‘પાર્થ કોણ?’ સામેથી સાવ ઉષ્મા વિનાનો સપાટ અવાજ સાંભળતાં પાર્થના હાર્ટ-બીટ્સ વધી ગયા. સાલો ભૂલી ગયો કે શું? પાર્થે તરત યાદ કરાવ્યું
ઇલસ્ટ્રેશન
‘રાજુ, આ કાર્ડ નહીં, હુકમનું પત્તું છે!’
પાર્થની ખુશી આસમાન ચૂમી રહી હતી. આગલી રાત્રે એક મૅરેજની સંગીત સંધ્યામાં કમોસમી વરસાદની ઝરમરમાં ઝૂમીને તેણે જે ગાયન ગાયું હતું એ સાંભળીને એક મ્યુઝિક કંપનીના માલિકે તેને પોતાનું વિઝિટિંગ કાર્ડ આપ્યું હતું.
ADVERTISEMENT
‘હવે કાર્ડને આટલીબધી કિસો ના કર. તેને ફોન લગાડ.’ રાજુએ પાર્થને સલાહ આપી.
રાજુએ કાર્ડ ધ્યાનથી જોયું. કંપની મુંબઈની હતી. નામ હતું ‘બ્લુ બટરફ્લાય મ્યુઝિક લિમિટેડ.’ માલિકનું નામ હતું જયદીપ રાયસિંઘાણિયા. પાર્થે મનોમન ભગવાનનું નામ લઈને ફોન લગાડ્યો.
‘હલો, હું પાર્થ...’
‘પાર્થ કોણ?’ સામેથી સાવ ઉષ્મા વિનાનો સપાટ અવાજ સાંભળતાં પાર્થના હાર્ટ-બીટ્સ વધી ગયા. સાલો ભૂલી ગયો કે શું? પાર્થે તરત યાદ કરાવ્યુંઃ
‘સર, કાલે સંગીત સંધ્યામાં તમે મને તમારું કાર્ડ આપ્યું હતું.’
‘કાલે?’ ફોનમાં બગાસું સંભળાયું. ‘કાલે મેં ઘણા લોકોને કાર્ડ આપેલાં, તમે કોણ?’
‘સર, હું પાર્થ... હાર્ટ બીટ્સ નામનું મારું મ્યુઝિક બૅન્ડ છે. કાલે મેં પેલું ગીત ગાયેલું... રિમઝિમ રિમઝિમ...’
‘અરે હાઆઆ!’ રાયસિંઘાણિયાનો અવાજ ખૂલી ગયો. ‘યાર પાર્થ, વાહ શું જમાવટ કરી હતી! મઝા પડી ગઈ. તું એક કામ કર, ત્રણ દિવસ પછી મુંબઈમાં મારી ઑફિસ આવી જા. ના ના, ઑફિસ નહીં, ડાયરેક્ટ રેકૉર્ડિંગ સ્ટુડિયો પર જ આવજે, હું તને ઍડ્રેસ વૉટ્સઍપ કરી દઈશ.’
‘જી.’
‘આપણી પાસે અરેન્જર તો છે જ, પણ તું અરેન્જમેન્ટનો સ્કોર લખીને લાવજે તો કામ ફાસ્ટ થઈ જશે.’
‘ઓકે.’
‘તો મળીએ? બાય.’
ફોન કટ થતાંની સાથે પાર્થનું મોં જોઈને રાજુ વિચારમાં પડી ગયો, ‘કેમ અલ્યા, શું થયું? ના પાડી?’
‘ના.’ પાર્થ દાઢી ખંજવાળી રહ્યો હતો. ‘તેમણે કહ્યું કે કંઈ અરેન્જમેન્ટનો સ્કોર લખીને લાવજે. યાર રાજુ, ત્યાં રહેવા-ખાવાની અરેન્જમેન્ટ તો સીધી વાત છે આપણે માથે જ હોય, પણ અલ્યા, એનો સ્કોર લખવાનો? એટલે શું?’
રાજુ હસવું રોકવાની કોશિશ કરતાં બોલ્યો, ‘રહેવા-ખાવાની નહીં, આપણા ગાયનના મ્યુઝિકનો સ્કોર લખવાનું કહે છે.’
‘મ્યુઝિકનો સ્કોર?’
‘એટલે નોટેશન્સ, બકા! આપણે તો મોટા ભાગે હેડફોનમાં સાંભળીને રિહર્સલો કરી લઈએ છીએ પણ ક્યારેક કોઈ ઇન્સ્ટ્રુમેન્ટની ધૂન આડીતેડી હોય ત્યારે આપણે ઇન્ટરનેટમાં સર્ચ મારીને એનાં નોટેશન્સ નથી શોધી લેતા? એને સ્કોર કહેવાય.’
‘અં.. હં...’ પાર્થ હજી દાઢી ખંજવાળી રહ્યો હતો. ‘એટલે સાલું, પેલું આખું કમ્પોઝિશન વારંવાર વગાડીને એનાં નોટેશન્સ લખીને લઈ જવાનાં? આ તો જફા છે! કાલે રાત્રે તો મેં મારી મસ્તીમાં ગાયું અને તમે લોકોએ સાથે ઑર્કેસ્ટ્રા વડે સાથ આપ્યો. હવે એ બધું યાદ ક્યાં હોય?’
છતાં રાજુ નટખટ સ્મિત કરતો રહ્યો.
‘શું? શું છે?’ પાર્થે ખભા ઉલાળીને પૂછ્યું.
રાજુએ હળવેકથી પોતાનો મોબાઇલ કાઢ્યો. ‘બેટમજી, તું કોઈ અજાણી છોકરીની ટ્યુન સંતાઈને રેકૉર્ડ કરી શકે છે તો અમે તારો માર્વેલસ પર્ફોર્મન્સ રેકૉર્ડ ન કરી શકીએ?’
‘યુ મીન...’ પાર્થની આંખો ચમકી ઊઠી.
‘યસ! તેં કાલે રાત્રે ટ્યુન ગણગણવાનું શરૂ કર્યું ત્યારે જ મેં આપણા મિક્સરનો એક આઉટપુટ વાયર મારા મોબાઇલમાં જોડી દીધો હતો! હે મારા પ્રિય પાર્થ, આપણી પાસે આખેઆખું કમ્પોઝિશન ધ્વનિમુદ્રિત થયેલું છે.’
‘એ જ વાત પ૨...’ પાર્થ અટકી ગયો.
‘શું?’
‘મારે તને તકિયે-તકિયે ઝૂડી નાખવો પડશે!’
lll
મુંબઈનો રેકૉર્ડિંગ સ્ટુડિયો પાર્થ અને રાજુએ ધાર્યો હતો એના કરતાં સાવ જુદો જ નીકળ્યો. દસ-બાય-બા૨ના એક રૂમના બે ભાગ કરવામાં આવ્યા હતા. કાચના પાર્ટિશનની એક બાજુ ૨૪ ટ્રૅકનું મિક્સર હતું. બાજુમાં બેચાર જણ બેસી શકે એવો એક સોફા અને ખૂણામાં એક ‘યામાહા’નું કી-બોર્ડ... બસ.
કાચના પાર્ટિશનની પેલી તરફ સ્ટૅન્ડ વડે ગોઠવેલાં બે માઇક્રોફોન હતાં. એકાદ એક્સ્ટ્રા માઇક માટેનું ખાલી સ્ટૅન્ડ હતું. અને જો ગાયક કે ગિટારવાદક બેસીને રેકૉર્ડિંગ આપવા માગતો હોય તો તેના માટે એક સાદું સ્ટૂલ હતું.
સાઉન્ડ-રેકૉર્ડિસ્ટ બોઝ જાડાં ચશ્માંવાળો હતો. તેના ચહેરા પરના હાવભાવ મૅથેમૅટિક્સની મૌખિક પરીક્ષા લેનારા સ્કૂલ-માસ્તર જેવા હતા. જયદીપ રાયસિંઘાણિયાના કહેવાથી પાર્થે તેને કમ્પોઝિશનનાં નોટેશન્સના કાગળો આપ્યા.
એક ઊડતી નજર એના પર નાખ્યા પછી બોઝ બોલ્યા, ‘પહલે થોડા ગા ક૨ સુનાઓ.’
પાર્થે તેની ગિટાર કાઢી. રાજુ તેની બેસ ગિટાર લઈને જોડે બેસી ગયો. શરૂ કરતાં પહેલાં પાર્થે રાયસિંઘાણિયા સામે જોયું. તેના ચહેરા પર પરીક્ષાખંડમાં ચોકી કરતા સુપરવાઇઝર જેવા હાવભાવ હતા. પાર્થ નર્વસ થઈ ગયો.
પાર્થે ગળું ખોંખારીને ધીમેથી શરૂ કર્યું. રાજુએ બેસ ગિટાર પર રિધમના કૉર્ડ્સ વગાડ્યા. પાર્થની શરૂઆત બગડી ગયેલી બાબાગાડી જેવી જ હતી પરંતુ અડધી જ મિનિટમાં તેણે સ્મૂધ શેવરોલે જેવો સરળ લય મેળવી લીધો.
હજી પહેલો અંતરો પત્યો-ન પત્યો ત્યાં રેકૉર્ડિસ્ટ બોઝ બોલી ઊઠ્યા : ‘અચ્છા હૈ, ગુડ કમ્પોઝિશન.’
પાર્થને હવે જરા કૉન્ફિડન્સ આવ્યો. બોઝ સર પોતાનાં જાડાં ચશ્માં સરખાં કરતાં રેકૉર્ડિંગ ગૅજેટ્સ સામે બેસી ગયા.
‘અભી આપ દોનોં અંદર જાકર ઇસકા પાઇલટ ગા દીજિએ.’
સદ્નસીબે પાર્થને એટલી તો ખબર હતી કે જે મૂળભૂત બંદિશ ઉપરથી આખું ગાયન બનવાનું હોય એના રફ રેકૉર્ડિંગને ‘પાઇલટ’ કહેવાય. રાજુની સાથે પાર્થે અંદર રેકૉર્ડિંગ રૂમમાં જઈને ગાવાનું શરૂ કર્યું. જેમ-જેમ ગીત આગળ વધતું ગયું તેમ-તેમ રેકૉર્ડિસ્ટ બોઝનો મૂડ બદલાતો ગયો. આખરે સાડાઆઠ મિનિટ પછી પાર્થે ગીત પૂરું કર્યું ત્યારે બોઝ અંદર આવીને પાર્થને રીતસર ભેટી પડ્યા!
‘રાયસિંઘાણિયા સા’બ! ક્યા બાત હૈ! ક્યા ગજબ કા કમ્પોઝિશન હૈ!’
રાયસિંઘાણિયાના ચહેરા પર છેક હવે સ્માઇલ આવ્યું. ‘બોઝ સા’બ, ઇસકો ઇતના બઢિયા રેકૉર્ડ કીજિએ કિ પૂરે ઇન્ડિયા મેં ધૂમ મચ જાય...’
‘વો તો મચેગી હી લેકિન...’ બોઝસાહેબ બોલ્યા, ‘તીન કામ કરને પડેંગે. એક, ગાના સાડેઆઠ મિનિટ કે બદલે સાડેચાર મિનિટ કા કરો.’
‘હો જાએગા.’
રાજુએ કહ્યું.
‘દૂસરા, ઇસકા મસ્ત મજેદાર વિડિયો શૂટ કરવાઓ.’
‘વો તો કરના હી હૈ!’ રાયસિંઘાણિયા બોલ્યા, ‘તુમ દેખના, ક્યા પિક્ચરાઇઝ કરવાતા હૂં...’
‘ઔર તીસરા, કિસી બઢિયા સિંગર સે યે ગાના ગવાઓ!’
આ સાંભળતાં જ પાર્થના પેટમાં ધ્રાસકો પડ્યો.
‘ક્યૂં? ગાના મેરા હૈ, મૈં હીં ગાઉંગા! કોઈ દૂસરા સિંગર ક્યૂં ગાએગા?’
જવાબમાં બોઝસાહેબે પાર્થનો ખભો હળવેથી થપથપાવતાં કહી દીધું : ‘ક્યૂંકિ પાર્થ બેટા... આપ કે સૂર કચ્ચે હૈં! હાઈ નોટ્સ મેં ટિક નહીં પાતે ઔર લો નોટ્સ મેં હિલ જાતે હૈં...’
ધસમસતા પૂરમાં આખી નદી જાતે તરીને જહેમતથી પાર કર્યા પછી છેક કિનારે આવતાં પહેલાં જાણે પગમાં વમળ લપેટાઈ ગયું હોય એમ પાર્થનું સમતોલન ખસી ગયું. તે માંડ-માંડ રાજુનો ટેકો લઈને સ્ટૂલ પર બેસી પડ્યો.
lll
બીજા દિવસે ‘બ્લુ બટરફ્લાય’ મ્યુઝિક કંપનીની ઑફિસ જતાં પહેલાં રાજુ સતત પાર્થને શાંત રાખવાની કોશિશ કરી રહ્યો હતો. પાર્થની ખોપડી છટકેલી હતી.
રાયસિંઘાણિયાની કૅબિનમાં બેસીને પાણી પીવાની ફૉર્માલિટી પતાવતાંની સાથે જ પાર્થે મોરચો ખોલી દીધો. ‘જુઓ સાહેબ, હું પાંચ-સાત હજાર રૂપિયામાં આ ગાયનનું કમ્પોઝિશન વેચવા નથી આવ્યો. તમે કાલે જ રેકૉર્ડિંગ સ્ટુડિયોમાં બોલ્યા હતા કે તમે બે-પાંચ લાખ ખર્ચીને આનું વિડિયો-આલબમ પણ શૂટ કરવાના છો.’
‘તે કરવાનો જ છુંને! તું હૅન્ડસમ છે, ગુજરાતમાં તારો ફેસ જાણીતો છે એટલે...’
‘એટલે ફેસ મારો હશે અને અવાજ બીજા કોઈનો, એમ?’ પાર્થનો પારો ઊંચો જઈ રહ્યો હતો. રાયસિંઘાણિયાએ તેને શાંત પાડતાં કહ્યું:
‘પાર્થ, તું જરા સમજ, બોઝસાહેબ વર્ષોના અનુભવી રેકૉર્ડિસ્ટ છે. તેમના જજમેન્ટમાં ભૂલ ન હોય.’
‘તો પછી રહેવા દો, નથી વેચવું મારે સૉન્ગ...’
પાર્થ ઊભો થઈ ગયો. તે ગુસ્સામાં બહાર જવા જતો રહ્યો ત્યાં રાજુએ તેને અટકાવ્યો.
‘એક મિનિટ, એક બીજો રસ્તો છે...’
‘શું?’
રાજુએ પાર્થને બેસાડ્યો, રાયસિંઘાણિયા તરફ ફરીને રાજુએ કહ્યું:
‘સર, તમને શું લાગે છે? આજકાલ જે નવાસવા ફિલ્મસ્ટારો પોતાના જે અવાજમાં ગાયનો ગાય છે.... ફરહાન અખ્તર, આલિયા ભટ્ટ, શ્રદ્ધા કપૂર, પરિણીતી ચોપડા, આયુષ્યમાન ખુરાના વગેરે... શું એ બધાં સંપૂર્ણપણે સુરીલા છે? ના! હરગિજ નહીં.’
‘તો પછી તેમનાં ગીતો શી રીતે રેકૉર્ડ થાય છે?’
‘એ જ કહું છું...’ રાજુએ ખુલાસો કર્યો. ‘ઑટો-ટ્યુનર નામનું એક સૉફ્ટવેર આવે છે જેનાથી ભલભલી ખોટી ગવાયેલી નોટ્સ, ભલભલા કાચા લાગેલા સૂર ઊંચા કે નીચા કરીને પર્ફેક્ટ કરી શકાય છે. તમને ખાતરી ન હોય તો બોઝસાહેબને જ ફોન કરીને પૂછી જુઓ.’
‘બોઝ જુનવાણી રેકૉર્ડિસ્ટ છે, પણ...’
રાયસિંઘાણિયાએ બીજા એક સ્ટુડિયોમાં ફોન લગાડ્યો. માત્ર અડધી જ મિનિટમાં વાત પતાવીને તેમણે કબૂલ કર્યું,
‘વાત તો સાચી છે. ચાલ પાર્થ, આપણી ડીલ ફાઇનલ. હવે બોલ, તું ૨કમ કેટલી લઈશ?’
‘રકમ નહીં, રસીદ.’ હવે પાર્થનો આખો તોર ફરી ગયો. ‘તમારે મને ૫૦ હજારની રસીદ આપવી પડશે, કારણ કે એટલા રૂપિયા તો હું તમને આપીશ, આલબમના વિડિયો-શૂટિંગ માટે!’
lll
અડધા કલાક પછી જ્યારે કૉન્ટ્રૅક્ટ પેપર્સ પર સહી કર્યા પછી બન્ને ઑફિસની બહાર નીકળ્યા ત્યારે રાજુ બોલ્યો:
‘યાર, એક પ્રૉબ્લેમ છે.’
‘શું?’
‘પેલી છોકરી તારું આલબમ જોશે ત્યારે?’
‘ત્યારે પડશે એવા દેવાશે...’ પાર્થના અવાજમાં નકરી બેફિકરાઈ હતી.
lll
ગમેતેમ તોય પાર્થ એક બિઝનેસમૅનનો દીકરો હતો. flણે જોખમ લઈ લીધું.
પાર્થનું એ ‘રિમઝિમ’ નામનું આલબમ સુપરહિટ થઈ ગયું હતું પણ હવે નવો પ્રૉબ્લેમ આવીને ઊભો હતો.
રાયસિંઘાણિયાએ હવે નવી ઑફર આપી હતી. નવાં પાંચ ગાયનોના મેગા આલબમની!
પણ એ ગાયનો લાવવાં ક્યાંથી?
એક ગીતની ચોરી કરવા જતાં પાર્થ હવે બરાબરનો ફસાયો હતો.
(ક્રમશઃ)

