મહારાષ્ટ્ર સરકારના સાંસ્કૃતિક બાબતોના વિભાગ દ્વારા આપવામાં આવતા પ્રતિષ્ઠિત ફિલ્મ પુરસ્કારોની જાહેરાત ગઈ કાલે સાંસ્કૃતિક બાબતોના પ્રધાન ઍડ્વોકેટ આશિષ શેલાર દ્વારા કરવામાં આવી હતી.
મહેશ માંજરેકર, અનુપમ ખેર, કાજોલ, મુક્તા બર્વે અને ભીમરાવ પાંચાળે
મહારાષ્ટ્ર સરકારના સાંસ્કૃતિક બાબતોના વિભાગ દ્વારા આપવામાં આવતા પ્રતિષ્ઠિત ફિલ્મ પુરસ્કારોની જાહેરાત ગઈ કાલે સાંસ્કૃતિક બાબતોના પ્રધાન ઍડ્વોકેટ આશિષ શેલાર દ્વારા કરવામાં આવી હતી. તેમણે મંત્રાલયમાં યોજાયેલી પ્રેસ-કૉન્ફરન્સમાં વી. શાંતારામ જીવન ગૌરવ અવૉર્ડ, વી. શાંતારામ વિશેષ યોગદાન અવૉર્ડ, સ્વ. રાજ કપૂર જીવન ગૌરવ અવૉર્ડ, સ્વ. રાજ કપૂર વિશેષ યોગદાન અવૉર્ડ અને ગાનસમ્રાજ્ઞી લતા મંગેશકર અવૉર્ડ જેવા મહત્ત્વના પાંચ અવૉર્ડની વિગતો જાહેર કરી હતી.
આ વર્ષનો વી. શાંતારામ જીવન ગૌરવ અવૉર્ડ પ્રખ્યાત અભિનેતા, દિગ્દર્શક અને નિર્માતા મહેશ માંજરેકરને એનાયત કરવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી છે. આ પુરસ્કારમાં ૧૦ લાખ રૂપિયાની રોકડ, સ્મૃતિચિહ્ન, પ્રશસ્તિપત્ર અને રજત ચંદ્રક આપવામાં આવે છે.
આ વર્ષે વી. શાંતારામ વિશેષ યોગદાન અવૉર્ડ મુક્તા બર્વેને એનાયત કરવામાં આવશે. આ પુરસ્કારમાં ૬ લાખ રૂપિયાની રોકડ, સ્મૃતિચિહ્ન, પ્રમાણપત્ર અને રજત ચંદ્રક આપવામાં આવે છે.
હિન્દી ફિલ્મઉદ્યોગમાં પ્રતિષ્ઠિત પુરસ્કાર ગણાતો સ્વ. રાજ કપૂર જીવન ગૌરવ અવૉર્ડ આ વર્ષે અનુપમ ખેરને એનાયત કરવામાં આવશે. સ્વ. રાજ કપૂર વિશેષ યોગદાન અવૉર્ડ બહુમુખી પ્રતિભા ધરાવતી અભિનેત્રી કાજોલ દેવગનને આપવામાં આવશે. આ બન્ને પુરસ્કારો અનુક્રમે ૧૦ લાખ અને ૬ લાખ રૂપિયાના છે.
આ સિવાય ૧૯૯૩થી આપવામાં આવતો ગાનસમ્રાજ્ઞી લતા મંગેશકર અવૉર્ડ આ વર્ષે પીઢ મરાઠી ગઝલગાયક ભીમરાવ પાંચાળેને આપવામાં આવશે. આ પુરસ્કારમાં ૧૦ લાખ રૂપિયાની રોકડ, સ્મૃતિચિહ્ન, પ્રશસ્તિપત્ર અને શાલ આપવામાં આવે છે.
બધા પુરસ્કારોના વિતરણ માટે ૨૦૨૫ની ૨૫ એપ્રિલે મુંબઈના વરલીમાં આવેલા નૅશનલ સ્પોર્ટ્સ ક્લબ ઑફ ઇન્ડિયા (NSCI) ખાતે એક ભવ્ય સમારોહ યોજાશે.
ગેટવે ઑફ ઇન્ડિયા પર સંગીતમય કાર્યક્રમ
મહારાષ્ટ્ર સરકારના સાંસ્કૃતિક બાબતો વિભાગ દ્વારા ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતી નિમિત્તે અને સંવિધાન અમૃત મહોત્સવ નિમિત્તે ૨૦ એપ્રિલે રવિવારે સાંજે સાડાછ વાગ્યે ગેટવે ઑફ ઇન્ડિયા ખાતે એક ખાસ સંગીતમય શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આશિષ શેલારે પત્રકાર પરિષદમાં આપેલી માહિતી પ્રમાણે આ કાર્યક્રમમાં સુરેશ વાડકર, આદર્શ શિંદે, વૈશાલી સામંત, ઊર્મિલા ધનગર, નંદેશ ઉમક વગેરે કલાકારો ભાગ લેશે અને એનું સંચાલન સુબોધ ભાવે કરશે. આ કાર્યક્રમમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરના જીવન પર આધારિત ગીતો, નાટક અને નૃત્ય રજૂ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં કોઈ પણ વ્યક્તિ પ્રવેશ લઈ શકશે. એ માટેની પ્રવેશ-ટિકિટનું વિતરણ દાદર-વેસ્ટ ખાતેના શિવાજી નાટ્ય મંદિર અને પ્રભાદેવી ખાતે આવેલા રવીન્દ્ર નાટ્ય મંદિર ખાતે વહેલા તે પહેલાના ધોરણે કરવામાં આવશે.

