પતિ પત્ની ઔર વોની સીક્વલમાં કાર્તિક આર્યનની જગ્યાએ આયુષમાન ખુરાના; સારા અલી ખાન, વામિકા ગબ્બી અને રકુલ પ્રીત સિંહ હિરોઇનો
કાર્તિક આર્યન, ભૂમિ પેડણેકર અને અનન્યા પાંડેને ચમકાવતી ‘પતિ પત્ની ઔર વો’
કાર્તિક આર્યન, ભૂમિ પેડણેકર અને અનન્યા પાંડેને ચમકાવતી ‘પતિ પત્ની ઔર વો’ ૨૦૧૯માં આવેલી ત્યારે સુપરહિટ તો નહોતી થઈ, પણ ચર્ચાસ્પદ જરૂર બનેલી. ઘણા સમયથી આ ફિલ્મની સીક્વલ આવશે એવી પણ ચર્ચા હતી. ગઈ કાલે ધનતેરસના દિવસે આખરે આ ફિલ્મની સીક્વલની જાહેરાત કરવામાં આવી છે, પણ નવાઈની વાત એ છે કે ફિલ્મના હીરો તરીકે કાર્તિક આર્યન નહીં પણ આયુષમાન ખુરાના છે અને હિરોઇનો પણ બદલાઈ ગઈ છે. સીક્વલનું નામ ‘પતિ પત્ની ઔર વો દો’ રાખવામાં આવ્યું છે અને એમાં બેને બદલે સારા અલી ખાન, વામિકા ગબ્બી અને રકુલ પ્રીત સિંહના રૂપમાં ત્રણ-ત્રણ હિરોઇનો છે.
ફિલ્મના શીર્ષક મુજબ આ ફિલ્મમાં પરિણીત આયુષમાન ખુરાના બબ્બે ગર્લફ્રેન્ડ્સ સાથે ધમાલ-મસ્તી કરશે. આ ફિલ્મનું પોસ્ટર પણ ગઈ કાલે રિલીઝ કરવામાં આવ્યું છે અને ફિલ્મ આવતા વર્ષે હોળી પર રિલીઝ થશે એવી જાહેરાત કરવામાં આવી છે.

