મુમતાઝે હાલમાં કેટલાક ઇન્ટરવ્યુમાં ઍક્ટર સાથેના તેમના સંબંધોની વાત શૅર કરી
મુમતાઝ
હાલમાં મુમતાઝ ઘણા ઇન્ટરવ્યુ આપી રહ્યાં છે. આ ઇન્ટરવ્યુમાં તેઓ શમ્મી કપૂર, રાજેશ ખન્ના અને દારા સિંહ સાથેના તેમના અંગત જીવનની વિગતો પણ શૅર કરી રહ્યાં છે. જોકે હાલમાં એક ઇન્ટરવ્યુમાં તેમણે શમ્મી કપૂર વિશે વાત કરવાનું ટાળ્યું હતું અને કહ્યું હતું કે શમ્મી કપૂર વિશેની મારી વાતો તેમનાં પત્ની નીલા દેવીને પસંદ નહોતી એટલે હું આ મુદ્દે વાત નહીં કરું. તેમણે ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે ‘દરેક મને એ જ જૂની વાતો પૂછતા રહે છે. મારી બહેનને કેટલાક ફોન આવ્યા. લોકોએ તેને કહ્યું કે મુમતાઝે આવા સવાલના જવાબ ન આપવા જોઈએ, પરંતુ હું કેટલી વાર નો કમેન્ટ્સ કહી શકું? મારી બહેને મને કહ્યું કે તું ઇન્ડસ્ટ્રીના લોકોને દુઃખ પહોંચાડી રહી છે. હું કોઈને દુઃખ પહોંચાડવા નહોતી માગતી. તેઓ તો મારો પરિવાર છે.’
મુમતાઝે સ્પષ્ટતા કરી છે કે જે લોકો વિશે મેં વાતો કરી છે તેમનાં બાળકો પણ અસહજ અનુભવે છે. તેમણે કહ્યું, ‘મને સાચું બોલવાનો કોઈ અફસોસ નથી, પરંતુ બોરિંગ થઈ જવાય છે. દરેક જણ રાજેશ ખન્ના અને શમ્મી કપૂર વિશે જ પૂછવા માગે છે. એ પછી શમ્મીનાં પત્નીને ખરાબ લાગે છે. તેઓ પૂછે છે કે તું મારા પતિ વિશે શા માટે વાત કરે છે? એટલે મેં કોઈને દુઃખ ન પહોંચાડવાનો નિર્ણય કર્યો છે.’
ADVERTISEMENT
શમ્મી કપૂરે ૧૯૬૫માં તેમનાં પ્રથમ પત્ની ગીતા બાલીને ગુમાવ્યાં હતાં. ત્યાર બાદ ‘બ્રહ્મચારી’ના સેટ પર તેમની મુલાકાત મુમતાઝ સાથે થઈ અને બન્ને વચ્ચે નિકટતા વધી. જોકે તેમનો સંબંધ લગ્ન સુધી પહોંચી ન શક્યો, કારણ કે શમ્મી કપૂરે તેમને ફિલ્મ-ઇન્ડસ્ટ્રી છોડવાનું કહ્યું હતું. એક ઇન્ટરવ્યુમાં મુમતાઝે કહ્યું હતું કે ‘જ્યારે હું ફક્ત ૧૭ વર્ષની હતી ત્યારે શમ્મી ઇચ્છતા હતા કે હું મારી કરીઅર છોડી દઉં. મને નથી લાગતું કે કોઈ મને એટલો પ્રેમ કરી શકે જેટલો તેમણે કર્યો હતો. હું તેમને ક્યારેય ભૂલી નથી. આજે પણ જ્યારે કોઈ તેમનું નામ લે છે ત્યારે મારી આંખમાં આંસુ આવી જાય છે. આ ફક્ત એક અફેર નહોતું. આ એનાથી પણ ઘણું વધારે હતું. અમે એકબીજાને ખૂબ પ્રેમ કરતાં હતાં, પરંતુ એ સમયે કપૂર-પરિવારની મહિલાઓ કામ નહોતી કરતી. તેમને પોતાના પરિવારની ઇચ્છાઓનું સન્માન કરવું હતું અને મારે મારી કરીઅરનું સન્માન કરવું હતું.’

