બૌદ્ધ સાધુઓને સેક્સજાળમાં ફસાવીને બ્લૅકમેઇલ કરવાના રૂપસુંદરી વિલાવન એસ્માવતના ગોરખધંધાનો પર્દાફાશ થયા પછી આખો દેશ હચમચી ગયો છે
એક સમયની રૂપસુંદરી વિલાવન હવે આવી દેખાય છે.
વાત છે ૧પ જુલાઈની.
ભારતીયો જ નહીં, દુનિયાભરના સેક્સપ્રેમીઓ માટે બીજા નંબરનું સ્વર્ગ એવા થાઇલૅન્ડના બૅન્ગકૉક નજીકના નોનથાબુરી નામના ગામના આરંભમાં જ આવેલી એક આલીશાન વિલાની બહાર થાઇ પોલીસની આઠ ગાડીઓ ઊભી રહી ગઈ. ૧૦૦થી વધારે પોલીસકર્મીઓ વિલાને ઘેરી વળ્યા અને થાઇલૅન્ડ ગવર્નમેન્ટના ડિફેન્સ ડિપાર્ટમેન્ટના સિનિયર ઑફિસર સહિત વીસ ગનમેન ઘરમાં દાખલ થયા. તેમની ધારણા હતી કે વિલામાંથી પ્રતિકાર કરવામાં આવશે, પણ એવું બન્યું નહીં. જે સમયે નોનથાબુરીની એ આલીશાન વિલામાં રેઇડ પાડવામાં આવી ત્યારે અંદર સાત જણ હતા. સાતમાંથી બે માળી હતા તો ત્રણ ઘરના નોકર હતા અને એક કુક હતો, જ્યારે એક ઘરની માલિક હતી. થાઇ પોલીસ એ માલિક માટે જ ઘરમાં આવી હતી. પાંત્રીસ વર્ષની એ બ્યુટિફુલ છોકરીને જોઈને કોઈ પણ ધારી બેસે કે છોકરીએ માંડ હજી પચીસી વટાવી હશે. નામ તેનું વિલાવન એમ્સાવત. બેડરૂમના દરવાજે આવીને ઊભી રહી ગયેલી થાઇ પોલીસે સૌથી પહેલાં વિલાવનનો કબજો લીધો અને તેને અઢારસો ફીટના કાર્પેટના બેઠકખંડમાં બેસાડી દીધી અને ઘરમાં તપાસ શરૂ થઈ. અડધા જ કલાકમાં વિલાવનનાં કપડાં ઊતરવા માંડ્યાં અને પછીના એક કલાકમાં થાઇ પોલીસે ધમકી આપી પૈસા પડાવવા, વિદેશથી ગેરકાયદેસ પૈસા લાવવા-મોકલવા અને ચોરીનો માલ સ્વીકારવા બદલ વિલાવન એમ્સાવતની અરેસ્ટ કરી.
ADVERTISEMENT
અરેસ્ટના અડતાલીસ કલાક પછી થાઇ ગવર્નમેન્ટની હોમ મિનિસ્ટ્રીએ ઑફિશ્યલ પ્રેસ-કૉન્ફરન્સ કરી અને દુનિયા ધ્રૂજી ગઈ. થાઇ પોલીસે વિલાવન એમ્સાવત સામે આરોપ મૂક્યો છે કે તેણે થાઇલૅન્ડમાં રહેલા બૌદ્ધ ધર્મના નવથી વધુ આચાર્યપદના સાધુઓનો ધર્મ ભ્રષ્ટ કરાવી તેમને પ્રેમમાં પાડ્યા, તેમની સાથે શારીરિક સંબંધો બાંધી તેમને બ્લૅકમેઇલ કર્યા અને ત્રણ વર્ષમાં એ સાધુઓ પાસેથી ૩૮પ મિલ્યન બાથ પડાવ્યા. વારતહેવારે ભાઈબંધ-દોસ્તાર સાથે બૅન્ગકૉક અને પટાયા લટાર મારવા જતા ગુજરાતીઓને કહેવાની જરૂર નથી કે બાથ થાઇલૅન્ડની કરન્સી છે. વિલાવને જે બાથ બૌદ્ધ સાધુઓ પાસેથી પડાવ્યા એને જો ભારતીય ચલણમાં ટ્રાન્સફર કરીને કહેવાનું હોય તો કહેવું પડે કે સાક્ષાત સ્વર્ગમાંથી ઊતરેલી અપ્સરા લાગતી આ કન્યાએ સાધુઓને બ્લૅકમેઇલ કરી તેમની પાસેથી અંદાજે ૧૦૨ કરોડ રૂપિયા પડાવ્યા છે.
વાત આગળ વધારતાં પહેલાં કહેવાનું કે થાઇલૅન્ડમાં પકડાયેલા આરોપીને જો ૨૪ કલાકમાં વકીલ ન મળે તો બચાવ માટે થાઇ પોલીસ પોતે વકીલની વ્યવસ્થા કરી આપે છે. પણ વિલાવન એમ્સાવતની અરેસ્ટને દસથી વધારે દિવસો થઈ ગયા છે અને એમ છતાં તેને હજી સુધી વકીલ મળ્યો નથી; કારણ કે થાઇલૅન્ડનો એક પણ વકીલ વિલાવન માટે કેસ લડવા તૈયાર નથી અને એનું પણ કારણ છે. થાઇલૅન્ડની ૯પ ટકાથી વધારે પ્રજા બૌદ્ધ ધર્મ પાળે છે અને એ પણ આપણા ચુસ્ત સનાતનીઓ જેટલી જ દૃઢતા અને કટ્ટરતા સાથે. વિલાવને તેમના બૌદ્ધ ધર્મના સાધુઓને અભડાવ્યા અને એ વાતનો ગુસ્સો પ્રજામાં એ સ્તર પર છે કે દેશની સરકાર પણ પોતાના કાયદા અને નિયમોમાં અનેક પ્રકારના સુધારા-વધારા કરવાની દિશામાં કામે લાગી ગઈ છે.
કોણ છે વિલાવન એમ્સાવત?
વિલાવન એમ્સાવત થાઇલૅન્ડની જ નાગરિક છે. આગળ કહ્યું એમ, તેની ઉંમર ૩પ વર્ષની છે પણ તેને જોતાં એવું જ લાગે કે તે માંડ ૨૫ વર્ષની હશે. વિલાવન એમ્સાવતે થાઇ પોલીસને આપેલી ઇન્ફર્મેશન મુજબ પહેલાં તે બૅન્ગકૉકમાં રહેતી. પછી તે પટાયા શિફ્ટ થઈ અને એ પછી તે કાયમ બૅન્ગકૉક શહેરની નજીક આવેલા નોનથાબુરી ગામમાં રહેવા આવી ગઈ. વિલાવનની ફૅમિલીમાં કોઈ નથી એવું તેણે પોલીસ-ઇન્ક્વાયરીમાં કહ્યું છે, પણ પોલીસનું માનવું છે કે તે ખોટું બોલે છે. વિલાવને મૅરેજ નથી કર્યાં. એમાં પણ પોલીસનું માનવું છે કે તે ખોટું બોલે છે. વિલાવને મૅરેજ કર્યાં હશે એવાં કેટલાંક પ્રૂફ થાઇ પોલીસને મળ્યાં છે પણ અત્યારે થાઇ પોલીસનો ગોલ વિલાવનની પર્સનલ લાઇફ વિશે જાણવાને બદલે તેણે જે રીતે બૌદ્ધ સાધુઓને બ્લૅકમેઇલ કર્યા એની ઇન્ક્વાયરી પૂરી કરવાનો છે, કારણ કે થાઇલૅન્ડની પ્રજામાં જબરદસ્ત રોષ છે. જોકે થાઇ મીડિયાએ તો વિલાવન એમ્સાવતની ઘોર ખોદી નાખે એ સ્તર પર તપાસ કરીને રિપોર્ટ્સ લખ્યા છે.
વિલાવન એમ્સાવતનું નાનપણ વીત્યું થાઇલૅન્ડમાં જ અને તેણે ભણતર પણ થાઇલૅન્ડમાં જ પૂરું કર્યું. ભારતીય બારમા ધોરણ સુધીના ભણતર પછી વિલાવન સેક્સ-ઇન્ડસ્ટ્રી તરફ વળી ગઈ. બધા જાણે જ છે કે થાઇલૅન્ડ ત્યાંની સેક્સ-ઇન્ડસ્ટ્રીના કારણે વિખ્યાત છે. એક અનુમાન મુજબ દરેક પાંચમી થાઇ છોકરી એ ઇન્ડસ્ટ્રી સાથે કાર્યરત છે અને એમાં તેની ફૅમિલીથી માંડીને બૉયફ્રેન્ડ કે હસબન્ડ સુધ્ધાંને કોઈ તકલીફ નથી હોતી. વિલાવન પણ કૉલેજ છોડીને એ ઇન્ડસ્ટ્રીમાં આવી ગઈ, પણ અહીં પ્રૉબ્લેમ થયો. તેણે આ ઇન્ડસ્ટ્રીનો લાભ જુદી રીતે લીધો.
થાઇલૅન્ડનાં મોટા ભાગનાં શહેરોમાં આ પ્રકારના જે બાર હોય છે એમાં મોટી ફિશ-ટૅન્ક બનાવવામાં આવી હોય છે જેમાં ફ્રન્ટ ભાગમાં કાચ નથી હોતો, પણ બાકીની ત્રણ બાજુએ ગ્લાસ ફિટ કર્યા હોય અને અંદર મોટા સોફા રાખ્યા હોય જેમાં આ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી છોકરી બેઠી હોય. પચાસથી પંચોતેર છોકરીઓ બેસી શકે એવી એ ફિશ-ટૅન્કની બહાર ઊભા રહીને કસ્ટમર પોતાની પાર્ટનર શોધે અને એ પાર્ટનરને લઈ જાય.
વિલાવને અહીંથી શરૂઆત કરી, પણ તેને આ રીતે કલાકની સમય-અવધિમાં જઈને કસ્ટમરને રાજી નહોતા રાખવા એટલે બહુ ઝડપથી તેણે પોતાની દુનિયા પસંદ કરી લીધી અને ફૉરેનર્સની સાથે દોસ્તી વધારી લાંબા સમયની કમ્પૅન્યનશિપ આપવાનું શરૂ કર્યું. થાઇલૅન્ડ આપણે ત્યાં એટલું વગોવાયું છે કે આપણને ત્યાંની સેક્સ-ઇન્ડસ્ટ્રી સિવાય બીજું કંઈ યાદ નથી આવતું પણ બ્રિટિશરો, અમેરિકનો અને કૅનેડિયનોને થાઇલૅન્ડની વિશાળ ગ્રીનરી વચ્ચે ગૉલ્ફની ગેમ પણ સૂઝે છે. અનેક ફૉરેનર્સ ગૉલ્ફ માટે નિયમિતપણે થાઇલૅન્ડ આવતા રહે છે તો ગૉલ્ફ ટુર્નામેન્ટ પણ થાઇલૅન્ડમાં યોજાતી રહે છે.
વિલાવને આ ફૉરેનર્સને ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું.
વિલાવન બની Ms Golf
ગૉલ્ફ રમવા આવતા ફૉરેનર્સની સાથે શરૂઆતમાં તો વિલાવને કમ્પૅન્યનશિપથી જોડાવાનું શરૂ કર્યું, પણ પછી તેણે નવી રમત આદરી. પૈસા કમાવા માટે શું કામ અથાગ મહેનત કરવી? આવું માનતી વિલાવને ફૉરેનર્સને પ્રેમમાં ફસાવવાનું અને પછી તેમની પાસેથી પૈસા પડાવવાનું શરૂ કર્યું. જોકે એમાં લિમિટેડ રકમ જ નીકળતી. વિલાવનની છઠ્ઠી જાણી આવનારા થાઇલૅન્ડના પૉપ્યુલર ન્યુઝપેપર ડેઇલી ન્યુઝના રિપોર્ટ મુજબ કોરોનાકાળમાં થાઇલૅન્ડને તાળાં લાગ્યાં અને આખું થાઇલૅન્ડ મંદી વચ્ચે ધકેલાયું, જેની સીધી અસર વિલાવનને પણ થઈ.
ડેઇલી ન્યુઝ કહે છે કે વિલાવન પોતાની પાસે આવતા પૈસા જુગારમાં લગાડતી અને એમાં મોટા ભાગે તે હારતી એટલે રોજેરોજ તેની ફન્ડની જરૂરિયાત ઊભી રહેતી. કોરોનાના કારણે ફૉરેનર્સ થાઇલૅન્ડ આવતા બંધ થયા એટલે બીજી સેક્સ-વર્કર્સને પણ આર્થિક સંકડામણ આવી, પણ વિલાવનની વાત જુદી હતી. તેની જરૂરિયાતને તેણે ક્યાંય બાંધી નહોતી અને બાંધવા માગતી પણ નહોતી અને એટલે જ વિલાવને નક્કી કર્યું કે ફૉરેનર્સ પર મદાર રાખવાને બદલે હવે થાઇલૅન્ડમાં જ નજર દોડાવવી જોઈએ અને થાઇ માલેતુજારોને પકડવા જોઈએ. અગેઇન, અહીં પણ એક તકલીફ હતી. થાઇલૅન્ડમાં માલેતુજાર કહેવાય એવા થાઇ પુરુષો નથી અને જે છે એ કોઈ સીધી લાઇનના નથી. ડ્રગ્સ માફિયા કહેવાય એ સ્તર પર પહોંચી ગયેલા એ થાઇ પુરુષોને પ્રેમમાં પાડવા અને પછી પ્રેમના નામે તેમની પાસે સતત ડિમાન્ડ કરતા રહેવી અને એ ડિમાન્ડ પૂરી થાય એ પણ જોવું. વિલાવન જ નહીં, બીજું કોઈ પણ હોય તેના માટે એ અસંભવ હતું અને એટલે જ વિલાવને આજુબાજુમાં નજર દોડાવવાનું શરૂ કર્યું જેમાં તેના ધ્યાન પર આવ્યા બૌદ્ધ સાધુઓ અને વિલાવને એ દિશામાં આગળ વધવાનું નક્કી કર્યું.
કેવી રીતે ફસાવ્યા સાધુઓને?
વિલાવન એમ્સાવત પોતે બૌદ્ધધર્મી છે અને થાઇલૅન્ડમાં બૌદ્ધ મઠ ગલીએ-ગલીએ છે. વિલાવન અગાઉ નિયમિત રીતે દર્શન માટે જતી પણ ૨૦૨૨ની શરૂઆતમાં વિલાવને જુદા હેતુથી બૌદ્ધ મઠમાં જવાનું શરૂ કર્યું. તેનું ધ્યાન ત્યાંના બૌદ્ધ સાધુઓ પર રહેતું જે સાધુ તેને વધારે મહત્ત્વ આપતો એ સાધુ સાથે આત્મીયતા કેળવવી અને પછી તેને પ્રેમમાં પાડવો એ વિલાવનનું કામ હતું. વિલાવને અત્યાર સુધીમાં નવ બૌદ્ધ સાધુઓને પ્રેમજાળમાં ફસાવ્યા અને તેમને બ્લૅકમેઇલ કર્યા છે પણ થાઇ પોલીસનું માનવું છે કે વિલાવન ખોટું અને ઓછું બોલે છે. વિલાવને વધારે સાધુઓને પોતાની જાળમાં ફસાવ્યા છે અને વધુ સાધુઓને બ્લૅકમેઇલ કર્યા છે.
વિલાવનની સીધી સ્ટ્રૅટેજી હતી
બૌદ્ધ સાધુઓને મળવું અને તેમને મળીને તેમના સિનિયર સ્તરના સાધુઓ સુધી પહોંચવું અને પછી તેમની સાથે આત્મીયતા કેળવવી. આત્મીયતા કેળવવા માટે વિલાવન પોતાના અંગત પ્રશ્નો રજૂ કરતી, જે હકીકતમાં હતા જ નહીં. વિલાવને સાઇકોલૉજિકલી સાધુઓને એવું દેખાડ્યું કે તે જીવનમાં અતિશય લાચાર અને દુખી છે અને તેમની સામે જે બેઠા છે એ સાધુ સિવાય હવે તેના જીવનમાં બીજું કોઈ રહ્યું નથી.
વિલાવનની એ પ્રકારની વાતો સાંભળીને કેટલાક સાધુઓ પણ તેની સાથે આત્મીય થઈ ગયા અને વિલાવન સાથે ફોન પર જોડાયા તો કેટલાક એવા સાધુઓ પણ હતા જે વિલાવનના બદઇરાદાને પારખી ગયા અને તેમણે તેનાથી અંતર ઊભું કરી લીધું. માત્ર ભગવાન બુદ્ધને ભજવા માગતા સાધુઓની તપશ્ચર્યા પણ વિલાવન નામની આ મેનકા ભંગ કરી શકી નહીં, પણ તપશ્ચર્યા તેની તૂટી જેના ઇરાદામાં પાપ હતું.
વિલાવને ફસાવતાં પહેલાં સાધુઓ પણ પસંદ કર્યા હતા. તેણે ક્યાંય કોઈ એવા સાધુ નહોતા પકડ્યા જેના હાથમાં મઠની સત્તા ન હોય. તમને ખબર ન હોય તો કહેવાનું કે બૌદ્ધ ધર્મના સાધુઓ પાસે મઠની તમામ આર્થિક સત્તા હોય છે. તે બૅન્ક-અકાઉન્ટ પણ હૅન્ડલ કરે છે તો સાથોસાથ આર્થિક વહીવટ પણ કરતા હોય છે. હા, તેમને જે સંપત્તિનો વહીવટ સોંપવામાં આવે છે એના તે કસ્ટોડિયન છે, માલિક નહીં.
વિલાવનેએ જે નવ સાધુઓને ફસાવ્યા એ નવેનવ સાધુઓ કરોડોની સંપત્તિ ધરાવતાં મઠ અને મંદિરોના વહીવટકર્તા હતા.
ફસાવવાની રીત શું હતી?
વિલાવન એમ્સાવત પહેલાં ઘરોબો કેળવતી અને એ પછી તે સાધુઓ સાથે મોબાઇલ ચૅટમાં સંપર્ક વધારતી જેમાં સેક્સ-સંબંધિત વાતોની તે શરૂઆત કરતી. સ્વાભાવિક છે કે કેરોસીનને આગ મળે તો એ ભડકો વધારવાનું કામ જ કરે. બ્યુટિફુલ છોકરી મોડી રાતે વિડિયો-કૉલ કરીને સાવ જ ટૂંકાં કપડાંમાં અંગ-પ્રદર્શન કરે તો નૅચરલી સાધુની તપશ્ચર્યા ભંગ થવાની સંભાવના વધી જાય. જો સતયુગમાં વિશ્વામિત્ર પણ વિચલિત થઈ ગયા હોય તો આ તો કળિયુગ છે અને સામે સાક્ષાત મેનકા છે.
વિલાવન પાસેથી મળેલા વિડિયોની ઝલક.
પહેલાં શાબ્દિક છૂટછાટ અને એ પછી શારીરિક છૂટછાટનો લાભ લેતી વિલાવન પ્રેમજાળમાં સાધુને ફસાવી તેની પાસે ધીમે-ધીમે આર્થિક માગણીઓ મૂકવા માંડતી અને એ પછી જ્યારે તેને લાગતું કે હવે સંબંધો પર પૂર્ણવિરામ મૂકવું જોઈએ ત્યારે તે સાધુને ટિપિકલ હિરોઇનની જેમ કહેતી : મૈં આપકે બચ્ચે કી માં બનનેવાલી હૂં... કાં તો પૈસા ટ્રાન્સફર કર નહીં તો હું આ વાત, આપણી ચૅટ, ફિઝિકલ રિલેશનના આપણા ફોટોગ્રાફ્સ બધું જાહેર કરું છું. તમને કહ્યું એમ થાઇલૅન્ડમાં બૌદ્ધ સાધુઓ માટે અકલ્પનીય માન છે. તેમને સાક્ષાત ભગવાન માનવામાં આવે છે. જો એમાં સાધુઓની આવી વાત બહાર આવે તો-તો સામાજિક ધરતીકંપ આવી જાય. બાટલીમાં ઊતરેલા સાધુઓ વિલાવન બાટલીને બૂચ મારી ન દે એ બીકે મઠના વહીવટમાંથી તેને પૈસા ટ્રાન્સફર કરી દેતા અને ‘ભલું થયું ભાંગી જંજાળ’ માનીને ફરી ભગવાન બુદ્ધના શરણમાં બેસી જતા.
વાત બહાર કેવી રીતે આવી?
વિલાવનબહેનનું આખું કૌભાંડ મસ્ત રીતે અને સુખરૂપ ચાલતું રહ્યું હોત જો નવમા નંબરના તેના શિકાર એવા બૌદ્ધ સાધુએ પોતાના પદથી રાજીનામું આપવાની લેખિતમાં જાણ ન કરી હોત અને જાણ કર્યા પછી તે ગુમ ન થયા હોત. પણ કહે છેને, પાપનો ઘડો ફૂટ્યા વિના રહે નહીં. એવું જ થયું વિલાવન સાથે.
બૅન્ગકૉકના મુખ્ય કહેવાય એવા બૌદ્ધ મંદિરના ધર્મગુરુ ફ્રા થેપ વાચિરાપામોક ગુમ થયા અને તપાસ શરૂ થઈ. આ મિસ્ટર ફ્રા થેપ જતાં પહેલાં પોતે પોતાના પદ પરથી રાજીનામું આપે છે એવો લેટર લખીને ગયા હતા. ફ્રા થેપના ગુમ થવાની વાત સૌકોઈ માટે શૉકિંગ હતી. આપણે ત્યાં સાધુઓનાં સેક્સ-સ્કૅન્ડલ બહાર આવે ત્યારે વહેલી તકે એને સંતાડવાની પ્રક્રિયા શરૂ થાય છે, પણ દુનિયામાં બીજા કોઈ દેશમાં એવું થતું નથી. ધર્મના રસ્તા પર રહેલા ગંદવાડને ખુલ્લો કરવો જ જોઈએ એવું માનતા થાઇલૅન્ડના રાજાએ ફ્રા થેપને શોધવાનો આદેશ આપ્યો અને ફ્રા થેપને શોધવાની કવાયત શરૂ થઈ જેના અંતર્ગત ફ્રા થેપ જે બૅન્ક-અકાઉન્ટ હૅન્ડલ કરતા હતા એની પણ તપાસ થઈ અને ખબર પડી કે ફ્રા થેપે મઠના અકાઉન્ટમાંથી અનેક એવાં ટ્રાન્ઝૅક્શન કર્યાં છે જે શંકાસ્પદ છે.
કાયદામાં શું ફેરફાર આવી શકે છે?
વિલાવન એમ્સાવતે કરેલા સેક્સ-સ્કૅમને કારણે સામે આવેલા બૌદ્ધ સાધુઓનો એ સ્તર પર વિરોધ શરૂ થયો છે કે થાઇલૅન્ડમાં ધાર્મિક ક્રાન્તિ ન આવે તો જ નવાઈ. બૌદ્ધ સાધુઓને સાક્ષાત ભગવાન માનનારી પ્રજા એ હદે નાસીપાસ થઈ છે કે સરકારે પણ નક્કી કર્યું છે કે સાધુઓને આપવામાં આવતા વિશેષ અધિકારો પાછા ખેંચવા જોઈએ.થાઇ નૅશનલ ઑફિસ ઑફ બુદ્ધિઝમ હવે સાધુઓના વ્યવહાર, દાન અને મંદિરોના આર્થિક વહીવટ માટે નવા કાયદાનું ગઠબંધન કરવા વિશે વિચારણા કરે છે તો થાઇલૅન્ડના રાજા મહા વજીરાલોંગકોર્ને કેટલાક સાધુઓને અપાયેલાં ધર્મપદ અને એને લીધે મળતાં વિશેષ માન-સન્માન અને અધિકાર પાછાં લઈ લીધાં છે.
થાઇલૅન્ડના સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન બ્યુરોએ લોકોને સાધુઓની ફરિયાદ કરવાની હાકલ કરી છે.
થાઇલૅન્ડના વડા પ્રધાને આ ઘટના પછી સાધુઓના વર્તન અને મંદિરોના નાણાકીય વ્યવહારોની સમીક્ષા કરવાનો આદેશ આપ્યો છે. મજાની વાત એ છે કે આ ઘટનાથી જાગીને થાઇલૅન્ડના સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન બ્યુરો એટલે કે CIBએ લોકો માટે સોશ્યલ મીડિયા ટિપ લાઇન પણ શરૂ કરી જેથી ખરાબ વર્તન કરનારા સાધુઓની પ્રજા પોતે તાત્કાલિક જાણ કરી શકે અને બ્યુરો તેમની સામે ઍક્શન લઈ શકે. આવું કરવાનું એકમાત્ર કારણ અમુકતમુક લોકોના કારણે હજારો વર્ષોથી ચાલ્યાં આવતાં ધર્મ અને ધર્મભાવનાને નકારાત્મક અસર ન થવી જોઈએ.
ભારતે થાઇલૅન્ડ પાસેથી ઘણું શીખવા જેવું છે.
સાચે જ.
ફ્રા થેપે ઑનલાઇન ગેમિંગ વેબસાઇટ પરથી લાખોની કિંમતની ચિપ્સ પણ ખરીદી હતી એટલે એ ગેમિંગ વેબસાઇટ સુધી ઇન્ક્વાયરી પહોંચી તો ખબર પડી કે એ ચિપ્સ તો વિલાવન એમ્સાવત નામની મહિલા માટે ખરીદવામાં આવી છે. છાના ખૂણે ચાલતી ઇન્ક્વાયરીમાં ઝડપ આવી ગઈ અને વધુ ને વધુ અંદરની વાતો બહાર આવવા માંડી. વિલાવનની ભૂલ એટલી કે તેણે ત્રણ વર્ષમાં જે કોઈને બ્લૅકમેઇલ કર્યા એ બધા પૈસા એક જ બૅન્ક-અકાઉન્ટમાં મગાવ્યા તો બીજી ભૂલ એ કે ઑનલાઇન જુગાર રમવાની તેણે વેબસાઇટ પણ બહુ ચેન્જ કરી નહીં. સીધો હિસાબ હતો, તાળો મેળવવા માટે વધારે ગડમથલ કરવાની નહોતી. ઇન્ક્વાયરીના બધા છેડા વિલાવન એમ્સાવત સુધી પહોંચ્યા એટલે થાઇ પોલીસે નક્કી કર્યું કે વિલાવન એમ્સાવતની અરેસ્ટ કરવી, જે ૧પ જુલાઈએ કરવામાં આવી.
વિલાવન એમ્સાવત અત્યારે થાઇ પોલીસના કબજામાં છે પણ આખું થાઇલૅન્ડ ધ્રૂજી ગયું છે. વિલાવનની અરેસ્ટ પછી પોલીસને તેના ઘરમાંથી ૮૦,૦૦૦ ફોટો અને વિડિયોઝ મળ્યા છે જે આ મહામાયા અને બૌદ્ધ સાધુના અંતરંગ સંબંધોને છતા કરે છે.
વિલાવનનો મોબાઇલ-નંબર તમામ બૌદ્ધ સાધુઓના મોબાઇલમાં મિસ ગૉલ્ફ તરીકે સ્ટોર થયેલો હતો. જેવું આ જાહેર થયું કે થાઇલૅન્ડના કેટલાક બૌદ્ધ સાધુઓને પરસેવો છૂટી ગયો અને તેમણે મોબાઇલ ફૉર્મેટ મારી દીધો કારણ કે વિલાવન તો રોજેરોજ પોતાનો શિકાર શોધવા મંદિર અને મઠમાં ફર્યા કરતી અને આત્મીયતા કેળવવાનું કામ કરતી.
વિલાવનને મળેલા ફન્ડમાંથી કેટલુંક ફન્ડ તો સાધુઓ દ્વારા તેને ભેટ કે દાનના સ્વરૂપમાં આપવામાં આવ્યું હતું, જેની ઑફિશ્યલ પહોંચ પણ ફાડવામાં આવી હતી. વિલાવન પાસેથી મળેલી મર્સિડીઝ કાર પણ આ જ પૈસામાંથી ખરીદવામાં આવી હોવાની આશંકા રાખવામાં આવે છે જેની કિંમત ભારતીય ચલણ મુજબ અંદાજે બે કરોડની છે.
વિલાવન એમ્સાવતના કૉલ-રેકૉર્ડ ચેક કર્યા પછી એમાંથી અગિયાર નંબર એવા મળ્યા છે જેની સાથે વિલાવન બધી મર્યાદાઓ છોડીને આગળ વધવા માંડી હતી પણ તે હજી બ્લૅકમેઇલિંગ સુધી પહોંચી નહોતી. એ અગિયાર સાધુઓ સામે પણ થાઇલૅન્ડ ગવર્નમેન્ટે તપાસનો આદેશ આપી દીધો છે તો જે સાધુઓ બ્લૅકમેઇલ થયા છે એ સાધુઓને તેમના મઠ-મંદિરના આચાર્યપદ પરથી ઉતારી લેવામાં આવ્યા છે અને તેમની વિરુદ્ધ ઇન્ક્વાયરી શરૂ કરી છે. થાઇલૅન્ડમાં રહેતા લોકોમાં એક જૂથ એવું પણ છે જે વિલાવનની કરતૂતોને બિરદાવતાં કહે છે કે તેને કારણે બૌદ્ધ સાધુઓમાં પેસી ગયેલો સડો દુનિયા સામે આવ્યો.
વાત સાવ ખોટી પણ નથી. ભગવાં પહેરીને ફરનારા, પણ મનમાં વાસનાના કીડાને ઉછેરતા સાધુઓ સામે ઝૂકવા કરતાં તો નાસ્તિક તરીકે ઓળખાવું વધારે યોગ્ય છે.

