ઘણા લોકો મોંઘાદાટ ખાતર નાખતા હોવા છતાં તેમના ઘરના છોડ કરમાઈ જતા હોય છે, પણ ઘરમાં પડેલી ચીજોને જ આપણે ખાતર તરીકે વાપરીએ તો પ્લાન્ટનો ગ્રોથ ઝડપી થશે અને જીવજંતુ પણ દૂર રહેશે
પ્રતીકાત્મક તસવીર
ગાર્ડનિંગના શોખીનો પોતાના ઘરમાં નવા-નવા છોડનાં કૂંડાંઓ લઈ આવે છે પણ એની કાળજી કઈ રીતે રાખવી એનું જ્ઞાન ન હોવાને લીધે થોડા સમયમાં એમાં જીવાત થઈ જાય છે અને છોડ પણ કરમાઈ જાય છે. વાસ્તવમાં ઘરમાં રોપેલા છોડને સાચવવા કોઈ મોંઘી દવા કે કેમિકલની જરૂર નથી. આપણા ઘરમાં જ એવી વસ્તુઓ મળી રહે છે જેનો ઉપયોગ કરીને આપણે છોડને જીવાતોથી બચાવી શકીએ છીએ અને સાથે એનો પ્રૉપર ગ્રોથ પણ થઈ શકે છે
છોડના ગ્રોથ માટે આટલું કરજો
ADVERTISEMENT
છોડને ફક્ત પાણીની જ નહીં, પોષણની પણ જરૂર હોય છે. ઘરમાં પડેલી કેટલીક વસ્તુઓ શ્રેષ્ઠ ખાતર બની શકે છે.
કેળાની છાલમાં ભરપૂર પ્રમાણમાં પોટૅશિયમ હોવાથી છોડની વૃદ્ધિ ઝડપથી થાય. છાલને ડાયરેક્ટ કૂંડામાં નાખવા કરતાં એને સૂર્યપ્રકાશમાં સૂકવીને પાઉડર બનાવીને રાખો અને એને અઠવાડિયામાં બે વાર માટીમાં મિક્સ કરો. જો આવું શક્ય ન હોય તો કેળાની છાલના નાના ટુકડા કરો અને કૂંડાની માટીમાં થોડું ખોદીને અંદર દાટી દો તો પણ ચાલશે. ફૂલવાળા છોડ માટે આ નુસખો સૌથી બેસ્ટ છે.
ઘરમાં ચા બનાવ્યા બાદ એની ભૂકી કચરામાં જતી હોય છે. એને કચરામાં ન જવા દેવાને બદલે એને સૂકવીને માટીમાં મિક્સ કરવાથી માટી વધુ પોષક બને છે જે છોડના ગ્રોથની પ્રક્રિયાને હેલ્ધી અને ઝડપી બનાવે છે. ખાસ કરીને ઇન્ડોર ડેકોરેટિવ પ્લાન્ટ્સ માટે આ રેમેડી કામની ચીજ છે.
મેથી ને અજમાને આખી રાત એક ગ્લાસ જેટલા પાણીમાં ભીંજવી રાખો અને પછી સવારે એ પાણીને છોડમાં છાંટવાથી છોડને જરૂરી પોષણ મળે છે અને એ હેલ્ધી બને છે.
લીંબુ, મરચાં અને ભીંડા જેવા છોડના ગ્રોથ માટે ગોળનું પાણી પણ છોડમાં નાખી શકાય, કારણ કે ગોળ છોડને કુદરતી ઊર્જા આપે છે અને ગ્રોથ ઝડપી બનાવે છે.
જીવાતથી છુટકારો થઈ શકે
ઘણી વખત કૂંડાંની માટીમાં કીડી, ફૂગ કે જીવાત દેખાવા લાગે છે અને એ છોડના ગ્રોથ માટે નુકસાનકારક છે; પણ કેટલાક ઘરગથ્થુ નુસખાથી એને દૂર રાખી શકાય છે.
કાંદા અને લસણનાં છોતરાં સૂકવીને કૂંડાંની માટીમાં મિક્સ કરી નાખવાથી એની તીવ્ર ગંધ જીવાતોને દૂર રાખે છે અને નૅચરલ ફર્ટિલાઇઝરનું કામ કરે છે.
હળદરમાં ફંગસ અને બૅક્ટેરિયાથી રક્ષણ કરવાના ગુણો હોવાથી એક ચમચી હળદરને અડધા ગ્લાસ પાણીમાં મિક્સ કરીને છોડમાં નાખવાથી જીવાતને જડમૂળથી દૂર રાખે છે અને છોડને સડતા બચાવે છે. લીલાં પાંદડાંવાળી શાકભાજી ઉગાડવી હોય તો આ નુસખો કારગત સાબિત થશે.
લીંબુ અને નારંગીનાં છોતરાંને સૂકવીને એનો પાઉડર બનાવીને કૂંડાંની માટીમાં મિક્સ કરવાથી એ છોડને જીવાતથી પ્રોટેક્ટ કરવાનું કામ કરશે.
લાકડાની રાખ પણ માટીને જીવાતમુક્ત રાખે છે અને સાથે છોડને પોટૅશિયમ પૂરું પાડે છે, જે છોડના ગ્રોથમાં મદદરૂપ બને છે.
અઠવાડિયામાં એક વાર છોડમાં છાશ નાખવાથી માટીનું શુદ્ધીકરણ થાય છે અને જીવાત દૂર રહે છે. છાશ નાખતી વખતે એટલું ધ્યાન રાખવું કે એ ઘાટી ન હોવી જોઈએ. એમાં પાણીનું પ્રમાણ વધુ હશે તો પાંદડાં ચમકદાર બનશે

