નગમા એક વાર તેના પ્રેમમાં પડી જાય પછી તો પાંચ શું, પચીસ ગાયનોનાં કમ્પોઝિશનો રમતાં-રમતાં તેના હોઠ પરથી ઉતારી લઈશ.
ઇલસ્ટ્રેશન
પાર્થને જરાય સમજાતું નહોતું કે આ શું થઈ રહ્યું છે.
થોડી જ ક્ષણો પહેલાં તે નગમા સાથે સિતાર અને ગિટારની જુગલબંદી કરી રહ્યો હતો. રાગ પુરિયા ધનાશ્રીના અંતિમ ચરણમાં અંદરના રૂમમાંથી એક તીણી પીડાભરી છતાં આનંદમિશ્રિત ચીસ સંભળાઈ હતી. નગમા સિતાર પડતી મૂકીને એ તરફ ધસી ગઈ હતી. પાર્થ પણ તેની પાછળ જઈને જુએ છે પલંગ પર સૂતેલી એક વૃદ્ધ સ્ત્રીના પગ ધ્રૂજી રહ્યા છે!
ADVERTISEMENT
નોકરાણી કમ્મુમૌસીએ નગમાના હાથ ઝાલીને તેને ધ્રૂજતા પગનો સ્પર્શ કરાવ્યો. એ સાથે જ નગમાની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં અને તે બોલી ઊઠી, ‘યા અલ્લાહ! તેરા લાખ લાખ શુકર હૈ...’
નગમા જ્યારે શાંત થઈ ત્યારે કમ્મુમૌસીએ પાર્થને કહ્યું: ‘બેટા, યે નગમા કી અમ્મીજાન હૈ... છેલ્લાં ત્રણ વર્ષથી ધીમે-ધીમે તેમના આખા શરીરમાં લકવો ફેલાઈ રહ્યો છે. હાલત એ છે કે ગળાથી નીચેનું આખું શરીર લગભગ બેજાન છે. ગળામાંથી આવાઝ પણ ક્યારેક જ નીકળે છે. એક જમાનામાં અમ્મીજાન કથક નૃત્યનાં નર્તિકા હતાં, પણ આજે...’
કમ્મુમૌસીના ગળે ડૂમો બાઝી ગયો. પણ નગમાએ સહેજ હસીને કહ્યું, ‘કમ્મુમૌસી, આ ચમત્કાર તો પાર્થની ગિટારને લીધે થયો છે. લાવોને, જરા એ ગિટાર મને ચૂમવા દો!’
કમ્મુમૌસી આંસુ લૂછતાં ગિટાર લેવા માટે બહાર ગયાં ત્યાં પાર્થે તક ઝડપી લીધી.
‘કેમ, સિર્ફ ગિટારને જ હક છે? એ વગાડનારનાં આંગળાંની તો કોઈ કદર કરશે કે નહીં?’
નગમાના ચહેરા પર પેલું સ્મિત આવી ગયું. પાર્થને થયું કે વાહ, તીર બરાબર નિશાન પર લાગી ગયું છે! નગમા એક વાર તેના પ્રેમમાં પડી જાય પછી તો પાંચ શું, પચીસ ગાયનોનાં કમ્પોઝિશનો રમતાં-રમતાં તેના હોઠ પરથી ઉતારી લઈશ.
lll
બીજા જ દિવસે પાર્થ એક ખાનગી હૉસ્પિટલની ઍમ્બ્યુલન્સ લઈને મહોલ્લામાં પહોંચી ગયો. લાકડાના દાદર ઉપર બે કમ્પાઉન્ડરોની મદદથી સ્ટ્રેચર ઉપલે માળે ચડાવતાંની સાથે તેણે કમ્મુમૌસીને બૂમ મારી.
‘કમ્મુમાસી! અમ્મીજાનને તૈયાર કરો, તેમને હૉસ્પિટલ લઈ જવાનાં છે...’
આ સાંભળીને નગમા અચાનક થંભી ગઈ. તેના ચહેરાના હાવભાવ સપાટ થઈ ગયા.
‘અચ્છા? આપકે સાઝ કો જરા હોઠોં સે ક્યા લગા લિયા, ઇતના હક જતાને લગે?’
પાર્થ ઝંખવાઈ ગયો. શું બોલવું, તેને સમજ ન પડી. નગમાની બ્લાઇન્ડ આંખોની કીકીઓ સ્થિર થઈને તેની તરફ નોંધાઈને ઊભી હતી.
પાર્થે કહ્યું, ‘હક તો અમ્મીજાન પર તમારો જ બને છે નગમા, પણ આ કામ મારું અને તમારું સાઝ ક્યારે કરી રહેશે? દુનિયામાં મેડિકલ સાયન્સ નામની પણ કોઈ ચીજ છે. મારા ફાધર એક ન્યુરોલૉજી હૉસ્પિટલના ટ્રસ્ટી છે. એક કોશિશ કરી જોઈએ. કદાચ ઇલાજ મળી જાય તો...’
‘ઇલાજ તો હશે જને?’ નગમાના અવાજમાં હતાશા હતી. ‘પણ ઇલાજની કિંમત કેટલી હશે...’
‘કિંમતની ચિંતા તમે શા માટે કરો છો?’
‘અચ્છા?’ નગમાના અવાજમાં અચાનક ધાર આવી ગઈ. ‘તો જરા કહેશો પાર્થ, એ કિંમતની ચિંતા તમે શા માટે કરી રહ્યા છો?’
પાર્થ બે ક્ષણ માટે હલબલી ગયો પણ તેની ચબરાક જીભ પર ચતુર જવાબ ઊગી નીકળ્યો :
‘નગમાજી, તમે તમારા સંગીતની કોઈ કિંમત નથી માગતાં. કહો છો કે એ તો ખુદાની નેમત છે, વહેંચવાથી વધે છે. તો પછી ખુદાએ મને અને મારા પિતાજીને જે થોડી નેમત આપી છે એ તો વહેંચવા દો.’
નગમા પાસે આ દલીલનો કોઈ જવાબ નહોતો.
lll
ઑપરેશન શરૂ થઈ ગયું હતું.
સાંજના છ વાગ્યે શરૂ થયેલું ઑપરેશન મિનિમમ પાંચ કલાક ચાલવાનું હતું.
‘પાર્થ, શું લાગે છે?’ રાજુએ પૂછ્યું.
‘શી ખબર, ડૉક્ટરે તો કહ્યું છે કે ત્રીસ ટકા ચાન્સ છે.’
‘ત્રીસ ટકાની વાત નથી કરતો. હું તો એમ પૂછું છું કે તારા આ ગેમપ્લાનમાં કેટલા રૂપિયા લાગ્યા છે?’
પાર્થ સમસમી ગયો. ‘યાર, તને શું લાગે છે, હું આ પાંચ-સાત લાખ રૂપિયા નગમાને પટાવવા માટે ખર્ચી રહ્યો છું?’
‘હાસ્તો વળી!’
રાજુના જવાબથી પાર્થને સખત ચચરી ગઈ. તેણે સંભળાવી દીધી, ‘સાંભળ રાજુ, હું આ એટલા માટે કરી રહ્યો છું કે હું નગમાને પ્રેમ કરું છું પ્રેમ!’
‘અચ્છા?’ રાજુ એવી વિચિત્ર રીતે હસ્યો કે પાર્થ છોભીલો પડી ગયો.
એ જ વખતે પાછળથી નગમાનો અવાજ સંભળાયો, ‘પાર્થ, અહીં મને બહુ ઘુટન થઈ રહી છે...’
શું નગમા આ બધું સાંભળી રહી હતી? પાર્થ જરાક હલબલી ગયો. પણ નગમાના ચહેરા પર જે મૂંઝવણ હતી એ પાર્થને અલગ જ લાગી.
પાર્થને એક વિચાર આવ્યો. તેણે તરત એક કમ્પાઉન્ડરને કહીને હૉસ્પિટલની ટેરેસની ચાવી મગાવી.
lll
અહીં એક અજીબ સન્નાટો હતો. પાંચ માળની આ ઇમારત નીચે શહેરના ટ્રાફિકનો કોલાહલ તો હતો પણ એ જાણે કોઈ ચાળણીમાં ચળાઈને ઉપર આવી રહ્યો હતો. આસપાસ ઊંચાં-ઊંચાં બિલ્ડિંગો હતાં અને અહીં સાવ ઝાંખી રોશની હતી.
નગમા ક્યાંય લગી ટેરેસની પાળી પાસે ગુમસુમ ઊભી હતી, જાણે તે આ અંધારાને શહેરના ઝીણા કોલાહલ સાથે ભેળવીને ઘટક-ઘટક પી રહી છે.
‘પાર્થ?’ કંઈકેટલીયે મિનિટો પછી નગમાના ગળામાંથી ધીમો અવાજ નીકળ્યો. ‘પાર્થ, અમ્મીજાનના ઑપરેશનમાં કેટલો ખર્ચ થશે?’
પાર્થ ચેતી ગયો. ક્યાંક નગમા તેની અને રાજુની વાતો સાંભળી તો નહીં ગઈ હોયને?
પાર્થે પોતાની ગભરામણ છુપાવતાં કહ્યું, ‘ખર્ચ તો થશે ૧૦–૧૨ લાખ, પણ ચિંતા ન કરો. મારા ડૅડી આ હૉસ્પિટલના ટ્રસ્ટી છે. નેવું ટકા રકમ તો ટ્રસ્ટમાંથી અપાવી દેશે.’
નગમા ઉદાસ રીતે હસી. ‘કેવું કહેવાય નહીં? કોઈનો મુનાફો કોઈને ક્યાંથી સબાબ બનીને મળે છે!’
‘હું સમજ્યો નહીં.’
‘પાર્થ, જ્યારે હૉસ્પિટલ બનતી હશે ત્યારે તમારા પિતાજીએ તેમાં ૧૦-૧૨ કરોડનું દાન તો આપ્યું હશેને?’
‘હા, એટલું તો ખરું જ.’
‘તો જુઓને, એનો મુનાફો મારી અમ્મીજાનને મળી રહ્યો છે!’
‘સાચી વાત છે, નગમાજી.’
પાર્થ હજી ચૂપ હતો. નગમાએ પહેલાં પૈસાની વાત પૂછી, પછી નફા વિશે બોલી રહી છે. તે શું કહેવા માગે છે?
‘ઉપરવાલાનો ચમત્કાર છે, નહીં?’
‘હેં? હા...’ પાર્થ ગૂંચવાયો.
‘જુઓને, મારી સાથે પહેલી જ વાર તમે રિયાઝ કરવા બેઠા અને એવા સૂર છેડાઈ ગયા કે અમ્મીજાનના બેજાન લાકડી જેવા પગોમાં થિરકન આવી ગઈ! ઉપરવાલાનો ચમત્કાર નહીં તો બીજું શું?’
‘જી, સાચી વાત છે નગમાજી.’
‘અને હજી એક ચમત્કાર નીચે ઑપરેશન થિયેટરમાં થવા જઈ રહ્યો છે. ડૉક્ટરો કહે છે કે સિર્ફ ત્રીસ ટકા ચાન્સ છે પણ મારા દિલની ધડકન કહે છે કે...’
‘કે અહીં પણ સો ટકા ચમત્કાર થશે! ખરુંને?’
‘શી ખબર?’ નગમાનો અવાજ અચાનક ભારેખમ થઈ ગયો. તેણે હથેળી આગળ લંબાવીને પાર્થને કહ્યું, ‘તમારો હાથ આપોને?’
પાર્થને સમજાતું નહોતું કે આ શું થઈ રહ્યું છે. તેણે પોતાનો હાથ નગમાની હથેળીમાં મૂક્યો. નગમાએ બીજા હાથની હથેળી વડે પાર્થનો પંજો સહેલાવતાં જાણે આખી વાતનો છેડો લાવવાનો હોય એમ કહ્યું :
‘પાર્થ મારી સાથે શાદી કરશો?’
પાર્થ સ્તબ્ધ થઈ ગયો! વાત ક્યાંથી ક્યાં પહોંચી હતી? તે કંઈ જવાબ આપે એ પહેલાં નગમાએ પાર્થને નજીક લાવીને તેના ખભા પર હાથ મૂકી દીધો.
પાર્થના શરીરમાં ઝણઝણાટી ફરી વળી. તેણે હળવેથી નગમાના શરીર ફરતે પોતાનો હાથ વીંટાળ્યો. એ સાથે જ નગમાએ પોતાનું માથું પાર્થની છાતીમાં ઢાળી દીધું.
ક્ષણો, મિનિટો કે પછી કલાક આમ જ વીતી ગયો હશે... ત્યાં ટેરેસના દરવાજેથી રાજુનો અવાજ આવ્યો, ‘પાર્થ, ગુડ ન્યુઝ. ઑપરેશન ઇઝ સક્સેસફુલ!’
lll
આખરે પાર્થનાં તમામ પાસાં પોબારાં પડ્યાં. તેની એકેએક ચાલ કામિયાબ નીવડી. કોર્ટમાં મૅરેજ થતાંની સાથે તે નગમાને લઈને ફિજી આઇલૅન્ડ પહોંચી ગયો, દસ દિવસના હનીમૂન માટે!
ત્યાંથી અવારનવાર રાજુ ઉપર મેસેજ આવતા રહેતા હતા :
‘રાજુ! સમુદ્રમાં છબછબિયાં કરતાં-કરતાં નગમાએ બે તોફાની બંદિશો બનાવી છે. સાંભળ... ૨ફ ઑડિયો ટ્રૅક મોકલું છું.’
‘લે, આ રહ્યો સાવ તાજો ટ્રૅક... નગમાએ કૉટેજના કિચનમાં જાતે ઈંડાં ફોડીને ઑમ્લેટ બનાવતાં કંઈક ગજબનું ગાઈ નાખ્યું છે.’
‘અને રાજુ, આ તો બેમિસાલ રોમૅન્ટિક ટ્યુન છે... ખબર છે? રાત્રે બે વાગ્યે પથારીમાં સૂતાં-સૂતાં અમે બન્નેએ સાથે કમ્પોઝ કરી છે. યાર, આમ ને આમ ચાલ્યું તો કદાચ હું પણ સંગીતકાર બની જઈશ.’
lll
પેલી તરફ જ્યારે નગમાની ખુશી સાત-સાત આસમાનોને ચૂમી રહી હતી ત્યારે પાર્થ તેની એકેએક ગુનગુનાહટ, તેનાં એકેએક તરન્નુમ અને તેની અધૂરી-કાચી કવિતાને પણ મોબાઇલમાં કૅપ્ચર કરી રહ્યો હતો.
આખરે જ્યારે અગિયારમા દિવસે તે નગમા સાથે ઍરપોર્ટ પર ઊતર્યો કે તરત તેણે ‘બ્લુ બટરફ્લાય’વાળા રાયસિંઘાણિયાને ફોન લગાડી દીધો!
‘સાહેબ ! આલબમનાં પાંચેપાંચ ગીતો રેડી છે! બસ, તમે સ્ટુડિયો બુક કરો અને શૂટિંગનું પ્લાનિંગ શરૂ કરો. અને હા, મારી સાથે તમામ સૉન્ગ્સમાં પેલી મખમલ યાને કે વેલ્વેટ જ હોવી જોઈએ હોં? કારણ કે એ સાલી ચુલબુલી મારો લકી ચાર્મ છે!’
નગમાદીદીનો સામાન ડિકીમાં ગોઠવી નગમાને કારમાં બેસાડી જ્યારે રાજુ પાછો ફર્યો ત્યારે તેણે પાર્થનું છેલ્લું વાક્ય સાંભળી લીધું. તેને ખરેખર નવાઈ લાગી : યાર... લકી ચાર્મ.. વેલ્વેટ? ક્યારથી?
lll
‘આ વેલ્વેટનું શું ચક્કર છે પાર્થ?’
‘લે ભૂલી ગયો? રિમઝિમ રિમઝિમ આલબમના વિડિયોમાં મારી સાથે ઝૂમી-ઝૂમીને પલળી રહી હતી એ સેક્સી બેબીને સાવ ભૂલી ગયો?’
‘પણ એ તારો લકી ચાર્મ? તો પછી નગમાભાભી શું છે?’
પાર્થ જે રીતે હસ્યો એ જોઈને રાજુને સખત ચીડ ચડી રહી હતી.
‘રાજુ બેટા! આને બિઝનેસ કહેવાય! તારી નગમાભાભી તો ફૅક્ટરી છે, પણ શોરૂમમાં તો વેલ્વેટ જેવી હૉટ આઇટમ રાખવી પડેને!’
રાજુ પાર્થને કહેવા માગતો હતો કે તું બહુ દુષ્ટ છે, પણ એ સાંભળવા માટે પાર્થે કાન પર ચડાવેલા હેડફોન હટાવવા પડેને?
(આગળના પાને વાંચો પાંચમું પ્રકરણ)

