ઇન્ડિયન ઍરફોર્સ પાસે તો પહેલેથી જ છે, પણ હવે ઇન્ડિયન આર્મીની હવાઈ પાંખને પણ અત્યંત ઍડ્વાન્સ ટેક્નૉલૉજીવાળાં હેલિકૉપ્ટર મળ્યાં છે ત્યારે જાણી લઈએ એની ખાસિયતો
તાજેતરમાં જ આવી પહોંચેલાં ઇન્ડિયન આર્મીની હવાઈ શાખા માટેનાં અપાચે હેલિકૉપ્ટર.
ભારતે હમણાં જ આતંકીસ્તાનને ધૂળ ચટાડનારું ઑપરેશન સિંદૂર હાથ ધર્યું એનાં થોડાં જ અઠવાડિયાંમાં અને બીજી તરફ ભારતની પશ્ચિમી સીમાઓ પર જે ખતરો તોળાઈ રહ્યો છે એ જોતાં અપાચે ભારતીય સેના માટે અત્યંત ઉપયોગી સાબિત થશે એમાં કોઈ બે મત નથી.
ગયા અઠવાડિયે ઇન્ડિયન આર્મીના ભાથામાં એક નવું જબરદસ્ત તીર ઉમેરાયું: અપાચે અટૅક હેલિકૉપ્ટર. એનું ઑફિશ્યલ નામ છે AH-64E. ભારતે અમેરિકા સાથે ૨૦૨૦માં એક ડીલ સાઇન કરી હતી. એ ડીલ પ્રમાણે અમેરિકા પાસેથી ભારત કુલ ૬ AH-64E ખરીદશે એવું નક્કી થયું હતું. આ ડીલની પહેલી ડિલિવરી એટલે કે ૩ અપાચે અટૅક હેલિકૉપ્ટર મંગળવારે ભારત આવી ચૂક્યાં છે. ઇન્ડિયન આર્મ્ડ ફોર્સિસના ભાથામાં આ હેલિકૉપ્ટર દ્વારા એક સટીક ટેક્નૉલૉજી અને તાકાત ઉમેરાઈ છે. આ હેલિકૉપ્ટર ઘાતક હુમલો કરનારું તો છે જ, સાથે જ રડારમાં પકડાય નહીં એવું છે અને સટીક વાર કરીને પાછું ફરે છે.
ADVERTISEMENT
નસીબજોગે ભારત પાડોશીઓ મેળવવામાં ભાગ્યશાળી રહ્યું નથી. એક તરફ આતંકીસ્તાન, બીજી તરફ ભૂખ્યું ડ્રૅગન ચાઇના અને ત્રીજી તરફ મિયાં માંદા પણ ટંગડી ઊંચી જેવું બંગલાદેશ. આવા નમૂનાઓને કારણે ભારતે પોતાનો કૉમ્બૅટ પાવર જબરદસ્ત અને અપટુડેટ રાખવો પડે એ સ્વાભાવિક છે. એમાંય હવે ઍડ્વાન્સ ટેક્નૉલૉજીના આ યુગમાં તો કૉમ્બૅટ સટીક હોવાની સાથે જ એટલું ઝડપી અને ઘાતક બનાવવું પડે કે દુશ્મનને વિચારવાનો પણ સમય ન મળે. એવા સંજોગોમાં જમીનથી હુમલો કરનારાં અનેક મિસાઇલ્સ અને હવાઈ હુમલો રોકનારી જબરદસ્ત શીલ્ડ ટેક્નૉલૉજી તો આપણી પાસે છે જ. સાથે જ ઍરફોર્સ પણ જબરદસ્ત ઍડ્વાન્સ ટેક્નૉલૉજી અને વેપન્સથી સજ્જ છે. એમાં હવે મંગળવારથી ત્રણ નવાં હેલિકૉપ્ટર સૅલ્યુટ કરતાં ઇન્ડિયન આર્મીના એવિયેશન કૉર્ઝની સેવામાં હાજર થયાં છે. એમનું નામ છે અપાચે અટૅક હેલિકૉપ્ટર!
સિંહનો જન્મ અને સિંહની બોડ
રાજસ્થાન. આ રાજ્ય એક તરફ ભારતની ફોર્ટ ધરોહર પોતાનામાં સાચવીને જીવી રહ્યું છે તો બીજી તરફ આતંકીસ્તાન જેવા પાડોશીને બાનમાં રાખીને પણ શ્વસી રહ્યું છે. એ જ રાજસ્થાનના જોધપુરમાં ભારતીય સેનાએ એક સ્ક્વૉડ્રન બનાવી અને ત્યાર બાદ શરૂ થઈ ઇન્તેજારની એ ઘડીઓ જ્યારે રોજ આપણું સૈન્યબળ વિચારતું કે સ્ક્વૉડ્રનમાં જે બિરાજવાનાં છે એ રાજવી ક્યારે આવશે? આખરે ૧૫ મહિના રાહ જોયા બાદ ભારતીય સેનાને મળ્યાં ત્રણ AH-64E અપાચે અટૅક હેલિકૉપ્ટર.
ભારતે આ પહેલાં ૨૦૧૫માં અમેરિકા સાથે એક ઍગ્રીમેન્ટ કરીને કુલ બાવીસ અપાચે હેલિકૉપ્ટરની ડીલ કરી હતી અને એને ઇન્ડિયન ઍરફોર્સમાં સામેલ કર્યાં હતાં. ત્યાર બાદ ભારત સરકારે વિચાર્યું કે ઇન્ડિયન ઍરફોર્સની સાથે-સાથે ઇન્ડિયન આર્મીના એવિયેશન કૉર્ઝને પણ આ હેલિકૉપ્ટરો દ્વારા સુસજ્જ કરવામાં આવે તો કેવું? આમ કરવાથી ભારતીય સૈન્ય વધુ પ્રબળ અને વધુ ઘાતક બની શકશે. આ વિચારને અનુમોદન આપતાં વર્ષ ૨૦૨૦માં ભારતે ફરી અમેરિકા સાથે એક ડીલ કરી, પરંતુ આ વખતે આ ડીલ ભારતની શરતો પર કરવાનું નક્કી થયું એટલું જ નહીં, ભારત સરકારે વિચાર્યું કે આપણે ઑર્ડર્સ આપીએ છીએ તો આ ડીલનો ફાયદો માત્ર ભારતીય સેનાને જ નહીં, ભારતના એવિયેશન મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરને પણ થવો જોઈએ. આખરે ૨૦૨૦ના ફેબ્રુઆરી મહિનામાં અમેરિકાની બોઇંગ કંપની સાથે ભારતે ૬૦૦ મિલ્યન ડૉલરની એક ડીલ કરી. આ ડીલ દ્વારા ભારતે નક્કી કર્યું કે છ નવાં હેલિકૉપ્ટર ઇન્ડિયન આર્મીના એવિયેશન આર્મને આપવામાં આવશે. જોકે ડીલ પહેલાં જે એક મુખ્ય બાબત નક્કી થઈ એ પણ એટલી જ વિશેષ હતી. ભારત સરકાર અમેરિકાની બોઇંગ પાસે છ AH-64E અપાચે હેલિકૉપ્ટર તો ખરીદશે, પરંતુ એક શરતે; એના ઉત્પાદન હેતુ ભારતની કોઈક એવિયેશન કંપની સાથે કોલૅબરેશન કરવું પડશે. આખરે TBAL એટલે કે તાતા બોઇંગ ઍરોસ્પેસ લિમિટેડ સાથે બોઇંગ કંપનીએ આ હેલિકૉપ્ટર્સ બનાવવા માટે ટાઇઅપ કર્યું અને તૈયારી શરૂ થઈ એવા સિંહના જન્મની જે માત્ર હુંકાર જ નહોતો કરવાનો, ત્રાડ પાડી ગર્જવાનો પણ હતો અને ઘાતક હુમલો કરીને હણવાનો પણ હતો. એ સિંહ એટલે ભારતીય સૈન્યમાં સામેલ થયેલાં અપાચે અટૅક હેલિકૉપ્ટર્સ.
બોઇંગ અને તાતા દ્વારા એક રેગિસ્તાની છલાવરણ સાથેના એવા ઍડ્વાન્સ હેલિકૉપ્ટરનું સર્જન થવાનું હતું જેનું ભવિષ્યમાં મુખ્ય કાર્ય બની રહેવાનું હતું આતંકીસ્તાન જેવા હરામખોરના સીમાંત પ્રદેશો પર ચોકીપહેરો કરવો અને જરૂર પડે તો લડાકુ અપ્રોચ સાથે અભિયાનમાં ભાગ લેવો. ઇન્ડિયન આર્મીના એવિયેશન કૉર્ઝ પાસે હમણાં સુધી ધ્રુવ-રુદ્ર અને પ્રચંડ જેવાં જે જબરદસ્ત લડાકુ હેલિકૉપ્ટર્સ સેવામાં હાજર છે એમાં આ એક વધુ આધુનિક રોટરક્રાફ્ટ તરીકે ઉમેરાવાનું છે એ હવે નક્કી થઈ ચૂક્યું હતું.
આપણે આગળ કહ્યું એમ ભારતમાં અપાચે હેલિકૉપ્ટર્સની આ પહેલી વારની એન્ટ્રી છે એવું નથી. આપણી ઍરફોર્સ પાસે અપાચે છે જ અને હાલ પઠાણકોટ અને જોરહટમાં આવેલી બે સ્ક્વૉડ્રન એને સંચાલિત કરે છે જે આમ તો મુખ્યત્વે ચાઇના સામે ઉત્તર અને પૂર્વી પ્રદેશોમાં ચોકીપહેરો કરી રહ્યાં છે. AH-64E અપાચે વિશ્વનું સૌથી ઍડ્વાન્સ અટૅક હેલિકૉપ્ટર છે. આ હેલિકૉપ્ટરની ડિઝાઇન અને ટેક્નૉલૉજી જ એ રીતની બનાવવામાં આવી છે કે એ મુશ્કેલમાં મુશ્કેલ પરિસ્થિતિમાં પણ પાવરફુલ સ્ટ્રાઇક્સ કરી શકે. અમેરિકાની ડિફેન્સ મૅન્યુફૅક્ચરિંગ કંપની બોઇંગ દ્વારા તૈયાર કરવામાં આવેલું આ હેલિકૉપ્ટર હાલમાં અમેરિકા સહિત, બ્રિટન, ઇઝરાયલ અને ઇજિપ્ત જેવા દેશો પોતાની ઍર ડિફેન્સમાં સામેલ કરી ચૂક્યાં છે અને વાપરે છે અને એ હવે ભારતની ઍરફોર્સમાં પણ સ્થાન મેળવી ચૂક્યાં છે.
AH-64E અપાચે એક એવું ઍડ્વાન્સ કૉમ્બૅટ હેલિકૉપ્ટર છે જેમાં અત્યાધુનિક કમ્યુનિકેશન સિસ્ટમ, નેવિગેશન સાથે જ સેન્સર્સ મૂકવામાં આવ્યાં છે અને આ બધા સાથે જબરદસ્ત સટીક અને ઘાતક વેપન સિસ્ટમ આ હેલિકૉપ્ટર્સ ધરાવે છે. સાવ સરળ ભાષામાં સમજીએ તો એમ કહી શકાય કે અપગ્રેડેડ ટાર્ગેટિંગ સિસ્ટમ અપાચે પાસે છે. અર્થાત્ ધારો કે એક વાર પાઇલટે કોઈક ટાર્ગેટ લૉક કરી દીધો ત્યાર બાદ જો એ ટાર્ગેટને ત્યાંથી હટાવી લેવામાં આવે કે સંતાડી દેવામાં આવે તો પણ અપાચે એને શોધીને અથવા એનો પીછો કરીને પણ નિર્ધારિત ઘાતક હુમલો કરી શકવા સક્ષમ છે. એને મૉડર્નાઇઝ્ડ ટાર્ગેટ ઍક્વિઝિશન ડેઝિગ્નેશન સિસ્ટમ કહેવામાં આવે છે. આ સિસ્ટમનો મોટો ફાયદો એ થાય છે કે એ પાઇલટને ન માત્ર ટાર્ગેટ આઇડેન્ટિફાય કરવામાં મદદ કરે છે બલ્કે દિવસ હોય કે અંધકારભર્યો રાતનો સમય, આ હેલિકૉપ્ટર બન્ને પરિસ્થિતિમાં સટીક હુમલો કરી શકે છે. વાત અહીં જ પૂરી નથી થઈ જતી. મૉડર્નાઇઝ્ડ ટાર્ગેટ ઍક્વિઝિશન ડેઝિગ્નેશન સિસ્ટમને કારણે AH-64E અપાચે નબળી વિઝિબિલિટી, ભયંકર વરસાદ, ધૂળની ડમરી કે તોફાનો અથવા ફૉગ જેવી પરિસ્થિતિ હોય તો એમાં પણ એને સોંપાયેલું કામ સટીક રીતે કરી શકે છે.
અપાચે હૈ તો દમ હૈ
હવે વાત કરીએ એના ઍમ્યુનિશન પાવરની. તો AH-64E અપાચે એક ફુલ્લી-લોડેડ હેલિકૉપ્ટર છે એમ કહીએ તો ચાલે. એમાં જબરદસ્ત પાવરફુલ એવી ૩૦ mm M230 ચેઇન ગન છે જે મુખ્યત્વે નજીકના ટાર્ગેટ્સ હિટ કરવા માટે સટીક ઉપયોગમાં આવે છે. લેસર અને રડાર ગાઇડેડ AGM-114 હેલફાયર મિસાઇલ્સ છે જે ૬ કિલોમીટર કે એથી વધુ દૂરથી પણ બખ્તરબંધ વાહનો અને ટૅન્ક્સને નષ્ટ કરી શકે છે અને એ પણ સચોટ, સટીક અને ઘાતક હુમલા દ્વારા. આ સિવાય 70 mm હાઇડ્રો રૉકેટ્સ અને રૉકેટ પૉડ્સ છે જે એકસાથે અનેક ગ્રાઉન્ડ ટાર્ગેટ્સને એન્ગેજ કરી શકે છે. આટલું વાંચતાં જ જો તમને ઓહોહોહો... જેવો ભાવ થયો હોય તો થોભી જજો. અપાચેની યશોગાથા અહીં જ પૂરી નથી થઈ જતી. કોઈ હવાઈ હુમલાને હવામાં જ તોડી પાડે એવાં સક્ષમ સ્ટિન્ગર મિસાઇલ્સ પણ આ હેલિકૉપ્ટરમાં છે. એને કારણે માત્ર બખ્તરબંધ વાહનો કે ટેન્ક્સ માટે જ નહીં, બીજાં હેલિકૉપ્ટર્સ દ્વારા થતા હુમલા કે UV અટૅક્સ સામે પણ અપાચે એટલું જ ઘાતક સાબિત થાય છે.
વાસ્તવમાં અપાચેને જો આ બધાથીયે વધુ ખતરનાક અને ઘાતક બનાવતું હોય તો એ છે એના રોટર પર લાગેલું AN/APG-78 લૉન્ગબો રડાર. આપણા જેવા સામાન્ય માણસોને તો શું સમજાય કે આ AN/APG-78 લૉન્ગબો રડાર એટલે શું અને એ વળી હેલિકૉપ્ટરને કઈ રીતે ઘાતક બનાવે? તો સાવ સરળ ભાષામાં જણાવીએ છીએ. સમજી લો કે અપાચે પર લાગેલું આ રડાર એક મિલીમીટર વેવ રડાર છે અને એ એકસાથે જમીન પરના ૧૨૮ જેટલા ટાર્ગેટ્સને, થ્રેટને કે સંભવિત થ્રેટને ડિટેક્ટ કરી શકે છે એટલું જ નહીં, એને ટ્રૅક કરી શકે છે અને એ બધાને ૧૬ જેટલી અલગ-અલગ ટાર્ગેટ કૅટેગરીમાં પ્રાયોરટાઇઝ કરીને સીધા સંપર્કમાં આવ્યા વિના એલિમિનેટ પણ કરી શકે છે.
એની આ રડાર સિસ્ટમ એટલી કાબેલ, આધુનિક અને જબરદસ્ત છે કે આ દરેક ટાર્ગેટની જાણકારી અને પોઝિશન્સ એને જમીની વિસ્તારમાં પાછળની તરફ સંતાઈ રહેવા છતાં સ્કૅન કરી આપે છે, ટાર્ગેટ નિર્ધારિત પણ કરી આપે છે અને અટૅક લૉક પણ કરી આપે છે. આ બધું જ ઉડાન ભર્યા વિના જમીન પર જ રહીને કર્યા બાદ એ ઉડાન ભરે છે માત્ર ફાયર કરવા માટે. અર્થાત્ જે ટાર્ગેટ નક્કી થાય એનો ખાતમો બોલાવવા માટે. એની આ રડાર સિસ્ટમ હાઈ-ઇન્ફ્રારેડ સેન્સર્સ, હેલ્મેટ-માઉન્ટેડ ડિસ્પ્લે અને નાઇટ વિઝન સાથેની છે જેને કારણે અપાચે જે દિવસ દરમ્યાન ઘાતક છે એ રાત દરમ્યાન શિકારી બની જાય છે. આપણે જાણીએ છીએ કે શિકારી હંમેશાં હુમલો અચાનક અને જબરદસ્ત કરતો હોય છે. આતંકીસ્તાન જેવા પૅન્ટમાં સુસુ કરી જતા દેશને તો આપણો આ અપાચે નામનો હેલિકૉપ્ટર સિંહ જમીની ગતિવિધિઓ ચપટી વગાડતાંમાં ધૂળ કરી શકે. હજી તો એ રણનીતિ બનાવે ત્યાં તો એનું રણ અને નીતિ બન્ને ધૂળની ડમરી થઈને ઊડી ગયાં હોય એ શક્ય છે.
AH-64E અપાચે એ આશય સાથે જ બનાવવામાં આવ્યું છે કે એ મુશ્કેલથી અતિમુશ્કેલ મિશન્સ પર જઈ શકે અને પોતાનું કામ બખૂબીપૂર્વક અને સટીક કરી શકે. આથી જ આ હેલિકૉપ્ટરને એવા શક્તિશાળી એન્જિન સાથે બનાવવામાં આવ્યું છે જેની રોટર બ્લેડ્સ અને જબરદસ્ત સર્વાઇવલ એબિલિટી સિસ્ટમ્સ એને ગમે એવા યુદ્ધક્ષેત્રમાં ટકાઉપણું આપી શકે, ટકાવી શકે. એની કાબેલિયત અને યુનિકનેસ કંઈક એવી બનાવવામાં આવી છે કે એ લો ફ્લાય કરી જબરદસ્ત ઝડપે સ્ટ્રાઇક્સ કરીને એટલી જ ઝડપે પાછું ફરી શકે. વળી અપાચે હેલિકૉપ્ટર આ બધું જ ગમે એવા વાતાવરણ અને ગમે એવી પરિસ્થિતિ હોય એમાં પણ શક્ય કરી દેખાડે છે.
ભારતીય સેના માટે AH-64E ડ્રોનથી લાઇવ સેન્સર ફીડ પણ પ્રાપ્ત કરી શકવા માટે સક્ષમ છે. આવી કાબેલિયતવાળાં હેલિકૉપ્ટર્સ આજ પહેલાં ભારતીય સેના પાસે ક્યારેય નહોતાં. આપણું આ અપાચે નેટવર્કયુક્ત લડાકુ ક્ષમતા પણ ધરાવે છે. અર્થાત્ નેવિગેશન અને નેટવર્ક દ્વારા એ સંભવિત ખતરાને ઓળખી કાઢી શકે છે. સાથે જ એનું ઍનૅલિસિસ કરીને વાસ્તવિક પરિસ્થિતિનો ચિતાર કાઢી શકે છે અને એ અનુસાર જરૂરી ટાર્ગેટ લૉકિંગ ડેટા પણ મોક્લી શકે છે જેને કારણે ઑનગ્રાઉન્ડ યુદ્ધ લડતા કમાન્ડરો સહિત પાઇલટ્સને વ્યાપક અને મલ્ટિડોમેન વ્યુ મળી શકે.
ભારતે હમણાં જ આતંકીસ્તાનને ધૂળ ઑપરેશન સિંદૂર હાથ ધર્યું એનાં થોડાં જ અઠવાડિયાંમાં અને બીજી તરફ ભારતની પશ્ચિમી સીમાઓ પર જે ખતરો તોળાઈ રહ્યો છે એ જોતાં અપાચે ભારતીય સેના માટે અત્યંત ઉપયોગી સાબિત થશે એમાં કોઈ બે મત નથી. પાકિસ્તાની સીમાઓ નજીક અપાચે ખડકી દેવામાં આવે તો એને કારણે અનેક સમીકરણો બદલાઈ જશે. યુદ્ધની પરિસ્થિતિ તો છોડો; અપાચે તહેનાત થતાં જ દુશ્મનનાં બખ્તરબંધ વાહનો, રડાર-ચોકીઓ, આતંકી શિબિરોથી લઈને સૈન્ય કાફલાઓ સહિત પર ચીલઝડપે અને સટીકતાપૂર્વકનો હુમલો કરી શકશે. જ્યારે એની સામે અપાચે પોતે એટલું મજબૂત અને સેલ્ફ-સર્વાઇવલ ટેક્નિક્સવાળું છે કે એનો બખ્તરબંધ ક્રૂ કમ્પાર્ટમેન્ટ, ક્રૅશ રેઝિસ્ટન્ટ સિસ્ટમ અને મજબૂત રોટર્સ એટલી ખાતરી અપાવે છે કે જો આ હેલિકૉપ્ટરને નુકસાન પણ થયું હશે તો પણ એ એને સોંપાયેલું મિશન પૂરું કરી શકે છે.
એક સમય હતો જ્યારે ભારતની લોકો ‘સપેરોં કા દેશ’ અને ‘બૈલગાડીવાલા જાહિલ દેશ’ કહીને મજાક ઉડાવતા હતા. એક સમય હતો જ્યારે ચાઇના અને પાકિસ્તાન જેવા દેશો ભારતને જ્યારે ચાહીએ ત્યારે દબાવી શકીએ છીએ એવી ભ્રમણામાં રહેતા હતા. આજે સમય એ આવી ગયો છે કે વિશ્વના કોઈ દેશને જો ભૂલેચૂકે ઊંઘમાંય ભારત સામે આંખ ઉઠાવ્યાનું સપનું આવે તો ક્યાં તો ઝબકીને જાગી જાય છે અથવા પૅન્ટમાં જ... સમજી ગયાને?

