પુરુષકેરા અહમનો એ ચીંટિયો એવો વળદાર હતો કે અરેને ઘરેથી બિઝનેસની ધુરા સંભાળી લીધી.
ઇલસ્ટ્રેશન
ત્રણ વર્ષ!
વરંડામાં વ્હીલચૅર પર લટાર મારતા અરેનથી હળવો નિશ્વાસ નખાઈ ગયો.
ADVERTISEMENT
અરેનની સવાર વહેલી ઊગી જતી. ઑફિસ ઘરે થતાં તેણે સૂવાનું પણ નીચેના રૂમમાં રાખ્યું હતું. શ્રાવણી ઉપર બાળકો સાથે સૂતી. બે મેઇડ અરેનની મદદમાં રહેતા. શ્રાવણી ઊઠે ત્યાં સુધીમાં તો પ્રાત:ક્રિયામાંથી પરવારી અરેન વરંડામાં વ્હીલચૅર પર લટાર મારતો હોય. ઑટોમૅટિક વ્હીલચૅર તેને ફાવી ગઈ હતી. હાથા પરની સ્વિચ જાતે ઑપરેટ કરી તે સ્વતંત્રપણે હરીફરી શકતો.
ખરેખર તો ‘મહેતા મેન્શન’નો ગ્રાઉન્ડ ફ્લોર પણ બે માળ જેટલી ઊંચાઈએ હતો. પુરાણથી ઊંચા કરેલા આગળના ભાગના વિશાળ વરંડામાં વૃક્ષોની હરિયાળી હતી, રંગબેરંગી ફૂલોના ક્યારા હતા. અરેન અહીં થોડો સમય ખુલ્લી હવામાં વ્હીલચૅર પર ઘૂમતો રહે, સવારનો કુમળો તડકો માણે, ક્યારેક ઢોળાવ પરથી નીચે ઊતરી પાર્કિંગમાં લટાર પણ મારી આવે.
આમ તો મારા સાજા થવાની કોઈ હોપ જ નથી તોય શ્રાવણી ક્યાંકથી કોઈ રેફરન્સ મળે તો આજેય જે–તે ડૉક્ટરને કેસ પેપર મોકલવાનું નથી ચૂકતી, કેમ જાણે તેને મારી બહુ દરકાર હોય... અત્યારે પણ અરેનની કડવાશ ઘૂંટાઈ.
શ્રાવણીને તે ચાહતો. પોતાના સ્ખલન વિશે જાણીને પણ શ્રાવણીએ સ્વીકાર કર્યો એથી શરૂ-શરૂમાં ભીતર ક્યાંક થોડી શંકા હતી: શ્રાવણીએ ભલેને ઇનકાર કર્યો, તે પણ ક્યાંક લપસી હશે તો જ વટલાયેલા પુરુષને પતિ તરીકે સ્વીકારેને! સુહાગરાતે એ શંકાનું સમાધાન થયું. શ્રાવણી પર તે ઓળઘોળ રહેતો. સ્ટ્રોકના શરૂઆતના દિવસોમાં અરેન શ્રાવણીની કાળજીથી ગદ્ગદ થતો, પણ તેણે વેપાર સંભાળવાનું કહેતાં અરેનનું જુનવાણીપણું વળ ખાતું બેઠું થયું : હવે મારે પત્નીની કમાણી પર નભવાનું?
ન બને! શું વેપાર કે શું સંસાર, કન્ટ્રોલ તો મારો જ હોવો જોઈએ!
પુરુષકેરા અહમનો એ ચીંટિયો એવો વળદાર હતો કે અરેને ઘરેથી બિઝનેસની ધુરા સંભાળી લીધી.
શ્રાવણી ઘર સંભાળતી, બાળકોને સાચવતી. ગમેતેટલી થાકી હોય તોય રાતે અરેનનું માથું પસવાર્યા વગર સૂવાનું નહીં. અરેન મોટા ભાગે સૂવાનો ડોળ કરી આંખ મીંચી પડ્યો રહે તોય શ્રાવણી નિરાંતે પડખે બેસે, માથે હાથ ફેરવી જાપ કરતી રહે કે પછી તેને વળગી પડી રહે.
તેના ગયા પછી અરેનના દિમાગમાં જુદો જ સળવળાટ થાય: હું તો શરીરસુખ માટે નકામો ઠરી ગયો, પણ શ્રાવણીને પ્યાસી રહેતી કામના કનડતી નહીં હોય?
ધગધગતો નિસાસો સરી જતો. હાલતોચાલતો માણસ વ્હીલચૅરનો તાબેદાર થઈ જાય એ પરિસ્થિતિ જીરવવી સહેલી નથી. બીજું તો ઠીક, પોતે પુરુષ તરીકે લાયક ન રહ્યો એની લાચારી કોરી ખાતી. બધાના પરિણામ સ્વરૂપ તેના સ્વભાવમાં કડવાશ ઘૂંટાતી ગઈ. પ્રણયની ધરા તેની જાણબહાર સુકાતી ગઈ.
કોઈ કામે બહાર ગયેલી શ્રાવણીને આવતાં મોડું થાય કે શંકા જીભે આવી જાય: રખડવા માટે કોઈ કંપની મળી ગઈ કે શું!
શ્રાવણી તેનાં કડવાં મેણાં ખમી લેતી એથી અરેનની માન્યતાને પોષણ મળતું : બધું પૈસાને માન છે! શૈયાસુખ માણી ચૂકેલા પુરુષને પતિ તરીકે સ્વીકારવા પાછળ અમીરીને પામવાની જ શ્રાવણીની મનસા હોય એ હવે પલ્લે પડે છે. પતિ શ્રીમંત હોય તો પત્નીને દાસી બનીને રહેવાનો પણ વાંધો નથી હોતો. જોકે તનની આગ ઠારવા તેણે કોઈક રસ્તો તો કાઢ્યો હશે, મારા જ પૈસે તે ભાડાનું સુખ તો નહીં માણતી હોય! કોઈક રીતે એની ભાળ મળે...
અત્યારે પણ અરેને દમ ભીડ્યો.
lll
‘ડાર્લિંગ, હું બજાર જઈને આવી.’
બાળકો સ્કૂલમાં હોય ત્યારે શ્રાવણી બહારનાં કામ નિપટાવી લેતી. આમાં ક્યારેક બેચાર કલાક પણ લાગી જાય. વેલ, આટલા સમયમાં ‘કામ’નું કામ પણ પતાવી જ દેવાય!
શ્રાવણી બજાર જવા નીકળતાં અરેને અણગમો ઘૂંટ્યો.
અને શ્રાવણીના ગયાને કલાકેક થયો હશે કે અરેનનો સેલફોન રણક્યો. નંબર અજાણ્યો હતો, વાત કરનાર પુરુષ છે કે સ્ત્રી એ પણ ન પરખાયું પરંતુ એની ઢબ મહામૂલો ભેદ ખોલવાની લાગી, ‘તારી વાઇફ તો
હવે ધોળા દિવસે રંગરેલી મનાવવા લાગી છે. મહેતા ખાનદાનનું નામ બોળ્યું. પણ શું કરે બિચારી, તું તો નકામો ઠરી ગયોને!’
આછું હસી સામે વ્યક્તિએ કૉલ કટ કરી દીધો.
અરેન પૂતળા જેવો થયો.
આખરે મારો શક સાચો પડ્યો!
પરપુરુષ સાથે સંવનનમાં રત શ્રાવણીનું કલ્પનાચિત્ર તેને વિચલિત કરી ગયું.
lll
‘લે, તેં કહ્યું એ મુજબ કહી દીધું.’
શેખરે ફોન બાજુ પર મૂકી તેને બાથમાં લીધી, ‘હવે શું થશે?’
જવાબમાં તે હસી, ‘થશે, ડિયર... હજી તો પહેલી ચિનગારી ચાંપી છે, રામબાણ જેવું હથિયાર હજી ભાથામાં છે. એ છાંટીશું એટલે ભડકો!’
પછી શેખરના બદન પર હાથ સરકાવ્યો, ‘તેને ત્યાં સળગવા દે. તું અહીં વરસતો થા!’
lll
શ્રાવણી ખરેખર કોઈ જોડે...
અરેનના ચિત્તમાં એકના એક વિચાર ઘુમરાય છે.
ના-ના, ન બને. શ્રાવણી બરાબર જાણે છે કે મને ખબર પડી તો હું
તેને રસ્તે રઝળતી કરી દઈશ, તે શ્રીમંતાઈથી દૂર થવાનું જોખમી પગલું ઉઠાવે જ નહીંને!
આમાં ક્યાંય પતિનો પત્નીના ચારિત્ર પરનો ભરોસો તો હતો જ નહીં. ગબડવું હોય તે ગમે ત્યાંથી ઢાળ શોધી કાઢે એવી અરેનની અવસ્થા હતી.
અને પછીના વીકમાં શ્રાવણીની ગેરહાજરીમાં કાનભંભેરણી કરતા બેત્રણ ફોન આવી ગયા.
ના, કાનભંભેરણી શાની, આ તો કોઈ મને ચેતવી રહ્યું છે! અમીર આદમીને ચેતવવા પાછળ આર્થિક લાભની જ ગણતરી હોયને... અરેને એક વાર કહી નાખ્યું : તમારે ઓળખ છુપાવવાની જરૂર નથી. તમે માગશો એનાથી વધારે પૈસા આપીશ, જો તમે જે કહો છો એનો પુરાવો આપી શકો એમ હો તો...
આના બીજા જ અઠવાડિયે શ્રાવણી બાળકોને લઈ એક રાત માટે પિયર ગઈ હતી એ દરમ્યાન વૉટ્સઍપ પર પુરાવો ટપક્યો.
‘શ્રા..વ..ણી... આ..હ.. યુ આર જસ્ટ.. ફૅન્ટૅ..સ્ટિક!’
પુરુષની વાણી અને સ્ત્રીના કામુક ઊંહકારાભરી એક મિનિટની સંવનનની ઑડિયો-ક્લિપે અરેનને સળગાવી દીધો. પત્નીની બેવફાઈમાં શક ન રહ્યો: શ્રાવણી કેટલા ચાવથી પૌરુષને માણે છે એની પતિ તરીકે મને તો ખબર હોય જને! અંગે જુવાની ચટકા ભરતી હશે એટલે અક્ષમ પતિને અંધારામાં રાખી બાઈજીએ છાનગપતિયાં શરૂ કરી દીધાં.
નો-નો, શ્રાવણીનો અપરાધ અક્ષમ્ય છે...
અરેનને ચેન નહોતું. અને એક સવારે...
પ્રાત:ક્રિયામાંથી પરવારી મેઇડ અરેનને વ્હીલચૅરમાં વરંડામાં દોરી ગયો. થોડી વાર કુમળો તડકો માણી અરેને વ્હીલચૅર પાર્કિંગના ઢોળાવે વાળી.
પણ આ શું? પૈડાગાડીને બ્રેક કેમ નથી લાગતી?
હાથ આગળના બધા કન્ટ્રોલ દબાવતો અરેન પસીને રેબઝેબ થયો. ઢાળને કારણે પુરઝડપે નીચે ધસતી વ્હીલચૅર પર બેઠેલા અરેનની રાડ સરી ગઈ : હે..લ્પ!
સામે જ લોખંડનો તોતિંગ ગેટ હતો જેના પર રાજપૂત કાળના અણીદાર ભાલા જડ્યા હતા. અથડાયા તો...
ઘડીકમાં તો અરેનની નજર સમક્ષ મોત તાંડવ કરવા લાગ્યું. સીટબેલ્ટ છોડી વ્હીલચૅર પરથી ઊથલી પડવું હતું, પણ અથરાપણામાં બેલ્ટ ખૂલ્યો જ નહીં. એમાં તો પાર્કિંગનો વળાંક ચૂકી જવાયો ને માતેલા સાંઢની જેમ વ્હીલચૅર બેકાબૂ થઈ ગેટ સાથે અથડાવાની જ હતી કે...
સોય જેટલા અંતરે વ્હીલચૅરને બ્રેક લાગી ગઈ. હા..શ!
‘ભગવાનનો પાડ! આજે તમે માલિકનો જાન બચાવ્યો શેઠાણી!’
શેઠાણી. ગેટકીપરના વાક્યે અરેનની ગરદન ઝાટકા સાથે ફરી. સામે ટેકરા પર શ્રાવણી ઊભી હતી ને તેના હાથમાં વ્હીલચૅરનું છૂટું રહેતું રિમોટ હતું.
‘તમને કહ્યું છેને કે બેસીને પહેલાં ઑટો-કન્ટ્રોલ્સ બરાબર કામ કરે છે કે નહીં એ જુઓ. એના સેલ બદલવાના થયા છે. એ તો સારું છે કે આ બીજું રિમોટ હું ઠેકાણે રાખું છું...’
મારી બૂમાબૂમ સાંભળી રિમોટ સાથે દોડી આવેલી શ્રાવણીએ મને બચાવી લીધો.
કે પછી મને મારવાના પ્લાનનું રિહર્સલ કરી લીધું?
આ ઝબકારાએ અરેન ચમકી ગયો. યા, વાય નૉટ! તેના પ્રેમી કે શૈયાસાથી સાથે મળી તે મને મારગમાંથી હટાવવાનો પ્લાન નહીં ઘડતી હોય એની શું ખાતરી? વ્હીલચૅરની સ્વિચના સેલ બગડે ત્યારે શ્રાવણી બીજા રિમોટથી અકસ્માતની પળ સાચવી લે એ પ્લાનિંગ વિના તો કેમ બને! ફરી આવી જ ઘટનામાં મારા પ્રાણ જાય તો સ્ટાફ પણ ગવાહી દેશે કે અગાઉ શ્રાવણી શેઠાણીએ માલિકને બચાવેલા એટલે ખૂનની સંભાવના ન પોલીસને ગંધાય કે ન શ્રાવણી ખૂની પુરવાર થાય. શોક ઉતારી શ્રાવણી તેના પ્રેમીને પરણી મારી જ દોલત પર, મારા જ ઘરમાં એશ કરે એ તો કેમ સાંખી લેવાય!
અંહ, પહેલો ઘા રાણાનો. શ્રાવણી તેની ચાલ ચાલે એ પહેલાં મારે એનો ફેંસલો આણી દેવો છે. તે મારું પત્તું સાફ કરે એ પહેલાં હું તેને સ્વધામ પહોંચાડી દઈશ.
ફેંસલો ઘડાઈ ગયો.
lll
અરેન પ્લાન ગૂંથતો ને ફોક કરતો. કામ બહુ કુનેહપૂર્વક થવું જોઈએ. ન પોલીસને ખૂન ગંધાવું જોઈએ, ન સમાજને વહેમ જવો જોઈએ!
તે ટીવી પરના ક્રાઇમ-શોઝ નિહાળતો, મર્ડર-મિસ્ટરીઝ વાંચતો. આવામાં કિન્ડલ પર ક્રાઇમ બુક્સ ફંફોસતાં એક વાર્તા ગમી ગઈ : સ્મગલિંગ ઑફ સાઇનાઇડ!
કથાનો નાયક પોતાના દુષ્ટ ભાગીદારોને સાઇનાઇડના ઝેરથી મારે છે એ મતલબનું કથાનક ધરાવતી સ્ટોરી ગઈ સદીની હતી, પણ સાઇનાઇડનું ઝેર તો આજે પણ એટલું જ કાતિલ ગણાય છેને! હીરો સાઇનાઇડ કઈ રીતે વિલન સુધી પહોંચાડે છે એની બહુ રસપ્રદ ટ્રિક્સ લેખકે વર્ણવી હતી. જોકે એમ કોઈનો આઇડિયા ચોરી કૉપીરાઇટનો ભંગ શું કામ કરવો!
શ્રાવણી મરશે સાઇનાઇડથી જ, પણ એ મારી ટ્રિકે!
અરેનનું ભેજું હવે જેટ ઝડપે દોડવા માંડ્યું : સાઇનાઇડ બજારમાં છૂટક નથી મળતું એ કેમિકલના બિઝનેસ ચલાવતા મારા જેવા માટે બહુ મુશ્કેલ પણ ન ગણાય.
અમારા રેગ્યુલર સપ્લાયર પાસેથી હું રિસર્ચનો પર્પઝ બતાવી સાઇનાઇડની મિનિમમ સાઇઝની એક બૉટલની ખરીદી કરું છું. પ્રોડક્ટની નોહાઉ સીક્રેટ રાખવા એને કોડનેમ આપી દેવા કહું છું. આટલું થતાં રૂટીન મુજબ ડિલિવરી લેવા મારા સ્ટાફ-મેમ્બર સતીશને મોકલું છું. રિટર્નમાં બૅન્કમાંથી કૅશ ઉપાડી મને ઘરે આપતો જાય એવી સૂચના પહેલેથી જ આપી રાખી છે એટલે ઝેરની શીશી સાથે લાખ રૂપિયાની કૅશ લઈ મલબાર હિલ આવતા સતીશને કોઈ રસ્તામાં જ લૂંટી લે તો!
સતીશને કોડેડ આઇટમ સાઇનાઇડ હોવાનું માલૂમ નથી, પૈસા માટે જ લૂંટ થઈ એવું જ તે તો માનવાનો અને લાખ રૂપિયા કંઈ એવી રકમ નથી કે અરેન મહેતાએ પોલિસમાં ફરિયાદ કરવી પડે! પરિણામે કિસ્સો છાપે નહીં ચડે, ડીલર સુધી વાત નહીં પહોંચે.
પણ ત્યાં સુધીમાં સાઇનાઇડ તફડાવનારા આદમી પાસેથી કોડેડ કેમિકલ બીજા બે હાથોમાં ફરતું-ફરતું એક્સ મેન સુધી પહોંચે છે. તે શું કરશે? વેલ, તે કંદોઈની દુકાને જશે, અઢીસો ગ્રામ લાડુ લઈ એમાં કેમિકલ મિક્સ કરશે. બાટલી ફગાવી ચાર લાડુના નાનકડા બૉક્સને દુકાનના નામઠામ વિનાના બૉક્સ સાથે બદલી ચોપાટીના ડસ્ટબિન આગળ છોડી દેશે, એના નીકળ્યા બાદ મિસ્ટર વાય બૉક્સનો કબજો લેશે, એની પાસેથી મિસ્ટર ઝેડને મળશે જે એને ફાઇનલ ડેસ્ટિનેશન સુધી પહોંચાડશે.
હાઉ?
અરેનના ચહેરા પર ખંધું સ્મિત રેલાયું : વેલ, એ માટે ગણપતિબાપ્પા મોરયા.
(ક્રમશ:)

