Elvish Yadav Firing: વહેલી સવારે આશરે છ વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. આ સમયે તેના ઘરે કેઅર ટેકર અને તેની માતા હાજર હતી.
એલ્વિશ યાદવ
યુટ્યુબર, કન્ટેન્ટ ક્રીએટર એલ્વિશ યાદવનું નામ જાણીતું છે. ખાસ કરીને કૉમેડી કન્ટેન્ટ પીરસવા માટે તે જાણીતો છે. `બિગ બૉસ ઓટીટી ૨`ના વિજેતા અને યુટ્યુબર એલ્વિશ યાદવના ઘરે ગોળીબાર (Elvish Yadav Firing) થયો હોવાના સમાચાર છે. આજે વહેલી સવારે આશરે છ વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. આ સમયે તેના ઘરે કેઅર ટેકર અને તેની માતા હાજર હતી.
મીડિયા રિપોર્ટ અનુસાર અત્યારે એલ્વિશ યાદવ કોઈ કારણોસર ઘરે નથી. સવારે ૨૫-૩૦ રાઉન્ડ ફાયરીંગ કરવામાં આવ્યું હતું. ગોળીઓ ઘરના ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલા માળને નિશાન બનાવીને છોડવામાં આવી હતી. કારણ કે હુમલાખોરોને ખબર જતી કે એલ્વિશ બીજા કે ત્રીજા ફ્લોર પર રહેતો હોય છે. સારું થયું કે ગોળીબાર થયો તે સમયે એલ્વિશ ઘરે નહોતો. આ ઘટનામાં કોઈને ઈજા નથી થઇ. ત્રણ બદમાશો બાઈક પર આવ્યા હતા અને ગોળીબાર કરીને નાસી છુટ્યા હતા. ગુરુગ્રામ પોલીસના વરિષ્ઠ અધિકારીઓ ગોળીબાર પછી તરત જ એલ્વિશના ઘરે પહોંચી ગયા હતા અને મામલાની તપાસ શરૂ કરી હતી. ગુનેગારોની શોધ શરૂ કરી દેવામાં આવી છે. પોલીસે ઘટના સ્થળની આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું છે. જોકે હજી સુધી ગોળીબાર (Elvish Yadav Firing) કરીને ભાગી જનાર ત્રણ શખ્સમાંથી કોઈની પણ ભાળ મળી નથી.
ADVERTISEMENT
પોલીસે ફોરેન્સિક પુરાવાઓ ભેગા કર્યા છે સાથે જ તેના વિસ્તારમાં આવતા તમામ સીસીટીવી કેમેરાના ફૂટેજ સ્કેન કરવાનું કામ પણ શરુ થઇ ગયું છે. અધિકારીઓએ પુષ્ટિ કરી હતી કે કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી રહી છે અને પરિવાર તરફથી ઔપચારિક ફરિયાદ નોંધાય તે પછી આગળની તપાસ હાથ ધરવામાં આવશે. રિપોર્ટ અનુસાર ગોળીબાર થયો તે પહેલાં એલ્વિશને આ બાબતની (Elvish Yadav Firing) કોઈ ધમકી નહોતી મળી. હાલ તે હરિયાણાની બહાર કોઈક કારણોસર ગયો છે.
ગુરુગ્રામ પોલીસના પીઆરઓ સંદીપ કુમાર જણાવે છે કે ત્રણ જણ બીક પર આવ્યા હતા. તે તમામે મોં પર માસ્ક પહેર્યા હતા. આ ત્રણેય લોકોએ એલ્વિશના ગુરુગ્રામના સેક્ટર-૫૭સ્થિત ઘર પર ગોળીબાર (Elvish Yadav Firing) કર્યો હતો. અધધધ રાઉન્ડ ફાયરિંગ કર્યા બાદ તેઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. વરિષ્ઠ અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા છે અને ત્વરિત તપાસ શરૂ કરવામાં આવી છે.
અઠ્યાવીસ વર્ષનો એલ્વિશ ૨૦૧૬માં યુટ્યુબ પર સહુ પ્રથમવાર આવ્યો હતો. અને કન્ટેન્ટ ક્રિએશન ક્ષેત્રમાં પોતાના પગરણ માંડ્યા હતા, ફેબ્રુઆરી ૨૦૧૮ સુધીમાં તો તેણે એક મિલિયન સબ્સ્ક્રાઇબર્સ કરી લીધા હતા. આજે તેની યુટ્યુબ ચેનલ પર પંદર મિલિયનથી પણ વધારે સબ્સ્ક્રાઇબર્સ થઇ ગયા છે. `બિગ બૉસ ઓટીટી 2`માં તે વિજેતા બન્યો હતો. કૉમેડીથી તેણે અનેક લોકોના દિલમાં રાજ કર્યું છે. ખાસ કરીને એલ્વિશ હરિયાણવી સંસ્કૃતિ અને દેશી કૉમેડીનો વિનિયોગ કરીને લોકોને હસાવે છે.

