલાં આવી હોત તો હું બીજું છોકરું કરવાનું વિચારત જ નહીં. મને એમ કે મારો દીકરો ડાહ્યો છે એટલે બીજું સંતાન પણ શાંત જ હશે, પણ એના બદલે તું તો એકદમ વિપરીત જ આવી એમ કહીને હું તેની હજી પણ મસ્તી કરતી હોઉં છું. આ તો મારી દીકરીના તોફાનનું એક ઉદાહરણ હતું. આવું તો તેણે કેટકેટલુંય કર્યું છે.’
સો ટકા વાત સાચી છે
વાશીમાં રહેતાં રોશની વાઘેલા કહે છે, ‘હું પંજાબી છું અને મારા હસબન્ડ ગુજરાતી છે. અમને બે દીકરીઓ જ છે. કદાચ એ જ કૉમ્બિનેશનને લીધે મારી બન્ને દીકરીઓ એકદમ શેતાન છે એમ કહું તો ચાલે. આપણે સામાન્યપણે કહેતા હોઈએ છીએ કે છોકરીઓ શાંત હોય છે અને છોકરાઓ બદમાશ હોય છે, પણ અમારા કેસમાં ઊંધું છે. મારી બન્ને દીકરીઓ ખૂબ જ તોફાની છે. નો ડાઉટ તેઓ ભણવામાં અને અન્ય બાબતોમાં પણ એટલી જ સ્માર્ટ છે, પણ તોફાને ચડે ત્યારે એવું લાગે કે બાપ રે! મારી એક દીકરી ૧૨ વર્ષની છે અને બીજી દીકરી ૯ વર્ષની છે. મારી નાની દીકરી તો બહુ જ સ્માર્ટ છે. કામ કેવી રીતે કઢાવવું એ તે સારી રીતે જાણે છે. તેને જોઈતું હોય એ ગમેતેમ કરીને કરાવી જ લે છે. અમારા રિલેટિવ્સના છોકરાઓ સાથે તેઓ ભેગાં થાય ત્યારે સૌથી વધારે તોફાન મારી દીકરીઓનાં જ હોય છે. ઘણી વખત મને વિચાર આવે છે કે આ તો છોકરીઓ થઈને આટલી મસ્તીખોર છે, પણ જો છોકરો હોત તો તે કેટલો મસ્તીખોર હોત! એવું વિચારીને જ મને ટેન્શન આવી જાય છે.’
બન્નેનું કલ્ચર લીધું છે
તોફાની તો છે અને સાથે સ્ટ્રૉન્ગ પણ છે એમ જણાવતાં કાંદિવલીમાં રહેતાં નંદિની ધંજલ કહે છે, ‘મારા હસબન્ડ સિખ છે અને નેવીમાં કામ કરે છે. અમને એક ડૉટર છે જે અત્યારે ૧૦ વર્ષની છે, તે પંજાબી અને ગુજરાતીનું ખતરનાક કૉમ્બિનેશન છે. તે એટલી બધી નૉટી અને વધારે પડતી ઍક્ટિવ છે કે મારા હસબન્ડ મને ઘણી વખત કહેતા હોય છે કે તેં શું ખાધું હતું જ્યારે આ પેટમાં હતી? તે અત્યારે ૧૦ વર્ષની જ છે છતાં તેને છોકરીઓ સાથે બેસવાનું નથી ગમતું. છોકરાઓ સાથે જ ઊઠવા-બેસવાનું. છોકરાઓ સાથે જ રમશે. પ્રો-ઍક્ટિવ છે. ઘણી વખત તો એમ થાય કે તેનામાં આટલી બધી એનર્જી ક્યાંથી આવતી હશે? ધમાલ-મસ્તી તો છે જ અને સાથે તેનામાં ક્યુરિયોસિટી પણ એટલી જ છે. તેને બન્નેના ધર્મનું જાણવા પણ એટલું જ જોઈએ. અમે અમ્રિતસર હોઈએ તો તે પ્રૉપર સિખનું ભોજન કરશે અને મારી મમ્મીના ઘરે જશે તો તે ગુજરાતી ફૂડ પર તૂટી પડશે. મારા હસબન્ડ નેવીમાં છે એટલે બહુ સમય ઘરે રહી શકતા નથી છતાં તે ઉદાસ કે નર્વસ રહેવાને બદલે સ્ટ્રૉન્ગ રહે છે. મલ્ટિકલ્ચર કિડ્સ જે હોય છે તે હંમેશાં અન્ય બાળકોથી થોડાં અલગ જ હોય છે. તેમનાં તોફાનની વાત કરો કે પછી સ્માર્ટનેસની વાત કરો, તેઓ બધામાં અલગ જ તરી આવે છે. બીજું એ કે તેમને બે કલ્ચરને જાણવાનો અને સમજવાનો મોકો પણ મળે છે અને એવું નથી કે તેઓ માત્ર તેના પપ્પાના જ કલ્ચર કે ધર્મને જ ફૉલો કરે છે, મમ્મીના કલ્ચર અને ધર્મને પણ એટલું જ માને છે.’

