કસ્ટડીમાંથી પહેલાં જામીન આપવામાં આવ્યા અને મંગલ બહાર આવ્યો. ત્રણ મહિનામાં તો મંગલ કોર્ટમાંથી પણ નિર્દોષ છૂટી ગયો.
ઇલસ્ટ્રેશન
‘મને એ નથી સમજાતું મંગલ કે મારા પપ્પા શું કામ આ હદે તારી પાછળ પડી ગયા?’
કસ્ટડીમાંથી પહેલાં જામીન આપવામાં આવ્યા અને મંગલ બહાર આવ્યો. ત્રણ મહિનામાં તો મંગલ કોર્ટમાંથી પણ નિર્દોષ છૂટી ગયો. પપ્પાએ તેમનું બોલેલું પાળ્યું અને એ પછી પણ આનંદના મનમાંથી પપ્પાનું વર્તન જતું નહોતું. પપ્પાનું હરામીપણું તેણે સગી આંખે જોયું હતું તો એ પણ જોયું હતું કે પપ્પાને પૈસો બહુ વહાલો હતો. જોકે એ પછી પણ પપ્પાએ આનંદના અગાઉના કોઈ ફ્રેન્ડ્સ સાથે આવું કિન્નાખોરીવાળું વર્તન નહોતું કર્યું. આ વખતે પહેલી વખત મંગલના કિસ્સામાં તેણે પપ્પાનું આવું બેહૂદું વર્તન જોયું હતું, જે આનંદના મનમાંથી જતું નહોતું.
ADVERTISEMENT
કસ્ટડીમાંથી બહાર આવેલા મંગલને મળવાની આનંદે બહુ કોશિશ કરી હતી પણ મંગલ તેને મળતો નહોતો. થૅન્ક્સ ટુ રાશિ કે તેણે મંગલને સમજાવ્યો અને આનંદને મળવા માટે મંગલ તૈયાર થયો.
lll
‘જો, મારા પપ્પાને હું ઓળખું છું. તેણે તારી સાથે શું કર્યું એ પણ મેં જોયું અને પપ્પા સાવ ખોટા હતા એટલે જ તને છોડાવવા માટે મેં રાશિને સાથ આપ્યો.’ આનંદે મંગલને કહ્યું હતું, ‘મંગલ, કંઈક તો એવું છે જેને લીધે મારા પપ્પાને તમારા પર વધારે પડતું ખુન્નસ છે. આ ઇન્સિડન્ટ પછી પપ્પાએ મારી કૉલેજ બંધ કરાવી દીધી. હવે મુંબઈના નામથી તે ધ્રૂજી જાય છે ને એટલે તો હું સુરતનું ખોટું બોલીને તને મળવા મુંબઈ આવ્યો.’
‘આપણે બીજી વાત કરીએ?’ મંગલ આનંદની સાથે આંખ પણ નહોતો મિલાવતો, ‘બાય ધ વે, થૅન્ક્સ તેં રાશિને હેલ્પ કરી.’
વહેતી હવા જેવો ઉત્સાહી મંગલ પોલીસ-કસ્ટડીમાંથી બહાર આવ્યા પછી ધીરગંભીર થઈ ગયો હતો.
‘મને વાત કરને મંગલ, પ્લીઝ... પપ્પાએ શું કામ તારી સાથે આવું કર્યું? તને આઇડિયા છે કે પપ્પા શું કામ તને ફસાવવા...’
‘તારો બાપ ખુલ્લો ન પડી જાય એટલે...’
મંગલના શબ્દોએ આનંદની બોલતી બંધ કરી તો આગળની વાતોએ તેને જડ કરી દીધો.
‘હા, તારા બાપને હતું કે તેનો ભાંડો ફૂટી જશે એટલે હું ને તું ક્યારેય મળીએ નહીં એ માટે મને ફસાવી દીધો.’
‘કયો ભાંડો... તું શું બોલે છે મંગલ, મને નથી સમજાતું.’
‘મેં તને કહ્યું’તુંને કે હું બાર વર્ષનો હતો ત્યારે જ મારા પપ્પા ગુજરી ગયા.’
‘હા, યાદ છે.’
‘મારા પપ્પાનું નૅચરલ ડેથ નહોતું.’ મંગલની આંખો તગતગવા માંડી હતી, ‘મારા પપ્પાએ સુસાઇડ કર્યું’તું, તારા પપ્પાને કારણે.’
‘વૉટ?!’
આનંદનો અવાજ ફાટી ગયો.
lll
‘અરે વાહ અમૃતલાલ.’ મીઠાઈના બે બૉક્સને સ્પર્શ કરતાં જયવદનભાઈએ કહ્યું, ‘બસ, મેં પ્રસાદી લઈ લીધી, હવે બહાર સ્ટાફ વચ્ચે મીઠાઈ વહેંચી દો.’
‘અરે સર, બે બૉક્સ છે. એકમાં સ્ટાફ ખાશે. એક તમે ઘરે લેતા જાઓ.’
‘ના, અમૃતલાલ. એવું ન
કરવાનું હોય.’
‘ક્લાયન્ટ રાજી થઈને આપે એમાં શું આવું રાખવાનું સર?’
‘હા પણ લોન આપવી એ બૅન્કનું કામ છે. મેં થોડા મારા ઘરમાંથી તેને પૈસા આપ્યા છે? એ માણસને ફ્લૅટ લેવા માટે લોન જોઈતી હતી, લોન માટે લાયક હતો. બૅન્કે લોન આપીને બિઝનેસ કર્યો. બન્નેની જરૂરિયાત હતી, બન્નેને કામ કરવું હતું. વાત પૂરી.’
‘એટલે જ કહું છું સર, મીઠાઈ રાખો. કાલે જન્માષ્ટમી છે. ભાભી ખુશ થશે.’
‘હકનું હોય એને ખુશી કહેવાય. વણહકનું લાંચ ગણાય.’ જયવદનભાઈના ચહેરા પર પ્રામાણિકતાની ખુમારી હતી, ‘મીઠાઈ લીધી એ પણ મને ગમ્યું નથી પણ ઠીક છે. એને હું પ્રેમ ગણી લઉં. સ્ટાફ મીઠાઈ ખાશે તો પ્રેમ મારા સુધી પહોંચી જશે.’
જયવદને ફાઇલ હાથમાં લીધી. અમૃતલાલ ભટ્ટ હજી પણ સામે ઊભા છે એનો તેમને અણસાર હતો એટલે તેમણે કડક શબ્દોમાં કહ્યું, ‘ચાલો, હવે કામ પર લાગો. આપણે બૅન્કનો સમય બગાડીએ છીએ.’
lll
‘કોણ છે?’
શર્ટનાં બટન બંધ કરતાં જયવદનભાઈ બહાર આવ્યા.
સામે વાઇફ ઊભી હતી અને દરવાજે ત્રણ ઑફિસર હતા.
‘ઍન્ટિ-કરપ્શન બ્યુરોમાંથી આવીએ છીએ.’ એક ઑફિસરે કહ્યું, ‘તમારા ટિફિનની બૅગ ક્યાં?’
‘આ રહી.’ કિચન તરફ ઇશારો કરતાં જયવદનભાઈએ કહ્યું, ‘જયશ્રી, હવે બૅગને હાથ નહીં લગાડતી.’
એક ઑફિસર આગળ વધ્યો અને તેણે ટિફિનની બૅગમાં હાથ નાખી અંદરથી બૉક્સ કાઢ્યું. બૉક્સ મીઠાઈનું હતું, એ જ બૉક્સ જે બૅન્કમાં અમૃતલાલ ભટ્ટ લઈને આવ્યા હતા.
‘એમાં મીઠાઈ છે સાહેબ. અમારા અસિસ્ટન્ટ મૅનેજરને ના પાડી તો પણ...’
જયવદન શાહનું વાક્ય પૂરું થાય એ પહેલાં મીઠાઈનું બૉક્સ ખૂલી ગયું હતું. બૉક્સમાં મીઠાઈ નહીં પણ હજાર-હજારની નોટની થપ્પીઓ હતી. જયવદન શાહની આંખો ફાટી ગઈ હતી અને મંગલની આંખો ઑફિસરની પાછળ ઊભેલા અમૃતલાલ ભટ્ટ પર સ્થિર થઈ ગઈ હતી. અમૃતલાલ ભટ્ટના ચહેરા પર ખુન્નસભર્યું સ્મિત હતું.
‘સાલ્લો, એકેક પેપર ચેક કરે છે. હવે જા જેલમાં, ત્યાં એકેક ઈંટ ચેક કરજે.’
lll
‘એટલે તારા પપ્પા સૌરાષ્ટ્ર...’
‘હા, સૌરાષ્ટ્ર મર્કન્ટાઇલ બૅન્કના જનરલ મૅનેજર હતા ને તારો બાપ એ બૅન્કમાં અસિસ્ટન્ટ મૅનેજર હતો. અગાઉના મૅનેજર સાથે તેનું સેટિંગ હતું. બન્ને સાથે મળીને એ જ લોન પાસ કરતા જેમાં તેમને કટ મળતો હોય.’ મંગલે કહ્યું, ‘કટ મળતો હોય તો પૂરા પેપર્સ વિનાની ફાઇલ પણ એ લોકો પાસ કરી દેતા હતા. અત્યારે કમ્પ્યુટરાઇઝેશનને કારણે મોટા ભાગની વાત ક્લિયર થઈ જાય છે પણ એ સમયમાં કમ્પ્યુટર નહોતાં એટલે વ્યક્તિગત રીતે ફાઇલ ચેક થતી અને લોન આપવામાં આવતી.’
‘પછી, પછી શું થયું?’
‘તારા બાપે આગળના મૅનેજર સાથે મળીને બૅન્કમાં થયેલા ગોટાળાના બધા કેસ મારા પપ્પા પર ઢોળી દીધા. પપ્પા ક્યારેય પ્રામાણિકતા છોડી ન શકે. સવારે ઊઠતાંવેંત જે માણસનો દિવસ ભક્તામર સ્તોત્રથી શરૂ થતો હોય અને રાતે સૂતી વખતે નૉન-સ્ટૉપ નવકારમંત્રના પાઠ કરતો હોય એ માણસ તો કેસ ચાલુ હતો એ જ વખતે મરી ગયો. બસ, તેણે સુસાઇડ બાકી રાખ્યું’તું.’
‘એ... ક્યારે...’
‘મમ્મી હૉસ્પિટલમાં હતી ત્યારે...’ મંગલની આંખ સામે ફરી ભૂતકાળ આવી ગયો, ‘મમ્મીને ગર્ભાશયમાં ગાંઠ નીકળી એટલે સર્જરી વખતે પપ્પાને ત્રણ દિવસના જામીન મળ્યા. મમ્મીની સર્જરી પૂરી થઈ, તેને ઘરે લાવ્યા પછી એક રાતે પપ્પા ઘરેથી નીકળી ગયા અને બીજા દિવસે સવારે... ટ્રેન નીચે કપાયેલા પપ્પા મળ્યા. પપ્પાના પાંચ ટુકડા...’
મંગલ રડી પડ્યો.
રાશિની આંખો પણ ભીની હતી અને આનંદની આંખો, આનંદની આંખોમાં ખુન્નસ પ્રસરી ગયું હતું. જોકે હજી તેને ઘણી વાતો જાણવાનું બાકી હતું.
lll
‘તું રાતોરાત રાજકોટ શું કામ ગયો?’
‘મમ્મીને કૅન્સર આવ્યું એટલે.’ આંસુ લૂછતાં મંગલે કહ્યું, ‘મામા તો નહોતા ઇચ્છતા કે મમ્મી મને આ વાત કરે, પણ મમ્મીથી રહેવાયું નહીં એટલે તેણે મને વાત કરી. મમ્મીના રિપોર્ટ્સ ચાલુ હતા, જે એ લોકો મને મોકલતા ને હું એ રિપોર્ટ ગૂગલ પર ચેક કરતો એટલે મને અણસાર હતો; પણ મને હતું કે કદાચ શરૂઆતના સ્ટેજનું કૅન્સર હશે પણ એવું નહોતું, મમ્મી કૅન્સરનું સેકન્ડ સ્ટેજ ક્રૉસ કરવાની તૈયારીમાં હતું.’
‘ઓહ...’
‘રાજકોટ જઈને હું કંઈ કરું એ પહેલાં જ પોલીસે મારી અરેસ્ટ કરી અને પછી તને બધી ખબર છે.’
lll
‘આનંદ, આ શું છે?’ પપ્પાનો અવાજ તરડાયેલો હતો, ‘હમણાં મને ખબર પડી કે તેં ખાતામાંથી ૧૪ લાખ રૂપિયા ઉપાડી લીધા છે.’
‘ના, બાવીસ લાખ. આજે ઉપાડ્યા એ આઠ લાખનો મેસેજ હવે આવશે.’
‘ક્યાં વપરાય છે આ પૈસા, મને કંઈક તો ખબર પડે.’
‘તમારાં પાપ ધોવામાં...’
તાતા કૅન્સર હૉસ્પિટલના સ્પેશ્યલ રૂમમાં એન્ટર થતાં પહેલાં આનંદે મોબાઇલ સ્વિચ્ડ ઑફ કરી દીધો.
lll
‘મૉરલ ઑફ ધ સ્ટોરી, લાઇફમાં ક્યારેય પૈસા પાછળ ભાગવાનું નહીં...’
શ્વેતા અને શ્રુતિ નામની ટ્વિન્સને સુવાડતાં પપ્પા આનંદ જ્યોતિ ભટ્ટે કહ્યું.
‘સ્વર્ગ કે નર્ક ઉપર છે જ નહીં, બધું અહીં જ છે. જો આનંદને મંગલ મળ્યો ન હોત તો આનંદને ક્યારેય તેના પપ્પાએ કરેલા ખોટા કામની ખબર ન પડી હોત.’
દીકરીઓના માથે હાથ પપ્પાએ હાથ ફેરવ્યો, ‘જો તેને ખબર ન પડી હોત તો તે એવું જ માનતો હોત કે તેના પપ્પા જેવા કોઈ માણસ નથી, પણ ભગવાન ઇચ્છતા હતા કે આનંદની સામે બધી વાત આવે અને એ બધી વાત લઈ આવવા માટે ભગવાને આખો સ્ક્રીનપ્લે બનાવ્યો અને એ સ્ક્રીનપ્લેમાં રાજ ત્રિપાઠીની જગ્યાએ તેમણે મંગલને મૂકી દીધો.’
‘પછી શું થયું?’
‘કંઈ નહીં, આનંદ મંગલ સાથે વાર્તા પૂરી.’
‘પપ્પા, પછી આનંદ અને મંગલ ફરી ક્યારેય મળ્યા કે પછી કોઈ દિવસ મળ્યા નહીં?’
‘મળ્યાને, આજે પણ મળે છે. રોજ મળે છે અને રોજ આનંદ મંગલને સૉરી પણ કહે છે.’ પપ્પાની આંખો સહેજ ભીની થઈ, ‘એ સૉરી જેની અપેક્ષા મંગલ ક્યારેય રાખતો નથી અને એટલે હવે તે સૉરી સામે કંઈ બોલતો પણ નથી.’
‘આ ટ્રૂ સ્ટોરી હતી પપ્પા?’
‘હંમ...’ સહેજ વિચારી પપ્પાએ જવાબ આપ્યો, ‘હા, આ ટ્રૂ સ્ટોરી છે.’
‘તમે મંગલને ઓળખો છો?’
‘અનફૉર્ચ્યુનેટલી, હા...’
‘તો-તો પપ્પા, અમને છેને એક વાર મંગલને મેળવજો. અમે તેને સૉરી કહીશું ને કહીશું કે તમારા પપ્પા ક્યાંય નથી ગયા. તમારી સાથે જ છે.’
‘ચાલો, અત્યારે સૂવા માટે ભાગો.’ આનંદના ફેસ પર સ્માઇલ હતું, ‘નહીં તો સવારે એમડી અંકલ મારા પર ગુસ્સો કરશે કે હું તમને રાતે વધારે જગાડું છું.’
‘અંકલ આવી ગયા?’
ડ્રાઇવર MD અંકલનું નામ પડતાં શ્વેતા અને શ્રુતિ બન્નેના ફેસ ચહેરા પર સિનેમાસ્કોપ સાઇઝની ખુશી પ્રસરી ગઈ.
MD અંકલ તેમના માટે માત્ર ડ્રાઇવર નહીં, મમ્મી પણ હતા ને તેમના બેસ્ટ ફ્રેન્ડ પણ હતા.
lll
‘મંગલ, ક્યાં સુધી આ MD નામ સાથે મારે તને સાથે રાખવાનો છે?’
‘ત્યાં સુધી જ્યાં સુધી મારો આર્કિટેક્ટ ફ્રેન્ડ પદ્મશ્રી લઈ ન આવે.’ મંગલે કૅપ સરખી કરી, ‘આનંદ, જીવનમાં કેટલીક વાતો એવી હોય જેને ભૂલી જવાની હોય. જો તમે એને ભૂલો નહીં તો એ નાસૂર બનીને તમને ભોંકાયા કરે. બહેતર છે, જૂની વાતોમાંથી બહાર નીકળીને હવે આગળ વધ.’
‘કઈ તરફ?’ આનંદે ધીમેકથી કહ્યું, ‘પાછળ જોઉં છું તો પપ્પાની હરામખોરી દેખાય છે ને આગળ જોઉં છું તો રાતે ઉજાગરા કરીને મારા પ્લાનનું ડ્રૉઇંગ તૈયાર કરતો મારો ફ્રેન્ડ દેખાય છે. પાછળ અપકાર છે ને આગળ ઉપકાર.’
‘ઇડિયટ, આગળ કોઈ ઉપકાર નથી. તને ખબર છે હું આર્કિટેક્ટ બન્યો નથી. તારી પાસે ડિગ્રી છે એટલે પ્લાન તારા નામે પાસ થાય છે ને હું...’ MD અંકલે ગાડી સ્ટાર્ટ કરતાં કહ્યું, ‘હું ઊભી થતી એ ઇમારત જોઈને ખુશ થાઉં છું.’
‘સપનાં કોઈનાં ને નામ કોઈનું...’
‘એ બધું નહીં વિચારવાનું. જીવન આમ જ આનંદ મંગલ સાથે પસાર થઈ જાય એટલે બસ.’
સંપૂર્ણ

