ઐશ્વર્યા રાય બચ્ચને પોતાના વિચારો વ્યક્ત કરતાં કહ્યું કે આમાં મહિલાની કોઈ ભૂલ નથી
ઐશ્વર્યા રાય બચ્ચન
ઐશ્વર્યા રાય બચ્ચન હંમેશાં દરેક મુદ્દા માટે સ્પષ્ટ રીતે પોતાના વિચારો વ્યક્ત કરવા માટે જાણીતી છે. હાલમાં તેણે સ્ટ્રીટ-હૅરૅસમેન્ટ મુદ્દે ખુલ્લેઆમ અવાજ ઉઠાવ્યો છે. લોરિયલ પૅરિસની એક ઍડ-કૅમ્પેન માટે બનાવવામાં આવેલા એક વિડિયોમાં ઐશ્વર્યા જાહેર સ્થળોએ મહિલાઓ સાથે થતી છેડછાડ સામે સખત પ્રતિક્રિયા આપતી જોવા મળે છે. આ વિડિયોમાં તે મહિલાઓને સંદેશ આપે છે કે રસ્તા પર થતું હૅરૅસમેન્ટ સહન ન કરવું અને એની સામે આંખ આડા કાન કરવાને બદલે એનો સામનો કરવો, માથું ઊંચું રાખવું અને ક્યારેય તમારા માન-સન્માન સાથે સમજૂતી ન કરવી. ઐશ્વર્યાએ પોતાની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું કે સ્ટ્રીટ-હૅરૅસમેન્ટ માટે પોતાની ઉપર શંકા પણ ન કરો અને તમારા ડ્રેસ કે લિપસ્ટિકને દોષ ન આપો.
સ્ટ્રીટ-હૅરૅસમેન્ટ વિશે પોતાના વિચારો વ્યક્ત કરતાં ઐશ્વર્યાએ કહ્યું કે આમાં મહિલાની કોઈ ભૂલ નથી અને એની જવાબદારી માત્ર હૅરૅસમેન્ટ કરનારની હોય છે. ઐશ્વર્યાનો આ વિડિયો સોશ્યલ મીડિયામાં ચર્ચામાં છે અને ઘણા યુઝર્સે પણ સ્વીકાર્યું છે કે સ્ટ્રીટ-હૅરૅસમેન્ટ એક ગંભીર સામાજિક સમસ્યા છે.


