બમન ઈરાની તેમના કૉમિક ટાઇમિંગ માટે જાણીતા છે અને તેમણે મૂકેલી આ પોસ્ટમાં પણ તેમની હ્યુમરસેન્સ જોવા મળતી હતી
બમન ઈરાનીએ કરેલી પોસ્ટ
બમન ઈરાનીએ પત્ની ઝેનોબિયા સાથેના લગ્નજીવનનાં ૪૦ વર્ષ પૂરાં કર્યાં છે અને હાલમાં તેમણે ફૅન્સ સાથે આ સેલિબ્રેશનની તસવીરો શૅર કરી હતી. બમન ઈરાની તેમના કૉમિક ટાઇમિંગ માટે જાણીતા છે અને તેમણે મૂકેલી આ પોસ્ટમાં પણ તેમની હ્યુમરસેન્સ જોવા મળતી હતી. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે ‘જ્યારે આખી દુનિયા વિચારે છે કે તું એક સ્વીટ એન્જલ છે ત્યારે મને થોડી તકલીફ પડે છે, કારણ કે હું જાણું છું કે હકીકતમાં તું કેટલી મોટી મુસીબત છે. ૪૦ વર્ષનો અનુભવ છે. જોકે કોણ એક એન્જલ સાથે લગ્ન કરવા ઇચ્છશે? મારી પીઠ પરનો બોજ પણ એક એન્જલ છે. આ એક એવું કૉમ્બિનેશન છે જેણે મને આકાર આપ્યો છે. મારા પરિવારને આકાર આપ્યો છે. મારી સાથે મજા કરી છે, રસ્તો બતાવ્યો છે. ઓલ્ડ ફ્રેન્ડ, આઇ લવ યુ...’
આ પોસ્ટ સાથે બમન ઈરાનીએ પત્ની સાથેનાં કેટલાંક પિક્ચર્સ પણ પોસ્ટ કર્યાં છે જેમાં બન્નેએ હાર પહેર્યા છે અને તેમના ચહેરા પર ખુશી છલકાઈ રહી છે. આ પિક્ચર્સમાં તેમણે હાથમાં લાલ રંગના ફુગ્ગા પકડ્યા છે જેના પર ‘આઇ લવ યુ’ લખ્યું છે. બમન ઈરાનીની કરીઅરની વાત કરીએ તો ડિરેક્ટર તરીકેની તેમની પહેલી ફિલ્મ ‘ધ મહેતા બૉય્સ’ ૭ ફેબ્રુઆરીએ ઍમૅઝૉન પ્રાઇમ પર રિલીઝ થશે.