સંજય દત્તે પિતૃપક્ષના દિવસોમાં બિહારના ગયા શહેરમાં આવેલા વિષ્ણુપદ મંદિરમાં પિંડદાનની વિધિ કરી હતી. સંજય દત્તે પોતાનાં દિવંગત માતા-પિતા સુનીલ દત્ત અને નરગિસના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.
સંજય દત્તે ગયામાં કર્યું પિંડદાન
સંજય દત્તે પિતૃપક્ષના દિવસોમાં બિહારના ગયા શહેરમાં આવેલા વિષ્ણુપદ મંદિરમાં પિંડદાનની વિધિ કરી હતી. સંજય દત્તે પોતાનાં દિવંગત માતા-પિતા સુનીલ દત્ત અને નરગિસના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. પિંડદાન એક હિન્દુ ધાર્મિક વિધિ છે, જેમાં દિવંગત વ્યક્તિને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. આ વિધિ દિવંગત વ્યક્તિના પરિવારજનો દ્વારા ગયાનાં ત્રણ પવિત્ર સ્થળો ફલ્ગુ નદી, વિષ્ણુપદ મંદિર અને અક્ષયવટના વૃક્ષ પાસે કરવામાં આવે છે.
સંજય દત્તની આ વિધિ કરાવતી અનેક તસવીરો સોશ્યલ મીડિયા પર સામે આવી છે. આ તસવીરોમાં તે મંદિરમાં બેસીને પૂજાની વિધિ કરતો જોવા મળી રહ્યો છે. તેની સાથે અનેક પંડિતો પણ હાજર હતા. આ ધાર્મિક વિધિ પૂર્ણ કરવામાં લગભગ બે કલાકનો સમય લાગે છે અને એને એક જ દિવસમાં પૂર્ણ કરી શકાય છે. વિધિ પૂર્ણ કર્યા બાદ સંજય દત્ત મંદિરની બહાર હાજર પોતાના ચાહકોને પણ મળ્યો હતો.
