પાર્થની અકળામણ જોઈને રાજુ સહેજ હસ્યો. ‘અચ્છા બચ્ચુ! છેક હવે એ છોકરી યાદ આવી?’
ઇલસ્ટ્રેશન
‘યાર રાજુ, પાંચ ગાયનોના નવા આલબમની ખણખણતી ઑફર આવીને પડી છે પણ એકેય ગાયનની ધૂન બની રહી નથી. હવે તો એક જ શૉર્ટકટ છે, પેલી ‘રિમઝિમ બરસે’વાળી છોકરીને શોધવી પડશે...’
પાર્થની અકળામણ જોઈને રાજુ સહેજ હસ્યો. ‘અચ્છા બચ્ચુ! છેક હવે એ છોકરી યાદ આવી?’
ADVERTISEMENT
પાર્થે વીલું મોં કરીને રાજુ સામે હાથ જોડ્યા. ‘કંઈક કર યાર, તેને શોધ...’
‘શોધવા માટે તો આપણી પાસે એક જ સ્પૉટ છે પાર્થ, રિવરફ્રન્ટની પેલી બેન્ચ..’
lll
આજે આ સાતમા દિવસની સાંજ હતી. પાર્થ અહીં રોજ આવીને પેલી ‘રિમઝિમ રિમઝિમ’ ધૂન વગાડતો હતો. આસપાસ તેના ચાહકો ભેગા થયા કરતા હતા, પણ એ ધૂનની રચયિતા હજી સુધી મળી નહોતી...
આજે તો બેન્ચ પર પાર્થ ક્યાંય લગી બેસી રહ્યો. એક અજાણી ઉદાસી પાર્થને ઘેરી વળી. ખુદ પાર્થને નવાઈ લાગી કે આ ઉદાસી છે શેની?
અમસ્તી જ તેની આંગળીઓ ગિટાર પર ફરવા લાગી. એની મેળે જ પેલી ‘રિમઝિમ રિમઝિમ બરસે’ની ધૂનનું ‘સૅડ વર્ઝન’ ગિટારના તારમાંથી વહેવા લાગ્યું.
અચાનક રાજુને તેની પીઠ પાછળ કોઈનો પગરવ સંભળાયો. તેણે ગિટાર બંધ કરી. હજી તે પાછળ જોવા જાય છે ત્યાં એક અવાજ સંભળાયો,
‘ધૂન સારી છે પણ તમારા ગળાના સૂર થોડા કાચા પડે છે.’
પાર્થે ઝડપથી પાછળ વળીને જોયું. આહાહા! એ જ ધૂંધળી આકૃતિ, જે તેણે એ રાત્રે જોઈ હતી!
‘સૂર કાચા લાગતા હોય તો તમે જ પાકા કરીને સંભળાવોને!’
જવાબ આપવાને બદલે એ યુવતીએ એક સુંદર હલકથી ગીતનો અંતરો ઉપાડ્યો. એ સાંભળતાં જ પાર્થના રૂંવેરૂંવાં ઊભાં થઈ ગયાં! એ જ, એ જ અવાજ! એ જ ધૂન! એ જ ઝરમરતી છૂંદા-બાંદી જેવી મીઠાશ!
યુવતીએ અંતરો પૂરો કર્યો કે તરત પાર્થે કહ્યું, ‘સાંભળો, આ અંધારામાં હું તમારો ચહેરો તો જોઈ નથી શકતો પણ મારે તમારું એક ખાસ કામ છે.’
‘અચ્છા?’ યુવતી સહેજ હસી. ‘અંધારું મને તો નથી નડતું...’
‘હા, પણ..’ શું કહેવું એ પાર્થને સમજાયું નહીં. ‘મને તો નડે છે.’ તેણે બાફ્યું. પછી સુધાર્યું, ‘આઇ મીન, મારે તમારી સાથે જે વાત કરવી છે એ કદાચ મને આમ અંધારામાં નહીં ફાવે.’
‘ઠીક છે, અજવાળામાં આવો...’
‘ક્યાં?’
‘મારા ઘરે...’ યુવતીએ કહ્યું. ‘અહીં રિવરફ્રન્ટ પાસેના જૂના મહોલ્લામાં જ રહું છું. કોઈને પણ પૂછજો, નગમાદીદી ક્યાં મળશે.’
lll
રિવરફ્રન્ટ નજીક આવેલા મહોલ્લામાં દાખલ થતાં જ ખ્યાલ આવી ગયો કે આ તો કોઈ જૂનો મુસ્લિમ વિસ્તાર છે. ‘નગમાદીદીનું ઘર ક્યાં છે’ એમ પૂછતાં એક નાનકડો છોકરો તેમને એક જૂની હવેલી ટાઇપના ઘર પાસે મૂકી ગયો.
પાર્થ અને રાજુ ઘરના દાદરા ચડીને ઉપર આવી ગયા.
થોડી ક્ષણો પછી નગમા ઓરડામાંથી બહાર આવી. પાર્થ તેને જોતો જ રહી ગયો! પાતળી નમણી કાયા, શ્યામવર્ણો ચહેરો, ઘેરી પાંપણોવાળી લાંબી માછલી જેવી આંખો અને જાણે પાણીમાં હંસ તરતો હોય એવી હળવી રેલાતી ચાલ.
સામેના ગાદી-તકિયે આવીને નગમા બેઠી. ‘ક્યા લેંગે, ચાય-કૉફી? શરબત?’
‘જી, કંઈ નહીં.’
‘ખસખસનું શરબત લેશો? અમારાં કમ્મોમૌસી એમાં થોડી અદરક નાખીને સરસ બનાવે છે.’
‘ઓકે?’
આગળ શું વાત કરવી? ત્યાં એ યુવતીએ જ પૂછ્યું:
‘તમે કંઈ ખાસ કામની વાત કરવાના હતા.’
‘જી...’ પાર્થે ગળું સાફ કર્યું. ‘મારે તો ઍક્ચ્યુઅલી, તમારી માફી માગવાની છે.’
‘માફી? કયા જુર્મની?’ તે સહેજ હસી.
‘જુર્મ તો મોટો છે, નગમાજી.’ પાર્થે કહ્યું, ‘ત્રણેક મહિના પહેલાં રિવરફ્રન્ટની પાળે મેં તમારી એક ધૂન સાંભળી હતી. એ ધૂન અને એ ગીત... હવે શી રીતે કહું... એટલું ઝડપથી રેકૉર્ડ થઈ ગયું કે તમને શોધવાનો, કહેવાનો ટાઇમ જ ન રહ્યો.’
‘ખબર છે મને!’ નગમાના અવાજમાં ખુશીનો રણકો હતો. ‘એમાં માફી શું માગવાની? સંગીત તો ખુદાની નેમત છે. એને લોકોમાં વહેંચવી એ તો સબાબનું કામ છે.’
‘હા, પણ એ આલબમમાં...’ પાર્થે આલબમની DVD કાઢીને કહ્યું, ‘તમારું નામ મૂકવાનું રહી ગયું છે, કારણ કે મને તમે જ ન મળ્યાં તો તમારું નામ ક્યાંથી શોધું?’
‘બસ ઇતના સા ગુનાહ?’ તે હસી પડી. ‘જાઓ માફ કિયા! ઔર કુછ?’
પાર્થના ગળા સુધી આવી ગયું કે તે બીજાં પાંચ ગીતો માટેના કમ્પોઝિશન્સની વાત કરે પણ તે અટકી ગયો. ફીકું હસીને તેણે એટલું જ કહ્યું કે ‘બસ, હમણાં તો તમે મારી આ DVDનો સ્વીકાર કરો.’
નગમાએ હાથ લંબાવ્યો. પાતળાં આંગળાં DVD પર ફેરવીને પોતાની પાસે લીધી તો અને જાણે મનોમન ઉપરવાળાનો આભાર માનતી હોય તેમ આંખો બંધ કરી, DVDને કપાળે અડાડી પોતાની બાજુમાં મૂકી.
‘ઔર કુછ?’
‘નહીં, બસ...’ પાર્થ શરબતનો ગ્લાસ પૂરો કરીને ઊભો થઈ ગયો. ‘ફરી ક્યારેક આવીશ.’
lll
દાદરા ઊતરીને મહોલ્લાની બહાર નીકળ્યા પછી રાજુએ પાર્થને કહ્યું, ‘તેં એક વાત નોટિસ કરી?’
‘શું?’
‘એ છોકરી બ્લાઇન્ડ છે!’
આ સાંભળતાં જ પાર્થના ચહેરા પર એક સ્માઇલ આવી ગયું! તેના દિમાગમાં એક નવી બાજી ગોઠવાઈ રહી હતી. આખરે દીકરો તો બિઝનેસમૅનનોને?
lll
‘શું વિચારી રહ્યો છે પાર્થ?’ રાજુએ પૂછ્યું.
‘યાર, આ નગમાએ પૈસાની તો કંઈ વાત કાઢી જ નહીં. ઉપરથી બ્લાઇન્ડ છે.’
‘તો?’
‘તો યાર, તેને પટાવી ન લઉં?
‘યુ મીન... તું તેની જોડે પ્રેમમાં પડીશ?’
પાર્થ હસવા લાગ્યો. ‘એ બ્લાઇન્ડના પ્રેમમાં હું પડતો હોઈશ? પણ શું છે કે જો તેને પટાવી શકાય...’
‘યુ મીન, તેની જોડે જો પ્રેમનું નાટક કરી શકાય...’
‘એક્ઝૅક્ટ્લી! તો પાંચ શું, પચીસ કમ્પોઝિશન્સ રમતાં-રમતાં મળી જાય.’ પાર્થના ચહેરા ઉપર કુટિલ સ્મિત રમતું જોઈને રાજુને ગુસ્સો આવ્યો.
‘પાર્થ, તું કેટલો સ્વાર્થી માણસ છે?’
lll
પેલી તરફ નગમા પાર્થના આ પેંતરાથી સાવ અજાણ હતી. ખખડધજ હવેલી જેવા મકાનના પહેલા માળે એક સવારે સ્નાન કર્યા પછી તે વાળ સૂકવતી બારીના ઝરૂખામાં બેસીને કંઈ ગણગણી રહી હતી ત્યાં તેને લાકડાના દાદર પર ચામડાના કડક હીલ્સવાળા બૂટનો પગરવ સંભળાયો.
તે સહેજ અટકી. ‘પાર્થ?’
પાર્થ દંગ થઈ ગયો. ‘કેવી રીતે ઓળખી ગયાં?’
તે હસી. ‘બહુ બેસૂરાં છે તમારાં જૂતાં! જુઓને, તમે ઊભા છો છતાં ચૂહાની માફક ચેંચું કરે છે.’
પહેલાં તો પાર્થને એમ હતું કે આ નગમાને હું ચપટીમાં પટાવી લઈશ, પણ ધીમે-ધીમે તે પોતે જ નગમાના પ્રભાવમાં આવી રહ્યો હતો.
‘બેસોને.’
નગમા ઝરૂખાની પાળી પર બેઠી હતી. પાર્થ નજીક જઈને નીચે પાથરેલી ગાદી પર બેઠો. ‘શું લેશો? ચા, કૉફી કે ખસખસનું શરબત? અમારાં કમ્મુમૌસી એમાં થોડું અદરક નાખીને બનાવે છે ને ગળા માટે સારું છે...’
પાર્થે તરત જ રોમૅન્ટિક કૂકરી ફેંકી,
‘બીજું શું-શું પીવડાવે છે કમ્મુમૌસી તમને જેના લીધે આ ગળામાંથી જાણે મધપૂડામાંથી રસ ટપકતો હોય એવું લાગે છે? જુઓને, અત્યારે તમે આમ ધીમું-ધીમું બોલો છો એમાંય જાણે મધ ટપકતું હોય એવું લાગે છે.’
નગમાના ચહેરા પર સ્મિત જરા થીજી ગયું હોય એવું લાગ્યું.
‘આવું સૅકરીન જેવું મીઠું બોલતાં તમે ક્યાંથી શીખ્યા?’
‘સ્વીટેક્સના માલિક પાસેથી!’ પાર્થે ચબરાકીથી વાત વાળી લીધી. ‘મારા જેવા સૅકરીનવાળાની કમ્પૅરિઝન કંઈ નૅચરલ મધ સાથે થોડી થાય?’
નગમાના હોઠો પર ફરી પેલું સ્મિત રેલાયું. પાર્થે હવામાં મુઠ્ઠી ખેંચી કાઢી! નગમા ક્યાં જોવાની હતી?
‘ઔર કુછ?’
‘નહીં, બસ યૂં હી. આપ સે મિલના બડા અચ્છા લગતા હૈ.’
‘અચ્છા?’ નગમાના ચહેરા પર સ્મિત આવ્યું ‘તો કલ શામ કો આ જાઓ. સાથ મેં રિયાઝ કરેંગે...’
lll
પાર્થ હવે બરાબરનો ફસાયો હતો. તે ગિટાર લઈને પહોંચી તો ગયો હતો પણ હવે શું? તેણે કહ્યું, ‘સાચું કહું? મને કોઈ રાગ-બાગમાં સમજ પડતી નથી. હું તો એક મામૂલી ઑર્કેસ્ટ્રાનો કલાકાર છું. બસ, જે સાંભળું છું એની નકલ કરતાં આવડે છે. યુ નો, કૌવા ચલે જૈસે હંસ કી ચાલ!’
પાર્થને હતું કે તેના જોક પર નગમા હસી પડશે, પરંતુ તેણે સહેજ હળવાશથી સ્મિત રેલાવીને પાંપણો ઝુકાવી પાર્થને સામે બેસવા કહ્યું.
‘મૈં જો બજાઉં, વો બજાઓગે?’
‘ટ્રાય કરતા હૂં.’
‘દીજિએ, આપકી ગિટાર દીજિએ...’
પાર્થ જોતો જ રહી ગયો. નગમાએ તેની ગિટારના તાર વારાફરતી એટલી સહજતાથી ટ્યુન કર્યા કે જાણે તે વર્ષોથી આ જ ગિટાર વગાડતી હોય!
સૂર મિલાવી લીધા પછી નગમાએ પોતાની સિતારના તાર ઝણઝણાવીને શરૂઆત કરી. પાર્થને તો માત્ર નકલ જ કરવાની હતી.
પણ કોણ જાણે શું જાદુ થઈ ગયો કે પાર્થ એની મેળે એ રાગ પુરિયા ધનાશ્રીમાં ઊંડો ઊતરતો ગયો... પહેલાં પકડ, પછી ગત, ત્યાર બાદ બંદિશ અને છેવટે ઝાલાની રમઝટ જામી ત્યારે આખી હવેલીની ઝીણામાં ઝીણી કોતરણીઓમાં એક ઝણઝણાટી ફેલાઈ ગઈ હોય એવું પાર્થને લાગ્યું.
તેણે તેની જિંદગીમાં આટલી સારી ગિટાર વગાડી નહોતી! તે સાતમા આસમાનમાં ઝૂમી રહ્યો હતો. પાર્થ નગમાના એકેએક ટુકડાનો ડિટ્ટો જવાબ આપી રહ્યો હતો.
ત્યાં એક ઘટના બની.
અંદરના રૂમમાંથી કોઈનો આનંદની સાથે કણસવાનો અવાજ સંભળાયો. નગમા તરત જ ઊઠીને અંદર દોડી ગઈ. પાર્થ તેની પાછળ ગયો. અહીં એક વૃદ્ધા પલંગ પર સૂતી હતી. તેના પગ તાલબદ્ધ રીતે ધ્રૂજી રહ્યા હતા! કમ્મુમૌસીએ નગમાના હાથ લઈને તેને પગનો સ્પર્શ કરાવ્યો. એ સાથે જ નગમાની આંખોમાંથી હર્ષનાં આંસુ છલકાઈ પડ્યાં.
‘યા અલ્લાહ! તેરા લાખ લાખ શુકર હૈ...’
પાર્થને હજી સમજાતું નહોતું કે આ શું થઈ ગયું?
(ક્રમશ:)

