Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > કાચા સૂર, સાચા સૂર ગીત તારું, દર્દ મારું (પ્રકરણ ૧)

કાચા સૂર, સાચા સૂર ગીત તારું, દર્દ મારું (પ્રકરણ ૧)

Published : 25 August, 2025 02:51 PM | IST | Mumbai
Lalit Lad | feedbackgmd@mid-day.com

બૅક-ટુ-બૅક સગાઈ, રિસેપ્શન, સંગીતસંધ્યા વગેરેની તારીખો પૅક થઈ ગઈ હતી. પણ પાર્થને ચીડ હતી પબ્લિકની. તેને કોઈ ધ્યાનથી સાંભળતું જ નહોતું.

ઇલસ્ટ્રેશન

વાર્તા-સપ્તાહ

ઇલસ્ટ્રેશન


‘સાલી, આ તે કંઈ કરીઅર છે?’


પાર્થની હટી ગઈ હતી. તે ગાયક હતો. તેની પોતાની એક મ્યુઝિકલ ઑર્કેસ્ટ્રાની પાર્ટી હતી. નામ પણ ફૅન્સી રાખ્યું હતું, ‘હાર્ટ Beats...’ પણ પાર્થની ક્યાંય, કોઈને કશી કદર નહોતી.



આમ જુઓ તો પાર્થની બેસ્ટ સીઝન ગણાય. બૅક-ટુ-બૅક સગાઈ, રિસેપ્શન, સંગીતસંધ્યા વગેરેની તારીખો પૅક થઈ ગઈ હતી. પણ પાર્થને ચીડ હતી પબ્લિકની. તેને કોઈ ધ્યાનથી સાંભળતું જ નહોતું.


આજે અહીં પણ એ જ હાલત હતી.

એક ભવ્ય પાર્ટી-પ્લૉટમાં મસ્તમજાનું શણગારેલું સ્ટેજ હતું. રૂપિયા પણ સારા મળવાના હતા. પાર્થે મૂડમાં આવીને ૮-૧૦ ગાયનો મસ્તી સાથે ગાઈ કાઢ્યાં હતાં, પણ માહોલ એ જ હતો - સાવ ઠંડો.


એક બાજુ ખાણી-પીણી ચાલી રહી હતી તો બીજી બાજુ હાહાહીહી... એમાં વળી બે-ચાર ચાંપલી છોકરીઓ આવીને કહેવા લાગી, ‘હલો, જરા સ્લો વગાડોને?’

પાર્થે માઇક સાઇડમાં રાખીને જવાબ આપ્યો, ‘કુછ ના કહો... એ સ્લો ગાયન જ છે.’

‘સ્લો એટલે એમ નહીં!’ પેલી ખીખી કરતી તેની બહેનપણીને ધબ્બો મારીને હસવા લાગી. ‘સ્લો એટલે ધીમું... યુ નો? અમારી વાતોમાં તમારું મ્યુઝિક ડિસ્ટર્બ કરે છે.’

‘ડિસ્ટર્બ?’ પાર્થની કમાન છટકવાની તૈયારીમાં હતી. ‘વૉટ ડૂ યુ મીન ડિસ્ટર્બ?’

પાર્થ વાતને વધારે બગાડે એ પહેલાં તેનો દોસ્ત રાજુ આવી પહોંચ્યો. તેણે પાર્થનો ખભો દબાવતાં પેલી છોકરીઓને કહી દીધું, ‘ડોન્ટ વરી મૅડમ, અમે હમણાં જ વૉલ્યુમ ડાઉન કરીએ છીએ.’

છોકરીઓ ખીખી કરતી જતી રહી. પાર્થનો પારો હજી અધ્ધર હતો. ‘યાર, આ પબ્લિક સમજે છે શું? આપણું મ્યુઝિક તેમને સાંભળવું જ નથી તો આપણને અહીં જખ મારવા માટે બોલાવ્યા છે?’

‘પાર્થ, પ્લીઝ યાર, શાંતિ રાખને?’

‘શું શાંતિ રાખું? જ્યારે આપણને બુક કરવા આવ્યા હતા ત્યારે તો ફરમાઇશોનું આખું લિસ્ટ ગણાવતા હતા... બદતમીઝ દિલ ગાજો, હમ્મા હમ્મા તો આવવું જ જોઈએ, લૈલા મૈં લૈલા ખાસ લેજો અને સૈયારા વખતે તો બૉસ, જમાવટ થવી જોઈએ... શું ધૂળ જમાવટ કરે?’

પાર્થે ખભા પર લટકાવેલી ગિટાર કાઢીને રીતસર ખુરસીમાં પટકી.

‘યુ નો રાજુ? આ લોકોને આપણા પર્ફોર્મન્સ જોડે કંઈ લેવાદેવા જ નથી. ધે જસ્ટ વૉન્ટ સમ બૅકગ્રાઉન્ડ મ્યુઝિક! આ લોકોને જોકર જોઈએ છે જોકર! હમણાં હું કમરના ચેનચાળા કરીને ‘અફઘાન જલેબી’ ગાઈશ એટલે સ્ટેજની સામે આવીને નાચવા માંડશે. પછી તેમનો ટેમ્પો ટકાવવા આપણે બૅક-ટુ-બૅક ત્રણ-ચાર ફાસ્ટ ગાયન ઉપાડીશું, પણ એવામાં અચાનક તેમનો મૂડ ઑફ થઈ જશે! બધા વિખેરાઈ જશે! આપણે ગાતા રહીશું...’

ચીડાઈને પાર્થે માઇક પછાડ્યું. સ્પીકરમાં એનો તીણો કર્કશ પડઘો પડ્યો. મહેફિલ માણી રહેલા મહેમાનોનું આ તરફ ધ્યાન ખેંચાયું. રાજુએ પાર્થને શાંત રહેવા ઇશારો કર્યો, પણ પાર્થે માઇક ઉઠાવીને રાજુના હાથમાં પકડાવતાં કહ્યું:

‘લે તને પણ અફઘાન જલેબી બહુ ગમે છેને! તું ગા... હું જાઉં છું...’

‘પણ ક્યાં?’

‘આઇ ડોન્ટ નો...’

પાર્થે પાછળ જોયા વિના ચાલવા માંડ્યું.

lll

ક્યાં જવું, શું કરવું, પાર્થને કશી જ ખબર નહોતી. કાર જાણે એની મેળે ચાલતી હોય એમ શહેરના રિવરફ્રન્ટ પર પહોંચી ગઈ.

પાર્થે કાર ઊભી રાખી. અહીં થોડી શાંતિ હતી. દૂર-દૂર રિવરફ્રન્ટના એક પ્લૉટમાં રોશની ઝગમગી રહી હતી.

‘યાર, મારા નસીબમાં ક્યારેય પ્યૉર મ્યુઝિક જ નહીં હોય?’

મનમાં ઊગેલા આ વિચારનો જાણે પડઘો પડતો હોય એમ એક મીઠોમધુરો આલાપ તેને ક્યાંક દૂરથી સંભળાયો! આહા... શું કશિશ હતી એ અવાજમાં!

પાર્થ જાણે કોઈ અદૃશ્ય દોરીથી ખેંચાતો હોય એમ એ અવાજ તરફ આકર્ષાઈને એ તરફ ચાલવા માંડ્યો. દૂર એક યુવતીની છાયા હતી. તે રિવરફ્રન્ટની ઝાંખી લાઇટથી સહેજ દૂર, એક બેન્ચના ટેકે, ત્રાંસી થઈને ઊભી હતી. તેનો આલાપ હજી ચાલુ હતો.

એવામાં કુદરતના હળવા ચમત્કાર સમાન બીજી ઘટના બની. કાળા ડિબાંગ આકાશમાંથી કોણ જાણે ક્યાંથી કમોસમી વરસાદના છૂટાછવાયા છાંટા પડવાના શરૂ થયા! એ ટીપાંના સ્પર્શથી જાણે પેલી યુવતીના આલાપમાં શબ્દો ઊગ્યા હોય એમ તેણે ગણગણવાનું શરૂ કર્યું...

અં... રિમઝિમ રિમઝિમ બરસે...

રિમઝિમ રિમઝિમ બરસે મેઘા રે

ધિરકિટ તિરકિટ નાચે મનવા રે...

પેલી યુવતીએ જે સૂરોને ગણગણીને ધીમેથી એકમેકમાં પરોવ્યા હતા એમાંથી હવે એક સુંદર બંદિશ આકાર લઈ રહી હતી. થોડી ક્ષણો પછી એમાં યુવતીની ચપટી, હા, માત્ર એક ચપટીનો તાલ ઉમેરાઈ રહ્યો હતો.

જેમ-જેમ બંદિશ આગળ રચાતી ગઈ એમ-એમ પાર્થના દિલના તાર ઝણઝણતા ગયા.

પાર્થને થયું, ‘વાહ, શું કમ્પોઝિશન છે!’

તેણે ધીમે રહીને પોતાના મોબાઇલની રેકૉર્ડિંગ ઍપ ચાલુ કરી દીધી. પેલી યુવતીની બંદિશ, ભલે થોડી બુંદાબાંદીના અવાજ સાથે અને દૂર-દૂરનાં વાહનોના હળવા નૉઇસના ઉમેરા સાથે વહેતી હતી, છતાં વ્યવસ્થિત રીતે રેકૉર્ડ થઈ રહી હતી.

પાર્થની આંખો એ બંદિશમાં લીન થઈ ગઈ હતી... પાર્થ ભલભલી ફિલ્મી ધૂનોને સ્ટેજ પરથી રજૂ કરતો હતો, પણ આ બંદિશનો આખો ચાર્મ જ અલગ હતો. જાણે કોઈ વરસો સુધી સાચવીને રાખેલો વાઇન... છતાં જાણે કાલે જ બન્યો હોય એવો મહુડાનો તાજો દેશી દારૂ...

પાર્થને એમ હતું કે બંદિશ હજી આગળ ચાલશે. તે ધૂનની સૂરાવલિઓમાં જ તરબતર હતો. ખાસ્સી વાર પછી તેને ભાન થયું કે ગીત પૂરું થઈ ગયું છે.

તેણે આંખો ખોલી. પેલી બેન્ચ પાસે કોઈ નહોતું. પાર્થે આમતેમ ફરીને જોયું. તે યુવતી તો શું, તેનો કોઈ અણસાર સુધ્ધાં તેને દેખાયો નહીં.

lll

‘અલ્યા પાર્થ, આ શું લઈને બેઠો છે? છેલ્લા ૩ દિવસથી જોઈ રહ્યો છું. કાનમાં હેડફોન ખોસીને આ એકનું એક રેકૉર્ડિંગ સાંભળ્યા કરે છે અને પછી ગિટાર પર કંઈ નોટ્સ વગાડ્યા કરે છે. ભાઈ પાર્થ, પરમ દહાડે પેલા અગ્રવાલના દીકરાની સંગીતસંધ્યા છે તો એનાં રિહર્સલો ક્યારે કરવાનાં છે?’

‘યાર, મેં બહુ રિહર્સલો ટીચ્યાં! હવે મને કંટાળો આવે છે. તમે લોકો કરોને...’

‘પણ યાર, તેમનાં ચાર-પાંચ અંકલ-આન્ટીઓને જે ગાયનો રજૂ કરવાં છે એની પ્રૅક્ટિસ તો કરાવવી પડશેને?’

પાર્થે બગાસું ખાધું. ‘આજકાલ બેસૂરા પૈસાદારોને જોઈને મને તેમનાં ગળાં દબાવી દેવાનું મન થઈ આવે છે.’

‘અચ્છા? તો પછી સંગીતસંધ્યાની રાત્રે તારા દિમાગ પર કન્ટ્રોલ રાખજે. ૫૦,૦૦૦ ઍડ્વાન્સ લઈને બેઠા છીએ.’

‘ઠીક છે, ઠીક છે...’

lll

સંગીતસંધ્યાની રાતે પાર્થના દિમાગની નસો આઉટ-ઑફ-કન્ટ્રોલ જવાની તૈયારીમાં જ હતી. પાર્થનું ઑર્કેસ્ટ્રા વારાફરતી ગાયનો પેશ કરી રહ્યું હતું, પણ યજમાનો તથા મહેમાનો એકબીજાના ડ્રેસિસનાં તથા બુફે ડિનરના મેનુનાં વખાણ કરવામાં જ બિઝી હતા.

એમાં વળી બે ચિબાવલીઓ આવીને વૉલ્યુમ ઓછું કરાવી ગઈ.

પાર્થની ખોપરી છટકી જ ગઈ હોત, પણ એ તો સારું થયું કે ખુદ વરરાજાએ ફરમાઇશ મોકલી:

‘પ્લીઝ, ‘તુમ દેના સાથ મેરા’ ગાઓને... અમને બન્નેને ડાન્સ કરવાનો મૂડ થયો છે.’

પાર્થે ગળું સાફ કરીને હળવી હલકથી હજી ગીત શરૂ જ કર્યું હતું ત્યાં તો અણધાર્યો વરસાદ પડવાનો ચાલુ થઈ ગયો!

પાર્ટીમાં ભંગાણ પડી ગયું. લૉનમાં ગોઠવેલાં ટેબલ-ખુરસી ત્યાંનાં ત્યાં રહ્યાં અને લોકો ઊઠી-ઊઠીને આમતેમ આડશમાં જતા રહ્યા.

પાર્થ વરસતા વરસાદને જોઈ રહ્યો...

થોડી મિનિટો પછી પાર્થના મનમાં ‘ક્લિક’ કરતો એક અવાજ આવ્યો. તે ઊભો થયો, તેણે માઇક હાથમાં લીધું અને પેલી રિવરફ્રન્ટ પર સાંભળેલી બંદિશ ગણગણવા માંડી. પાર્થના અવાજમાં મીઠાશ તો હતી જ. ખાસ કરીને જ્યારે તે કોઈની નકલ ન કરે ત્યારે...

પાર્થની બંદિશમાં રાજુએ બેઝ-ગિટાર વડે સાથ આપવાનું શરૂ કર્યું. ઊભા રહેલા મહેમાનોના પગ ધીમે-ધીમે તાલબદ્ધ રીતે થિરકવા લાગ્યા... પાર્થે પોતાની ગિટાર ખભે લટકાવીને મુખડું શરૂ કર્યું...

રિમઝિમ રિમઝિમ બરસે મેઘા રે

થિરકિટ તિરકિટ નાચે મનવા રે...

પાર્થે જે રીતે ગીત ઉપાડ્યું એ સાંભળીને ઑર્કેસ્ટ્રાના સાજિંદા મૂડમાં આવી ગયા. ડ્રમ-પ્લેયરે તાલ પકડી લીધો. કીબોર્ડ-પ્લેયરે મેલડીમાં ઉમેરો કર્યો. વરસાદ તો હજી ઝરમર-ઝરમર ચાલુ જ હતો, પણ પાર્થ કૉર્ડલેસ માઇક સાથે મંચ પરથી ઊતરીને લૉનમાં રિધમિક સ્ટેપ્સ લઈને હળવો ડાન્સ કરવા લાગ્યો...

પાર્થની મસ્તી અને એમાંય પેલી નશીલી બરસાતી બંદિશ... આ બેનું મિશ્રણ કંઈક જુદો જ જાદુ જગાવી રહ્યું હતું!

આખરે, એક ક્ષણે, જેનાં લગ્ન થવાનાં હતાં તે યુવાને આગળ વધીને તેની થનારી જીવનસાથીનો હાથ માગીને ડાન્સ કરવા માટે ઊતરવાનો ઇશારો કર્યો!

બસ, પછી તો શું! વ૨રાજા અને નવવધૂને ઝરમર વરસતા વરસાદમાં નૃત્ય કરતાં જોઈને લગ્ન માણવા આવેલાં યુવાન હૈયાં ઝાલ્યાં ન રહ્યાં. થોડી જ વારમાં ભીની લૉનમાં ‘રિમઝિમ રિમઝિમ’ બંદિશની રમઝટ જામી ગઈ!

પાર્થ હવે કંઈ જુદા જ મૂડમાં આવી ગયો. તે ધૂનને પોતાની રીતે મસ્તીથી રમાડવા લાગ્યો. નાચતો, કૂદતો અને સૌને નચાવતો તે ઝૂમતો ગયો, ગાતો ગયો...

આખરે જ્યારે ફુલ ફાસ્ટ રિધમમાં સૌને નચાવી-નચાવીને પાર્થે ગીત પૂરું કર્યું ત્યારે આખા પાર્ટી-પ્લૉટમાં તાળીઓનો ગડગડાટ થઈ ગયો!

વરસાદ થંભી ગયો હતો, પણ લોકોનો જોશ રોકાવાનું નામ લે એમ નહોતો. પાર્થને કહેવામાં આવ્યું : ‘બૉસ, ચાલુ રાખો! સ્ટેજ પર આવી જાઓ!’

પાર્થ અનેરા ઉત્સાહ સાથે સ્ટેજ પર ચડવા જતો હતો ત્યાં સૂટ પહેરેલા એક પ્રભાવશાળી માણસે તેને અટકાવતાં કહ્યું:

‘પાર્થ, આઇ ઍમ અ મ્યુઝિક પ્રોડ્યુસર. મારી એક રેકૉર્ડિંગ કંપની છે. તેં અત્યારે જે ગાયન ગાયું એનું મારે સિંગલ આલબમ બહાર પાડવું છે. આપણે ક્યારે મળી શકીએ? આ લે મારું કાર્ડ...’

પાર્થને ખબર હતી કે આ વરસાદી બંદિશે તેનું નસીબ બદલી નાખ્યું છે.

(ક્રમશઃ)

Whatsapp-channel Whatsapp-channel

25 August, 2025 02:51 PM IST | Mumbai | Lalit Lad

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK