આનંદે એ જ દિવસે પોતાના મુંબઈના ફ્રેન્ડ્સમાં મેસેજ મોકલી દીધો અને કોઈને પ્રાઇવેટ ટ્યુશન રખાવવું હોય તો કૉન્ટૅક્ટ માટે મંગલનો નંબર પણ આપી દીધો.
ઇલસ્ટ્રેશન
‘યાર, જોને... તારું તો સર્કલ મોટું છે. કોઈનું પ્રાઇવેટ ટ્યુશન મળી જાય તો.’
‘કેમ?’ આનંદે સહજ રીતે પૂછ્યું, ‘તું શું કામ પ્રાઇવેટ ટ્યુશનમાં પડવા માગે છે? તારું ધ્યાન સ્ટડીમાં આપને.’
ADVERTISEMENT
‘એ તો આપીશ જ પણ શું છે... ઘરેથી પૈસા મગાવવામાં હવે સંકોચ થાય છે.’ મંગલે સ્પષ્ટતા કરી, ‘ટ્યુશન હશે તો ઍટ લીસ્ટ બીજો બધો ખર્ચો તો હું મારી જાતે કાઢી લઈશ ને મમ્મી-મામાને ટેન્શન નહીં.’
‘જોઉં...’
આનંદને આમ તો વિશ્વાસ હતો કે મંગલને ટ્યુશન મળવામાં ખાસ વાંધો નહીં આવે. મંગલ ભણવામાં હોશિયાર હતો. ટ્વેલ્થમાં તેને નાઇન્ટી સેવન પર્સન્ટેજ હતા. ડ્રૉઇંગ સારું હતું અને ડિઝાઇન સેન્સ પણ તેની સારી હતી. એના આધારે જ તેને આકિર્ટેક્ચરમાં ઍડ્મિશન મળ્યું હતું.
આનંદે એ જ દિવસે પોતાના મુંબઈના ફ્રેન્ડ્સમાં મેસેજ મોકલી દીધો અને કોઈને પ્રાઇવેટ ટ્યુશન રખાવવું હોય તો કૉન્ટૅક્ટ માટે મંગલનો નંબર પણ આપી દીધો. કલાકમાં જ મંગલનો મેસેજ આવી ગયો.
‘થૅન્ક્સ ભાઈ. બે ટ્યુશન મળી ગયાં.’
lll
‘હી ઇઝ સચ અ જેમ પર્સન...’
સામાન્ય રીતે ફેસ પર વખાણ કરવાનું ટાળતી રાશિએ આજે પોતાનો એ નિયમ તોડી નાખ્યો હતો.
‘મારા ભાઈના ટ્યુશન માટે મંગલ ઘરે આવે છે આનંદ, પણ બીજી કોઈ વાત નહીં. મમ્મી તેને ચાનું પૂછે તો પણ નહીં પીવાની અને કોલ્ડ ડ્રિન્ક આપે તો પણ ના પાડી દે. આજે આઠ મહિના પૂરા થયા પણ આ આઠ મહિનામાં મંગલ ભાઈના રૂમની એક પણ વાર બહાર નથી આવ્યો અને ઘરમાં પાણી સિવાય તેણે કંઈ પીધું નથી. મંગલ જેવો ફ્રેન્ડ મેળવવા માટે આનંદ, સારાં નસીબ જોઈએ જે તારાં છે. મમ્મીએ તને એક વાત કહેવાનું કહ્યું છે.’ રાશિએ કહ્યું, ‘મંગલ તારી લાઇફમાંથી ન જાય, કાયમ માટે અકબંધ રહે એનું તું ધ્યાન રાખજે.’
સ્માઇલ સિવાય આનંદ પાસે આપવા માટે બીજું કંઈ નહોતું.
રાશિ એ પછી શું બોલી એ આનંદને સંભળાયું નહોતું કારણ કે તેના કાનમાં થોડી વાર પહેલાં મળવા આવેલા સતીશ અંકલના શબ્દો ગુંજતા હતા.
lll
‘તારા પપ્પાને આ છોકરો જરા પણ નથી ગમતો અને એ પછી પણ હું તને કહું છું બેટા, મંગલ બહુ ડાહ્યો છે. તેના જેવા ફ્રેન્ડ લાઇફમાં હોય તો લાઇફ સુધરી જાય.’ સતીશ અંકલે કહ્યું હતું, ‘ટ્યુશન માટે અમારા મુંબઈમાં
પંદર-વીસ હજાર રૂપિયા ચૂકવવામાં આવે છે પણ એ જ ટ્યુશન માટે મંગલ ખાલી પાંચ હજાર રૂપિયા લે છે ને તું જો, છ મહિનાથી હું એમ માનું કે તારી આન્ટી તેને ફી ચૂકવી દેતી હશે ને તારી આન્ટી એમ માનતી કે હું ફી આપતો હોઈશ, પણ એ છોકરાએ એક વખત અમને ફી માટે કશું કહ્યું નહીં.’
‘ઓહ...’
‘હા, પેલું જૂના જમાનામાં કહેતાને, સરસ્વતીનો ઉપાસક. આ છોકરો એવો છે.’ અંકલે ખિસ્સામાંથી કવર કાઢ્યું, ‘આ જો, હું તેની એક વર્ષની ફી લઈને આવ્યો. છ મહિનાના જે ચૂકવવાના હતા અને આગળના છ મહિનાના ઍડ્વાન્સ... પણ ઍડ્વાન્સ ફી લેવાની તેણે ના પાડી દીધી. કહી દીધું, હું એમ પૈસા નહીં લઉં. છ મહિનાની ફી તેણે લઈ લીધી, મેં બહુ પ્રેશર કર્યું તો મને મારા જ દીકરાના સમ આપીને કહે છે કે અંકલ, એકસાથે આટલા પૈસા આવ્યા એનો ઉપકાર જ એટલો મોટો છે કે હું તમને કહી નથી શકતો.’
‘એ એવો જ છે અંકલ. તમે ટેન્શન નહીં કરો.’
‘હા પણ ભાઈ, તું એક વાત યાદ રાખજે.’ અંકલના શબ્દો ગોલ્ડન વર્ડ્સ હતા, ‘જેના જીવનમાં ઈશ્વર પોતે હાજરી પુરાવવા માગતા હોય તેના જ નસીબમાં મંગલ જેવો સંબંધ આવે.’
lll
‘ચાલ બકા... પાર્ટી આપ.’
‘શેની પાર્ટી?’ મંગલને યાદ આવી ગયું, ‘ફી આવી એની પાર્ટી?’
‘અફકોર્સ, બીજી કઈ હોય?’
‘પૈસા તો મેં રાજકોટ મોકલી દીધા, પણ હા...’ મંગલનો ઉત્સાહ અકબંધ હતો, ‘પાર્ટી કરવા માટે આપણે તૈયાર છીએ. બોલ શું ખાવું છે, જય હિન્દનું મિસળ કે પછી મીઠીબાઈનાં વડાપાંઉ?’
lll
‘મંગલ, હું સતત જોઉં છું કે તું દિવસે-દિવસે પૈસાની બાબતમાં વધારે ચીકણો થતો જાય છે.’
એવું નહોતું કે મંગલ પૈસા ઉડાડતો રહેતો પણ પૈસા ખર્ચવાની બાબતમાં તે અગાઉ આટલો ચિંગૂસ પણ નહોતો. મલાડથી છેક અંધેરી સુધી ચાલી નાખવું, રવિવારે હૉસ્ટેલમાં ડિનર ન હોય તો રવિવારે એકટાણું કરી નાખવું, જે જીન્સ બે દિવસે પોતે જાતે ધોઈ લેતો એ જ જીન્સ ચાર અને પાંચ દિવસ સુધી ચલાવવું, શાવર લેવામાં શક્ય હોય તો સાબુનો ઉપયોગ ન કરવો. આ અને આવી અનેક વાતો આનંદના ધ્યાનમાં આવી હતી.
‘કંઈ ટેન્શન હોય તો મને કહે, આપણે રસ્તો કાઢીએ.’
‘ના રે, પૈસા બચાવવાના છે ને એનો રસ્તો તો આપણી કાઢી લીધો છે એટલે હવે ટેન્શન કંઈ નથી.’ મંગલે પ્રેમથી કહી દીધું, ‘એકાદ ટ્યુશન હજી મળી જાય તો સાચે જ યાર, કામ થઈ જાય. મેં રાશિને તો કહી રાખ્યું છે. તે પણ શોધે છે, તું પણ જોને?’
‘આવતા વર્ષે આપણી ફાઇનલ છે. તું એમાં વધુ એક ટ્યુશન લેશે?’
‘હાસ્તો. એક કલાકનો તો પ્રશ્ન છે.’
‘ના, એક કલાકનો નહીં...’ આનંદે તર્કબદ્ધ રીતે કહ્યું, ‘એક કલાકનું ટ્યુશન અને એ કલાક માટે એકેક કલાકનું ટ્રાવેલિંગ. કુલ ત્રણ કલાક.’
‘એટલું તો થાયને, સ્વાભાવિક છે.’
‘હા પણ તો પછી સ્ટડી પર ધ્યાન ક્યારે આપીશ?’
‘જો આનંદ, તારી પાસે ચોવીસ કલાક. મારી પાસે ચોવીસ કલાક ને મુકેશ અંબાણી, ગૌતમ અદાણી પાસે પણ ચોવીસ કલાક. સમય આપવાની બાબતમાં ભગવાન બધાની સાથે સરખો જ દયાળુ છે. બસ, ઇમ્પોર્ટન્ટ એટલું કે આપણે આપણને મળતા ચોવીસ કલાકનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ...’
‘એ ફિલોસૉફર... આટલે દૂર જવાની જરૂર નથી.’ આનંદ ઇરિટેટ થઈ ગયો, ‘હું એટલું કહું છું કે તું સ્ટડી માટે પછી સમય ક્યાંથી લઈ આવીશ?’
‘થોડું સૂવાનું ઘટાડી દઈશ, થોડો સ્ક્રીન-ટાઇમ ઘટાડીશ ને બોલવાનું થોડું ઓછું કરી નાખીશ. ટ્રાવેલિંગ દરમ્યાન સ્ટડી કરતો જઈશ.’ તાળી માટે હાથ લંબાવતાં મંગલે કહ્યું, ‘છેને સિમ્પલ!’
‘હવે એક પણ જાતના આડાઅવળા જવાબ નહીં. હું પૂછું એનો સીધો જવાબ.’ આનંદે સહેજ કડકાઈથી કહ્યું, ‘તારે એક્સ્ટ્રા ટ્યુશન શું કામ કરવું છે?’
‘પૈસા માટે.’
‘એટલીબધી પૈસાની જરૂર શું કામ પડી?’ મંગલ ચૂપ રહ્યો એટલે આનંદે કહ્યું, ‘આપણે આઠ મહિનાથી સાથે છીએ મંગલ, અત્યાર સુધીમાં તું ક્યારેય પૈસાની પાછળ નહોતો દોડ્યો. હવે શું કામ તને પૈસાની જરૂર પડી?’
‘છે કારણ...’ મંગલે તરત જ કહ્યું, ‘ઘણાંબધાં કારણ છે, બધાં નહીં કહું. તું કહેતો હો તો અત્યારે જે ઇમ્પોર્ટન્ટ છે એ કારણ કહું...’
‘બધાં કારણ કહે.’ મંગલે નકારમાં મસ્તક ધુણાવ્યું એટલે આનંદે કહ્યું, ‘ઓકે, જે ઇમ્પોર્ટન્ટ છે એ કહી દે.’
‘મામા રિટાયર થયા. હવે તેમને માત્ર પેન્શન જ આવે છે.’ મંગલનો સૂર ધીમે-ધીમે નીચો થવા માંડ્યો, ‘સૅલેરી કરતાં પેન્શન ઓછું હોય એ તો તને ખબર જ છે અને એમાં પણ મામાએ તો પેન્શનમાંથી પણ છ લાખ રૂપિયા મારી ફી માટે ઉપાડી લીધા હતા એટલે એ રીતે પણ તેમને પેન્શન ઓછું આવશે. મામાએ પોતાનું ઘર ચલાવવાનું, અમારું ઘર ચલાવવાનું ને પ્લસ મારા અહીંના ખર્ચાઓ. ઍટ લીસ્ટ હવે હું એવી તો ટ્રાય કરું કે તેમને થોડીક હેલ્પ કરું.’
‘આ એક કારણ થયું, બીજું કારણ...’
‘બસ, આ એક જ કારણ છે.’
મંગલે જવાબ આપ્યો અને બીજી સેકન્ડે જ તેને ઊબકો આવ્યો.
મંગલ સીધો બાથરૂમ તરફ ભાગ્યો.
આનંદ પણ તેની પાછળ દોડ્યો, પણ આનંદ બાથરૂમમાં જાય એ પહેલાં જ મંગલે દરવાજો અંદરથી બંધ કરી દીધો.
વૉમિટ શરૂ કરતાંની સાથે જ મંગલે અંદરથી આનંદને કહ્યું, ‘તારાથી વૉમિટ નથી જોવાતીને... તું બહાર રહે. હું આવું.’
lll
‘હેલો... બેટા, શક્ય હોય તો કાલે તું રાજકોટ આવી જાને?’
રાતે એક વાગ્યે મમ્મીનો ફોન આવ્યો હતો. એ સમયે મંગલ વાંચતો હતો. રાતે રૂમની લાઇટ ચાલુ રહે તો આનંદને ડિસ્ટર્બ થાય એવું ધારીને રોજ મંગલ રૂમની બહાર નીકળીને બહાર પોર્ચમાં બેસીને સ્ટડી કરતો. અધૂરામાં પૂરું પોર્ચમાં પણ કોઈને ડિસ્ટર્બ ન થાય એ માટે મંગલ પોતાનો મોબાઇલ પણ સાયલન્ટ મોડ પર રાખતો.
‘શું થયું મમ્મી?’
મમ્મીના આગળના શબ્દો સાંભળ્યા પછી મંગલના પગમાં તેજી આવી ગઈ અને તેણે તરત જ કહી દીધું, ‘હું અત્યારે જ નીકળું છું મમ્મી, તું ટેન્શન નહીં કર.’
lll
સૉરી ભાઈ,
તને પૂછ્યા વિના તારા પર્સમાંથી પાંચ હજાર રૂપિયા લીધા છે. આવીને પાછા આપી દઈશ. અર્જન્ટ રાજકોટ જવું પડ્યું છે એટલે જાઉં છું. ટેન્શન કરતો નહીં. કદાચ ફોન પર વાત ન થાય તો ચિંતા પણ કરતો નહીં.
તારું ધ્યાન રાખજે.
મળીએ...
lll
સવારે આનંદને રૂમના ટેબલ પરથી ચિઠ્ઠી મળી. મંગલે ચિઠ્ઠીમાં પોતાનું નામ નહોતું લખ્યું પણ અક્ષરો મંગલના જ હતા. પર્સમાં પાંચેક હજાર રૂપિયા હતા. ક્રેડિટ કાર્ડ્સ પણ હતાં અને આનંદના ડ્રૉઅરમાં બીજા પચીસેક હજાર કૅશ હતા પણ મંગલે માત્ર પાંચ હજાર રૂપિયા જ લીધા, જે મંગલની ખાનદાની હતી. જોકે પપ્પાને એમાં પણ મંગલની ચાલ લાગી હતી.
હા, પપ્પા અનાયાસ એ જ સવારે આવી ગયા જે સવારે મંગલ રૂમ છોડીને નીકળી ગયો. પપ્પાના હાથમાં મંગલની ચિઠ્ઠી આવી અને પપ્પાએ પહેલાં હૉસ્ટેલ અને પછી આખી કૉલેજ ગજાવી મૂકી.
lll
‘આ પ્રકારે તમે મારા દીકરાની રૂમમાં ગમે તે માણસ પાર્ટનર બનાવીને આપી દો એ કંઈ રીત થોડી છે? આ તો ઠીક છે, આ છોકરાએ ચોરી કરી ને મારા દીકરાનાં નસીબ સારાં કે તેણે બધું સામે રાખ્યું હતું. બાકી આ છોકરો તો પૈસા માટે મારા છોકરાનું મર્ડર પણ કરી નાખે.’
‘પપ્પા, પ્લીઝ. મંગલ એવો નથી.’
‘તેં દુનિયા જોઈ કે મેં?’ પપ્પાએ તીક્ષ્ણ નજર સાથે આનંદ સામે જોયું, ‘જે વાતમાં સમજણ ન પડે એમાં બહુ બડબડ નહીં કરવાનું.’
‘સર, મેં તમને કહ્યું હતું કે આ રૂમમાં મંગલ શાહ નામનો રાજકોટનો છોકરો રહે છે. એ સમયે તમે...’ ક્લર્કે આજુબાજુમાં જોઈને દબાયેલા અવાજે પપ્પાને કહ્યું, ‘મુંબઈમાં જ હતા પણ તમારી સાથે...’
‘આ વાત તમારે મને ફોનમાં કરવાને બદલે મેસેજથી કહેવાની જરૂર હતી.’ ક્લર્કની વાત કાપતાં પપ્પાએ તુમાખી દેખાડી, ‘મારી મીટિંગ ચાલતી હોય તો મને આવું બધું યાદ ન રહે.’
‘પપ્પા મૂકોને વાત, હું મંગલને ઓળખું છું. આ કોઈ એવી વાત જ નથી.’
‘વાત કેવી છે ને કેવડી છે એની મને તારા કરતાં વધારે ખબર છે.’ પપ્પાએ ક્લર્કની સામે જોયું, ‘મારે આ છોકરા સામે પોલીસ કમ્પ્લેઇન્ટ કરવી છે.’
ક્લર્ક કંઈ કહેવા જતો હતો, પણ પપ્પાએ તેની વાત કાપી નાખી.
‘મેં તમને કહી દીધું... હવે બીજી કોઈ વાત મારે સાંભળવી નથી.’ પપ્પાના ફેસ પર ફર્મનેસ હતી, ‘મૅટર એન્ડ...’
આનંદ ધ્રૂજી ગયો.
પપ્પા જેને ‘મૅટર એન્ડ’ કહેતા હતા એ હકીકતમાં મંગલની ‘કરીઅર એન્ડ’ કરવાની વાત હતી.
(વધુ આવતી કાલે)

