કાજોલે વ્યથા વ્યક્ત કરતાં કહ્યું કે તે નાની હતી ત્યારથી ફોટોગ્રાફર્સ તેની પાછળ લાગી ગયા હતા
કાજોલ અને દીકરી નિસા
કાજોલ અને અજય દેવગનની દીકરી નિસા અને દીકરો યુગ અવારનવાર સોશ્યલ મીડિયા પર ટ્રોલિંગનો શિકાર બને છે. કાજોલે હાલમાં એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે જો તેનાં સંતાનોને સોશ્યલ મીડિયામાં ટ્રોલ કરવામાં આવે તો આવી સ્થિતિમાં એક માતા તરીકે તે આ બધી પરિસ્થિતિને કેવી રીતે હૅન્ડલ કરે છે. કાજોલે કહ્યું, ‘મારાં બાળકો આ બધું બહુ લાંબા સમયથી સહન કરી રહ્યાં છે. મારાં બન્ને બાળકોએ ઘણુંબધું જોયું છે અને મારી દીકરી નિસાને તો વધારે પડતી ટ્રોલ કરવામાં આવે છે. તે નાની હતી ત્યારથી ફોટોગ્રાફર્સ તેની પાછળ લાગી ગયા હતા. એ સમયે પણ અમે તેને સુરક્ષિત રાખવાની ઘણી કોશિશ કરી, પણ તમે સંપૂર્ણ રીતે સુરક્ષિત નથી જ રાખી શકતા.’
આ સમસ્યાના ઉકેલ વિશે કાજોલે કહ્યું, ‘અમે બાળકોને સમજાવીએ છીએ કે આ દુનિયાનો એક હિસ્સો છે. આ કદાચ હમણાં માટે તમને ખરાબ લાગતું હશે, પરંતુ એના પર ધ્યાન ન આપો. જેટલા લોકો તમને ટ્રોલ કરે છે એના કરતાં અનેકગણા વધારે લોકો તમને પ્રેમ કરે છે, એટલે જે તમને પ્રેમ કરે છે એવા લોકો પર જ ધ્યાન આપો. હું એ પણ સમજાવું છું કે તમારા માટે કોનો અભિપ્રાય વધુ મહત્ત્વનો છે; તમારો પોતાનો, તમારી માતાનો, પિતાનો કે પછી નકામા ટ્રોલ્સનો?’

