પતિ, સાસુ અને નણંદની ધરપકડ; સસરા અને દિયર ફરાર
જીવન ટૂંકાવનારી વૈષ્ણવી હગવણે પતિ શશાંક સાથે.
રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના અધ્યક્ષ અજિત પવારની પાર્ટીના પુણે જિલ્લાના મુળશીના તાલુકાધ્યક્ષ રાજેન્દ્ર હગવણેની પુત્રવધૂ વૈષ્ણવીએ ૧૬ મેએ ઘરમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. વૈષ્ણવીએ આત્મહત્યા નથી કરી પણ દહેજ માટે તેની હત્યા કરવામાં આવી હોવાની ફરિયાદ તેનાં પિયરિયાંએ પોલીસમાં નોંધાવતાં પુણે પોલીસે ગઈ કાલે વૈષ્ણવીના પતિ શશાંક તેમ જ સાસુ અને નણંદની ધરપકડ કરી હતી, જ્યારે વૈષ્ણવીના સસરા રાજેન્દ્ર હગવણે અને દિયર પલાયન થઈ ગયા હોવાથી પોલીસ તેમને શોધી રહી છે.
પુણેના બાવધાન પોલીસ-સ્ટેશનમાં વૈષ્ણવી શશાંક હગવણેના આકસ્મિક મૃત્યુની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે. વૈષ્ણવીના પિતાએ કહ્યું છે કે વૈષ્ણવી પર જમીન ખરીદવા માટે બે કરોડ રૂપિયાની સતત માગણી કરીને તેની મારપીટ પણ કરવામાં આવી હતી. પતિ, સસરા, સાસુ, નણંદ અને દિયરના ત્રાસથી પરેશાન થઈને વૈષ્ણવીએ ગળેફાંસો ખાવાનું પગલું ભર્યું છે એટલે તેના મૃત્યુ માટે આ બધા લોકો જવાબદાર છે એટલે તેમની સામે કાર્યવાહી કરવામાં આવે એવી માગણી વૈષ્ણવીના પિતાએ કરી છે. આથી આત્મહત્યા કરવા માટે મજબૂર કરવાના આરોપસર વૈષ્ણવીના પતિ શશાંક, તેની સાસુ અને નણંદની ધરપકડ કરવામાં આવી છે.
ADVERTISEMENT
વૈષ્ણવીના પિતાએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ‘લગ્ન વખતે વૈષ્ણવીનાં સાસરિયાંને ૫૧ તોલા સોનાના દાગીના, સાડાસાત કિલો ચાંદી, મોંઘી કાર સહિતની વસ્તુઓ આપી હતી. એટલું જ નહીં, તેમની ઇચ્છા મોટા પાયે લગ્ન કરવાની હતી એટલે ભવ્ય લગ્નસમારંભ યોજ્યો હતો. આટલું કર્યા બાદ પણ વૈષ્ણવીને પિયરમાંથી રૂપિયા અને બીજી વસ્તુઓ લાવવાનું કહેવામાં આવતું હતું. જમીન ખરીદવી છે એ માટે બે કરોડ રૂપિયા લાવવાનું કહેવાથી વૈષ્ણવી હતાશ થઈ ગઈ હતી અને તેણે જીવન ટૂંકાવી લીધું છે. ૨૦૨૩ની ૨૭ નવેમ્બરે પણ વૈષ્ણવીએ ભોજનમાં ઝેર નાખીને જીવન ખતમ કરવાનો પ્રયાસ કર્યો હતો. વૈષ્ણવી પ્રેગ્નન્ટ થઈ હતી ત્યારે તેના પતિ શશાંકે આ બાળક પોતાનું ન હોવાનું કહીને વૈષ્ણવીના ચારિત્ર્ય પર શંકા કરી હતી.’
વૈષ્ણવીના સસરા રાજેન્દ્ર હગવણે અજિત પવારની પાર્ટીના પદાધિકારી છે એટલે અજિત પવાર વૈષ્ણવીને ન્યાય અપાવશે કે પોતાના નેતાને બચાવશે એવો સવાલ બધા કરી રહ્યા છે.

