જ્યારે બૉલીવુડની પ્રથમ ફીમેલ સુપરસ્ટારની વાત આવે ત્યારે શ્રીદેવીનું નામ સૌથી ઉપર આવે છે. તેણે સાઉથથી પોતાની કરીઅરની શરૂઆત કરી અને બૉલીવુડમાં પણ ટોચની સ્ટાર બની ગઈ હતી.
રજનીકાન્ત અને શ્રીદેવી
જ્યારે બૉલીવુડની પ્રથમ ફીમેલ સુપરસ્ટારની વાત આવે ત્યારે શ્રીદેવીનું નામ સૌથી ઉપર આવે છે. તેણે સાઉથથી પોતાની કરીઅરની શરૂઆત કરી અને બૉલીવુડમાં પણ ટોચની સ્ટાર બની ગઈ હતી. શ્રીદેવીએ પછી બોની કપૂર સાથે લગ્ન કરવાનું પસંદ કર્યું હતું, પણ જો સમયસર બધું પાર પડ્યું હોત તો તે સાઉથના સુપરસ્ટાર રજનીકાન્તની પત્ની બની હોત. આ સુપરસ્ટાર પણ શ્રીદેવી પ્રત્યેના પોતાના પ્રેમને વ્યક્ત કરવા તલપાપડ હતો, પણ એક અપશુકનને કારણે તે પોતાનો પ્રેમ વ્યક્ત ન કરી શક્યો.
રજનીકાન્ત અને શ્રીદેવીએ લગભગ ૧૯ ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. જ્યારે શ્રીદેવી માત્ર ૧૩ વર્ષની હતી ત્યારે તેણે એક ફિલ્મમાં રજનીકાન્તની મમ્મીનું પાત્ર ભજવ્યું હતું. રજનીકાન્ત શ્રીદેવી કરતાં ઉંમરમાં ૧૩ વર્ષ મોટા હતા છતાં તેમને શ્રીદેવી સાથે પ્રેમ થઈ ગયો હતો. ઉંમરનું અંતર વધુ હોવાને કારણે રજનીકાન્ત ઘણી વખત શ્રીદેવી માટે ખૂબ પ્રોટેક્ટિવ બની જતા હતા. બન્ને વચ્ચે ખૂબ સારી દોસ્તી થઈ હતી અને રજનીકાન્ત આ મિત્રતાને લગ્નમાં ફેરવવા માગતા હતા.
તેમના સાથી કે. બાલચંદરે રજનીકાન્તની લાગણી વિશે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ‘જ્યારે શ્રીદેવી માત્ર ૧૬ વર્ષની હતી ત્યારે રજનીકાન્તે તેની સાથે લગ્ન કરવાનો નિર્ણય લઈ લીધો હતો. તેઓ એ માટે શ્રીદેવીની મમ્મી સાથે વાત કરવા પણ તૈયાર થઈ ગયા હતા. તેમણે શ્રીદેવીના નવા ઘરના ગૃહપ્રવેશનો દિવસ પોતાના પ્રેમની કબૂલાત માટે પસંદ કર્યો હતો. અમે આ અવસરે શ્રીદેવીના ઘરે ગયા હતા, પરંતુ એ સમયે લાઇટ ચાલી ગઈ. રજનીકાન્તે એને અપશુકન માન્યું અને પછી વાત કર્યા વિના જ પાછા ફરી ગયા. જોકે રજનીકાન્ત અને શ્રીદેવીની દોસ્તી યથાવત્ રહી હતી.’

