ગાંધીનગરમાં ગઈ કાલે યોજાયેલા સરપંચો અને સભ્યોના અભિવાદન સમારોહમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગામના પ્રધાનોના લીધા ક્લાસ : ભ્રષ્ટાચારથી દૂર રહેવા મોઘમમાં ટકોર કરીને આપી સોનેરી સલાહ
સરપંચોના અભિવાદન સમારોહમાં ભૂપેન્દ્ર પટેલે હળવાશમાં સરપંચો અને સભ્યોને શીખ આપી હતી.
ગુજરાતનાં ગામડાંઓમાં નવા ચૂંટાયેલા સરપંચો અને સભ્યોનું ગઈ કાલે ગાંધીનગરમાં આદરપૂર્વક સન્માન-અભિવાદન કરીને ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ‘ગામના પ્રધાનોના’ ક્લાસ લીધો હતો અને ભ્રષ્ટાચારથી દૂર રહેવાની મોઘમ ટકોર કરી હતી. ભૂપેન્દ્રભાઈએ હળવાશમાં સોનેરી સલાહ આપતાં કહ્યું હતું કે પૈસા પાછળ પડવા જેવું નથી, નહીંતર પછી તમને ખબર છેને અત્યારે તો ભ્રષ્ટાચાર સામે ઝીરો ટૉલરન્સથી કામ કરી રહ્યા છીએ.
ADVERTISEMENT
ગુજરાતનં ગામડાંઓની મહિલા સરપંચો અને સભ્યો તેમના સન્માન સમારોહમાં ઉપસ્થિત હતાં.
આ પ્રસંગે સમરસ ગ્રામપંચાયતોને પ્રોત્સાહક ગ્રાન્ટ પેટે ૩૫ કરોડ રૂપિયા ફાળવવા સાથે ૧૨૩૬ કરોડ રૂપિયા વિવિધ વિકાસકાર્યોની ગ્રાન્ટ તરીકે ફાળવણી કરવામાં આવી હતી. સમરસ થયેલી ગ્રામપંચાયતોના સરપંચોને તેમ જ વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરતી ગ્રામપંચાયતોના સરપંચોને પ્રશસ્તિપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
ભૂપેન્દ્ર પટેલે નવનિયુક્ત સરપંચો અને સભ્યોને હળવાશથી શીખ આપતાં કહ્યું હતું કે ‘ભ્રષ્ટાચારની સામે ઝીરો ટૉલરન્સથી કામ કરી રહ્યા છીએ. કોઈને છોડ્યા નથી. હાથમાં આવ્યા પછી કોઈને છોડ્યા નથી ને છોડવાના પણ નથી. આપડે તો બધા નવા છીએ એટલે કોઈ આપણને દોરવી ન જાય ખોટી રીતે એ તમારે બધાએ ધ્યાન રાખવાનું છે. તમારે જે કામ હોય અમે અહીં બેઠા છીએ. તમે ગમે ત્યારે મળી શકો છો અમને.’

