મુંબઈનાં નળિયાંવાળાં મકાનોના ઢળતા છાપરાની ટોચે હારબંધ બેસી પલળતાં કબૂતરોને જોવાની મઝા કંઈ ઑર જ છે.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)
કબૂતર જા! જા! જા! ન તો તારા તરફ હવે કોઈને ‘પહેલો પ્યાર’ રહ્યો છે કે નથી કોઈ ‘પહેલી ચિઠ્ઠી’ સાજનને પહોંચાડવાની. બધાનાં ફેફસાં અચાનક નબળાં પડી ગયાં છે. ગામડાંઓમાં તો કૂવાની બાજુમાં જ ચબૂતરા બાંધવાની પ્રથા હતી તોય કોઈ માંદું ન`તું પડતું. એનાં ગોખલાય સુંદર કોતરણીવાળાં બનાવવામાં આવતાં. એક મિનારાની ઊંચાઈ જેટલા ચબૂતરા રાજાઓએ બનાવ્યાના દાખલા છે. મોગલોની કબૂતરોની રમતો આજેય દિલ્હી-આગરામાં રમાય છે. ફળિયામાંનો ચબૂતરો ગામનું ગમતું સરનામું બની રહેતું. મંદિરે દર્શન કરી ચોકમાં ચણ અને ગૌશાળામાં ઘાસનો નિયમ પાળનારા આજેય છે. બારણાંની બારસાખે બેઠેલાં કબૂતરોનું ગુટૂર ગૂ ન ગમે તો પણ શાળામાં એને ‘ભોળું પારેવું’ કહેલું તેથી અભાવ ન`તો થતો. વળી બહાર જતાં જો ચરક પડે તો એને શુકન ગણવાની પ્રથાએ એના અસ્તિત્વને ટકાવી રાખ્યું છે. આયુર્વેદમાં દવા બનાવવામાં અને ખેતરમાં ખાતર તરીકે ચરકનું મહત્ત્વ ગણાયું છે એટલે જ પક્ષીઓને ચણ નીરવાનો ક્રમ રોજિંદી ઘટમાળમાં વણાયો અને શહેરોમાં કબૂતરખાનાં અસ્તિત્વમાં આવ્યાં.
મુંબઈમાં દાદર, ભુલેશ્વર અને ફોર્ટમાં GPO પાસેનાં કબૂતરખાનાં જાણીતાં છે. એ ઉપરાંત ગલીઓને કે ચોકને નાકે જોવા મળતાં નાનાં-મોટાં કબૂતરખાનાંઓ જનતાની જીવદયાનાં દ્યોતક છે.
ADVERTISEMENT
મુંબઈનાં નળિયાંવાળાં મકાનોના ઢળતા છાપરાની ટોચે હારબંધ બેસી પલળતાં કબૂતરોને જોવાની મઝા કંઈ ઑર જ છે. સુરેશ જોશી સવારની શાળાનાં બાળકો માટે ‘હારબંધ કબૂતર ગોખે’ એમ કહેતા તો સુરેશ દલાલ કહેતા ‘કિરણ ઝૂક્યું થઈ કપોત.’ આ ‘કપોત’ સંસ્કૃત શબ્દ છે. બીજો છે ‘પારવતઃ’, જેના પરથી ‘પારેવું’ શબ્દ આવ્યો. કબૂતર એ મૂળ તો ફારસી શબ્દ છે, એ ભાષાવિદોને જાણવું ગમશે.
‘કૌન બનેગા કરોડપતિ’માં પ્રશ્ન પુછાયેલો : એ કયું મંદિર છે જ્યાં ભગવાન શિવ પાસેથી સૃષ્ટિનું રહસ્ય સાંભળ્યા પછી ત્યાં રહેનારી કબૂતરોની જોડી અમર થઈ ગઈ? સવાલમાં જ જવાબ સમાયેલો હતો. હૉટસીટ પર બેઠેલી ચબરાક પ્રતિયોગિતાએ થોડું વિચારી જવાબ આપ્યો :અમરનાથ. તો મિત્રો, કબૂતર તમને પચાસ લાખનું ઇનામ પણ અપાવી શકે છે. ઘણા એને લક્ષ્મીનું ભક્ત માને છે. એટલે કબૂતરખાનાં હશે તો લક્ષ્મીદેવી પ્રસન્ન રહેશે, સમજી જાઓ સાનમાં.
અને આ નારાજ પૌરાણિક સંદેશવાહકોના શ્રાપથી જ તો અદ્યતન રજિસ્ટર્ડ પોસ્ટલ સર્વિસ બંધ નહીં થઈ રહી હોયને? ‘કબૂતરબાજી’ કરનારા બોલો : ના રે ના રે ના રે.
-યોગેશ શાહ

