Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ગાલ ઉપર આંસુનાં પગલાં પડ્યાં

ગાલ ઉપર આંસુનાં પગલાં પડ્યાં

Published : 27 July, 2025 05:09 PM | IST | Mumbai
Hiten Anandpara

પડવાની ઘટનામાં કશુંક વાગવાનો કે તૂટવાનો અંદેશો હોય. રસોડામાં સ્ટીલની તપેલી પડે તો અવાજ થાય, પણ કાચનો ગ્લાસ પડે તો તૂટવાનો સંભવ રહે. દીવાલ પરથી પોપડા ખરવાનું શરૂ થાય એટલે ઘર વૃદ્ધ થવા લાગે.

પ્રતિકાત્મક તસવીર: સૌજન્ય AI

અર્ઝ કિયા હૈ

પ્રતિકાત્મક તસવીર: સૌજન્ય AI


પડવાની ઘટનામાં કશુંક વાગવાનો કે તૂટવાનો અંદેશો હોય. રસોડામાં સ્ટીલની તપેલી પડે તો અવાજ થાય, પણ કાચનો ગ્લાસ પડે તો તૂટવાનો સંભવ રહે. દીવાલ પરથી પોપડા ખરવાનું શરૂ થાય એટલે ઘર વૃદ્ધ થવા લાગે. કેટલીક વ્યક્તિ ખાતી વખતે એટલી ઉતાવળી હોય કે શાક આછુંઅમથું પડે તો સમજાય પણ પાપડ લે તોય પડે. ભૂલો થાય એ સ્વાભાવિક છે પણ ભૂલા પડવું સ્વાભાવિક નથી. છતાં શિવજી રૂખડા ભયસ્થાનો દર્શાવે છે...

આંગણામાં આપણે ભૂલા પડ્યા 
આપણામાં આપણે ભૂલા પડ્યા
આમ તો ત્યાં એકલા ફરતા હતા
પણ ઘણામાં આપણે ભૂલા પડ્યા

એકલા હોઈએ ત્યારે અનેક વિચારો આપણો કબજો લઈ લે. કોઈનું સ્મરણ આંખે વળગે પછી એના પ્રસંગો યાદ આવે. ભમરડા પર દોરી વીંટાળેલી હોય એમ અતીતના અનેક તાણાવાણા આપણને વીંટળાઈ વળે. કોણ તરફેણમાં હતું અને કોણ વિરોધમાં હતું એની સ્પષ્ટતા અથવા તો અસમંજસ પરેશાન કર્યા કરે. રશીદ મીર હિસાબ માંડે છે...

જીવવા-મરવાની ખુદ્દારી બહુ મોંઘી પડી
જિંદગી સાથે વફાદારી બહુ મોંઘી પડી
કેટલા પોકળ ખુલાસા તે પછી કરવા પડ્યા
તારા પ્રત્યેની તરફદારી બહુ મોંઘી પડી

કામમાં ભૂલ થાય તો ભૂલ શું કામ થઈ એના ખુલાસા આપવા પડે. કેટલીક વાર તો ભૂલ ન થઈ હોય તોપણ સ્વીકારી લેવું પડે. એ વાત ખાસ નોંધવી જોઈએ કે જે કામ કરે એની ભૂલ થાય. પોતે કંઈ કરે જ નહીં ને બીજાની ભૂલ જ  કાઢ્યા જ કરે એવા લોકો અહંકારના શિકાર હોય છે. તેઓ પાણીને પણ ઝાંઝવાં કહી શકે છે. જમિયત પંડ્યા ‘જિગર’નો પનારો કોની સાથે પડે છે એ જોઈએ...

ભટકતો રહ્યો છું મહારણ મહીં હું
તૃષાતુર કંઠે લઈ કાળ કાંટા
મળ્યા તો મળ્યા સાવ જૂઠા સહારા
પડ્યા તો પડ્યા ઝાંઝવાંથી પનારા

ઝાંઝવા રણમાં હોય પણ આજકાલ ગ્લોબલ વૉર્મિંગને કારણે રણવિસ્તાર પણ પાણી-પાણી થઈ રહ્યા છે. ઓછા વરસાદની તાસીર ધરાવતા રાજસ્થાનમાં ચિક્કાર વર્ષા થઈ છે. મુંબઈગરા માટે રસ્તા પર પાણી ભરાવું એ અનુભવનો વિષય રહ્યો છે એટલે વિશેષ આઘાત ન લાગે. મુંબઈગરાને લોકલ ટ્રેનમાં આરામથી ઊભા રહેવા મળી જાય તોય સો રૂપિયાની લૉટરી લાગી હોય એટલો આનંદિત થઈ જાય. બહારગામથી આવનારો માણસ ભીડભરેલી લોકલ ટ્રેન જોઈને વિચારે કે આમાં વળી કેમનું ચડાય. એના તારણનો દસ જ સેકન્ડમાં ભાંગીને ભૂકો થઈ જાય જ્યારે તેની નજર સામે જ પંદરથી-વીસ જણ ‘ભરેલી’ લાગતી ટ્રેનમાં આડેધડ ચડી જાય. હેબતાયેલા મુસાફરને જિગર જોષી ‘પ્રેમ’ની પંક્તિઓ દ્વારા પામવાનો પ્રયાસ કરીએ...

વમળ આ વ્યસ્તતાઓનાં હવે વિખરાય તો સારું
આ શ્વાસોના પ્રવાસીને હવે આરામ કરવો છે
સમયના જીર્ણ ટેબલ પર પડ્યા છે એક-બે પત્રો
‘જિગર’! એ પત્રો બાળીને હવે આરામ કરવો છે

આપણી જિંદગીમાં કંઈ અજબગજબના વિરોધાભાસ હોય છે. કારકિર્દી મારમાર ચાલતી હોય ત્યારે આરામની ઝંખના હોય. બીજી તરફ નિવૃત્તિ લીધા પછી આરામ અબખે પડી જાય અને મન પ્રવૃત્તિ ઝંખે. યુવાનીમાં સમય ચોરવા માટે પણ સમય ન હોય જ્યારે વૃદ્ધાવસ્થામાં સમય કેવી રીતે પસાર કરવો એની વિમાસણ હોય. વાત વિરોધાભાસની નીકળી છે તો ઉદયન ઠક્કર કહે છે એવું અવલોકન તમે ક્યારેક કર્યું છે ખરું?

મંગળા બસ્સો, શયન સો, દોઢસોમાં રાજભોગ
આપને ઠાકોરજી બહુ વાજબી ભાવે પડ્યા
સૌ કોઈ પરસાદના પડિયાઓને જોતા હતા
એ જ ટાણે, એક પળ માટે જ, દર્શન ઊઘડ્યાં 

દર્શન કરવા માટે શાંત મનઃસ્થિતિ અનિવાર્ય છે. મોબાઇલ પર ચૅટ કરતાં-કરતાં દર્શન ન થાય. આ પ્રમાણે દર્શન કરવાં એ જાત સાથેની છેતરામણી છે. બીજાને છેતરતાં-છેતરતાં આપણે જાતને જ ક્યારે છેતરવા લાગીએ છીએ એની ખબર નથી પડતી. લલિત ત્રિવેદી રંગમંચની શૈલીમાં વાત કરે છે...

પડદો પડ્યો ને ગૃહમાં અજવાળું થૈ ગયું
ખુરશીની કાયનાત પર પડદો પડી ગયો
સૂરજ ઊગ્યો ને પાત્ર સૌ સન્મુખ થૈ ગયાં
પડદો પડ્યા-શી રાત પર પડદો પડી ગયો

લાસ્ટ લાઇન

એક બે આખાં, બીજા અડધાં પડ્યાં  
ગાલ ઉપર આંસુનાં પગલાં પડ્યાં
બાપ સરહદ પર શહીદ થઈ જ્યાં પડ્યો 
ઘરમાં રમતાં એનાં બે ભૂલકાં પડ્યાં
એની વ્હારે દોડીને આવી હવા
પહાડ પરથી જે પળે ઝરણાં પડ્યાં
ક્યાં રહ્યા અવશેષ કોઈ ઘડિયાળમાં
ક્યાં જઈને ક્ષણનાં આ ચકલાં પડ્યાં?
એક ચિઠ્ઠી આવી’તી પરદેશથી
વાંચતાં, એક વૃદ્ધનાં ચશ્માં પડ્યાં
- જિતેન્દ્ર પ્રજાપતિ 
ગઝલ સંગ્રહઃ સાદના દીવા

સાહિત્યને લગતા અનેક કાર્યક્રમોને આકાર આપનારા લેખક જાણીતા કવિ, સૂત્રધાર, નાટ્યલેખક છે feedbackgmd@mid-day.com


Whatsapp-channel Whatsapp-channel

27 July, 2025 05:09 PM IST | Mumbai | Hiten Anandpara

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK