કર્ણાટક હાઈ કોર્ટે ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયામાં સર્જાયેલા કાંતારા વિવાદ મામલે તેની સામે કડક વલણ અપનાવ્યું
રિષબ શેટ્ટી અને રણવીર સિંહ
રણવીર સિંહે ગોવામાં યોજાયેલા ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (IFFI) દરમ્યાન ફિલ્મ ‘કાંતારા’ વિશે આપેલું નિવેદન અને ફિલ્મમાં રિષબ શેટ્ટીના પાત્રની નકલ કરવાના મામલે મોટો વિવાદ ઊભો થયો છે. આ મુદ્દે ગઈ કાલે કર્ણાટક હાઈ કોર્ટે રણવીરને આકરા શબ્દોમાં જણાવ્યું કે તમે રણવીર સિંહ હો કે કોઈ અન્ય, સુપરસ્ટાર કાયદાથી ઉપર નથી. આ સાથે જ હાઈ કોર્ટે સરકારને નિર્દેશ આપ્યો કે જો રણવીર સિંહ તપાસમાં સહકાર આપે તો તેની સામે કોઈ દંડાત્મક કાર્યવાહી ન કરવામાં આવે. રિપોર્ટ પ્રમાણે કર્ણાટક હાઈ કોર્ટે આ મામલે સરકાર અને પ્રતિવાદીઓને પોતાની આપત્તિઓ દાખલ કરવા જણાવ્યું છે અને સુનાવણી બીજી માર્ચ સુધી મુલતવી રાખી છે. જસ્ટિસ એમ. નાગપ્રસન્નાએ ગઈ કાલે રણવીર સિંહ સામે કડક વલણ અપનાવતાં જણાવ્યું હતું કે સેલિબ્રિટી સ્ટેટસ કોઈને પણ ધાર્મિક માન્યતાઓની મજાક ઉડાડવાનો અધિકાર આપતું નથી. કોર્ટે પોલીસને બીજી માર્ચ સુધી રણવીરની ધરપકડ ન કરવાની સૂચના આપી અને રણવીરની કમેન્ટની કડક ટીકા પણ કરી.
જસ્ટિસ એમ. નાગપ્રસન્નાએ કહ્યું હતું કે ‘તમે રણવીર સિંહ હો કે કોઈ અન્ય, પરંતુ આ રીતે બેફામ બોલી શકતા નથી. અમે તપાસ કરીશું કે તમારો ઇરાદો શું હતો, પરંતુ એક અભિનેતા તરીકે તમારી જવાબદારીઓ વધુ છે. તમે અનેક લોકોને પ્રભાવિત કરો છો એટલે તમારે તમારી જવાબદારી સમજવી જરૂરી છે. જો તમે કોઈ દેવી-દેવતા વિશે વાત કરો છો તો તેમને ભૂત કહી શકતા નથી. તમને કોઈની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો અધિકાર નથી. તમે માફી માગી છે, પરંતુ શું તમારી માફી તમારા શબ્દોને પાછા લઈ શકે? હું, તમે અને લોકો કદાચ ભૂલી જઈએ, પરંતુ ઇન્ટરનેટ ક્યારેય ભૂલતું નથી. તમે જે કહ્યું છે એ હંમેશાં રેકૉર્ડ પર રહેશે.’ કર્ણાટક હાઈ કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે કલાકારોને સંયમ રાખવાની જરૂર છે. કોર્ટે રણવીર સિંહને જણાવ્યું હતું કે ‘રિષબ શેટ્ટી ફિલ્મમાં દેવી ચામુંડીનું પાત્ર ભજવી રહ્યા હતા. રણવીરે દેવીને ‘ફીમેલ ઘોસ્ટ’ કહી અને પાત્રની નકલ ઉતારી જે નિશ્ચિતપણે લોકોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડે છે.’ આ મામલે રણવીરના વકીલે દલીલ કરી હતી કે ‘રણવીર સિંહની વાતોને ખોટી રીતે રજૂ કરવામાં આવી છે. તેઓ તો ફિલ્મ અને રિષબ શેટ્ટીની પ્રશંસા કરી રહ્યા હતા.’
ADVERTISEMENT
શું છે કાંતારા વિવાદ?
ગયા વર્ષે ૨૮ નવેમ્બરે ગોવામાં IFFIની ક્લોઝિંગ સેરેમની દરમ્યાન રણવીર સિંહે મંચ પરથી ફિલ્મ ‘કાંતારા : ચૅપ્ટર વન’માં રિષબ શેટ્ટીના અભિનયની પ્રશંસા કરી હતી. ત્યાર બાદ તેણે એ દૃશ્યની નકલ કરી હતી જેમાં દેવી ચામુંડી પાત્રમાં પ્રવેશ કરે છે. નકલ કરતી વખતે રણવીરે દેવી ચામુંડીને ‘ફીમેલ ઘોસ્ટ’ કહ્યાં હતાં. આ નિવેદન બાદ વિવાદ વધી ગયો હતો. ફેસ્ટિવલ દરમ્યાન રિષબ શેટ્ટીએ પણ રણવીરને વારંવાર નકલ ન કરવા કહ્યું હતું છતાં તે રોકાયો નહોતો. આ વિડિયો વાઇરલ થતાં સોશ્યલ મીડિયા પર તેની ભારે ટીકા થઈ હતી. વિવાદ વધતાં પણજી અને બૅન્ગલોરમાં રણવીર સિંહ સામે પોલીસ-ફરિયાદ નોંધાઈ હતી. ત્યાર બાદ રણવીરે સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને જાહેર માફી માગી હતી. તેણે લખ્યું હતું કે ‘મારો ઉદ્દેશ ‘કાંતારા’માં રિષબના શાનદાર પર્ફોર્મન્સને વખાણવાનો હતો. એક અભિનેતા તરીકે હું જાણું છું કે એ દૃશ્ય માટે કેટલી મહેનત જરૂરી હોય છે. હું હંમેશાં આપણા દેશની દરેક સંસ્કૃતિ, પરંપરા અને આસ્થાનું માન રાખું છું. મારી કોઈ વાતથી કોઈની લાગણીઓને ઠેસ પહોંચી હોય તો હું દિલથી માફી માગું છું.’
ડૉન 3ના નિર્માતા હવે રણવીર સિંહ પાસેથી ૪૦ કરોડ રૂપિયા વસૂલવા જઈ શકે છે કોર્ટમાં
રણવીર સિંહ હાલમાં પોતાની આવનારી ફિલ્મ ‘ધુરંધર : ધ રિવેન્જ’ને લઈને ચર્ચામાં છે, પરંતુ સાથે-સાથે ‘ડૉન 3’ને લઈને પણ વિવાદમાં છે. થોડા સમય પહેલાં ‘ધુરંધર’ની રિલીઝ પછી સમાચાર આવ્યા હતા કે રણવીરે ‘ડૉન 3’માં કામ કરવાની ના પાડી દીધી છે. રણવીરના ઇનકાર પછી ‘ડૉન 3’ના નિર્માતા એક્સેલ એન્ટરટેઇનમેન્ટે તેની પાસેથી ૪૦ કરોડ રૂપિયાનું વળતર માગ્યું હતું. જોકે રણવીરે સ્પષ્ટ કહી દીધું હતું કે તે કોઈ રકમ ચૂકવશે નહીં. આ વિવાદ પછી બન્ને પક્ષ વચ્ચે આ મુદ્દે બેઠક પણ થઈ હતી, પરંતુ કોઈ પરિણામ નહોતું આવ્યું. હવે ચર્ચા છે કે ‘ડૉન 3’ના નિર્માતા કાનૂની રસ્તો અપનાવી શકે છે. રિપોર્ટ મુજબ પ્રોડ્યુસર્સ ગિલ્ડ ઑફ ઇન્ડિયાએ બન્ને પક્ષોને કાનૂની માર્ગ અપનાવવાની સલાહ આપી છે. સંગઠન તરીકે ગિલ્ડ મર્યાદિત હદ સુધી જ હસ્તક્ષેપ કરી શકે છે અને બન્ને પક્ષ પોતાની વાત પર અડગ રહેતાં ગિલ્ડે કાનૂની પ્રક્રિયા દ્વારા ઉકેલ લાવવાનું સૂચન કર્યું છે.
આમિર ખાનના ઘરે યોજાઈ હતી બેઠક
‘ડૉન 3’ને કારણે રણવીર સિંહ અને એક્સેલ એન્ટરટેઇનમેન્ટ વચ્ચે વિવાદ સર્જાતાં આમિર ખાનના ઘરે બન્ને પક્ષ વચ્ચે લગભગ બે કલાકની બેઠક થઈ હતી, પરંતુ એમાં પણ કોઈ સમાધાન થયું નહોતું. રિપોર્ટ અનુસાર આ બેઠકમાં કરણ જોહર, સાજિદ નડિયાદવાલા, એકતા કપૂર અને ઝોયા અખ્તર હાજર રહ્યાં હતાં. માહિતી મુજબ બન્ને પક્ષોએ પોતપોતાની મજબૂત દલીલો રજૂ કરી. રણવીરે પોતાના પક્ષમાં ઈ-મેઇલ અને વૉટ્સઍપ સંદેશાઓ બતાવ્યા, જ્યારે ફરહાન અખ્તર અને રિતેશ સિધવાનીએ પણ પોતાનું મંતવ્ય રજૂ કર્યું. આ બેઠકમાં ફરહાન અને રિતેશ વળતરની ડિમાન્ડ પર અડગ રહ્યા અને રણવીરે પણ પોતાનું સ્ટૅન્ડ ન બદલ્યું જેના પરિણામે કોઈ સમજૂતી થઈ શકી નહોતી.
