કંઈક આવા નિશ્ચય સાથે શ્રી મુંબઈ જૈન સંઘ સંગઠને આવનારા દિવસોમાં યુથ-ફોકસ્ડ પ્રોગ્રામ્સ પર કામ કરવાનો નિર્ણય લીધો છે. જૈન સમુદાયમાં સાધુ-સંતોએ યુવાવર્ગમાં ધર્મમય સંસ્કારોનું રોપણ કરવામાં અભૂતપૂર્વ ભૂમિકા અદા કરી છે.
પૂજ્ય પંન્યાસશ્રી લબ્ધિવલ્લભવિજયજી મહારાજસાહેબ, આચાર્ય ભગવંત શ્રી અજિતશેખર સૂરીશ્વરજી મહારાજસાહેબ
કંઈક આવા નિશ્ચય સાથે શ્રી મુંબઈ જૈન સંઘ સંગઠને આવનારા દિવસોમાં યુથ-ફોકસ્ડ પ્રોગ્રામ્સ પર કામ કરવાનો નિર્ણય લીધો છે. જૈન સમુદાયમાં સાધુ-સંતોએ યુવાવર્ગમાં ધર્મમય સંસ્કારોનું રોપણ કરવામાં અભૂતપૂર્વ ભૂમિકા અદા કરી છે. જોકે અત્યારના સમયે સોશ્યલ મીડિયા એક્સપોઝર અને બદલાઈ રહેલી સમાજ-વ્યવસ્થામાં જૈન ધર્મના સંસ્કારો યુવા પેઢી સુધી પહોંચે એ માટે શું થઈ રહ્યું છે અને શું થઈ શકે છે એ જાણવું રસપ્રદ રહેશે- જો જરૂર પડી તો AIની ભાષામાં વાત કરીશું, પરંતુ યુવા પેઢીને જૈન ધર્મથી વિમુખ તો નહીં જ થવા દઈએ
BBAનો અભ્યાસ કરતી ૧૯ વર્ષની દિતી ચૌધરી ખાસ પર્યુષણ કરવા માટે ભારતમાં આવી છે. પહેલાં એક વર્ષ સિંગાપોર અને હવે પછીનું એક વર્ષ દુબઈમાં ભણવાનું છે. એક સમય હતો જ્યારે આ યંગ ગર્લને જૈન ધર્મને લગતી વાતોથી ત્રાસ છૂટતો. કારણ પૂછતાં તે કહે છે, ‘અરે, કોઈ પણ વસ્તુ હોય તો બસ એમાં ના જ આવતી. આ નહીં ખાવાનું, પેલું નહીં ખાવાનું; આમ નહીં કરવાનું, તેમ નહીં કરવાનું, પાલક નહીં ખાવાની, ચીઝ નહીં ખાવાનું, બ્રેડ નહીં ખાવાની, આઇસક્રીમ નહીં ખાવાનો. ઓનેસ્ટ્લી કહું તો કાંદા-બટાટા સુધી ઠીક હતું પણ આ બધું જ કેવી રીતે છોડાય. નાની હતી ત્યારે પેરન્ટ્સ જેટલું કરાવતા એટલું કરી લીધું પણ પછી હું જૈન ધર્મથી દૂર ભાગતી, કારણ કે બધું જ કરવાથી પાપ લાગે એવું જ મને કહેવાતું. જોકે કોવિડ આવ્યો અને મને મનમાં જાણવાની ક્યુરિયોસિટી તો હતી જ એટલે મેં અમારા ઘરે મને ધાર્મિક ભણાવવા આવતાં એક દીદીને ફોન કરીને ઑનલાઇન ક્લાસ લેવાનું શરૂ કર્યું. હું નાનપણમાં મમ્મીના ફોર્સ સાથે થોડાંક સૂત્રો ભણી હતી, પરંતુ આ ધાર્મિક દીદી પાસેથી મેં એના અર્થ શીખવાનું શરૂ કર્યું. મને બધી જ બાબતોમાં ‘વાય નૉટ?’ જાણવું હતું અને એમાં પણ અમે ધીમે-ધીમે ડિસ્કશન કરતાં ગયાં અને કોઈ પણ વસ્તુ કેમ નહીં કરવાની એનાં રીઝન સમજમાં આવ્યાં અને જસ્ટિફાય પણ થયાં. પછી તો મેં સામેથી જ કાંદા-બટાટા છોડી દીધા. મને સમજાયું પણ ખરું કે આટલાં ડેપ્થ અને ડીટેલિંગવાળી વાતો બીજા એકેયમાં નથી. આપણે કહીએ કે જૈનિઝમ બેસ્ટ છે પણ અફકોર્સ બીજા ધર્મના લોકો હશે તેમને પોતાનો ધર્મ બેસ્ટ લાગશે. જોકે ન્યુટ્રલી જ્યારે હું ભણી અને નૉલેજ ગેઇન કર્યું ત્યારે સમજાયું કે જૈનિઝમની વાતો બીજા ધર્મમાં પણ આવે છે, પણ જે નથી આવતું એ છે ડીટેલિંગ. ધારો કે અહિંસાની વાત જૈનિઝમમાં આવે છે, પણ એ કેટલી ડીટેલમાં છે એની સમજણ હું જ્યારે સાત લાખ સૂત્રના અર્થ શીખી ત્યારે પડી. યસ, અગર મોક્ષની કે લિબરેશનની વાત બીજા ધર્મમાં પણ આવતી હોય તો પણ જે ડેપ્થ જૈનિઝમની બુક્સમાં છે એ જોતાં રિઝલ્ટ જલદી મળશે એટલું મને શ્યૉર લાગ્યું. એટલે યસ, સમજાયા પછી હું જૈનિઝમ સાથે નૅચરલી જોડાઈ ગઈ છું. યુ વોન્ટ બિલીવ, સિંગાપોરમાં પણ હું સામાયિક કરતી હતી. આઇ ગેસ, જો સાચી રીતે સમજાવવાવાળું હોય તો જૈનિઝમ બહુ જ લૉજિકલ ધર્મ છે અને કોઈને પણ ગમી જાય એવો છે.’
ADVERTISEMENT
આજની જનરેશનનું પ્રતિનિધિત્વ કરતી દિતી જેવાં ઘણાં યુવકો-યુવતીઓ છે જેમનામાં ક્યુરિયોસિટી એટલે કે જાણવાની ઇચ્છા છે અને સમજવાની તૈયારી પણ છે. બસ, તેમને તેમની ભાષામાં સમજાવવાવાળું કોઈ જોઈએ છે. હવે જ્યારે જૈન દેરાસરો અને ઉપાશ્રયોમાં યુવાવર્ગની સંખ્યા ઓછી થતી દેખાઈ રહી છે ત્યારે આખા શમુંબઈને આવરી લેતા લગભગ ૧૦૦૦ જૈન સંઘોની સામૂહિક સંસ્થા એટલે કે શ્રી મુંબઈ જૈન સંઘ સંગઠન દ્વારા આ દિશામાં નક્કર પગલાં લેવાની તૈયારી થઈ રહી છે. મુંબઈમાં બિરાજમાન અગ્રણી જૈનાચાર્યો અને સાધુ-સાધ્વી મહારાજની સહાય સાથે એક અનોખો કાર્યક્રમ આવતા અઠવાડિયે વિલે પાર્લેમાં આયોજિત થવાનો છે જેમાં તાજેતરમાં દીક્ષા લેનારાં સાધુ-સાધ્વી મહારાજસાહેબની સંગોષ્ઠિ થશે અને તેમની પાસેથી આજની યુવા પેઢીની બદલાઈ રહેલી માનસિકતા, બાહ્ય એક્સપોઝર અને સોશ્યલ મીડિયાના પ્રભાવ વચ્ચે કઈ રીતે તેમને ધર્મ સાથે જોડેલા રાખવા, કયા નવતર પ્રયોગો કરવા એ વિષય પર ચર્ચાઓ થશે. આ વિષયની જરૂરિયાત પર આપણે સંસ્થાના અગ્રણી અને જૈન મહાત્માઓ સાથે ગોષ્ઠિ કરીએ.
યુવાનોને જોઈએ શું?
મુંબઈમાં એક મોટી અને પ્રભાવશાળી ભૂમિકામાં જૈન સમાજ છે. સંપન્ન હોવાની સાથે સમાજના યુવાવર્ગને ધર્માભિમુખ રાખવાનું કામ શહેરોમાં વધુ પડકારજનક હોય છે. અત્યારે મુંબઈના ઘાટકોપરમાં ચાતુર્માસ કરી રહેલા અગ્રણી આચાર્ય ભગવંત શ્રી અજિતશેખરસૂરીશ્વરજી મહારાજસાહેબ પોતાના અનુભવોને આધારે કહે છે, ‘આજના યુવાનો સાથે તમે લૉજિકલ વાત કરો તો જ તેમને તમારી વાતમાં રસ છે. મુંબઈ અને બીજાં શહેરોમાં પણ કરેલા ચાતુર્માસ દરમ્યાન આ વાત ખૂબ અનુભવી છે. તેમને બે જ વાત જોઈએ છે, પ્રેમ અને લૉજિકલ વાત. એક વાર તેમને તમે પ્રેમથી આવકાર આપ્યો અને કોઈ પણ વાત તેમના પર થોપ્યા વિના તમે જો તેમને સાંભળી લીધા તો પછી એ તમારા. વૈજ્ઞાનિક અભિગમ સાથે જો વાત સમજાવવામાં આવે તો તેઓ સ્વીકારવા તૈયાર છે અને જૈન ધર્મ જેવો વૈજ્ઞાનિક ધર્મ બીજો એકેય નથી. એટલે આપણે ત્યાં તો લૉજિક વિનાની કોઈ વાત જ નથી. એ દૃષ્ટિએ જોઈએ તો આ કોઈ પડકાર છે જ નહીં. બહુ સરળ કામ છે, કારણ કે યુવાનોને જે જોઈએ છે એ તો જૈનિઝમમાં સરળતાથી જોડાયેલું છે. હા, એટલું પાક્કું કે સાધુ-સાધ્વી ભગવંતોની ભૂમિકા હવે એ રીતે બદલાવી જોઈશે. બધા કરે છે એટલે તમારે કરવાનું, પાપ લાગે એટલે આમ નહીં કરવાનું એવી વાતો નહીં માને. તમારે તેમને તર્કબદ્ધતા સાથે સમજાવવું પડશે. તમે માનશો નહીં પણ મુંબઈમાં જ એક પૉશ એરિયામાં રહેતા જૈન પરિવારનો દીકરો ડ્રગ્સના કેસમાં અટવાયો. બે મહિના જેલમાં રહ્યો. બહાર આવ્યા પછી તેના પિતા મારી પાસે લઈ આવ્યા. લગભગ બે મહિના દરરોજ અમારી પાસે આવ્યો. શરૂઆતમાં માત્ર હળવાશભરી વાતો, કોઈ શિખામણ નહીં, કોઈ જ્ઞાનવાળો ભાષાવૈભવ નહીં. બસ, ધીમે-ધીમે એક બૉન્ડિંગ બની ગયું પછી હળવેકથી તેને સમજાવવાનું શરૂ કર્યું અને અદ્ભુત પરિણામ મળ્યું. એ દીકરો આજે ડ્રગ્સ તો છોડો, અન્ય અભક્ષ્ય એટલે કે ખાવાયોગ્ય ન હોય એવી હિંસાયુક્ત વસ્તુઓ પણ નથી ખાતો. નિયમિત પ્રભુપૂજા કરતો થઈ ગયો. પહેલાં સીધા મોઢે માતા-પિતા સાથે વાત ન કરનારો યુવાન આજે માતા-પિતાને પગે લાગ્યા વિના ઘરની બહાર નથી જતો. આ પરિવર્તન સંભવ છે. બસ, પહેલાં તેમને સમજો પછી સમજાવો.’
આજીવન આયંબિલના મહાતપસ્વી પૂજ્ય આચાર્યશ્રી હેમવલ્લભસૂરિ મહારાજસાહેબની નિશ્રામાં ચાતુર્માસ કરી રહેલા પૂજ્ય પંન્યાસશ્રી લબ્ધિવલ્લભવિજયજી મહારાજસાહેબ પોતાનો એક લેટેસ્ટ દાખલો આપતાં કહે છે, ‘અત્યારે અમારે ત્યાં ૧૯ વર્ષનો નૅશનલ ચેસ ચૅમ્પિયન છે જે પહેલી વાર મળવા આવ્યો ત્યારે તેની પાસે પ્રશ્નો જ પ્રશ્નો હતા. તેને કોઈ ધર્મની રુચિ ખાસ નહોતી પરંતુ આજે જ્યારે તેને તેના મનનું સમાધાન મળતું થયું છે તો તેણે વધુ ઊંડાણથી બધી વાતોને સમજવા એક વર્ષનો બ્રેક લઈને સંપૂર્ણ ધ્યાનમાં મન લગાવ્યું છે. અત્યારે તે દિવસમાં પંદરથી સત્તર કલાક ધ્યાન કરે છે. યુવાનોની શિબિર વખતે થયેલા મારા અનુભવોથી કહું તો આજની પેઢીની જરૂરિયાત પણ એ જ છે જે દરેક જીવમાત્રની હોય. બધાને સુખી થવું છે અને સુખની જ શોધ છે. બસ, રસ્તો તેમને સમજાય એ રીતે તમારે દેખાડવાનો છે. આજે યુવાનો પચાસ દિવસ મોબાઇલ ત્યાગ કરીને રહી શકે એવું તમે વિચારી શકો? પણ સિદ્ધવડના ચાતુર્માસમાં એ પ્રયોગ કર્યો છે અને ૧૧૦૦ આરાધકોમાંથી લગભગ ત્રીસ ટકા યુવાનોએ પણ એ કર્યું છે. પંદરથી પચીસ વર્ષના યુવાનોની પાંચ-પાંચ દિવસની શિબિરો અમે યોજવાના છીએ જેમાં ફોન અલાઉડ નથી અને છતાં સેંકડો નામ નોંધાયાં છે. અત્યારે આજના યુવાવર્ગને બિલીફ-સિસ્ટમને રીસેટ કરવામાં મદદ કરે એવાં અનુકૂળ પ્રવચનોની જરૂર છે.’
અહીં પૂજ્ય અભયશેખર મહારાજસાહેબ બહુ સરસ કહે છે, ‘જૈન કુળમાં જન્મેલા યુવાનમાં સંસ્કાર તો છે જ, આપણે તો માત્ર જાગ્રત કરવાના છે. શિબિરને બદલે સેશન નામ વાપરો કે તેમને ઍટ્રૅક્ટ કરે એવી શૈલી વાપરવાની છે, બાકી સર્વજ્ઞ ભગવાને આપેલું જૈનનું મૂળ તત્ત્વજ્ઞાન તો દરેક કાળમાં પ્રસ્તુત જ લાગે એટલું પાવરફુલ છે.’
રીત બદલવી પડશે
યસ, આજે વ્યાખ્યાનોમાં યુવાવર્ગની સંખ્યા પાંખી થઈ જ છે અને આ સત્યને કોઈ નકારી નહીં શકે. સમય છે એનાં કારણો પર વિચાર-વિમર્શ કરીને પગલાં લેવાનો. શ્રી મુંબઈ જૈન સંઘ સંગઠનના ફાઉન્ડર ટ્રસ્ટી વીરેન્દ્રભાઈ કહે છે, ‘આજની પેઢી ઍક્ટિવ છે. તેમને જ્ઞાનમાં રસ છે. તેમને નૉલેજ ગમે છે. તેમના રસને ધ્યાનમાં રાખીને ઍક્ટિવિટી પ્લાન કરવાની દિશામાં અમે કામ કરી રહ્યા છીએ. એ પ્લાનિંગના ભાગરૂપે જ અમે લગભગ ૨૦૦ જેટલા ગુરુભગવંતોની હાજરી સાથે આવતા અઠવાડિયે સંગોષ્ઠિ રાખી છે. જૈનિઝમ બેસ્ટ જ છે. બસ, એને યુવાનોની સમજણ સાથે બ્લેન્ડ કરો તો કામ થઈ ગયું. એવું સાવ નથી થઈ રહ્યું એવું પણ નથી. ઘણા મહાત્માઓ એ કરી પણ રહ્યા છે અને એટલે જ તો યુવાવર્ગમાં, ખાસ કરીને ભણેલા-ગણેલા ઊંચા પગારની નોકરી ધરાવતા યુવાનો પણ સંયમપંથે પ્રયાણ કરી રહ્યા છે એ એનું જ પરિણામ છે.’
આ જ વાતને આગળ વધારતાં સંગઠનના કમલેશ શાહ કહે છે, ‘વાત એ જ છે બસ, ટર્મિનોલૉજી બદલાઈ છે. આજે ભાષાનો જનરેશન-ગૅપ છે. પહેલાં ગુજરાતી ભાષામાં જ ભણતા હતા અને આપણા ગુરુમહારાજોએ તેમને ઇન્સ્પાયર કર્યા અને આજે એ જ સમાજનો વર્ગ બનીને કામ કરી રહ્યા છે. હવે બદલાયેલા કલ્ચર સાથે નવા જમાનાનાં સાધુ-સાધ્વી ભગવંતો જ તેમની સાથે વાતો કરે તો તેઓ જલદી મોટિવેટ થાય છે. જેમ કે બૅન્ગલોરમાં અત્યારે સંસ્કારનિધિ નામનાં સાધ્વીજી મહારાજસાહેબ છે. તેમની શિબિર અંગ્રેજીમાં હોય છે અને તેમને ત્યાં અત્યાર સુધી એક હજાર જેટલી યંગ ગર્લ્સ શિબિર અટેન્ડ કરી ચૂકી છે. તેમને દરેક ચોમાસામાં બહુ જ મોટું ક્રાઉડ મળે છે. તેમની શિબિરમાં પંદરથી ત્રીસ વર્ષની યુવતીઓ જ પ્રેઝન્ટ રહે છે. ઘણું બદલાયું છે અને આવનારાં બે વર્ષમાં વધુ મોટા બદલાવ જોવા મળશે. બીજું, આજની પેઢી પાસે પર્યાયો ઘણા છે ત્યારે ઓવરઑલ સિસ્ટમમાં બધાએ સાથે મળીને બદલાવ લાવવાની જરૂર છે. કેઓસ ઓછો હોય, સ્વચ્છતા સારી હોય અને ડિસિપ્લિન દેરાસર અને ઉપાશ્રયમાં દેખાય એ જરૂરી છે. બાકી યુવાનો મંદિર અને ઉપાશ્રય તરફ નહીં ખેંચાય. એ બધું જ સાંભળવાનું, જોવાનું સોશ્યલ મીડિયા પર પણ મળી જાય છે પણ સંઘ સાથેનું ધાર્મિક વાતાવરણ, ઑરા અને વાઇબ્રેશન ગ્રહણ નથી કરી શકતા. આ વાત પણ યંગસ્ટર્સ સુધી પહોંચાડવી પડશે.’
શ્રી મુંબઈ જૈન સંઘ સંગઠન અમદાવાદ, વડોદરા, બૅન્ગલોર, તામિલનાડુ એમ બધા સાથે જોડાયેલું છે એટલે જે બદલાવો મુંબઈ લેવલ પર આવશે એને પછી દેશનાં જુદા-જુદા રાજ્યોનાં જૈન સંગઠનો પણ અપનાવશે. યુથ બુક ફેસ્ટિવલ જેવા કેટલાક નવતર પ્રયોગ વિશે વાત કરતાં સંગઠનના મુકેશ જૈન કહે છે, ‘યુવાનોને એજ્યુકેશનમાં મદદ કરવાની સાથે-સાથે તેમને પ્રોફેશનલ ગાઇડન્સ આપવું, સ્ટાર્ટઅપ માટેની મેન્ટરશિપ આપવી, તેમની ટેક્નૉલૉજિકલ સેન્સનો ઉપયોગ કરવો, AIનો ઉપયોગ કરીને તેમના માટે આધ્યાત્મિક સંવાદનો પર્યાય આપવો, ડિજિટલ પાઠશાળા, ઍનિમેટેડ પુસ્તકો, ઇન્ટરૅક્ટિવ ક્વિઝ જેવી બાબતો પર ડિસ્કશન થઈ રહ્યું છે. એવી જ રીતે આજના યુથ માટે ફાઇનૅન્શિયલ લિટરસી વર્કશૉપ, જૈન જૉબ કનેક્ટ પ્લૅટફૉર્મ, જૈન લીડરશિપ વર્કશૉપ્સ, યંગ જૈન ઍમ્બૅસૅડર પ્રોગ્રામ, જૈન મીડિયા લૅબ, ઈ-જૈન સભા, માઇન્ડ બૉડી લૅબ જેવા ઘણા નવતર પ્રયોગો કરવાનું અમે પ્લાન કરી રહ્યા છીએ.’
જૈન મીડિયા થકી યુવાનોમાં આઇકન બનેલો યુવાન શું કહે છે?
આજના યંગસ્ટર્સ જેના વિડિયોઝ જોઈને ધર્મ તરફ વળી રહ્યા છે અને સોશ્યલ મીડિયા પર જૈન ઇન્ફ્લુઅન્સર તરીકે સાચી અને સચોટ માહિતીઓ લોકો સુધી પહોંચાડવાની મહામૂલી જવાબદારી નિભાવી રહેલો ૩૧ વર્ષનો મેહુલ એ. જૈન પોતે યુથ રીપ્રેઝન્ટેટિવ છે. તે કહે છે, ‘પેરન્ટ્સને કારણે નાનપણથી ધર્મના સંસ્કાર તો હતા પણ ત્યારે કંઈ હું ધર્મને લઈને આજ જેટલો સિરિયસ નહોતો. જોકે મને યાદ છે કે હું નાઇન્થમાં હતો ત્યારે એક દીક્ષા અટેન્ડ કરેલી અને નક્કી કર્યું કે હું લાઇફમાં ક્યારેય દારૂ, સિગારેટ કે તમાકુને હાથ નહીં લગાડું. એ પછી ઘણી વાર જ્યારે મહારાજસાહેબ આવ્યા હોય ત્યારે તેમની સાથે ગપ્પાં મારવા અથવા તો ટાઇમપાસ કરવા માટે ઉપાશ્રયમાં જતો અને બસ, એ જ મારો ટર્નિંગ પૉઇન્ટ છે. હું આજ સુધી જે કંઈ કરી શક્યો છું એમાં મારું કંઈ જ નથી, પરમાત્માની કૃપા અને ગુરુભગવંતોના આશીર્વાદ છે.’
આજ સુધી જૈન ઇતિહાસ, જૈન વિજ્ઞાન, દીક્ષાર્થીઓના ઇન્ટરવ્યુ, તીર્થરક્ષા, હેલ્થ કૅમ્પેન, જૈન તત્ત્વજ્ઞાનની વાતો, જૈન મહાપુરુષોનાં જીવનચરિત્રો, જૈન ન્યુઝ જેવા વિષયો પર બે હજારથી વધુ વિડિયો બનાવી ચૂકેલા અને લાખોમાં વ્યુઝ મેળવનારા મેહુલભાઈનું પોતાનું ફૅન-ફૉલોઇંગ છે અને અઢળક લોકોએ તેમના વિડિયોઝને જોઈને વ્યસનો છોડ્યાં હોય કે વધુ ધાર્મિક બન્યા હોય કે જૈન ધર્મ પ્રત્યેની તેમની શ્રદ્ધા વધી હોય એવા પણ અઢળક કિસ્સાઓ છે. જોકે મેહુલભાઈ એની ક્રેડિટ લેવા તૈયાર નથી. જોકે આજની યુવાપેઢીને ધર્માભિમુખ બનાવવા શું કરી શકાય એના પ્રતિભાવમાં તેઓ કહે છે, ‘જૈન ધર્મનું વિજ્ઞાન અને દૂરનું જોવાની વાત મને ખરેખર ઍટ્રૅક્ટ કરી ગઈ. તમે જુઓ, બીજા બધા ધર્મમાં માણસાઈની વાતો કરે કે માણસને પણ નહીં મારો એવું કહે, પણ કીડીને પણ તમારા થકી ચોટ ન લાગવી જોઈએ એટલા ઊંડાણમાં કોઈ નથી જતું. જસ્ટ સાઇકોલૉજિકલી વિચારો તો સમજાય કે જો તમે કીડીને પણ ન મારવાના પક્ષમાં હો તો માણસને મારવાનું કે તેને હાનિ પહોંચાડવાનું વિચારી જ ન શકો. આજનું યુથ રિયલિટીની નજીક જવા માગે છે પણ તેને એ પ્રેમથી સમજાવવામાં આવે તો. કોઈક યુવાન ધારો કે દેરાસર કે ઉપાશ્રયમાં જાય અને તેને કંઈક ન આવડતું હોય અને તેને સહેજ ખિજાઈને કે આકરા શબ્દોમાં કંઈ કહેવામાં આવે તો બીજી વાર ત્યાં તે પગ નહીં મૂકે અને પ્લસ પોતાનો અનુભવ હજારો લોકો સાથે શૅર કરશે. આ બાબતની સભાનતા સમાજમાં કેળવાવી જોઈએ અને ધારો કે કોઈક ખોટી વિધિ કરતું હોય તો પણ તેને સન્માન સાથે અને પ્રેમથી કહેવાય અને એન્કરેજ કરવામાં આવે એ જરૂરી છે.’

