અમેરિકન સંસદનાં બન્ને ગૃહોમાં પાસ થયું બિગ બ્યુટિફુલ બિલ
ડોનલ્ડ ટ્રમ્પ
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પનું બિગ બ્યુટિફુલ બિલ ગુરુવારે મોડી રાત્રે હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્ઝમાં ૨૧૮-૨૧૪ના માર્જિનથી પસાર થયું હતું જેને તેમના બીજા કાર્યકાળની મોટી સિદ્ધિ ગણાવવામાં આવી રહી છે. સેનેટ અને હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્ઝ એમ બેઉ ગૃહોમાંથી પસાર થયા બાદ આ બિલ હવે પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પના હસ્તાક્ષર માટે મોકલવામાં આવ્યું છે. અમેરિકન સમય મુજબ શુક્રવારે સાંજે પાંચ વાગ્યે (ભારતીય સમય મુજબ શનિવારે વહેલી સવારે) ટ્રમ્પ આ બિલ પર હસ્તાક્ષર કરશે અને એ પછી આ બિલ કાયદો બની જશે.
આ બિલ પર મતદાન વખતે બે રિપબ્લિકન સંસદસભ્યોએ પાર્ટીલાઇનથી ભટકીને ડેમોક્રૅટિક પાર્ટીના પક્ષમાં મતદાન કર્યું હતું. જોકે બન્ને ગૃહોમાં આ બિલ પસાર થવા પર ડોનલ્ડ ટ્રમ્પે ખુશી વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘મેં લાખો પરિવારોને ડેથ ટૅક્સમાંથી મુક્ત કર્યા છે. અમેરિકાના સ્વતંત્રતા દિવસના અવસર પર આ બિલથી સારી ભેટ બીજી કોઈ હોઈ શકે નહીં.’
ADVERTISEMENT
૧૮-૨૧૪ મત ટ્રમ્પ માટે એક મહત્ત્વપૂર્ણ વિજય સમાન છે જે તેમની ઇમિગ્રેશન કાર્યવાહીને ભંડોળ પૂરું પાડશે, ૨૦૧૭ના કરકાપને કાયમી બનાવશે અને ૨૦૨૪ના તેમના પ્રચાર દરમ્યાન તેમણે વચન આપેલા નવા કરમાં છૂટ આપશે. કૉન્ગ્રેસના દરેક ડેમોક્રૅટે એની વિરુદ્ધ મતદાન કર્યું અને બિલને શ્રીમંતોને ભેટ તરીકે ગણાવ્યું જેનાથી લાખો લોકો વીમા વિના રહી જશે.
૯૦૦ પાનાંનું આ બિલ અમેરિકનો માટે જેટલું મહત્ત્વપૂર્ણ છે એટલું જ ત્યાં રહેતા ભારતીયો અને નૉન-રેસિડન્ટ ઇન્ડિયનો (NRI)ને પણ અસર કરનારું છે. ટ્રમ્પ સરકારે અમેરિકાથી ભારતમાં મોકલવામાં આવતાં નાણાં પર પાંચ ટકા ટૅક્સનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને હવે ઘટાડીને એક ટકો કરી દેવામાં આવ્યો છે. જોકે બૅન્ક-ટ્રાન્સફર અને કાર્ડ દ્વારા મોકલવામાં આવતાં નાણાં પર ટૅક્સ નહીં લાગે. જે ભારતીયો ઘણી મોટી રકમ ભારત મોકલતા હતા તેમણે ફાઇનૅન્શિયલ પ્લાનિંગ કરવું પડશે. આનાથી રિયલ એસ્ટેટ, પરિવારોને મોકલવામાં આવતી રકમ અને બીજી આર્થિક ગતિવિધિઓ પર અસર પડશે. NRI પાસે ભારતમાં પ્રૉપર્ટી હોય અને એનું ભાડું મળતું હોય તો એના પર નવો ટૅક્સ નહીં લાગે.
ખિસ્સાં હળવાં થશે
અમેરિકામાં કાનૂની રીતે રહેવા માટે હવે વધુ નાણાં ખર્ચવાં પડશે. રાજ્યાશ્રય માટે અરજી કરવા માટે ૧૦૦ ડૉલર ચૂકવવા પડશે. વર્ક-પરમિટ માટે ૫૫૦ ડૉલર આપવા પડશે. ગેરકાયદે અમેરિકાની સરહદમાં પ્રવેશ કરવા બદલ ૫૦૦૦ ડૉલરનો દંડ થશે.

