મંગલ ખડખડાટ હસી પડ્યો પણ આનંદના ફેસ પર સ્માઇલ રહ્યું એટલે મંગલે ટકોર કરી લીધી.
ઇલસ્ટ્રેશન
‘હાય, હું મંગલ...’ વૉશરૂમમાંથી હાથ ધોયા વિના જ બહાર આવીને તેણે હાથ લંબાવ્યો, ‘યુ સી, ફૈબાએ નામ તો મંગલ પાડ્યું’તું. આજે પણ મારા બર્થ-સર્ટિફિકેટનું નામ તું વાંચે તો તારી ફાટી જાય. તને એમ જ થાય કે આ સિત્તેર-એંસી વર્ષના કોઈ બુઢ્ઢાનું બર્થ-સર્ટિફિકેટ હશે. એમાં નામ છે મંગલદાસ...’
જરા પૉઝ લઈને તેણે વાત આગળ વધારી.
ADVERTISEMENT
‘આપણે મંગલદાસનું મંગલ કરી નાખ્યું. એકદમ જુનવાણી નામમાંથી આજનું મૉડર્ન નામ...’ મંગલની વાતમાં નિખાલસતા હતી, ‘શું છે, બીજે ક્યાંય સ્ટેટસ મૅચ કરવાની કૅપેસિટી નથી તો નામથી તો સ્ટેટસ મેઇન્ટેન કરી લઉં.’
આનંદે સ્માઇલ કર્યું.
‘હું આનંદ.’
‘અરે વાહ... મસ્ત જોડી થઈ ગઈ આ તો. આનંદ મંગલ.’ મંગળે તરત નામ જોડી દીધું, ‘તને ને મને મળીને લોકોને એવું જ લાગશે, બધું આનંદ મંગલ થઈ ગયું.’
મંગલ ખડખડાટ હસી પડ્યો પણ આનંદના ફેસ પર સ્માઇલ રહ્યું એટલે મંગલે ટકોર કરી લીધી.
‘દોસ્ત હસી લે, હસવા પર દેશમાં હજી GST નથી લગાડ્યો.’
આનંદના રીઍક્શનમાં કોઈ ખાસ ફરક દેખાયો નહીં એટલે મંગલની લવારી ફરી શરૂ થઈ. તે એકધારું બોલ્યા કરતો હતો. તેની વાતો ખૂટતી નહોતી અને વાતો કરતાં-કરતાં વચ્ચે કહ્યા પણ કરે, ‘તું કેમ કંઈ બોલતો નથી, કંઈક તો બોલ, વાતો કર...’
‘તું બ્રેક લેશે તો હું કંઈ બોલીશને?’
કેટલીક સોબતની અસર તરત થઈ જતી હોય છે. આનંદ સાથે રહ્યાને હજી તો માંડ અડધો કલાક થયો હતો ત્યાં તે મંગલ જેવો આઉટ-સ્પોકન થવા માંડ્યો હતો.
‘મારું નામ તો તને કહ્યું આનંદ... આનંદ ભટ્ટ.’
‘ખબર છે. તેં આર્કિટેક્ચરમાં ઍડ્મિશન લીધું છે ને મેં પણ. પહેલાં આ રૂમમાં કોઈ રાજ હતો, તે સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગ કરે છે. તેને મળીને આવ્યો અને કહી પણ આવ્યો કે ફેલ થતો નહીં, પાંચ વર્ષ પછી હું મારો પહેલો પ્રોજેક્ટ તને આપીશ.’
‘કૉન્ફિડન્સ?’
‘ભારોભાર દોસ્ત... બીજું કંઈ આપણી પાસે છે પણ નહીં. તો પછી કૉન્ફિડન્સમાં શું કામ પાછા પડવાનું?’
‘રાઇટ. તું ગુજરાતી છોને...’ આનંદ ચોખવટ કરી, ‘ગુજરાતનો ગુજરાતી?’
‘પૂરેપૂરો ને એય પાછો કાઠિયાવાડી. આફુસની રાહ જોયા વિના કેસર માટે ટળવળે એ કાઠિયાવાડી. કાજુકતરીને પડતી મૂકીને પહેલાં પેંડો ઉપાડે એ કાઠિયાવાડી. બર્ગર પણ લીલી ચટણી નાખીને ખાય એ કાઠિયાવાડી ને પીત્ઝા પર સોસનો ઢગલો કરી દ્યે એ કાઠિયાવાડી...’ મંગલના ચહેરા પર ચમક હતી, ‘કેચપ નહીં, સોસ હોં... સોસ.’
‘તું બહુ બોલે છેને?’
‘લે, તું પહેલો નીકળો જેને હું બહુ બકબક કરતો હોઉં એવો લાગ્યો. બાકી મારી મમ્મી તો કહે છે કે હું બહુ ઓછું બોલું છું...’
‘ને પપ્પા, પપ્પા શું કહે છે?’
ઉત્સાહના ઘૂઘવાતા દરિયા જેવા મંગલમાં આનંદને પહેલી વાર ઓટ દેખાઈ.
‘જો જીવતા હોત તો કદાચ તેણે કીધું હોત, હું... હું તેના જેવું બોલું છું.’ મંગલમાં ફરીથી ઉત્સાહ આવવો શરૂ થઈ ગયો, ‘આવું મારી મમ્મી કહે છે. કહે છે કે હું તેની જેમ વાતુ કરું છું. વાતું પણ તેની જેમ કરું ને સામેવાળાને સમજાવવાનું કામ પણ તેના જેવું કરું. બસ, મારી મમ્મીને એક વાત નથી ગમતી...’
‘કઈ વાત?’
‘યાર મારે ફિલ્મ-રાઇટર બનવું છે ને મમ્મી મને પરાણે ભણાવવા માગે છે.’
દાસ્તાં-એ-મંગલ આગળ વધી.
‘વાતને લાંબી-લાંબી ખેંચવાનો મારામાં આ ગુણ મમ્મીમાંથી આવ્યો છે. કન્ફર્મ મમ્મીમાંથી જ આવ્યો છે.’ મંગલ આનંદ તરફ ફર્યો, ‘તને મેં ઓ’લી ચોરવાળી વાત કરી છે, અમારા ઘરમાં એક વાર ચોર આવ્યો’તો એ?’
નકારમાં ગરદન ધુણાવતાં આનંદે કહ્યું, ‘એ વાત કાલે કરીએ. તું ટ્રાવેલિંગ કરીને આવ્યો છો તો અત્યારે સૂઈ જા. સવારે આમ પણ સાત વાગ્યે કૉલેજ છે.’
‘આ છેલ્લી વાત... છેલ્લી વાત સાંભળી લે. મસ્તીની વાત છે...’ આનંદની પરમિશનની રાહ જોયા વિના જ મંગલે વાત શરૂ કરી દીધી, ‘થયું શું, એક વાર અમારે ત્યાં ઘરમાં ચોર આવ્યો. અમે બધા ઘરમાં અગાસી પર સૂતા હતા ને મમ્મીને પાણીની તરસ લાગી. મમ્મી નીચે ગઈ અને તેની સામે ચોર આવી ગયો. મમ્મીને જોઈને ચોર ભાગી ગયો. મમ્મીએ તો દેકારો બોલાવી દીધો. અમે બધા જાગી ગયા. પપ્પાએ મમ્મીને પૂછ્યું કે શું થયું ને મમ્મીએ ચોરની વાત શરૂ કરી, જે બે કલાક ચાલી. બે કલાક. આખી વાત પૂરી થઈ ત્યારે મારા પપ્પાએ એટલું જ કીધું કે ચોર તને જોઈને ભાગી ગયો. હાર્ડ્લી એક મિનિટ તું ચોર સામે ઊભી રહી ને તો પણ તારી એ એક મિનિટની વાત બે કલાક ચાલી.’
આનંદ હસી પડ્યો. જોકે તેના હસવાની મંગલ પર કોઈ અસર થઈ નહીં. તેણે પોતાનો પક્ષ મૂકી દીધો.
‘આ જે વાતને લાંબી-લાંબી ખેંચવાની સ્ટાઇલ છેને એ મને મમ્મીના DNAમાંથી આવી છે. કન્ફર્મ. અત્યારે તું મને કહે કે હું રૂમમાં આવ્યો અને વૉશરૂમમાં ગયો ત્યાં સુધીની વાત સવાર પડે ત્યાં સુધી ચાલુ રાખ, તો હું રાખી શકું. આપણામાં આ માસ્ટરી કૂટી-કૂટીને ભરી છે.’
‘તારી એ માસ્ટરીનો ઉપયોગ આપણે પછી ક્યારેક કરીએ?’
આનંદને ઊંઘ નહોતી આવતી, ઊલટું તેને મંગલ સાથે વાતો કરવાની મજા આવતી હતી પણ સાથોસાથ તેને એક બ્રેક પણ જોઈતો હતો.
‘અત્યારે સૂઈ જઈએ.’ સૂવા માટે બેડ પર લંબાવ્યા પછી તરત જ આનંદને યાદ આવ્યું, ‘તેં કંઈ ખાધું છે કે નહીં?’
‘અરે હા... થૅન્ક્સ યાર. હું તો ભૂલી જ ગયો’તો કે મારે જમવાનું બાકી છે.’ પોતાની સાથે લાવેલા બે થેલામાંથી એક થેલો ખોલી મંગલે પ્લાસ્ટિકની થેલી કાઢી, ‘મમ્મીએ થેપલાં ભરી દીધાં છે. તને થેપલાં ભાવે? થેપલાં, દહીં ને મેથિયાનો મસાલો. તેં ક્યારેય ટ્રાય કર્યાં છે?’
‘થેપલાં ને દહીં ખાધાં છે પણ આ મેથિયા મસાલો...’
‘અરે, શું તું પણ યાર? નવકાર મંત્ર ને આ મેથિયા મસાલા વિના જૈન જૈન ન કહેવાય. દરેક જૈનના ઘરમાં આ તને મળે જ મળે. સવારના ખાખરા પર ભભરાવીને ખાખરા ખાધા હોય એટલે જલસો પડી જાય.’ મેથિયા મસાલાની કાચની બૉટલ આગળ લંબાવી મંગલે પૂછ્યું, ‘ટ્રાય કરવા જેવો છે, કર... પેરીપેરી મસાલા તો હવે આવ્યો, અમે જૈનોએ તો અમારી જાતે જ સદીઓ પહેલાં આ પેરીપેરી મસાલો બનાવી લીધો છે.’
મંગલની વાત સાચી હતી.
દહીંમાં મેથિયા મસાલો નાખી એને થેપલાં સાથે ખાવામાં મજા આવતી હતી.
પહેલું બટકું, બીજું બટકું અને પછી તરત મંગલે થેપલાંના ભાગ કર્યા.
‘આ ત્રણ થેપલાં તારાં ને આ ત્રણ મારાં...’
‘અરે હું એટલાં નહીં ખાઈ શકું.’ ઇચ્છા દબાવતાં આનંદે કહ્યું, ‘મેં તો આઠ વાગ્યે ડિનર પણ કર્યું.’
‘આઠ વાગ્યેને? અત્યારે જો...’ મંગળે મોબાઇલમાં ટાઇમ દેખાડતાં કહ્યું, ‘અઢી વાગ્યા... હવે તો ભૂખ લાગેને?’
‘તમારા જૈનોમાં તો આ ટાઇમે ખાય નહીંને?’
‘હા, સૂર્યાસ્ત પછી નહીં ખાવાનું. આઠમ અને ચૌદશના દિવસે લીલોતરી નહીં ખાવાની ને ચોમાસામાં...’ મંગલે વાત પડતી મૂકતાં કહ્યું, ‘પપ્પા કહેતા કે તમે કોઈને નડો નહીં એનાથી મોટો કોઈ ધર્મ નથી એટલે પછી મમ્મી મને અમુક બાબતમાં છૂટ આપે અને એ પણ ટ્રાવેલિંગ કે એક્ઝામ ટાઇમે. રૂટીનમાં આવી બધી છૂટ મળે નહીં ને અત્યાર સુધીમાં તો આદત પડી ગઈ છે એટલે એની જરૂર પણ ન પડે.’
થેપલાં પાર્ટી પૂરી થઈ કે પાડોશમાં સંભળાય એવડા મોટા ડકાર સાથે મંગલે જમીન પર જ લંબાવી દીધું. આનંદે તેને બેડ પર સૂવા માટે બહુ આગ્રહ કર્યો પણ મંગલ માન્યો નહીં. રૂમમાં બે બેડ હતા અને મંગલનો બેડ ખાલી રહ્યો. બહુ પૂછ્યું ત્યારે મંગલે કહ્યું, ‘એમાં એવું છે હું આવડા બેડમાં પડી જાઉં છું, શું છે મને આળોટવાની બહુ આદત છે એટલે...’
‘ઓહ, એવું છે...’
વધારે આગ્રહ કર્યા વિના આનંદે પોતાના બેડ પર લંબાવી દીધું. જોકે બીજી રાતનું દૃશ્ય જુદું હતું.
lll
‘અરે, આ બે બેડ ભેગા કોણે કરી નાખ્યા?’
‘મેં... તને આળોટવાની આદત છેને?’ આનંદે કહ્યું, ‘બે બેડ સાથે હશે તો તને આળોટવામાં ઈઝી રહેશે.’
‘ના ભાઈ, હું આળોટીશ ને પછી આખી રાત તને પાટાં મારતો રહીશ.’
‘એવું કરીશ તો હું તને સામે લાત મારી લઈશ.’
‘લાત નહીં, પાટાં...’ મંગલે સ્પષ્ટતા કરી, ‘જાગતા મારીએ એને લાત કહેવાય પણ જો ઊંઘમાં મારીએ તો એને પાટાં કહેવાય...’
‘વૉટેવર... બેચાર દિવસમાં તને સામી એવી પડશે કે તારી આળોટવાની આદત નીકળી જશે.’
‘જોઈએ... મારી આદત નીકળે છે કે તું નીચે જમીન પર સૂતો થઈ જાય છે?’
lll
ખરેખર એવું જ બન્યું.
અઠવાડિયા પછી સવારે મંગલ જાગ્યો અને તેણે જોયું, તકિયો લઈને આનંદ જમીન પર સૂતો હતો.
‘કાં, શું થ્યું? પડી ગ્યો કે જાતે-જાતે નીચે જતો રહ્યો?’
એ દિવસે આનંદની કમાન બરાબરની છટકી ગઈ. તેણે તકિયો ઉપાડીને મંગલના મોઢા પર ફેંક્યો.
‘સાલ્લા, આખી રાત સૂવા નથી દીધો. કોણ આટલા પાટાં મારે?’
‘લાત... તું તો લાત બોલતો’તોને?’
‘તું જાને યાર...’ આનંદનું ફ્રસ્ટ્રેશન અકબંધ રહ્યું, ‘ભાન છે તને, અત્યારે થોડીક વાર માંડ શાંતિથી ઊંઘ આવી ત્યાં તેં મને જગાડી દીધો ને એ પણ આટલા ફાલતુ પ્રશ્ન માટે.’
‘સૉરી, સૉરી... સૂઈ જા...’ મંગલ આનંદના માથા પર હાથ ફેરવવાનું શરૂ કર્યું, ‘ચાલ, હાલરડું ગાઉં, બસ.’
lll
‘થ્રી ઇડિયટ્સ’નો રૅન્ચો યાદ છે?
મંગલ ડિટ્ટો એ રૅન્ચો જેવો હતો.
નિખાલસ, પ્રામાણિક અને જાતને છુપાવ્યા વિના જેવો હતો એવો સામે આવી જનારો. મજાની વાત એ છે કે એવું કરવા માટે મંગલે કોઈ પ્રયાસ નહોતા કરવા પડતા. તેણે પોતાની જાતને ખુલ્લી મૂકી દીધી હતી. જાતને ખુલ્લી મૂકનારાઓએ આડંબરનો ભાર સહન કરવો નથી પડતો અને મંગલની એ જ મજા હતી.
તેની વાતમાં ગંભીરતા ભાગ્યે જ જોવા મળતી. અલબત્ત, જેટલો સમય તે આનંદ સાથે રહ્યો એટલા સમયમાં તો આનંદને તેનામાં કોઈ ગંભીરતા જોવા નહોતી મળતી. મંગલ ઘરે મમ્મી સાથે વાત કરે તો પણ અત્યંત હળવાશ સાથે કરે.
હમણાં તો તેની મમ્મી સાથેની ફોન પર વાતચીત સાંભળીને આનંદ રીતસર હેબતાઈ ગયો હતો.
lll
‘શું તું પણ મમ્મી, એવું થોડું હોય કે આ પહેરાય ને આ ન પહેરાય? તારે બધું પહેરવાનું...’
મંગલનો ફોન સ્પીકર પર હતો એટલે આનંદને પણ વાત સંભળાતી હતી.
‘શું તું પણ લવારી કરે છે?’ મમ્મી બોલી, ‘મુંબઈ જઈને ગાંડો થઈ ગ્યો છો?’
‘થઈ ગ્યો હોઉં તો તારે સહન કરવો પડશે...’ મંગલે ટૉપિક પર આવતાં કહ્યું, ‘તારે જીન્સ પહેરવાનું, એયને મસ્ત રીતે પહેરી લેવાનું. આ વખતે હું રાજકોટ આવું ત્યારે તારી માટે જીન્સ લેવા જશું..’
‘એ મૂક, મને કહે... તારો પેલો ફ્રેન્ડ શું કરે છે આનંદ...’
‘મંગલ હોય તો આનંદ મંગલ જ હોયને!’
‘એને કહેજે રાજકોટ આવે...’
‘ના મમ્મી, એને આપણે ત્યાં નહીં ફાવે.’ મંગલે આનંદ સામે જોઈને કહ્યું, ‘આ ઇલેક્ટ્રિક બ્રશથી તો દાંત સાફ કરે ને રાતે સૂતાં પહેલાં મલ્ટિ-વિટામિનની ગોળીયું ખાય છે. આ લોકોને આપણે ત્યાં ન ફાવે.’
‘ના આન્ટી, એવું નથી.’
ફોનની નજીક જઈને આનંદે જવાબ આપ્યો અને તે પોતાના જ જવાબમાં અટવાયો.
‘જોયું મમ્મી. આ બધી આન્ટી-બાન્ટીવાળી પ્રજા. આપણે ભાઈબંધનાં મમ્મીને શું કહીએ? માસી... ને આ અંગ્રેજો...’ મંગલે ચાલુ ફોને જ આનંદને કહ્યું, ‘તું અત્યારે અમને ડિસ્ટર્બ નહીં કર, અમને અમારી વાત કરી લેવા દે.’
‘બેટા, ફોન સ્પીકર પરથી લઈ લે, મારે તને એક કામની વાત કરવી છે.’
મંગલે સ્પીકર પરથી ફોન હટાવ્યો અને એ પછી આનંદને પહેલી વાર મંગલનું ગંભીર રૂપ જોવા મળ્યું.
વધુ આવતી કાલે

