કપિલ શર્માએ કૅનેડામાં તેના કૅફે પર ત્રણ વખત થયેલા ફાયરિંગ વિશે કહ્યું કે મને નથી લાગતું કે ત્યાં પોલીસ પાસે પાવર હોય
કપિલ શર્મા
કૉમેડિયન કપિલ શર્માની ફિલ્મ ‘કિસ કિસ કો પ્યાર કરું 2’નું ગઈ કાલે ટ્રેલર રિલીઝ થયું હતું. ટ્રેલર-લૉન્ચ સમયે યોજાયેલી પ્રેસ-કૉન્ફરન્સ દરમ્યાન કપિલને તેના કૅનેડાના ‘કૅપ્સ કૅફે’ પર ત્રણ વખત થયેલા ગોળીબાર વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે કપિલે જવાબ આપતાં કહ્યું હતું કે ‘મને નથી લાગતું કે કૅનેડામાં પોલીસ પાસે પાવર હોય. મુંબઈ પોલીસ જેવું કોઈ નહીં.’
પ્રેસ-કૉન્ફરન્સમાં કપિલ શર્માએ પહેલી વાર ‘કૅપ્સ કૅફે’ પર થયેલા ફાયરિંગ વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘આ ઘટના કૅનેડામાં બની છે. ત્યાં ત્રણ વખત ફાયરિંગ થયું હતું. મને લાગે છે કે ત્યાંના જે નિયમ છે એ પ્રમાણે પોલીસ પાસે એટલો પાવર જ નથી કે તેઓ એ વાતને નિયંત્રિત કરી શકે. અમારો જે કેસ થયો એ કેસ ફેડરલમાં ચાલ્યો ગયો. કૅનેડાની સંસદમાં આ સંદર્ભે ચર્ચા થઈ. હું ક્યારેય મુંબઈ કે મારા દેશમાં અસુરક્ષિત અનુભવતો નથી. આપણી મુંબઈ પોલીસ જેવું કોઈ નથી. ત્યાં જેટલી વાર ગોળીબાર થયો એ પછી અમારા કૅફેમાં વધુ મોટી ઓપનિંગ થઈ. ઉપરવાળો સાથે છે એટલે બધું ઠીક છે. હર હર મહાદેવ.’


