બેટા, તું ચિંતા નહીં કર. તારો બાપ હજી બેઠો છે.’ અમૃતલાલ ભટ્ટનો જીવ તાળવે ચોંટી ગયો હતો, ‘હું, હું તને કંઈ નહીં થવા દઉં
ઇલસ્ટ્રેશન
‘પપ્પા, પ્લીઝ... કંઈક કરો નહીં તો, નહીં તો...’
‘બેટા, તું ચિંતા નહીં કર. તારો બાપ હજી બેઠો છે.’ અમૃતલાલ ભટ્ટનો જીવ તાળવે ચોંટી ગયો હતો, ‘હું, હું તને કંઈ નહીં થવા દઉં.’
ADVERTISEMENT
‘તમે મારી વાત માનો, પોલીસમાં નહીં જતા... આ લોકો મને મૂકશે નહીં.’
‘એ લોકોને જોઈએ છે શું?’ અમૃતલાલે પૂછ્યું, ‘છે કોણ એ લોકો...’
‘ખબર નહીં, પણ તમે... તમે એ લોકોની વાત માનજો...’ ફોન પર વાત કરતાં આનંદે અચાનક ચીસ પાડી, ‘આહ... નહીં, નહીં મારો મને...’
‘આનંદ... આનંદ.’
‘પપ્પા, તમે... તમે...’
આનંદ કંઈ આગળ બોલે એ પહેલાં તેની પાછળથી કરડાકીભર્યો અવાજ આવ્યો.
‘બોલ તેરે બાપ કો, પોલીસ મેં ગયા તો... તૂ ઝિન્દા નહીં બચેગા...’
‘હું, હું પોલીસમાં નહીં જાઉં. ભાઈ, મેં કિસીકો નહીં બતાઉંગા.’ અમૃતલાલ ભટ્ટનો અવાજ તરડાવા માંડ્યો, ‘તુમ લોકો કો જોઈતા ક્યા હૈ?’
‘હેલો... હેલો...’ સામેથી જવાબ આવ્યો નહીં એટલે અમૃતલાલે પૂછ્યું, ‘હેલો, નેટવર્ક હૈ... હેલો...’
ખટ...
સામેથી ફોન કટ થઈ ગયો અને અમૃતલાલ મોબાઇલને તાકતા બેસી રહ્યા. તેમનો શ્વાસ અધ્ધર થઈ ગયો હતો. એકના એક દીકરાને મુંબઈમાંથી કોઈએ કિડનૅપ કરી લીધો હતો અને પોતે અમદાવાદમાં સાવ લાચાર અવસ્થામાં બેઠા હતા.
હવે કરવું શું?
જો પોલીસને જાણ કરે તો દીકરાના જીવને જોખમ હતું અને પોલીસમાં જાણ ન કરે તો નિરાંતે બેસી શકાય એમ નહોતું.
કરવું શું?
‘આ બધું પેલા મંગલના કારણે થયું.’ અમૃતલાલનું ફ્રસ્ટ્રેશન બહાર આવી ગયું, ‘તેને પકડાવ્યો ને ચોવીસ કલાકમાં મારો છોકરો ગુમ થયો...’
પપ્પાનું અનુમાન અને ગણિત સાચાં હતાં.
lll
પાંચ હજાર રૂપિયાની ચોરીના કેસમાં પપ્પાએ મંગલ વિરુદ્ધ પોલીસ-ફરિયાદ કરી અને પોલીસે રાજકોટ ગયેલા મંગલની અરેસ્ટ કરી. અલબત્ત, મુંબઈ પોલીસને તો આ કેસમાં કંઈ રસ નહોતો પણ રાજકોટ પોલીસમાં વગ વાપરીને પપ્પાએ મંગલને બરાબરનો ફસાવી દીધો.
‘ખબર પડી? તારા ભાઈબંધ પાસેથી ગાંજો મળ્યો.’
‘ઇમ્પૉસિબલ પપ્પા...’
આનંદ કહી શક્યો નહીં કે પોતે ક્યારેક-ક્યારેક સિગારેટ પીએ છે એમાંથી એક પફ લેવા પણ મંગલ તૈયાર નથી થતો ત્યારે ગાંજો?
‘મંગલ એવો છોકરો નથી પપ્પા, તમને કંઈક ગેરસમજણ છે. તે બહુ સીધો છે.’
‘આવા સીધા છોકરાઓને હું બહુ સારી રીતે ઓળખું છું.’ પપ્પાએ રુઆબ સાથે કહ્યું, ‘આ છોકરાની છઠ્ઠી પણ જાણી લીધી છે. બધેબધું હવે મને ખબર છે... પાડ માન મહાદેવનો કે તું તેની ચુંગલમાંથી નીકળી ગયો.’
lll
રાજકોટ પોલીસ આવીને રૂમનું ચેકિંગ કરવા લાગી. ચેકિંગ માટે પોલીસ આવી ત્યારે પપ્પા પણ ખાસ અમદાવાદથી રાજકોટ આવ્યા અને બન્ને વચ્ચે લાંબો સમય સુધી ખૂણામાં ગુફ્તગો પણ થઈ.
‘ખબર છે જાડેજા સાહેબ શું વાત કરતા હતા?’ પપ્પાએ જ ફોડ પાડ્યો, ‘મંગલના ડ્રૉઅરમાંથી ડ્રગ્સ મળ્યું એનું શું કરવું? મેં જ એ લોકોને સમજાવ્યા કે રૂમમાં મારો દીકરો તેની સાથે હતો એટલે બીજું કંઈ નથી કરવું, નહીં તો મારો દીકરો વધારે બદનામ થશે.’
‘પપ્પા, આ બધું ખોટું છે.’
‘બોલો, બધું આંખ સામે છે, કહેનારો સગો બાપ છે ને એ પછી પણ આ માણસને વિશ્વાસ નથી આવતો. આને કહેવાય આંધળો વિશ્વાસ. તું એ મંગલિયા ઉપર ખોટો ભરોસો રાખીને બેસી રહ્યો ને એ છોકરો અહીં પોતાનું કારસ્તાન કરતો રહ્યો.’
lll
ત્રીજા દિવસે તો કૉલેજના ચાર છોકરાઓ પણ સામે આવી ગયા. તેમણે પોલીસમાં સ્ટેટમેન્ટ આપ્યું કે મંગલ પાસેથી એ લોકો ડ્રગ્સ ખરીદતા હતા.
lll
‘આનંદ, કંઈક કર. મંગલ આવો હોય જ નહીં.’ રાશિની આંખમાં આંસુ હતાં, ‘જો આનંદ આપણે કંઈ નહીં કરીએ તો સાચે જ મંગલ લાંબા સમય માટે જેલમાં જશે. તેની કરીઅર તો હવે ખતમ થઈ ગઈ છે પણ જો જેલમાં ગયો તો તેની લાઇફ પણ ખરાબ થઈ જશે. પ્લીઝ આનંદ, તને મંગલ પર વિશ્વાસ...’
‘મારા કરતાં પણ વધારે વિશ્વાસ મને મંગલ પર છે રાશિ...’
‘તો પ્લીઝ, કંઈ કર. બીજા કોઈ માટે નહીં તો મારા માટે...’
‘એટલે?’
આનંદની આંખોમાં આવેલા સરપ્રાઇઝને સમાવતાં રાશિએ કહ્યું, ‘હું, હું ને મંગલ એકબીજાને... પ્લીઝ આનંદ, તેને છોડાવ. તે આવું બધું ન કરે.’
‘મને ખબર છે રાશિ, પણ પપ્પા વાત સમજવા તૈયાર નથી.’ આનંદની આંખોમાં શૂન્યાવકાશ હતો, ‘હવે જો મંગલને આમાંથી બહાર લાવવો હોય તો એક રસ્તો છે.’
‘કોઈ પણ રસ્તો હોય પ્લીઝ, તું મંગલને છોડાવ...’ રાશિએ કહ્યું, ‘મારે કંઈ કરવાનું હોય તો પણ હું તૈયાર છું.’
‘કરવાનું તારે છે ને મારી સાથે કરવાનું છે.’
આજુબાજુમાં જોઈને આનંદે રાશિના કાનમાં શબ્દો રેડ્યા. જેમ-જેમ શબ્દો રાશિના મન સુધી પહોંચતા ગયા એમ-એમ રાશિના ચહેરા પર ભૂતાવળ પ્રસરવા માંડી.
‘આર યુ મૅડ?’ રાશિનો અવાજ ફાટી ગયો હતો, ‘જો આપણે પકડાયાં તો...’
‘તો તારે મારું નામ આપી દેવાનું.’ આનંદે આત્મવિશ્વાસ સાથે કહ્યું, ‘હું જ તો તને કહું છું, તારે આ કરવાનું છે અને રાશિ, તને બધી જગ્યાએ મારો સપોર્ટ છે. તારે બસ, મને સપોર્ટ કરવાનો છે.’
‘આનંદ, મંગલને છોડાવવા જતાં ક્યાંક આપણે તો...’
‘કંઈ નહીં થાય... ગૅરન્ટી.’ આનંદે દૃઢતા સાથે કહ્યું, ‘હું મારા બાપને ઓળખું છું. એક નંબરનો ફટ્ટુ છે.’
રાશિ ચૂપ રહી એટલે આનંદે તેની સહમતી ગણીને કહી દીધું, ‘આજે રાતે અગિયાર વાગ્યે રસરાજ રેસ્ટોરાંની સામેની જે સ્ટ્રીટ છે ત્યાં... રાઇટ?’
હોઠ ભીડી રાશિએ હકારમાં ગરદન ઝુકાવી અને ‘ઑપરેશન મંગલ’ શરૂ થયું. જોકે આ ઑપરેશનમાં અમૃતલાલ ભટ્ટ એક્સપોઝ થશે એની આનંદ કે રાશિને ખબર નહોતી.
lll
દીકરાનો મોબાઇલ સ્વિચ્ડ ઑફ અને દીકરો હૉસ્ટેલની રૂમ પર પણ પહોંચ્યો નથી.
અમૃતલાલ ભટ્ટનું બ્લડપ્રેશર ઊંચકવા માટે આ બે વાત પૂરતી હતી.
અમૃતલાલ ભટ્ટ બધાં કામ પડતાં મૂકીને મુંબઈ આવવા રવાના થવાની તૈયારીમાં હતા ત્યાં જ તેમને ફોન આવ્યો.
‘અમદાવાદ છોડીને ક્યાંય પણ જશો તો તમારો દીકરો જીવતો નહીં રહે.’
‘તમે... તમે કોણ બોલો છો?’
‘તારો બાપ...’ રાશિના ઘાટી ફ્રેન્ડની ટપોરી લૅન્ગ્વેજ પહેલી વાર સાચી દિશામાં કામ લાગી, ‘માઈલા... કહું એટલું કર. જો અમદાવાદના તારા ઘરની બહાર નીકળ્યો તો સમજી લેજે આનંદનો આ છેલ્લો દિવસ.’
lll
‘આનંદ, તારા પપ્પા આપણી પાસે ખોટું બોલીને મુંબઈ આવી જશે તો?’
રાશિના ફેસ પર ટેન્શન હતું અને હોય પણ શું કામ નહીં? મંગલને છોડાવવા માટે આનંદે પોતાના જ કિડનૅપિંગનો પ્લાન બનાવ્યો અને એ પ્લાન અમલમાં પણ મુકાઈ ગયો હતો. મોબાઇલ લોકેશન શોધવામાં આવે તો વિલે પાર્લેની રસરાજ રેસ્ટોરાંનું છેલ્લું લોકેશન મળે એવા હેતુથી આનંદે રેસ્ટોરાંમાં જમીને પોતાનો મોબાઇલ સ્વિચ્ડ ઑફ કરી દીધો હતો. જોકે મોબાઇલ સ્વિચ્ડ ઑફ કરતાં પહેલાં તેણે જરૂરી એવી ઘરના CCTV કૅમેરાની ઍપ લૅપટૉપમાં લઈ લીધી હતી.
‘આ બેઠા જો પપ્પા...’ લૅપટૉપમાં અમદાવાદના ઘરના CCTV કૅમેરા ચાલુ કરતાં આનંદે કહ્યું, ‘હવે આપણે અહીં બેઠાં પપ્પા પર નજર રાખીશું ને પપ્પાની બધી વાત પણ સાંભળીશું...’
રાશિની આંખમાં પહેલી વાર આંસુ આવ્યાં.
તેની આંખ સામે એક એવી દોસ્તી આકાર લેતી હતી જેમાં એક ભાઈબંધ માટે બીજો ભાઈબંધ પોતાના જ સગા બાપને ફસાવવાનું કામ કરતો હતો.
lll
‘પપ્પા, પ્લીઝ... આ લોકોને જે જોઈએ એ આપી દો...’
રાશિ અને રાશિના નાનપણના બન્ને ફ્રેન્ડ્સ સામે બેઠાં હતાં અને આનંદે એવી રીતે અમૃતલાલ ભટ્ટને ફોન કર્યો હતો જાણે તેને ઍક્સિડન્ટ્લી ફોન કરવા મળી ગયો હોય.
‘અત્યારે એ લોકો ક્યાં છે?’
‘અહીં જ છે. મારા હાથમાં ફોન આવી ગયો એટલે મેં ફોન કરી દીધો.’ આનંદે અવાજ અને આરોહ-અવરોહમાં ગભરાટ ભરી દીધા હતા, ‘પપ્પા બહુ ખતરનાક લોકો છે. કદાચ બેચાર કરોડ માગશે.’
‘અરે ભલે માગે. તું એની ફિકર નહીં કર. બસ એ લોકો ડિમાન્ડ કરે એટલી વાર... પણ બેટા... તું... તું તારું ધ્યાન રાખજે. મારો એકનો એક દીકરો છો તું...’
‘પપ્પા, તમે, તમે મારી ચિંતા નહીં કરો.’ આનંદે અવાજમાં આંસુ ભર્યાં, ‘મને પપ્પા, તમારી પાસે આવવું છે. મારે અહીં નથી રહેવું પપ્પા...’
‘હા બેટા... હવે, હવે તું અમદાવાદ આવી જજે.’ પપ્પાએ કહ્યું, ‘પરીક્ષા આપવા જા ત્યારે પણ હવે તારે હૉસ્ટેલમાં નથી રહેવાનું, તું આપણા ફ્લૅટમાં રહેવા જતો રહેજે.’
હું અત્યારે પણ આપણા ફ્લૅટમાં જ છું પપ્પા.
સ્માઇલ સાથે આનંદે ફ્લૅટના હૉલમાં નજર કરી અને ત્યાં જ પપ્પાનો અવાજ ફોનમાં સંભળાયો.
‘બેટા, આ લોકો ડિમાન્ડ ક્યારે કરશે?’ પપ્પાએ ગણતરી સાથે કહ્યું, ‘તને કિડનૅપ કર્યાને બે દિવસ થઈ ગયા.’
‘આજે... કદાચ હમણાં... એ લોકો ફૉરેનના લાગે છે, બે જણ તો કઈ ભાષા બોલે છે એ પણ ખબર નથી પડતી.’ જાણે કોઈ આવ્યું હોય એમ આનંદે કહ્યું, ‘ફોન મૂકું છું. એ લોકો આવતા લાગે છે.’
lll
‘જાડેજા, તને એક નંબર મોકલ્યો છે. તપાસ કર, આ નંબર ક્યાંનો છે.’
પપ્પાએ રાજકોટમાં ડ્યુટી કરતા ઇન્સ્પેક્ટર જાડેજાને ફોન કર્યો ત્યારે તેને ખબર નહોતી કે તેની આ વાત સાંભળીને મુંબઈમાં બેઠેલા તેના દીકરા અને તેની ટોળકીના ચહેરા પર સ્માઇલ આવી ગયું છે.
‘ડાર્ક વેબ પરથી ઇન્ટરનેટ કૉલિંગનો આ ઍડ્વાન્ટેજ.’ રાશિની સામે જોતાં આનંદે કહ્યું, ‘પેલી ખાખી આઇટમને જ્યૉર્જિયાની ટ્રીયો ડાન્સ ક્લબનો નંબર મળશે, આ ક્લબ મેક્સિકન માફિયાની છે. પેલા માફિયાની હિસ્ટરી મળશે તો પપ્પા અને એના ચમચા એવા પેલા ખાખીની ડબલ ફાટી જશે.’
lll
‘સર, તમે જે નંબર આપ્યો છે એ તો લિયોનાર્ડો દા વિન્ચીનો નંબર છે...’ ઇન્સ્પેક્ટર જાડેજાએ દબાયેલા અવાજે કહ્યું, ‘ઇન્ડિયામાં મૅક્સિમમ ડ્રગ્સ આ માણસ સપ્લાય કરે છે... સર, નક્કી પેલા મંગળિયા સાથે કનેક્શન હશે.’
‘મંગળિયાવાળી, તને ને મને બન્નેને ખબર છે કે મંગલ પાસેથી કંઈ મળ્યું નહોતું. જો તેની પાસે કંઈ હતું જ નહીં તો પછી આ તારા લિન્ડા-બિન્ડા સાથે તેને શું લેવાદેવા?’
પપ્પા બરાબર અકળાયા હતા.
‘ફોન મૂક...’
CCTV કૅમેરામાં આ દૃશ્ય જોઈને રાશિની આંખમાં આંસુ આવી ગયાં હતાં તો આનંદના ચહેરા પર સ્માઇલ. આનંદના મોઢામાંથી શબ્દો સરી ગયા હતાઃ ‘અબ આયા ઊંટ પહાડ કે નીચે...’
lll
‘હાય પપ્પા, આ લોકોએ ડિમાન્ડ મૂકી છે...’ આનંદે ફોન પર કહ્યું, ‘કહે છે કે એ લોકોનું અહીં જે કામ સંભાળે છે એ મંગલને ચોવીસ કલાકમાં છોડાવો. જો તમે તેને નહીં છોડાવો તો એ લોકો મને... પપ્પા, મને આ લોકો મારી નાખશે. પ્લીઝ પપ્પા, મંગલને છોડાવો નહીં તો આ લોકો...’
આહ...
જાણે કે માર પડ્યો હોય એવી ચીસ સાથે આનંદે ફોન કાપી આંખ લૅપટૉપ પર દેખાતા ઘર પર સ્થિર કરી. ફ્રસ્ટ્રેટ થઈને પપ્પાએ મોબાઇલનો સોફા પર ઘા કર્યો હતો.
(ક્રમશ:)

