ભારતની ૯ ઊંટની પ્રજાતિને ભારતનાં ઊંટો કહેવામાં છે. રાજસ્થાનમાં બિકાનેરી, જેસલમેરી, જાલોરી, મેવાડી, મારવાડી, મેવાતી ઊંટો હોય છે. મેવાતી હરિયાણામાં પણ મળી આવે છે. ગુજરાતમાં કચ્છી અને ખારાઈ ઊંટો છે. મધ્ય પ્રદેશમાં માળવી ઊંટો છે.
વિશ્વમાં ખારાઈ ઊંટ એકમાત્ર એવી પ્રજાતિ છે જે દરિયામાં તરી શકે છે. મૂળ કચ્છનાં ખારાઈ ઊંટ એશિયામાં માત્ર કચ્છમાં ભચાઉ તાલુકાના ચિરઈથી વોન્ધ, જંગી, આંબલિયારા અને સૂરજબારી સુધીના દરિયાઈ ખાડીના વિસ્તારમાં જ જોવા મળે છે. આ ઊંટ દરિયાઈ ખાડીમાં થતા ચેરનાં વૃક્ષોનાં પાંદડાં ખાય છે.
જ્યારે પણ ઊંટની વાતની શરૂઆત કરવી હોય તો સૌથી પહેલાં તો આપણે સ્કૂલમાં ભણેલા કે એ રણનું વાહન છે એ જ યાદ આવે. દશામાનું વ્રત શરૂ થયું છે ત્યારે એ પણ જાણી લો કે મોમાઈ મા તરીકે પણ પુજાતાં દશામાનું વાહન ઊંટ છે. એટલે ઊંટ માત્ર પ્રાણીજગતમાં જ નહીં પરંતુ ધાર્મિક અને સાંસ્કૃતિક રીતે આપણા સમાજ અને જીવન સાથે જોડાયેલું છે. અચાનક જ આજે ઊંટની વાત શા માટે કરી રહ્યા છીએ? એટલા માટે કે થોડા સમય પહેલાં ૧૦ ઊંટોનું ટોળું કચ્છના કિનારેથી તણાઈને દ્વારિકાના કિનારે પહોંચી ગયું. આ નવાઈની વાત એટલે છે કે ઊંટો તરી નથી શકતાં તો પછી આ ઊંટો કેવી રીતે જીવતાં બીજા કિનારે પહોંચ્યાં? આજે ઊંટોની એકદમ યુનિક લાક્ષણિકતાઓ અને દંતકથાઓ વિશે જાણીએ.
ઊંટની એકમાત્ર તરતી પ્રજાતિ
ADVERTISEMENT
કચ્છના દિનદયાળ પોર્ટ પરથી ૧૦ જેટલાં ઊંટોનું ટોળું તણાયું હતું જે થોડા દિવસો બાદ દ્વારકાના વાડીનાર બંદર પર પહોંચ્યું હતું. એમને જોતાં જ પોલીસે ઊંટના ટોળાને બચાવ્યું હતું. આ વિડિયો વાઇરલ થયો છે. એટલે લોકોને એમ લાગશે કે ઊંટો પણ તરી શકે છે? પરંતુ એવું નથી. ઊંટો એમની તરણકળા માટે જાણીતાં નથી પરંતુ પેટમાં પાણી બચાવીને એ ૧૪ કે ૧૫ દિવસ સુધી વગર પાણીએ ચલાવી શકે છે. તરી શકે એ ઊંટોની પ્રજાતિને ખારાઈ તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વમાં આ એકમાત્ર એવી પ્રજાતિ છે જે દરિયામાં તરી શકે છે. મૂળ કચ્છનાં ખારાઈ ઊંટ એશિયામાં માત્ર કચ્છમાં ભચાઉ તાલુકાના ચિરઈથી વોન્ધ, જંગી, આંબલિયારા અને સૂરજબારી સુધીના દરિયાઈ ખાડીના વિસ્તારમાં જ જોવા મળે છે. આ ઊંટ દરિયાઈ ખાડીમાં થતાં ચેરનાં વૃક્ષોનાં પાંદડાં ખાય છે.
નાશ થવાને આરે ખારાઈ ઊંટો
કચ્છમાં રબારી અને ફકીરણી જાટ સમુદાય ખારાઈ ઊંટો સાથે નજીકનો સંબંધ ધરાવે છે. આ બે સ્થાનિક અને પારંપરિક આદિવાસીઓ પેઢીઓથી ખારાઈ ઊંટની માલિકી ધરાવતા અને એમનું જતન કરતા. આ સમુદાયના લોકો અને ઊંટ સહજીવી સંબંધ ધરાવે છે એટલે કે એકબીજા પર આધાર રાખે છે. એ કહેવું તો મુશ્કેલ છે કે આ ઊંટો દરિયામાં કેવી રીતે તરી શકે છે પણ અહીંના જાટ સમુદાયના લોકો એવું કહે છે કે છેલ્લાં ૩૦૦ વર્ષથી તેઓ પોતાના ઊંટ સાથે નદી પાર કરી રહ્યા છે. ૨૦૧૨માં કચ્છમાં આ ઊંટોની સંખ્યા ૨૨૦૦ હતી જે ૨૦૧૮માં ૧૮૦૦ સુધી પહોંચી ગઈ હતી. આજે કહી શકાય કે વિશ્વમાં આ ઊંટોની સંખ્યા ૧૮૦૦ કરતાં પણ ઓછી હશે. આ ઊંટોની સંખ્યા ઓછી થવા પાછળનું કારણ એમની વસાહતમાં આવેલી અડચણો છે. જેમ કે કચ્છમાં જેટીની સુવિધા શરૂ થઈ જેના લીધે આ ઊંટોને એમનો રસ્તો બદલવો પડ્યો. એના કારણે એમને જે પાંદડાંની જરૂર પડે એ પાંદડાંઓ મળવાનું ઓછું થયું. એ સિવાય કચ્છમાં હરણફાળે થઈ રહેલું ઔદ્યોગિકીકરણ પણ જવાબદાર છે. જોકે એવું નથી કે આ ઊંટોને બચાવવાના કોઈ જ પ્રયાસો નથી થઈ રહ્યા. આ ઊંટો માટે એક પ્રોગ્રામ પણ શરૂ થયો છે અને તેમના માટે એક વિસ્તારમાં ખાસ મૅન્ગ્રોવ્ઝ એટલે પાણીમાં થતી વનસ્પતિઓ ઉગાડવામાં આવી રહી છે.
ઑક્ટોબર અને નવેમ્બરમાં રાજસ્થાનના પુષ્કરમાં વિશ્વવિખ્યાત મેળમાં અદાજે ૫૦ હજાર જેટલાં ઊંટોનો મેળાવડો થાય છે અને આ મેળો સરેરાશ બે લાખ કરતાં વધારે સહેલાણીઓને અહીં ખેંચી લાવે છે.
રાજસ્થાનમાં ઊંટનું મહત્ત્વ
આખા રાજ્યમાં ઊંટને બહુ જ મહત્ત્વનું માનવામાં આવે છે. સદીઓથી રાજવી સંસ્કૃતિમાં તેમનું આગવું સ્થાન રહ્યું છે. આજે લોકો ઘોડા પર વરરાજાની જાન કાઢે છે પરંતુ પહેલાંના સમયમાં ઊંટ પર બેસીને વરરાજા પરણતા હતા. ભારતમાં ૮૫ ટકા ઊંટની વસ્તી રાજસ્થાનમાં છે. અહીં ખેડૂતો આજે પણ માલવહન માટે ઊંટ પર અધાર રાખે છે. તેમ જ આજે પણ આ રાજ્યના શહેરમાં ઊંટગાડાં ચાલે છે. ઑક્ટોબર-નવેમ્બરમાં રાજસ્થાનના પુષ્કરમાં વિશ્વવિખ્યાત પુષ્કર મેળામાં અંદાજે ૫૦ હજાર જેટલાં ઊંટોનો મેળાવડો થાય છે અને આ મેળો સરેરાશ બે લાખ કરતાં વધારે સહેલાણીઓને અહીં ખેંચી લાવે છે, જેના કારણે અહીંના સ્થાનિક લોકોની આવકમાં ધરખમ વધારો થાય છે. એટલે આર્થિક દૃષ્ટિએ પણ રાજસ્થાનના GDPમાં ૧૦ ટકા ફાળો ઊંટો આપે છે જેના કારણે અહીંના પરિવારોમાં ૩૫થી ૫૦ ટકા જેટલી આવક ઊંટો પર જ આધાર રાખે છે.
અહીંના લોકોમાં એક જૂની માન્યતા છે કે ઊંટનું એક આંસુ ૨૬ સાપના ઝેરને ઉતારી શકે છે. એનું કારણ છે કે રણમાં વસતા સમુદાયો પ્રાચીન સમયથી ઊંટને માત્ર પ્રાણી નહીં પરંતુ એક સમજદાર અને પવિત્ર જીવ માને છે. એને મૌનધારી સંત એટલે કે સાઇલન્ટ સંતની ઉપમા આપે છે. ઊંટને અત્યંત સહનશીલ માનવામાં આવે છે અને એ ક્યારેય રડતાં નથી. જો રડે તો એમનું એક આંસુ આવે તો એમાં લાગણી અને અધ્યાત્મની સાંદ્રતા હોય છે. તેથી વડીલો પેઢી-દર-પેઢી કહેતા કે ‘ઊંટ કે આંસુઓં મેં વો તાકત હૈ કિ ઝહર ભી શરમા જાએ’. લોકવાયકા ક્યાંય પણ લિખિત નથી પરંતુ પેઢી-દર-પેઢી કહેવાયેલી છે. તેથી ઊંટનાં આંસુની તાકાતને અત્યાર સુધી વિજ્ઞાનનો સહકાર નહોતો મળ્યો, જે હવે બદલાયો છે.
ઊંટનાં આંસુની તાકાત
એવી ઘણી લોકવાયકાઓ છે જેમાં ઊંટનાં મૂત્ર અને આંસુથી સર્પડંખનો ઇલાજ કરાયો છે. આજે પણ સ્થાનિક લોકો એ વાતને માને છે, પરંતુ હાલમાં જ લોકવાયકાને વૈજ્ઞાનિક પુરાવો મળ્યો છે. બિકાનેરની નૅશનલ રિસર્ચ સેન્ટર ઑન કૅમલ (NRCC) દ્વારા તાજેતરમાં અભ્યાસ થયો છે જેમાં તેમને જાણવા મળ્યું છે કે ઊંટનાં આંસુ અને ઇમ્યુનિટી સિસ્ટમમાંથી મળેલી ઍન્ટિબૉડી એટલે કે એક પ્રકારનું પ્રોટીન જે શરીરમાં રોગના કારણ બનતા બૅક્ટેરિયા કે વાઇરસને નિષ્ક્રિય કરે છે એ સાપના ઝેરને નિર્મૂળ કરી શકે છે, એટલે કે સાપના ઝેર સાથે લડી શકે છે. ઊંટનાં આંસુમાં એવો પાવર હોવાનું જાણવા મળ્યું છે કે એના આંસુનું એક ટીપું ૨૬ સાપના ઝેરનું મારણ બની શકે છે. આ શોધ જ રાજસ્થાનનાં ઊંટોનું લાલન-પાલન કરતા ખેડૂતો માટે ખુશીના સમાચાર છે, કારણ કે ઊંટનાં આંસુમાંથી ઝેરની દવા બની શકે તો ઊંટોનો વિકાસ કરવામાં આવશે જેથી દરેક ખેડૂત પાસે એક નવી આવકનો માર્ગ થશે. ભારતમાં દર વર્ષે અંદાજે ૫૮ હજાર લોકો સાપના કરડવાથી મૃત્યુ પામે છે. એ સિવાય સાપના કારણે અન્ય ઈજા પણ પામે છે તો એવા લોકોનો સસ્તા ભાવે ઇલાજ શક્ય બનશે.
અવનવું વિશ્વ ઊંટોનું: ઊંટ વિશેની રસપ્રદ વાતો
સામાન્ય રીતે ઊંટની એક જ ખૂંધ જોવા મળતી હોય છે, પરંતુ લદાખમાં નુબ્રા વૅલીમાં જે ઊંટની જાતિ છે એમાં બે ખૂંધ હોય છે. આ ઊંટને ભારતના ઊંટની ઓરિજિનલ પ્રજાતિમાં એટલે સામેલ નથી કરવામાં આવતું કારણ કે એ બૅક્ટ્રિઅન ઊંટ છે. બૅક્ટ્રિઅન એટલે બૅક્ટ્રિયાના, જે અત્યારના અફઘાનિસ્તાનના કેટલાક હિસ્સાનો તથા એની આસપાસના કેટલાક ભાગનો સમાવેશ કરતો પ્રાચીન વિસ્તાર હતો. આ ઊંટના પૂર્વજોનો ઉપયોગ પ્રાચીન સિલ્ક રૂટ એટલે કે પંદરમી સદીમાં ભારત અને અન્ય દેશો વચ્ચેના વેપારી માર્ગ પર થતો હતો. આ ઊંટો અત્યંત ઠંડી એટલે કે માઇનસ ૫૦ ડિગ્રી સુધીમાં પણ જીવી શકે છે.
બિકાનેરના મહારાજાએ બ્રિટિશરોને પહેલા અને બીજા વિશ્વયુદ્ધમાં લડવા માટે બિકાનેરી ઊંટોનો કાફલો તૈયાર કરી આપ્યો હતો જે ‘બિકાનેર કૅમલ કૉર્ઝ’ તરીકે જાણીતો છે. ઊંટ દ્વારા યુદ્ધ માટેનાં હથિયારો, દારૂગોળાઓને રણમાર્ગે અન્ય જગ્યાએ પહોંચાડવામાં આવતાં તેમ જ સૈનિકો પોતે પણ ઊંટનો ટ્રાન્સપોર્ટેશન તરીકે ઉપયોગ કરતા હતા. પહેલા વિશ્વયુદ્ધમાં ઘોડા કરતાં ઊંટને વધારે પસંદ કરવામાં આવ્યાં હતાં, કારણ કે એમને લાંબા સમય માટે પાણીની જરૂર નહોતી પડતી. માત્ર ભારતમાં નહીં પણ વિશ્વયુદ્ધ વખતે અન્ય દેશોમાં પણ આ ઊંટોનો ઉપયોગ થયો છે.
દર વર્ષે સાઉદી અરેબિયામાં કિંગ અબ્દુલ અઝીઝ ફેસ્ટિવલ ઊજવાય છે જેમાં ઊંટોની બ્યુટી પેજન્ટ યોજાય છે જેમાં વિનરનું ઇનામ ૮૦૦ હજાર ડૉલર એટલે અંદાજે ૬૬ લાખ રૂપિયા જેટલું હોય છે. ઊંટના બ્યુટી પેજન્ટમાં ઊંટના હોઠ, ડોક, નાક અને એના શરીરનો આકાર જોવામાં આવે છે. આટલી મોટી રકમ જીતવા માટે ઊંટના માલિકો એમના પર બોટોક્સ કરાવતા હતા. યસ, ઊંટ પર બોટોક્સ. એ રોકવા માટે સ્પોર્ટમાં જેવી રીતે ખેલાડીઓનો ડ્રગ-ટેસ્ટ કરવામાં આવે એવી જ રીતે હવે આ પેજન્ટમાં ઊંટોનાં એક્સરે અને તબીબી ચકાસણી કરવામાં આવે છે. જે ઊંટમાં બોટોક્સ કરેલું દેખાય એમને ડિસ્ક્વૉલિફાય કરવામાં આવે છે. ૨૦૨૧માં ડૉક્ટર દ્વારા આવાં ૪૦ ઊંટોને ડિસ્ક્વૉલિફાય કરવામાં આવ્યાં હતાં. આ બ્યુટી પેજન્ટમાં માત્ર પુરુષોની ઇજારાશાહી હતી. તેઓ જ પોતાનાં ઊંટ લાવી શકતા હતા, પરંતુ ૨૦૨૨માં પહેલી વખત વિમેન્સ કૅટેગરી ઉમેરવામાં આવી. આ શ્રેણીમાં જીતનાર મહિલા ઊંટપાલકને ૨૨ લાખ રૂપિયા સુધીનું ઇનામ મળે છે.

