ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે શનિવારે મથુરાની શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિરમાં કાન્હાના જન્મોત્સવની પહેલી પૂજા કરી હતી
કૃષ્ણજન્મોત્સવમાં મથુરાનું શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિર ઑપરેશન સિંદૂરની થીમથી સજ્યું, શ્રીકૃષ્ણના 5252મા જન્મોત્સવ નિમિત્તે યોગી આદિત્યનાથે મથુરામાં પૂજા કરી.
શ્રીકૃષ્ણના 5252મા જન્મોત્સવ નિમિત્તે યોગી આદિત્યનાથે મથુરામાં કરી પૂજા : ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે શનિવારે મથુરાની શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિરમાં કાન્હાના જન્મોત્સવની પહેલી પૂજા કરી હતી. તેઓ ઉત્તર પ્રદેશના પહેલા એવા મુખ્ય પ્રધાન છે જેમણે છેલ્લાં ૮ વર્ષમાં ૩૮ વાર મથુરા અને વૃંદાવનનાં દર્શન કર્યાં છે. તેમણે મથુરાના વિકાસ માટે ૬૪૫ કરોડ રૂપિયાની યોજનાઓનો આરંભ કર્યો છે.
શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ગઈ કાલે દેશભરનાં મંદિરોમાં ધામધૂથી ઊજવાયો. મથુરા-વૃંદાવનમાં જન્માષ્ટમીની સાંજ સુધીમાં ૨૫ લાખ શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવ્યા. ગઈ કાલે શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિરને પણ દેશભક્તિનો રંગ લાગ્યો હતો. મંદિરમાં લાઇટિંગ ઑપરેશન સિંદૂરની થીમ પર થયું હતું. ઠાકોરજીને પહેરાવવામાં આવેલું અંગરખું મથુરાના કારીગરોએ છ મહિનામાં સોના-ચાંદીના તારથી ગૂંથીને બનાવ્યું હતું. એ કપડામાં મેઘધનુષના સાત રંગો છે, પરંતુ મંદિરને સિંદૂરી રંગનાં ફૂલોથી સજાવવામાં આવ્યું હતું. મંદિરમાં ઑપરેશન સિંદૂરની સફળતા અને સેનાના જવાનોની વીરતાને બિરદાવતું બોર્ડ લગાવવામાં આવ્યું હતું.

