ગોવિંદાની પત્ની તેને સવાલ કરે છે, તેમને ફરી મોટા પડદે જોવા માગે છે
ગોવિંદા પત્ની સુનીતા સાથે
૧૯૯૦ના દાયકાના સુપરસ્ટાર ગોવિંદાની ફિલ્મોમાંથી લાંબી ગેરહાજરી તેમના ચાહકો માટે ચિંતાનો વિષય બની છે. ગોવિંદાએ આમ તો ત્રણ નવી ફિલ્મોની જાહેરાત કરી છે, પણ ઘણા સમયથી તે નિષ્ક્રિય બેઠો છે એના વિશે તેની પત્ની સુનીતાએ તાજેતરના ઇન્ટરવ્યુમાં ચિંતા વ્યક્ત કરી છે. આ ઇન્ટરવ્યુમાં સુનીતાએ કહ્યું છે કે ‘હું હંમેશાં ગોવિંદાને કહું છું કે તમે એક લેજન્ડ સ્ટાર છો. તમે ’૯૦ના દાયકાના રાજા હતા. આજની પેઢી તમારાં ગીતો પર ડાન્સ કરે છે. તમારી ઉંમરના અભિનેતાઓ અનિલ કપૂર, સુનીલ શેટ્ટી અને જૅકી શ્રોફ ઘણું કામ કરી રહ્યા છે. તમે કેમ નથી કરતા? તમને ફિલ્મોમાં જોવાની અમને ખોટ પડે છે. તમે સમય સાથે બદલાવને સ્વીકારવા તૈયાર નથી અને ૧૯૯૦ના દાયકામાં અટવાયેલા છો. તેમને કહો કે વજન ઘટાડે, હૅન્ડસમ દેખાય. અમને દુઃખ થાય છે કે આટલો લેજન્ડરી અભિનેતા ઘરે બેઠો છે. ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં અભિનેતાઓને પોતાની વાહવાહ સાંભળવાનું ગમે છે. તેઓ સત્ય સાંભળવા નથી માગતા. ગોવિંદા જેવો કોઈ અભિનેતા નથી, પરંતુ તેમણે સારી ફિલ્મો અને સારા દિગ્દર્શકો પસંદ કરવા જોઈએ. એમાં તેમને સમસ્યા નડે છે. તેમને કામ જ નથી કરવું.’
સુનીતાએ ઇન્ટરવ્યુમાં ગોવિંદાના નકામા મિત્રો વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘મારાં બાળકો અને હું તેમને પડદા પર જોવા ઝંખીએ છીએ. હું તેમને કહું છું કે તમે જે લોકોની સંગતમાં છો તેઓ તમારા ભલા માટે કશું નથી કહેતા, બસ ‘હા’માં ‘હાં’ મિલાવે છે. તેમનો ઇરાદો સારો નથી.’

