હજારો વર્ષ જૂની પદ્ધતિનો ઉપયોગ કરીને તેમણે ભર્યાંભાદર્યાં વૃક્ષોનો બલિ ચડતો અટકાવ્યો છે. આધુનિક સમયમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસનું બીજું નામ છે
રામચંદ્ર અપ્પારી
હૈદરાબાદના રામચંદ્ર અપ્પારીએ ૨૦૦૯માં પોતાની સ્થાયી અને મજાની જૉબ છોડીને વૃક્ષોનું સ્થળાંતર કરવા માટેનું કામ શરૂ કર્યું હતું. હજારો વર્ષ જૂની પદ્ધતિનો ઉપયોગ કરીને તેમણે ભર્યાંભાદર્યાં વૃક્ષોનો બલિ ચડતો અટકાવ્યો છે. આધુનિક સમયમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસનું બીજું નામ છે રામચંદ્ર અપ્પારીનું વિકાસ અને પર્યાવરણનો સુમેળ કરાવવાની દિશામાં વિચારતું આ કદમ કાબિલેદાદ છે
વિકાસના નામે વૃક્ષો કાપવાનું સામાન્ય બની ગયું છે ત્યારે એક વ્યક્તિએ આ વ્યવહાર અને વિચાર બદલવાનો નિશ્ચય કર્યો છે; એ પણ વૃક્ષોને કાપ્યા વિના, એમને જીવિત રાખીને. હૈદરાબાદના રામચંદ્ર અપ્પારી કૃષિનિષ્ણાત અને પર્યાવરણપ્રેમી છે જેમણે છેલ્લા એક દાયકામાં ભારતમાં અંદાજે ૧,૫૦,૦૦૦થી વધુ વૃક્ષોનું સફળ રીતે સ્થળાંતર કર્યું છે. વૃક્ષો કાપવાની જગ્યાએ એમને ઉખેડીને નવી જગ્યા પર રોપી દેવામાં તેઓ નિષ્ણાત બની ગયા છે. આ રીતે તેમણે વિકાસ અને પર્યાવરણ વચ્ચે સંતુલન સાધવાનો અભૂતપૂર્વ પ્રયાસ કર્યો છે. આજે આ પર્યાવરણપ્રેમીની જર્ની વિશે જાણીએ.
ADVERTISEMENT
નોકરી છોડી દીધી
રામચંદ્ર અપ્પારી કૃષિવિજ્ઞાન અને ઍગ્રિ-બિઝનેસ મૅનેજમેન્ટમાં અભ્યાસ કર્યા બાદ બૅન્કિંગ ક્ષેત્રમાં નોકરી કરી રહ્યા હતા, પરંતુ કુદરત પ્રત્યેનો લગાવ તેમને કંઈક અલગ કરવાની દિશામાં ખેંચતો રહ્યો. ચોક્કસ વળાંક ત્યારે આવ્યો જ્યારે હૈદરાબાદમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે હજારો વૃક્ષો કાપવામાં આવી રહ્યાં હતાં. એક દિવસ તેમણે રસ્તા પાસે ઊભેલાં વર્ષો જૂનાં વૃક્ષોની નીચે કાપવાનાં ચિહનો જોયાં અને થોડા દિવસોમાં એ બધાં વૃક્ષો ધરમૂળથી અલગ થઈ ગયાં હતાં. આ ઘટનાએ તેમની ઊંઘ ઉડાડી દીધી હતી અને વિચારતા કરી દીધા હતા. તેમના મનમાં એક જ વિચાર રમતો હતો કે શું વૃક્ષોને કાપ્યા વિના બચાવવાની કોઈ રીત નથી? આ પ્રશ્ન જ તેમની યાત્રાની શરૂઆતનું બિંદુ બન્યો. શહેરોમાં વૃક્ષોની ધડાધડ કાપણી જોઈને તેમણે નક્કી કર્યું કે વિકાસ અને પર્યાવરણ વચ્ચે સંતુલન લાવવું જરૂરી છે. આ જ અરસામાં તેમનો એક મિત્ર ઑસ્ટ્રેલિયાથી આવ્યો હતો. મિત્ર સાથે વૃક્ષો સાથે થઈ રહેલી કથનીની ચિંતા વ્યક્ત કરી ત્યારે તે મિત્રએ વૃક્ષોની પ્રાચીન સ્થળાંતરની ટેક્નિક વિશે વાત કરી. રામચંદ્રને એમાં રસ પડ્યો અને આ વિષયમાં ઊંડું સંશોધન શરૂ કરી દીધું. આ દિશામાં તેમણે કામ કરવાનું શરૂ કર્યું. સૌથી પહેલાં બહુ જ નાના પાયે વૃક્ષોના સ્થળાંતરની પ્રક્રિયા શરૂ કરી. ધીરે-ધીરે તેમને સફળતા મળતી ગઈ. પ્રથમ વૃક્ષનું સફળ પરિવહન તેમના માટે ટર્નિંગ પૉઇન્ટ સાબિત થયો. ૨૦૧૦માં તેમણે કૉર્પોરેટ જૉબમાંથી રાજીનામું આપીને હૈદરાબાદમાં પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું - Green Morning Horticulture Services Pvt. Ltd., જેનું કામ વૃક્ષોને વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉખાડીને બીજી જગ્યાએ સફળતાપૂર્વક રોપવાનું છે.
વૃક્ષોનું સ્થળાંતર સમજો
ઈસવીસન પૂર્વે ૨૦૦૦ દરમ્યાન ઇજિપ્તના પિક્ટોગ્રાફ (શબ્દોને સરળ રીતે સમજાવવા માટે ચિહનોનો ઉપયોગ)માં પુરુષો વૃક્ષોને મૂળ સાથે ઉખાડીને એમને કેનમાં ભરીને અન્ય જગ્યાએ લઈ જઈને સ્થાપિત કરવાનો ઉલ્લેખ છે. જ્યારે વૃક્ષોને બચાવવાની આવી પદ્ધતિ ઉપલબ્ધ હોય ત્યારે એમને શા માટે કાપી નાખવાં જોઈએ? રામચંદ્ર માને છે કે વિશ્વના બધા દેશો વૃક્ષોને કાપી નથી નાખતા, પરંતુ ઇતિહાસ અને ધરોહર બચાવવા એમને નવી જગ્યાએ ખસેડે છે. ભારતમાં વૃક્ષોના સ્થળાંતરની પ્રક્રિયા પ્રચલિત નથી. રામચંદ્રએ નાની ટીમ સાથે પ્રાયોગિક ધોરણે વૃક્ષોના સ્થળાંતરની પદ્ધતિઓને સમજી. એમાં તેમને ભારતીય જમીન અને પરિસ્થિતિ સમજીને વૃક્ષનું ખોદકામ, મૂળોની કાળજી અને નવા સ્થળે યોગ્ય રીતે રોપવાની ટેક્નિકમાં ફાવટ આવવા લાગી. એમાં અનેક વખત નિષ્ફળતા પણ મળી, પણ દરેક નિષ્ફળ પ્રયાસથી તેમને નવી સમજણ મળી. ખાસ કરીને વૃક્ષોની જાતિ મુજબ એમની જીવંત રહેવાની ક્ષમતા, જમીનનો પ્રકાર, પાણી અને હવામાં આવેલા ફેરફાર આ બધી બાબતોનું તેઓ વિશ્લેષણ કરવા લાગ્યા. થોડા સમયમાં તેમણે ક્રેન્સ (ક્રેન દ્વારા વૃક્ષને કેવી રીતે મૅનેજ કરવું), રૂટ હૉર્મોન્સ (root hormones એટલે કે વૃક્ષોનું સ્થળાંતર કરતી વખતે કરવામાં આવતી પ્રક્રિયા જેનાથી સ્થળાંતર બાદ વૃક્ષોનાં મૂળ જમીનમાં પોતાની પકડ જમાવીને વિકસી શકે), પ્રુનિંગ (pruning) ટેક્નિક અને રી-રૂટિંગ (re-rooting એટલે કે મૂળને ફરી જમીનમાં જડવાં) જેવી આધુનિક પદ્ધતિઓ ઉપયોગમાં લેવાની પ્રક્રિયા વિકસાવી.
સૌથી મોટો બ્રેક મળ્યો
પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કર્યા બાદ રામચંદ્રને સૌથી પહેલો મોટો બ્રેક ત્યારે મળ્યો જ્યારે હૈદરાબાદ મેટ્રો રેલ બાંધકામમાં ૮૦૦ જેટલાં વૃક્ષોને અન્ય જગ્યાએ ખસેડવાનાં હતાં. આ કામગીરી તેમને સોંપવામાં આવી અને આ સફળ કામગીરીને કારણે તેમને લોકો દેશમાં ઓળખતા થયા. ત્યાર બાદ તેમણે પુણે, દિલ્હી, વિશાખાપટનમ જેવાં શહેરોમાં મેટ્રો અને હાઇવેના પ્રોજેક્ટમાં હજારો વૃક્ષોનું વૈજ્ઞાનિક પદ્ધતિથી સ્થળાંતર કર્યું છે. બિહાર સરકારની યોજના હેઠળ રોડના વિસ્તરણ માટે હજારો વૃક્ષોનું કપાવું આવશ્યક હતું. તેમણે આ હજારો વૃક્ષો બચાવવાની જવાબદારી સંભાળી અને સફળતાપૂર્વક એમનું સ્થળાંતર પણ કર્યું. તેમણે ૯૦ જેટલી જાતિનાં લાખો વૃક્ષોને બચાવ્યાં છે. ઘટાદાર વૃક્ષોને વિકસતાં વર્ષો લાગી જતાં હોય છે અને એક વાર વિકસે ત્યાર બાદ એમાં ઘણાં પક્ષીઓ અને જીવો વસતાં હોય છે. એ સિવાય એ સમાજને તાજી હવા પૂરી પાડે છે. આવાં વૃક્ષોને એક ઝટકામાં કાપવા કરતાં સારસંભાળથી એમને બીજી જગ્યાએ મૂકવાનું હિતાવહ સમજતા રામંચદ્ર વૃક્ષોના સ્થળાંતરની પ્રક્રિયાને બહુ જ મુશ્કેલ માને છે. આ પ્રક્રિયામાં મેનપાવર અને કુશળતા જોઈએ એટલે એમાં ખર્ચ પણ લાગે છે. તેમની કંપનીએ ૧૫ વર્ષ જૂના વૃક્ષનું સ્થળાંતર કરવા માટે ૬૦૦૦ રૂપિયા ચાર્જ કર્યા હતા અને ૧૦૦ વર્ષ જૂના વૃક્ષને નવું ઘર આપવા દોઢ લાખ રૂપિયા ચાર્જ કર્યા હતા. વૃક્ષ જેટલું જૂનું હોય એ કામ એટલું જ સેન્સિટિવ થઈ જાય છે.
નવી જગ્યાએ વૃક્ષને સ્થાપિત કર્યા પછી એ ત્યાં સેટ થઈ જાય એની પણ કાળજી રામચંદ્ર રાખે છે.
યુવાનો અને દેશના લોકોને સંદેશ
રામચંદ્ર અપ્પારીનું કાર્ય આપણને એક મોટો સંદેશ આપે છે કે વિકાસ અને પર્યાવરણ વચ્ચે સંવાદ શક્ય છે. આજે જ્યારે ઝાડ કાપવા માટે મશીનોનો દબદબો છે ત્યારે એક વ્યક્તિએ એમ માન્યું કે કાપવું એકમાત્ર વિકલ્પ નથી અને પોતે એનું જીવંત ઉદાહરણ બનીને સાબિત પણ કર્યું. તેઓ માત્ર વૃક્ષોને બચાવતા નથી, પરંતુ સમાજમાં એક વિચાર પેદા કરી રહ્યા છે. એવો વિચાર કે વૃક્ષ માત્ર છાયા કે ઑક્સિજન માટે નથી, પણ એ આપણા ભવિષ્યનું મૂળ છે. તેમના પ્રયાસો આજે લોકો માટે પ્રેરણા બની રહ્યા છે જેઓ શોખથી નહીં પણ જવાબદારીથી પર્યાવરણ માટે આગળ આવી રહ્યા છે. આગામી વર્ષોમાં રામચંદ્ર અપ્પારી વૃક્ષોના સ્થળાંતરના કામને વધુ ટેક્નૉલૉજી-આધારિત બનાવવા માગે છે. તેઓ ગ્રામ્યવિસ્તારોમાં પણ આ કામગીરી પહોંચાડીને લોકોને શિક્ષિત કરવા ઇચ્છે છે કે વૃક્ષને કાપવું એ છેલ્લો વિકલ્પ હોવો જોઈએ. તેઓ નવી પેઢીને પણ તાલીમ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેથી વધુ યુવાનો આ કાર્ય સાથે જોડાય અને દેશને હરિયાળો બનાવે.
વિકાસના નામે વૃક્ષોનું નિકંદન નીકળતું રોકવા માટે રામચંદ્ર અપ્પારી આખેઆખા વૃક્ષને મૂળ સહિત ઉઠાવી લે છે અને ક્રેનની મદદથી એ વૃક્ષ થોડેક દૂર ફરીથી સ્થાપિત કરવામાં આવે છે.
ભારતભરમાં હૈદરાબાદ સિવાય ગુજરાતના અમુક ભાગમાં, બિહાર, પુણે અને બૅન્ગલોરમાં ગુલમહોર, લીમડો, જાંબુ, કેરી, પીપળો અને અન્ય અંજીરનાં વિવિધ વૃક્ષોનુ સ્થળાંતર કરી ચૂક્યા છે. આજ સુધીમાં તેઓ અંદાજે ૧,૫૦,૦૦૦થી વધુ વૃક્ષોને નવું ઘર આપી ચૂક્યા છે. તેમના આ મુશ્કેલ કામમાં તેમને ૮૦ ટકા જેટલી સફળતા મળી છે.

