સોશ્યલ મીડિયા પર બ્લુ સાડી ગર્લ અને નૅશનલ ક્રશ તરીકે વાઇરલ થયેલી ઍક્ટ્રેસ ગિરિજા ઓકને આ ચિંતા સતાવી રહી છે
ગિરિજા ઓક
છેલ્લા થોડા સમયથી ઍક્ટ્રેસ ગિરિજા ઓક સોશ્યલ મીડિયામાં ખૂબ વાઇરલ થઈ રહી છે. હકીકતમાં ગિરિજા ઓકનો યુટ્યુબ પર એક ઇન્ટરવ્યુ આવ્યો હતો અને ત્યારથી ગિરિજાના વિડિયો અને ફોટો વાઇરલ થઈ રહ્યા છે. આ વાઇરલ તસવીર અને વિડિયોમાં તેણે બ્લુ સાડી પહેરી હોવાને કારણે તેને ‘બ્લુ સાડી ગર્લ’નો ટૅગ મળ્યો છે. લોકો તેની સુંદરતા અને સાદગી પર ફિદા થઈ ગયા છે અને તેને સિડની સ્વીની અને મોનિકા બેલુચી જેવી ઇન્ટરનૅશનલ ઍક્ટ્રેસનો ભારતનો જવાબ ગણાવી રહ્યા છે. એકાએક ગિરિજા સોશ્યલ મીડિયા પર ‘નૅશનલ ક્રશ’ તરીકે ટ્રેન્ડ થઈ છે. આ સ્થિતિમાં કોઈ પણ ઍક્ટ્રેસ ખુશ થઈ જાય, પણ ગિરિજા થોડી ચિંતામાં મુકાઈ ગઈ છે, કારણ કે સોશ્યલ મીડિયા પર હવે તેની મૉર્ફ કરેલી અશ્લીલ તસવીરો પણ ફરતી થઈ છે.
ગિરિજા ઓકની ચિંતા
ADVERTISEMENT
હાલમાં એક ઇન્ટરવ્યુમાં ગિરિજાએ સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ રહેલી તેની મૉર્ફ તસવીરો વિશે ચિંતાની લાગણી વ્યક્ત કરતાં કહ્યું કે ‘છેલ્લા કેટલાક દિવસથી સોશ્યલ મીડિયામાં જેકાંઈ થઈ રહ્યું છે તે એક રીતે સારું લાગે છે અને ખૂબ વિચિત્ર પણ લાગે છે. અચાનક મને ઘણું અટેન્શન મળી રહ્યું છે અને હું આને પ્રોસેસ કઈ રીતે કરું એ જ સમજાતું નથી. મારા મિત્રો, પરિવાર અને ઘણા ફૅન્સ પોસ્ટ અને મીમ્સ મોકલી રહ્યા છે. જોકે કેટલીક પોસ્ટમાં મારી તસવીરો આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)થી બહુ બોલ્ડ અને અશ્લીલ બનાવી દેવામાં આવી છે જેનાથી હું અપસેટ છું. આ વાત મને પરેશાન કરે છે.’
પોતાની ચિંતા વિશે વાત કરતાં ગિરિજાએ કહ્યું છે કે ‘મારો ૧૨ વર્ષનો દીકરો છે. તે હજી સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરતો નથી, પણ મોટો થઈને કરશે ત્યારે તેને આ તસવીરો જરૂર જોવા મળશે. આ તસવીરો હંમેશાં ઇન્ટરનેટ પર રહેશે. એક દિવસ તે આ અશ્લીલ તસવીરો જોશે અને એક તબક્કે સમજશે કે એ સાચી નથી, પણ આ સ્થિતિ ડરામણી છે. મને ખબર છે કે હું આ મામલે વધારે કાંઈ નહીં કરી શકું, પરંતુ કંઈ ન કરવું પણ યોગ્ય નથી લાગતું. જો તમે પણ AIનો ઉપયોગ કરીને મહિલાઓ, પુરુષો કે કોઈની પણ તસવીર બદલીને અયોગ્ય રીતે નવું સ્વરૂપ આપો તો એક વાર જરૂર વિચારજો. જો તમે આવું કન્ટેન્ટ બનાવતા નથી, પરંતુ એને જોઈને મજા આવે છે તો તમે પણ સમસ્યાનો જ ભાગ છો, ફક્ત વિચારજો.’
કોણ છે ગિરિજા ઓક?
૩૭ વર્ષની ગિરિજા ઓક મરાઠી ઍક્ટ્રેસ છે. તેણે ૧૫ વર્ષની વયે ઍક્ટિંગ શરૂ કરી હતી. તે મરાઠી ઍક્ટ્રેસ છે પણ તેણે મરાઠી સિવાય હિન્દી અને કન્નડા ફિલ્મોમાં પણ કામ કર્યું છે. ગિરિજા થોડા સમય પહેલાં મનોજ બાજપાઈની પત્ની તરીકે ફિલ્મ ‘ઇન્સ્પેક્ટર ઝેન્ડે’માં દેખાઈ હતી અને ત્યારથી તેની નોંધ લેવાવાનું શરૂ થયું છે. એ પહેલાં તે ૨૦૨૩માં શાહરુખ ખાન સાથે ‘જવાન’માં અને વિવેક અગ્નિહોત્રીની ‘ધ વૅક્સિન વૉર’માં પણ દેખાઈ હતી. ૨૦૦૭માં તેણે આમિર ખાનની ફિલ્મ ‘તારે જમીન પર’માં પણ કામ કર્યું હતું. ગિરિજા વિખ્યાત મરાઠી અભિનેતા ગિરીશ ઓકની દીકરી છે અને સુહૃદ ગોડબોલેને પરણી છે. સુહૃદ ફિલ્મસર્જક છે.


