‘રામાયણ’ના ટ્રેલરમાં પરશુરામના પાત્ર જેવી દેખાતી ઝલક બાદ ચાહકોમાં ચર્ચા છે કે રણબીર કપૂર ભગવાન શ્રીરામની સાથે પરશુરામની ભૂમિકા પણ ભજવી રહ્યો છે. જોકે નિર્માતાઓએ હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી.
રણબીર કપૂર
નિતેશ તિવારીની બહુચર્ચિત ફિલ્મ ‘રામાયણ’ના પહેલા ભાગનું ટ્રેલર રિલીઝ થયા બાદ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન શ્રીરામના પાત્રમાં તો જોવા મળે જ છે, પણ ટ્રેલરમાં તેની એક બીજી ઝલકને લઈને હવે સોશ્યલ મીડિયા પર નવી ચર્ચા શરૂ થઈ છે. અનેક ચાહકોનું માનવું છે કે રણબીર કપૂર ફિલ્મમાં પરશુરામની ભૂમિકામાં પણ જોવા મળશે. જો આ વાત સાચી હશે તો ફિલ્મમાં રણબીર ડબલ રોલમાં જોવા મળશે.
‘રામાયણ’ના ટ્રેલરમાં એક દૃશ્યમાં જટાધારી, લાંબી દાઢી અને હાથમાં પરશુ ધરાવતું એક પાત્ર જોવા મળે છે. આ પાત્રની ઝલક જોઈને ઘણા દર્શકોનો દાવો છે કે તે પરશુરામ છે અને આ પાત્ર પણ રણબીરે જ ભજવ્યું છે. આ પછીથી ચાહકો સોશ્યલ મીડિયા પર રણબીરના ડબલ રોલની ચર્ચા કરી રહ્યા છે. જોકે નિર્માતાઓ તરફથી અત્યાર સુધી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
રામાયણના ટ્રેલરમાં હનુમાનજી ક્યાં છે?
ADVERTISEMENT
‘રામાયણ’ના પહેલા ભાગનું ટ્રેલર રિલીઝ થતાં જ એની ભવ્યતા, વિઝ્યુઅલ ઇફેક્ટ, રણબીર કપૂરના શ્રી રામ અને યશના રાવણ અવતારની જોરદાર પ્રશંસા થઈ રહી છે. જોકે ટ્રેલરમાં હનુમાનના પાત્રમાં જોવા મળનારા સની દેઓલની એક પણ ઝલક જોવા ન મળતાં તેના ફૅન્સ અપસેટ થઈ ગયા છે અને તેમણે પોતાની આ લાગણી સોશ્યલ મીડિયા પર પણ વ્યક્ત કરી છે.
આ ફિલ્મના ટ્રેલરમાં રણબીર કપૂર, યશ, સાઈ પલ્લવી, રવિ દુબે, રકુલ પ્રીત સિંહ, અરુણ ગોવિલ, લારા દત્તા અને વિવેક ઑબેરૉય સહિતના કલાકારો જોવા મળે છે, પણ હનુમાનના પાત્રને સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવ્યું છે. આ કારણે અનેક ચાહકોએ લાગણી વ્યક્ત કરી છે કે હનુમાન વિના ‘રામાયણ’નું ટ્રેલર અધૂરું લાગે છે. કેટલાક લોકોએ તો સીધો સવાલ કર્યો કર્યો છે કે ‘હનુમાનજી ક્યાં છે?’
સોશ્યલ મીડિયા પર કેટલાક ચાહકોનું માનવું છે કે નિર્માતાઓએ જાણીજોઈને સની દેઓલના પાત્રને ટ્રેલરમાં સામેલ કર્યું નથી, જેથી ફિલ્મના આગામી પ્રમોશનમાં અથવા ફિલ્મના બીજા ભાગમાં તેનો ભવ્ય પ્રવેશ સરપ્રાઇઝ તરીકે રજૂ કરી શકાય.
