ધર્મેન્દ્ર અને હેમા માલિનીની નાની દીકરી આહના દેઓલે એક જૂના ઇન્ટરવ્યુમાં આ ઇચ્છા વ્યક્ત કરી હતી જે અત્યારે ચર્ચામાં છે
આ કાર સાથે તેની આહનાની ઘણી યાદ સંકળાયેલી છે
બૉલીવુડના સુપરસ્ટાર ધર્મેન્દ્રએ ૨૪ નવેમ્બરે દુનિયાને અલવિદા કહી દીધી છે. તેમના નિધન બાદ તેમની અને હેમા માલિનીની નાની દીકરી આહના દેઓલનો એક જૂનો ઇન્ટરવ્યુ ફરી ચર્ચામાં આવ્યો છે. આ ઇન્ટરવ્યુમાં આહનાએ પોતાની લાગણી વ્યક્ત કરતાં કહ્યું હતું કે તેને વારસામાં પિતાની કરોડોની સંપત્તિ નહીં, પરંતુ તેમની પહેલી કાર જોઈએ છે, કારણ કે આ કાર સાથે તેની બાળપણની ઘણી યાદ સંકળાયેલી છે.
ધર્મેન્દ્રએ ૧૯૮૦માં હેમા માલિની સાથે લગ્ન કર્યાં. આ લગ્નના એક વર્ષ પછી મોટી દીકરી એશા અને ૪ વર્ષ બાદ નાની દીકરી આહનાનો જન્મ થયો. ધર્મેન્દ્ર તેમની બન્ને દીકરીઓને બહુ પ્રેમ કરતા હતા અને હવે આહનાનો એક જૂનો ઇન્ટરવ્યુ ચર્ચામાં છે જેમાં તેણે તેના પિતા પાસેથી મળેલા જીવનના સંસ્કારો વિશે વાત કરી હતી. આહનાએ જણાવ્યું હતું કે ‘પપ્પાએ હંમેશાં શીખવ્યું કે પ્રેમ અને સ્નેહ જીવનનો આધાર છે. તેઓ કહેતા, ‘ખુશ રહો, સ્વસ્થ રહો અને મજબૂત રહો.’ આ સરળ લાગે છે, પણ એનો અર્થ ખૂબ ઊંડો છે.’
ADVERTISEMENT
આ ઇન્ટરવ્યુમાં જ્યારે આહનાને પૂછવામાં આવ્યું કે તે પિતાની કઈ વસ્તુ વારસામાં મેળવવા ઇચ્છે છે ત્યારે તેણે પૈસા કે લોકપ્રિયતાની પસંદગી કરવાને બદલે તરત જ જવાબ આપ્યો કે ‘હું પપ્પાની પહેલી કાર ફીઆટ વારસામાં મેળવવા ઇચ્છું છું. આ કાર ખૂબ જ વિન્ટેજ અને પ્યારી છે અને એની સાથે પપ્પાની અનેક યાદો જોડાયેલી છે.’


