અમે ચાર પ્રવાસીઓ ફર્સ્ટ ક્લાસના કૂપેમાં, ટેપ-રેકૉર્ડર પર કિશોરકુમારનાં ગીતો સાંભળતાં, ગાતાં અને ખાતાં-પીતાં મોજ માણતા હતા. અચાનક પૅસેજમાંથી એક વ્યક્તિ પસાર થઈ અને તેમને જોઈ હું ચમક્યો. એ હતા દિગ્ગજ પંડિત ભીમસેન જોશી.
રજની મહેતા સાથે પંડિત ભીમસેન જોશી
ગયા રવિવાર ૨૦ જુલાઈની રાતે ‘સંકેત’ના ઉપક્રમે રાગ આધારિત ફિલ્મી ગીતોની રજૂઆત થઈ. પાર્થિવ ગોહિલ અને જાહનવી શ્રીમાંકરની જોડીએ પ્રસ્તૃત કરેલાં ગીતોને જે ઉમળકાથી પ્રેક્ષકોએ માણ્યાં એ ઘટના અવિસ્મરણીય હતી. સામાન્ય રીતે એવી માન્યતા હોય છે કે પ્રેક્ષકોમાં શાસ્ત્રીય રાગ પ્રત્યે બહુ રુચિ નથી હોતી પરંતુ એ રાતે તાન, પલટા, ખયાલ, શુદ્ધ બંદિશ અને જુગલબંધીની રજૂઆતને પ્રેક્ષકોએ તાળીઓથી વધાવીને પુરવાર કર્યું કે ભારતીય રાગ-રાગિણીની સૂરમયી રજૂઆત હૃદયસ્પર્શી હોય છે. જેમ સ્વાદમાં કડવાં પરંતુ સેહત માટે ઉપયોગી એવાં કારેલાંનું શાક ગોળ, કાજુ, દ્રાક્ષ અને યોગ્ય માત્રામાં મસાલા નાખવાથી સ્વાદિષ્ટ બને છે એવી જ રીતે સમજ અને અદાયગી સાથેની શાસ્ત્રીય રચના કર્ણપ્રિય થાય છે.
ફિલ્મોમાં અનેક વાર રાગ આધારિત ગીતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. એમાંનાં મોટા ભાગનાં ગીતો લોકપ્રિય બન્યાં છે. ‘મન તડપત હરિ દર્શન કો આજ’, ‘‘ઝનક ઝનક પાયલ બાજે’, ‘‘લપક ઝપક તૂ આરે બદરવા’, ‘કુહૂ કુહૂ બોલે કોયલિયા’, ‘મધુબન મેં રાધિકા નાચે રે’ જેવાં ગીતો આજે પણ શ્રોતાઓની પહેલી પસંદ હોય છે.
મોટા ભાગે આ ગીતો માટે મોહમ્મદ રફી, મન્ના ડે, લતા મંગેશકર જેવા ટોચના કલાકારોનું પ્લેબૅક લેવામાં આવ્યું છે. જૂજ કિસ્સામાં શાસ્ત્રીય સંગીતના દિગ્ગજો જેવા કે ઉસ્તાદ આમિર ખાન, બડે ગુલામ અલી ખાન, પંડિત ભીમસેન જોશી જેવા ટોચના કલાકારોએ ફિલ્મોમાં પ્લેબૅક આપ્યું છે. આજે તેમના વિશે થોડી વાતો કરવી છે.
૧૯૯૦માં હું અને કેતન એક બિઝનેસ કૉન્ફરન્સમાં ભાગ લેવા બૅન્ગલોર જતા હતા. આજની તારીખમાં પણ મારે પ્રવાસ કરવો હોય તો મારી પહેલી પસંદ ટ્રેન છે. ગાડી કે બસમાં ચાર કલાકથી વધુ ટ્રાવેલ કરવું મારા માટે કંટાળાજનક અને થકવી મૂકવા જેવું છે. પ્લેનની મુસાફરીમાં સફર કરતી વખતે બારી બહાર જોઈને હવા ખાતાં-ખાતાં પ્રવાસ કરવાનો જે રોમાંચ મળે એનો અભાવ હોય છે એટલે મારી પ્રથમ પસંદગી ટ્રેન છે.
અમે ચાર પ્રવાસીઓ ફર્સ્ટ ક્લાસના કૂપેમાં, ટેપ-રેકૉર્ડર પર કિશોરકુમારનાં ગીતો સાંભળતાં, ગાતાં અને ખાતાં-પીતાં મોજ માણતા હતા. અચાનક પૅસેજમાંથી એક વ્યક્તિ પસાર થઈ અને તેમને જોઈ હું ચમક્યો. એ હતા દિગ્ગજ પંડિત ભીમસેન જોશી.
હું કુતૂહલવશ બહાર નીકળ્યો અને જોયું તો બાજુના કૂપેમાં તેઓ બેઠા હતા. તેઓ પુણે જતા હતા. મેં પ્રણામ કરી અંદર આવવાની રજા માગી તો તરત કહે, ‘આઇએ, આઇએ.’ મારા માટે આ અદ્ભુત ક્ષણ હતી. શું બોલવું એની ગડમથલમાં હતો. તેમ છતાં વાતચીતની શરૂઆત કરતાં મેં કહ્યું કે આપની ગાયકીનો હું કાયલ છું, અનેક વાર આપને સાંભળવાનો લહાવો લીધો છે. આમ તો મોટા ભાગે ફિલ્મી ગીતો જ સાંભળું છું પરંતુ જ્યારથી ‘કેતકી ગુકાબ જુહી ચંપક બન ફૂલે’ (‘બસંત બહાર’ - મન્ના ડે સાથે) સાંભળ્યું છે ત્યારથી આપની ગાયકી પસંદ પડવા લાગી.
આ સાંભળી મને કહે, ‘લગતા હૈ આપ કિશોરકુમાર કે ફૅન હૈં. આતે જાતે મૈંને સૂના. મૈં ભી ઉનકા બડા ફૅન હૂં.’ હું તો નવાઈ પામી ગયો. મેં કહ્યું, ‘પંડિતજી, યે તો કમાલ કી બાત હૈ. ઇન્ડસ્ટ્રી કે કુછ મ્યુઝિક-ડિરેક્ટર જૈસે નૌશાદ, સી. રામચંદ્ર ઔર મદન મોહન જૈસે ગુણી લોગ કિશોરકુમાર કી ગાયકી કમ પસંદ કરતે હૈં. વો માનતે હૈ કિ કિશોરકુમારને સંગીત કી તાલીમ નહીં લી ઇસલિએ વો અધૂરે ગાયક હૈં.’
પંડિતજી કહે, ‘મૈં તો કહતા હૂં અગર ઉન્હોંને હમારી તરહ કિસી કો ગુરુ બનાકે શાસ્ત્રીય સંગીતકી તાલીમ લી હોતી તો વો આજ હમ સબકી છુટ્ટી કર દેતે. ચિનગારી કોઈ ભડકે, કુછ તો લોગ કહેંગે ઔર દૂસરે ગાને સુનતા હૂં તો લગતા હૈ ઈશ્વરને ઉપર સે હી સબ કુછ દેકર નીચે ભેજા હૈ.’
અડધા કલાકની એ મુલાકાતમાં પંડિતજીના જીવન વિશેની અનેક વાત જાણવા મળી. નાનપણમાં મા ખૂબ ભજન ગાતી એટલે સંગીતમાં રસ પડવા લાગ્યો. યુવાન થતાં-થતાં એ નશો એટલો વધી ગયો કે ગુરુની શોધમાં ઘર છોડી દીધું. એ વાત કરતાં પંડિતજી કહે, ‘મોટા ભાગના લોકો ખોટાં કામ કરવા ઘર છોડે. હું ગુરુ અને સંગીતની ખોજમાં આખું હિન્દુસ્તાન ફરી વાળ્યો. છેવટે ગ્વાલિયરમાં ઉસ્તાદ અમજદઅલી ખાનના પિતા હાફિઝઅલી ખાં પાસે સંગીતની તાલીમ શરૂ કરી. ત્યાર બાદ જલંધરમાં મંગતરામજી પાસેથી દ્રુપદ ધમાલની તાલીમ લીધી. ત્યાં મેળો ભરાય એટલે પ્રસિદ્ધ કલાકારો આવે. એ વખતે તેમની સાથે તાનપુરો લઈ સંગત કરું. થોડાં વર્ષ બાદ હુબલી પાસેના એક ગામમાં સવાઈ ગાંધર્વને ગુરુ માન્યા અને તાલીમ શરૂ કરી.’’
સફળતા કોને મળે એની વાત કરતાં પંડિતજી કહે, ‘ત્રણ ચીજ એકસાથે મળવી જોઈએ. પ્રથમ, સારો ગુરુ મળવો જોઈએ. બીજું, તમારે તનતોડ મહેનત કરવી પડે અને અંતમાં, નસીબ સારું હોવું જોઈએ. મોટા-મોટા વિદ્વાન કલાકારોની કળાની શ્રોતાઓ પર અસર નથી પડતી કારણ કે તેઓ કમનસીબ હોય છે.
સંગીતના અલગ-અલગ ઘરાના વિશે વાત નીકળી ત્યારે પંડિતજીએ એક ચોંકાવી દે એવી વાત કહી, ‘અમે રાતદિવસ મહેનત કરતા. એક-એક રાગ શીખતાં વર્ષો નીકળી જાય. એક ઘરાનાનો શિષ્ય હોય તેને બીજા ઘરાનાનાં ગીતસંગીત સાંભળવાની મનાઈ હતી. આ સંકુચિતતા નહોતી. ગુરુ કહેતા કે તમારી તાલીમ પર બીજી કોઈ અસર ન પડે એ જરૂરી છે. તમારી કલા અને રજૂઆતમાં તો જ નિખાર આવે જ્યારે તમે એક જ પ્રકારની તાલીમ લો.’
સંગીત સિવાય પંડિતજીનો બીજો શોખ હતો ફાસ્ટ ડ્રાઇવિંગ કરવાનો. પરિવાર ખૂબ ટોકે પણ પંડિતજી માને નહીં. લાંબી મુસાફરીમાં પણ ગાડી લઈ જવાનું પસંદ કરે. એનું કારણ એ કે જ્યાં મન થાય એવા સ્થળે રોકાઈ જાય. શાંતિથી રાતવાસો કરે. કુદરતના સાંનિધ્યનો લાભ લે.
ભારતના તાનસેન તરીકે જાણીતા, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણનું બિરુદ પામેલા પંડિત ભીમસેન જોશી કહે છે, ‘ગુરુકૃપા અને ઈશ્વરના વરદાન સમી આ ગાયકી માટે હું તેમનો ઋણી છું. સતત મારો પ્રયાસ રહ્યો છે કે હું શ્રોતાઓને સંતુષ્ટ કરું. તમારા સૂરમાં દર્દ ન હોય તો સિદ્ધિ ન મળે. આપ રોએંગે તો હી લોગોં કો રુલા સકોગે.
‘લોકો કહે છે તમે સંગીતના ક્ષેત્રે મોટું પ્રદાન કર્યું છે. મને એવું લાગતું નથી. અપના ગાના ખુદ કો પસંદ આના ચાહિએ, તો હી લોગોં કો પસંદ આએગા. સંગીતમાં આનંદ નિર્માણ થવો જોઈએ. જીવનભર રાગની તપસ્યા કરીએ ત્યારે જ કૈંક પ્રાપ્ત થાય છે. સંગીત એવી યાત્રા છે જે સતત કરવી પડે છે.
શારીરિક રીતે હું ટ્રેનમાં પ્રવાસ કરતો હતો પરંતુ પંડિતજી સાથેની એ મારી મુલાકાત એક સંગીતયાત્રા બની ગઈ. મેં કહ્યું, ‘આપની સાથે લાંબા સમય સુધી સત્સંગ કરવાની ઇચ્છા છે.’
તો કહે, ‘પુણે આવો તો ઘરે આવજો.’ ખબર નહીં, બીજી વાર એવો સંયોગ આવ્યો નહીં. કહે છેને સમય સે પહલે ઔર ભાગ્ય સે ઝ્યાદા કુછ મિલતા નહીં. કદાચ મારામાં એટલી તલપ નહોતી કે એથી વધુ નિર્ધારિત નહોતું. જે હોય તે, મારું સદ્ભાગ્ય કે આવા દિગ્ગજ કલાકારને અનાયાસે મળવાનો મોકો મળ્યો.
સામેવાળી વ્યક્તિને પોતાની સિદ્ધિઓના ભાર નીચે દબાવીને નાના દેખાડવાનો પ્રયાસ ન કરે એ જ મહાન કલાકાર કહેવાય. જે સહજતાથી પંડિતજી વાત કરતા હતા એનો રોમાંચ આ લખું છું ત્યારે અનુભવું છું કારણ કે તેમની સાથેની વર્ષો પહેલાંની મુલાકાતની એ યાદગાર ક્ષણો આજે પણ જીવંત છે.
લેખક જાણીતા ફિલ્મ હિસ્ટોરિયન, સંગીતમર્મજ્ઞ અને સાહિત્યપ્રેમી છે. feedbackgmd@mid-day.com

