અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનું યુદ્ધ આગળ વધ્યું એમ સ્ટ્રેટ ઑફ હોર્મુઝ (જ્યાંથી ભારતનો LPG અને ક્રૂડ ઑઇલની જરૂરિયાતનો મોટો હિસ્સો પસાર થાય છે)ને લીધે એનર્જી ક્રાઇસિસનો મહત્ત્વનો મુદ્દો સામે આવવા માંડ્યો.
પરેશ શાહ
અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનું યુદ્ધ આગળ વધ્યું એમ સ્ટ્રેટ ઑફ હોર્મુઝ (જ્યાંથી ભારતનો LPG અને ક્રૂડ ઑઇલની જરૂરિયાતનો મોટો હિસ્સો પસાર થાય છે)ને લીધે એનર્જી ક્રાઇસિસનો મહત્ત્વનો મુદ્દો સામે આવવા માંડ્યો. યુદ્ધ શરૂ થયું એને અઠવાડિયું પણ નહોતું થયું ત્યાં વિયેટનામથી લઈને થાઇલૅન્ડ, પાકિસ્તાન, બંગલાદેશ જેવા બધા દેશોએ પોતપોતાની રીતે જાહેર કાર્યક્રમો નહીં કરવા કે રાજકારણીઓના અમુક જે પ્રવાસો હોય એમાં કટડાઉન કર્યું. એટલે સુધી કે અમુક વસ્તુઓ પર રૅશન લાવવાની પણ વાત કરી. છતાં પણ ભારતીયોને આની અસર ન થઈ, કારણ કે તેમના માટે જે કરવું જોઈએ એ સરકાર કરી રહી હતી. અહીં સરકારની સાઇડ લેવાની કોઈ વાત નથી, પણ તમે નિષ્પક્ષ રીતે જુઓ તો સરકારના પ્રયાસો હતા કે આપણને LPG અને પેટ્રોલ-ડીઝલની સપ્લાય મળી રહે. આપણી ૧૪૦ કરોડની વસ્તીની જરૂરિયાતો પણ એટલી જ રહેવાની. આવી પરિસ્થિતમાં સરકારે મલ્ટિ-અલાઇનમેન્ટનો અભિગમ અનાવ્યો છે. સરકારે પોતાનાં સ્ટેટમેન્ટ્સની અંદર કોઈ પણ રીતે કોઈ એક દેશનો પક્ષ લીધો નથી. ભારત બધા જ દેશો સાથે એક્સપોર્ટ-ઇમ્પોર્ટ કરી રહ્યું છે. આપણે કોઈ પણ પ્રશ્નને ધર્મઆધારિત બનાવી વખોડતા કે સરાહના કરતા હોઈએ છીએ. આપણે ટોળાનો જે મત હોય એની સાથે સંમત થઈને ઘેટાદોડમાં જોડાઈ જતા હોઈએ છીએ. કોઈ મુદ્દાને ૩૬૦ ડિગ્રીના ઍન્ગલથી જોવાનું ભૂલી જઈએ છીએ.
યુદ્ધની અસર ફક્ત ને ફક્ત LPG, ઈંધણ કે શૅરબજાર તૂટવા પૂરતી મર્યાદિત નથી; બધા જ વેપાર અફેક્ટ થયા છે કારણ કે બધી જ વસ્તુમાં ઇમ્પોર્ટ-એક્સપોર્ટમાં દરિયાઈ કાર્ગો તમારા માટે મહત્ત્વનો હોય છે. એના રૂટ્સ બધા અફેક્ટેડ છે. અમેરિકા કે યુરોપ જવા માટે આપણને મિડલ ઈસ્ટના દેશોમાંથી પસાર થવું પડે છે. યુદ્ધ ભલે કોઈ એક જગ્યા પર થાય, એની આડઅસર બધાને ભોગવવી પડે છે. ઑપરેશન સિંદૂરમાં ભારતે યુદ્ધવિરામ કર્યો ત્યારે જનમાનસમાં એવો મત હતો કે પાકિસ્તાનને પાઠ ભણાવવો જોઈએ, PoK કબજે કરી લેવું જોઈએ પણ આશ્ચર્ય ત્યારે થાય છે જ્યારે જનતા જમીની હકીકતો અને ભવિષ્યની અસરોને નજરઅંદાજ કરીને આવા અતિ-રાષ્ટ્રવાદી પ્રવાહમાં જોડાઈ જાય છે. હાલની પરિસ્થિતમાં પણ સરકારે જે કરવાનું છે એ તો કરી જ રહી છે, પણ આપણે આપણો નાગરિકધર્મ સમજવાની જરૂર છે. આપણે એ વિચારવું જોઈએ કે પેટ્રોલ-ડીઝલની જો અછત હોય તો વાહનો ઘરની બહાર ઓછાં કાઢીએ. આપણે આપણી જવાબદારીઓ પૂરી કરવી નથી અને સરકારને સલાહો આપવી છે. આપણે આપણી ઇકૉનૉમીને બચાવવાની છે, GDP સ્ટ્રૉન્ગ કરવાનો છે. યુદ્ધની ભયાનકતા આપણે બધાએ સમજવાની છે. ધર્મના ચોકઠામાં ગોઠવાઈને કોઈ એક દેશને સમર્થન અને એક દેશ પ્રત્યે ઘૃણા રાખવાની જરૂર નથી. આપણા માટે દેશની જરૂરિયાતો અને પ્રાથમિકતા વધારે મહત્ત્વની હોવી જોઈએ.
