આખા ઘરની જવાબદારી પોતાના માથે લઈને છેલ્લાં ૨૫ વર્ષથી ખીચડી ઘર અંતર્ગત જરૂરિયાતમંદો માટે ભોજન બનાવતાં અને સાથે ટિફિન-સર્વિસ પણ ચલાવતાં
માયા શાહ પતિ, પુત્ર અને પુત્રવધૂ સાથે.
બોરીવલીમાં રહેતાં માયા શાહના હસબન્ડને બ્રેઇન-સ્ટ્રોક આવ્યો એ પછી તેમની સારવાર સાથે આખા ઘરની જવાબદારી પોતાના માથે લઈને છેલ્લાં ૨૫ વર્ષથી ખીચડી ઘર અંતર્ગત જરૂરિયાતમંદો માટે ભોજન બનાવતાં અને સાથે ટિફિન-સર્વિસ પણ ચલાવતાં આ બહેનની સંઘર્ષકથા ખરેખર પ્રેરણાદાયી છે
‘એ કિસ્સો યાદ કરું છું અને આજે પણ આંખો ભરાઈ જાય છે. વીસેક વર્ષ પહેલાંની વાત છે. મારા નાના દીકરાને દૂધ પીધા વિના ઊંઘ ન આવે. તેને સુવડાવવો હોય તો દૂધ પીવડાવવું પડે અને જો દૂધ ન આપો તો આખી રાત ન ઊંઘે. જોકે એક વાર એવું થયું કે ઘરમાં દૂધના પૈસા નહોતા. તેણે દૂધ માગ્યું અને ઘરમાં નહોતું એટલે મેં કહ્યું કે તું સૂઈ જા. તેણે કજિયો શરૂ કર્યો એટલે કંટાળીને મેં તેને માર્યો. આવું કરતાં મારી આંખોમાં પણ આંસુ હતાં. એ દરમ્યાન અમારા ઘરમાંથી આવતા અવાજને સાંભળીને પાડોશીનો દીકરો અમારા ઘરે આવ્યો. તેણે આખી વાત સાંભળી અને તે તેના ઘરેથી બે ગ્લાસ ગરમ દૂધ લઈ આવ્યો અને નાના દીકરા અને મોટા દીકરા એમ બન્નેએ દૂધ પી લીધું અને બન્ને જણ સૂઈ ગયા. જોકે એ રાત મારા માટે ખૂબ અઘરી ગઈ. મારા પિયરે મને ક્યારેય કોઈ વાતની કમી નથી પડી અને અત્યારે હું મારા દીકરાઓને દૂધ ન પીવડાવી શકું? મેં મનોમન નક્કી કર્યું કે ઇન્કમ વધારવા માટે હવે હું ઘરે-ઘરે જઈને રસોઈ કરીશ.’
ADVERTISEMENT
અવાજમાં ભીનાશ સાથે આ વાત કહી રહેલાં બોરીવલી-ઈસ્ટમાં રહેતાં માયા અજય શાહનો માતા તરીકેનો આ સંઘર્ષ હજી જોકે પૂરો નથી થયો. ઘરના સંજોગોને જોતાં તેમણે ત્રણ વર્ષ માટે પોતાનાં બન્ને બાળકોને નાની ઉંમરમાં જ હૉસ્ટેલમાં ભણવા મોકલી દીધાં હતાં. ચુસ્ત જૈન પરંપરામાં માનતાં માયાબહેને જીવનમાં અઢળક ઉતારચડાવ જોયા છે અને એમાં પોતે પોતાના પરિવારની ઢાલ બનીને દિવસ-રાત મહેનત કરીને પરિવારનું જતન કર્યું છે. ત્રણ ખીચડી ઘરના ઑર્ડર માટે જરૂરિયાતમંદો માટે થેપલાં-શાક બનાવતાં, તેમને ત્યાં આવતા વિવિધ ઑર્ડર માટે ટિફિન-સર્વિસ આપતાં અને એ સિવાય ભોજનને લગતા તમામ ઑર્ડર્સ લેતાં આ બહેનના જીવનનો એક જ સિદ્ધાંત છે કે ‘મને દયા નથી જોઈતી, મને કામ જોઈએ છે.’ મહેનત કરીને ગુજરાન ચલાવવા માટે કટિબદ્ધ આ અનોખી નારીના જીવનની પ્રેરણાદાયી દાસ્તાન પ્રસ્તુત છે.
સંજોગો બદલાયા
સુરતમાં પિયર ધરાવતાં માયાબહેનના જીવનમાં ઝંઝાવાત લગ્નનાં પાંચ-સાત વર્ષ પછી આવ્યો. તેઓ કહે છે, ‘લગ્ન થયાં ત્યારે તો સામાન્ય સુખી પરિવાર હતો. ઘરમાં કમાનાર ત્રણ સભ્યો હતા; દાદા સસરા, સસરા અને હસબન્ડ એટલે ઘર ઠીકઠાક ચાલતું. જોકે દાદા સસરાનો દેહાંત થયો. સસરાજી રિટાયર થયા એટલે હસબન્ડના ખભે ઘરની જવાબદારી આવી. મોટા પરિવારને સાચવવામાં થોડીક ખેંચ પડવાનું શરૂ થયું. એ દરમ્યાન એક મોટી દુર્ઘટના ઘટી. મારા હસબન્ડને સ્ટ્રોક આવ્યો. તેમની ટ્રીટમેન્ટમાં લગભગ ત્રીસેક લાખ રૂપિયાનો ખર્ચ થયો. એ સમયે મને યાદ છે કે પહેલી સર્જરી માટે પાંચ લાખ રૂપિયાનો ખર્ચ હતો જેમાંથી પાંચ હજાર પણ મારી પાસે નહોતા. દાગીના ગિરવી મૂકીને, સંસ્થાઓ પાસેથી, સંબંધીઓ પાસેથી અને બહારથી ઉધારીમાં પૈસા લાવીને સારવાર કરી અને એ દરમ્યાન ઘર ચલાવવાની સંપૂર્ણ જવાબદારી મારા માથે આવી જે આજ સુધી અકબંધ છે.’
અઘરું હતું
હસબન્ડ બચે એવી કોઈ સંભાવનાઓ નહોતી. ડૉક્ટરોએ પણ નહીંવત શક્યતા દેખાડી હતી. જોકે માયાબહેન હિંમત ન હાર્યાં. તેઓ કહે છે, ‘સર્જરી પછી તેઓ કોમામાં જતા રહ્યા હતા ત્યારે ડૉક્ટરોએ કહી દીધેલું કે આમાં કોઈ ઇમ્પ્રૂવમેન્ટ નહીં થાય. મેં ભગવાનને પ્રાર્થના ચાલુ રાખી અને ડૉક્ટરને કહ્યું કે તમે તેમની સારવાર ચાલુ રાખો. બાવીસ દિવસ તેઓ વેન્ટિલેટર પર રહ્યા અને હોશમાં આવ્યા. શરૂઆતમાં કોઈને ઓળખતા પણ નહોતા. ડૉક્ટરે કહેલું કે તેઓ જીવનમાં ક્યારેય પોતાના પગ પર ચાલી નહીં શકે, પરંતુ ઘરે આવ્યા પછી ફિઝિયોથેરપી વગેરેની મદદથી એકાદ મહિનામાં જ ચાલતા થઈ ગયા. અત્યારે તેઓ એક હાથથી બરાબર કામ કરી શકે છે. જોકે એ સમયે મેં નક્કી કરેલું કે મને રસોઈ આવડે છે અને એના જ આધારે હું ગુજરાન ચલાવીશ. હું ટિફિન બનાવતી, કોઈના બલ્ક ઑર્ડર હોય તો એ ખાવાનું બનાવીને આપતી. એ દરમ્યાન અમારા વિસ્તારના ધર્મનાથ જૈન દેરાસર વતી દર રવિવારે ગરીબોને ભોજન પિરસાતું. એ બનાવવાની જવાબદારી મને સોંપાઈ. લગભગ ૧૦૦ જેટલા લોકો માટે ૫૦૦ થેપલાં અને શાક બનાવતી. એવી જ રીતે કોવિડ પછી બોરીવલી-વેસ્ટમાં રહેતા મિતેશભાઈ પણ કેટલાક વડીલોને સોમ, મંગળ, બુધ અને ગુરુવાર દરમ્યાન ભોજન કરાવવા ઇચ્છતા હતા તો તેમના માટે મેં કામ શરૂ કર્યું. એની સાથે સાતથી આઠ ઘરોમાં ભોજન બનાવવા માટે સવારે નીકળી પડતી. કેટલીયે વાર એવું બન્યું છે કે આખી-આખી રાત જાગીને થેપલાં બનાવ્યાં હોય. અરે, મેં જીવનમાં કાંદા-બટાટા ખાધા નથી. મારા સાસરે આવતા પહેલાં જ હું કંદમૂળ સમારીશ કે બનાવીશ નહીં એવી શરત મૂકી હતી. પરંતુ જ્યારે પરિસ્થિતિ નબળી આવી અને લોકોના ઘરે જ્યારે ભોજન બનાવવા જતી ત્યારે કાંદા, બટાટા સમારવા પડતા અને રાંધવા પડતા. એ સમયે ખૂબ જીવ બળતો. મન અંદરથી રડતું. એમાં ક્યારેક કોઈના ઘરે પહોંચવામાં મોડું થતું તો એની અસર બીજી બધી જ જગ્યાએ પડતી ત્યારે લોકો અકળાતા અને બોલતા. લગ્ન પહેલાં ક્યારેય કોઈનો ઊંચો અવાજ નહોતો સાંભળ્યો અને પછી આ બધું સાંભળવું પડતું ત્યારે અઢળક વાર આંખમાં આંસુ આવી જતાં.’
હવે થોડીક નિરાંત
માયાબહેનના બન્ને દીકરાઓ હવે મોટા થઈ ગયા છે. નાનો દીકરો MBA થઈ ગયો. બન્ને દીકરા નોકરી કરે છે. મોટા દીકરાનાં તો લગ્ન પણ થઈ ગયાં અને તે પોતાના સંસારમાં સુખી છે. માયાબહેન કહે છે, ‘નાનો દીકરો MBA થયો એ પછી તેણે મને ઘરે-ઘરે રસોઈ કરવા જવાનું કામ બંધ કરાવી દીધું અને હવે તો મેં પણ મનોમન સંકલ્પ લીધો છે કે જીવ જાય તો ભલે જાય પણ હું કંદમૂળનું ભોજન કોઈ પણ સંજોગોમાં કોઈના પણ માટે નહીં બનાવું. અત્યારે નાનો દીકરો અમારા માથા પર રહેલી વિવિધ લોન અને દાગીના ગિરવી મુકાયા છે એનું વ્યાજ ભરે છે અને ઘર ચલાવવા માટે થતો ખર્ચ હું મારી આવકમાંથી કાઢું છું. હું હંમેશાં પ્રાર્થના કરતી હોઉં છું કે બસ ભગવાન હું મારું ગુજરાન ચલાવી શકું એવું કામ આપજો. હવે શરીર ધીમું પડ્યું છે, ઘૂંટણમાં દુખાવા થાય છે; પરંતુ મનથી મક્કમ છું. દરરોજ સાતથી આઠ ટિફિન હોય, સોમથી ગુરુ પાંત્રીસ વડીલોનું ભોજન બનાવવાનું હોય અને એ સિવાય ક્યારેક જે ઑર્ડર આવે એ પણ બનાવું. જોકે એ બધામાં માત્ર જૈન ફૂડ બનાવું છું. એક સમયે દીક્ષા લેવાની ઇચ્છા હતી. એ નથી લઈ શકી પરંતુ હવે મારાથી ઓછામાં ઓછી વિરાધના થાય એવા પ્રયાસો કરું છું. થેપલાં અને રોટલી વણવા માટે બહેનો રાખી છે પરંતુ ક્યારેક તેઓ રજા પર હોય તો એ જવાબદારી પણ મારા માથે હોય. કોવિડ સમયે તો દરરોજનાં આઠથી બાર હજાર જેટલાં થેપલાં, પરાઠા, રોટલીઓ અમે વણતાં હતાં. જોકે મારા કામથી મને લોકોનો પ્રેમ અને આદર મળ્યા છે. સંઘર્ષ કરીને પોતાના બળ પર જીવનનિર્વાહ ચલાવ્યાની કદર ક્યાંક ને ક્યાંક સમાજે કરી એનો મને સંતોષ છે.’
પ્રાર્થના કરતી હોઉં છું કે બસ ભગવાન મારું ગુજરાન ચલાવી શકું એવું કામ આપજો. હવે શરીર ધીમું પડ્યું છે, ઘૂંટણમાં દુખાવા થાય છે; પરંતુ મનથી મક્કમ છું.

