મેલબર્ન ફિલ્મ ફેસ્ટિવલમાં ફિલ્મ આઇ વૉન્ટ ટુ ટૉક માટે અભિષેકને બેસ્ટ ઍક્ટરનો અવૉર્ડ મળ્યો એને પગલે ખુશખુશાલ
મેલબર્ન ફિલ્મ ફેસ્ટિવલમાં ફિલ્મ ‘આઇ વૉન્ટ ટુ ટૉક’ માટે અભિષેકને બેસ્ટ ઍક્ટરનો અવૉર્ડ
અમિતાભ બચ્ચન તેમના દીકરા અભિષેક બચ્ચનની પ્રશંસા કરવાનો કોઈ મોકો ચૂકતા નથી. તેઓ સોશ્યલ મીડિયા પર અવારનવાર અભિષેક વિશે લખતા રહે છે. હવે મેલબર્ન ફિલ્મ ફેસ્ટિવલમાં ફિલ્મ ‘આઇ વૉન્ટ ટુ ટૉક’ માટે અભિષેકને બેસ્ટ ઍક્ટરનો અવૉર્ડ મળતાં બિગ બીએ તેને શુભેચ્છા આપી છે. આ ખાસ અવસરે તેમણે પોતાના બ્લૉગ દ્વારા હૃદયની લાગણી વ્યક્ત કરી હતી.
અમિતાભે બ્લૉગમાં એક તસવીર શૅર કરી હતી જેમાં અભિષેક ટ્રોફી હાથમાં લઈને હસતો જોવા મળે છે. સાથે એક મૅગેઝિન-કવર પણ શૅર કર્યું, જેની ટૅગલાઇન હતી - ‘ધ બચ્ચન બ્લુપ્રિન્ટ’.
આ પોસ્ટ સાથે અમિતાભે લખ્યું હતું...
હું આ સમગ્ર વિશ્વનો સૌથી નસીબદાર પિતા છું. અભિષેકે મહેનત, ઈમાનદારી અને ક્યારેય હાર ન માનવાના વલણ સાથે તેના દાદાજીના વારસાને આગળ વધાર્યો છે. અભિષેક ક્યારેય પરિસ્થિતિ સામે હાર નથી માન્યો. લોકો તેને ગમે એટલો નીચે ખેંચવાનો પ્રયાસ કરે, તે દરેક વખતે મહેનતથી ઊભો થયો છે અને પહેલાં કરતાં પણ ઊંચે પહોંચ્યો છે.
ADVERTISEMENT
થોડાં વખત પહેલાં જ્યારે મેં ‘આઇ વૉન્ટ ટુ ટૉક’માં અભિષેકના અભિનયની પ્રશંસા કરી હતી ત્યારે કેટલાક લોકો હસ્યા હતા અને કહ્યું હતું કે એક પિતા પોતાના પુત્રની વધુપડતી તારીફ કરી રહ્યો છે. લોકોએ મારી મજાક ઉડાડી, પરંતુ આજે એ જ લોકો તાળી પાડી રહ્યા છે. સમયે જવાબ આપી દીધો છે. અભિષેકની મહેનત અને કળાને વિશ્વે ઓળખી લીધી છે. જેઓ પહેલાં તેના પર હસતા હતા તેઓ હવે તેને સન્માન આપે છે.
જીત એ સૌથી મોટો જવાબ છે અને તેં જીત મેળવી છે. શાંત રહેવું અને મોજમાં રહેવું એ જ અસલી રહસ્ય છે. આ અવૉર્ડ ફક્ત અભિષેક માટે જ નહીં, સમગ્ર પરિવાર માટે ખુશીની વાત છે.
કવિતામય અભિવ્યક્તિ
અભિષેકની સફળતા પર અમિતાભે બ્લૉગમાં કવિતાની કેટલીક પંક્તિઓ લખી છે, ‘તુમ મુઝે જિતના ગિરાઓગે, મૈં અપને પરિશ્રમ સે ફિર ખડા હો જાઉંગા ઔર ઊંચા ખડા હોઉંગા, સમય લગા લેકિન તુમને હાર નહીં માની. અપને બલ પર દુનિયા કો તુમને દિખા દિયા.’
આ પ્રસંગે અમિતાભ બચ્ચને પિતા હરિવંશરાય બચ્ચનની એક કવિતાને યાદ કરીને લખ્યું હતું, ‘મૈંને સમંદર સે સીખા હૈ જીને કા સલીકા, ચુપચાપ સે બહના ઔર અપની મૌજ મેં રહના.’

