BJPના રાષ્ટ્રીય પ્રવક્તા આર. પી. સિંહે દિલજિતને પ્રખ્યાત કલાકાર, નૅશનલ ઍસેટ અને ભારતીય સંસ્કૃતિનો વૈશ્વિક રાજદૂત ગણાવ્યો
દિલજિત દોસાંઝ
દિલજિત દોસાંઝ, હાનિયા આમિર અને નીરુ બાજવા સ્ટારર ‘સરદારજી 3’ ૨૭ જૂને પાકિસ્તાન સહિત અન્ય ઘણા દેશોમાં રિલીઝ થઈ. દિલજિત દોસાંઝની ‘સરદારજી 3’માં પાકિસ્તાની ઍક્ટ્રેસ હાનિયા આમિરની હાજરીને કારણે આ ફિલ્મ વિશે ભારતમાં ભારે વિરોધની લાગણી હતી અને એટલે જ આ ફિલ્મને ભારતમાં રિલીઝ નથી કરવામાં આવી. જોકે આ ફિલ્મને ભારતમાં રિલીઝ કરવામાં નથી આવી છતાં ફિલ્મના લીડ હીરો દિલજિત દોસાંઝ લોકોના નિશાના પર છે. લોકો ફિલ્મ અને દિલજિતનો વિરોધ કરી રહ્યા છે. કેટલાક લોકોએ દિલજિતની ભારતીય નાગરિકતા રદ કરવાની પણ માગણી કરી છે. આ મામલે દિલજિતની ઘણી સેલિબ્રિટીઓએ ટીકા પણ કરી છે. જોકે જાવેદ અખ્તર અને ઇમ્તિયાઝ અલીએ તો દિલજિતને ખુલ્લેઆમ સમર્થન આપ્યું. હવે BJPએ પણ દિલજિતનું સમર્થન કર્યું છે.
BJPના રાષ્ટ્રીય પ્રવક્તા આર. પી. સિંહે દિલજિતને પ્રખ્યાત કલાકાર, નૅશનલ ઍસેટ અને ભારતીય સંસ્કૃતિનો વૈશ્વિક રાજદૂત ગણાવ્યો છે. તેમણે કહ્યું કે ફેડરેશન ઑફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લૉઈઝ (FWICE) દ્વારા દિલજિતની ભારતીય નાગરિકતા રદ કરવાની માગણી અયોગ્ય અને આઘાતજનક છે. તેમણે જણાવ્યું કે આ ફિલ્મનું શૂટિંગ પહલગામ આતંકી હુમલા પહેલાં જ પૂર્ણ થઈ ગયું હતું અને બીજો રસ્તો જ નહોતો.
ADVERTISEMENT
આર. પી. સિંહે આગળ લખ્યું કે ‘પહલગામ અટૅકના થોડા દિવસ પહેલાં ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાન સામે એક મૅચ રમી હતી. શું ત્યારે FWICE કે અન્ય કોઈએ વાંધો ઉઠાવ્યો હતો? ન્યુઝ-ચૅનલો નિયમિતપણે TRP વધારવા માટે પાકિસ્તાની મહેમાનોને આમંત્રિત કરે છે. શું હવે તે ઍન્કરોએ પણ પોતાની નાગરિકતા છોડી દેવી જોઈએ?’

