સ્મૃતિ ઈરાનીએ સ્પષ્ટતા કરી કે ઍક્ટિંગને કારણે પૉલિટિકલ કરીઅરમાંથી કોઈ બ્રેક નથી લીધો
સ્મૃતિ ઈરાની
ઍક્ટ્રેસમાંથી રાજકારણી બનેલાં સ્મૃતિ ઈરાની એક દાયકાથી વધુના બ્રેક પછી હવે અભિનયમાં કમબૅક માટે તૈયાર છે. તેઓ ૨૯ જુલાઈથી સ્ટાર પ્લસ અને જિઓ હૉટસ્ટાર પર ટેલિકાસ્ટ થનારી ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી’ સીઝન-2માં જોવા મળશે. આ શોનો સ્મૃતિનો ફર્સ્ટ લુક થોડા દિવસો પહેલાં રિલીઝ થયો હતો અને તેમના ફૅન્સ તેમને તુલસીના રૂપમાં જોવા માટે ખૂબ ઉત્સાહિત છે. જોકે સ્મૃતિએ મંગળવારે સોશ્યલ મીડિયામાં સ્પષ્ટતા કરી છે કે તે અભિનયમાં પાછાં ફરી રહ્યાં છે, પરંતુ આ રાજકારણમાંથી બ્રેક નથી.
હકીકતમાં સોશ્યલ મીડિયા પર એક ફૅને પોતાની લાગણી વ્યક્ત કરતાં કહ્યું કે ‘ટીવી પર તમારા પુનરાગમન માટે શુભેચ્છાઓ. આશા છે કે આ રાજકારણમાંથી શૉર્ટ બ્રેક હશે.’ સ્મૃતિએ આ વાતનો જવાબ આપતાં કહ્યું કે ‘આ કોઈ બ્રેક નથી. હું પચીસ વર્ષથી મીડિયા અને રાજકારણ બન્નેમાં કામ કરું છું, માત્ર એક દાયકાનો બ્રેક હતો, કારણ કે હું કૅબિનેટ પ્રધાન તરીકે જવાબદારી નિભાવતી હતી. મેં ક્યારેય મારી સંગઠનની જવાબદારીઓ સાથે સમાધાન કર્યું નથી અને ક્યારેય નહીં કરું.’

