જોગેશ્વરીના કોકણનગર ગોવિંદા પથકે થાણેમાં ૧૦ થર બનાવીને રચ્યો વર્લ્ડ રેકૉર્ડ, સાથે ઉપરના ચાર થર એક-એક વ્યક્તિના બનાવીને ચાર એક્કાની રૅર સિદ્ધિ પણ મેળવી : એ પછી જોગેશ્વરીના જ જય જવાન પથકે ઘાટકોપરમાં-થાણેમાં ૧૦ થર બનાવ્યા
ગઈ કાલે થાણેમાં વર્લ્ડ રેકૉર્ડ કરતું કોકણનગર ગોવિંદા પથક.
ગોવિંદા રે ગોપાલાના નાદ સાથે ગઈ કાલે મુંબઈભરના ગોવિંદા પથક દહીહંડીઓ ફોડવા નીકળી પડ્યા હતા. છેલ્લાં કેટલાંક વર્ષોથી જોગેશ્વરીનું જય જવાન પથક ૯ થર બનાવી રહ્યું હતું, પણ તેમને ૧૦ થર બનાવવામાં સફળતા મળતી નહોતી. ગઈ કાલે જોગેશ્વરીના જ કોકણનગરના પથકે ૧૦ થર બનાવી ઇતિહાસ રચી દીધો હતો. થાણેના વર્તકનગરમાં રાજ્યના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર પ્રતાપ સરનાઈકના NGO સંસ્કૃતિ યુવા પ્રતિષ્ઠાન દ્વારા આયોજિત દહીહંડીમાં કોકણનગર ગોવિંદા પથકે પહેલી વાર ૧૦ થર લગાડી ઇતિહાસ રચ્યો હતો અને પચીસ લાખ રૂપિયાનું કૅશ-પ્રાઇઝ અંકે કરી લીધું હતું. એટલું જ નહીં, તેમણે ઉપરના ચાર થર ફક્ત એક જ ખેલાડી પર એક એમ બનાવ્યા હતા જે ગોવિંદાની ભાષામાં ચાર એક્કા કહેવાય છે. આવું કરનાર પણ એ પ્રથમ પથક બન્યું હતું. મૂળમાં એટલી ઊંચાઈએ કોઈ પણ સપોર્ટ વગર એક જ ગોવિંદા પર ૩ ગોવિંદાનું બૅલૅન્સ કરી, વજન ઊંચકીને સ્થિરતા જાળવવી એ બહુ જ મુશ્કેલ ટાસ્ક હોય છે. એમાં કોકણનગર ગોવિંદા પથકના ગોવિંદાઓ સફળ રહ્યા હતા. કોકણનગર ગોવિંદા પથકના ૩૮ વર્ષના કોચ વિશાલ કોચરેકર છેલ્લાં ૧૨ વર્ષથી તેમને ટ્રેઇનિંગ આપી રહ્યા છે અને તેમની પાસે તૈયારી કરાવે છે. તેમની દોરવણી હેઠળ પથકે આ અનોખી સિદ્ધિ મેળવી હતી. સખત ડિસિપ્લિન અને ચોકસાઈ સાથે ગોવિંદાને પ્રૅક્ટિસ કરાવતા વિવેક કોચરેકરની મહેનત રંગ લાવી હતી.
અમને આત્મવિશ્વાસ હતો
ADVERTISEMENT
આ સફળતા કઈ રીતે મળી એ વિશે માહિતી આપતાં વિશાલ કોચરેકરે કહ્યું હતું કે ‘અમને આત્મવિશ્વાસ હતો કે આ વર્ષે અમે ૧૦ થર લગાડીશું. ૨૦૨૨માં અમે અહીં જ ૯ થર લગાડી વિશ્વવિક્રમ કર્યો હતો. આ વખતે આમારા પથકમાં ૫૫૦ ગોવિંદા હતા અને અમે છેલ્લા બે મહિનાથી પ્રૅક્ટિસ કરી રહ્યા હતા. પહેલા દિવસથી જ અમે ૧૦ થર લગાડવાની પ્રૅક્ટિસ કરી હતી. મેં ગોવિંદાઓને કહ્યું હતું કે જખમી થયા વગર આપણે ૧૦ થર લગાડવાના છે અને એ મુજબની ટ્રેઇનિંગ કરાવી હતી.’
જય જવાન પથકે ઘાટકોપરમાં અને થાણેમાં ૧૦ થર લગાડ્યા
કોકણનગર ગોવિંદા પથકે થાણેમાં ૧૦ થર લગાડ્યાના કેટલાક કલાક બાદ ઘાટકોપરમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના ગણેશ થુક્કલ અને અરવિંદ ગીતે પરિવારે આયોજિત કરેલી દહીહંડીમાં જય જવાન ગોવિંદા પથકે ૧૦ થર લગાડ્યા હતા. એટલું જ નહીં, ત્યાર બાદ થાણેમાં MNSના અવિનાશ જાધવે નવપાડામાં આયોજિત કરેલી દહીહંડીમાં પણ તેમણે ૧૦ થર લગાડ્યા હતા. લોકોએ તેમની કામગીરી પણ વખાણી હતી અને તેમને બિરદાવ્યા હતા.
કોઈને લાગતું હોય છે કે અમારો વિશ્વવિક્રમ તૂટશે નહીં, પણ વિશ્વવિક્રમ તૂટવા માટે જ બનતા હોય છે : પ્રતાપ સરનાઈક
કોકણનગર ગોવિંદા પથકે ૧૦ થર રચ્યા બાદ પ્રતાપ સરનાઈકે તેમને બિરદાવીને પચીસ લાખ રૂપિયાનું કૅશ-પ્રાઇઝ આપ્યું જ હતું, પણ સાથે જ નામ ન લેતાં મોઘમમાં જ જયજવાન પથકને અને સાથે જ તેમના રાજકીય વિરોધીઓને ટોણો મારતાં મંચ પરથી જ સંભળાવી દેતાં કહ્યું હતું કે ‘કોઈને કંઈ પણ કહેવા દો, કોઈની પણ યુતિ થવા દો. કેટલાક ગોવિંદાઓને લાગતું હોય છે કે અમારો વિશ્વવિક્રમ તૂટશે જ નહીં, અમે જ સાર્વભૌમ છીએ પણ કોકણનગર ગોવિંદા પથકે બતાવી દીધું કે વિશ્વવિક્રમ એ કોઈ એકની જાગીર નથી હોતી. વિશ્વવિક્રમ એ તોડવા માટે જ બનતા હોય છે.’
એક ગોવિંદાનું મોત, ૭૫ ઘાયલ
ગોવિંદાઓ એક પર એક ચડીને મટકી ફોડવાનો પ્રયાસ કરે ત્યારે ઘણી વાર નીચે પટકાતા હોય છે અને એમાં ઘણા ગોવિંદાઓ ઘાયલ પણ થતા હોય છે. ગઈ કાલે માનખુર્દમાં ૩૩ વર્ષના ગોવિંદા જગમોહન ચૌધરીનું મટકી બાંધવા માટેની જાડી દોરી બાંધતી વખતે પટકાઈને મૃત્યુ થયું હતું. BMCના જણાવ્યા અનુસાર ગઈ કાલે સાંજે ૬ વાગ્યા સુધીમાં ૭૫ ગોવિંદાઓ ઘાયલ થયા હતા. એમાંથી ૩૨ ગોવિંદાઓ પર સારવાર ચાલી રહી હતી જેમાંથી બે ગોવિંદાની હાલત ક્રિટિકલ હોવાનું કહેવાયું છે, જ્યારે ૪૩ ગોવિંદાઓને સારવાર આપી રજા આપી દેવામાં આવી હતી.

