કરીના કપૂરે હાલમાં એક ઇન્ટરવ્યુમાં તેના ઘરમાં થયેલા ભયાનક હુમલા વિશે પોતાની ચુપકીદી તોડી
કરીના કપૂર
પાંચ મહિના પહેલાં સૈફ અલી ખાન પર તેના ઘરમાં અટૅક થયો હતો. આ ઘટના એટલી દર્દનાક હતી કે તેનો પરિવાર હજી સુધી એના આઘાતમાંથી બહાર આવી શક્યો નથી. હવે પહેલી વાર કરીના કપૂરે એ ભયાનક હુમલા વિશે પોતાની ચુપકીદી તોડી છે. તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં કરીનાએ જણાવ્યું હતું કે અમે હજી સુધી એ આઘાતમાંથી સંપૂર્ણપણે બહાર આવી શક્યા નથી.
કરીનાએ સૈફ અલી ખાનને ‘આયર્ન મૅન’ ગણાવતાં પોતાની ચિંતા વ્યક્ત કરી. આ સાથે તેણે બાળકો અને સોશ્યલ મીડિયા ટ્રોલિંગ વિશે પણ ખૂલીને વાત કરી. કરીનાએ ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ‘મુંબઈ જેવી સુરક્ષિત ગણાતી જગ્યાએ આવી ઘટના બનવી અમારે માટે આશ્ચર્યજનક હતું. મુંબઈમાં આવી ઘટના વિશે અમે ક્યારેય સાંભળ્યું નથી. આવું અમેરિકા જેવી જગ્યાએ થાય છે. એ રાત પછી ઘણા મહિનાઓ સુધી હું ઊંઘી શકી નહોતી. મારા માટે રૂટીન લાઇફ જીવવાનું મુશ્કેલ બની ગયું હતું. સૈફ આયર્ન મૅન છે. તેણે હુમલા સમયે પરિસ્થિતિને સંભાળી, પરંતુ એ દર્દને હું આજે પણ અનુભવી રહી છું. મારાં બાળકોએ એ દૃશ્ય જોવું નહોતું જોઈતું. જોકે હવે તેઓ સત્યનો સામનો કરવાનું શીખી રહ્યાં છે. એક માતા તરીકે હું ઇચ્છું છું કે તેઓ મજબૂત બને. જેહ હજી પણ કહે છે કે મારા પપ્પા બૅટમૅન અને આયર્ન મૅન છે, પણ હું જાણું છું કે આ ઘટનાએ તેને અંદરથી બદલી નાખ્યા છે.’
ADVERTISEMENT
સૈફ પર થયેલા હુમલા વખતે કરીના ઘરે હાજર નહોતી એ વાતને લઈને તેને ખૂબ ટ્રોલ કરવામાં આવી હતી. એ સંદર્ભે પ્રતિક્રિયા આપતાં કરીનાએ કહ્યું હતું કે ‘આ સાવ બકવાસ હતું. એનાથી મને ગુસ્સો નહોતો આવ્યો, પણ દુઃખ થયું હતું. આ વિચારીને દુઃખ થાય છે કે આપણે કેવા ડિજિટલ યુગમાં જીવી રહ્યા છીએ. હું ઉપરવાળા પર ભરોસો રાખું છું, કારણ કે મારો પરિવાર સુરક્ષિત છે અને સામાન્ય જીવન જીવી રહ્યો છે.’

