વ્યસ્ત રહેતાં વયસ્ક સંતાનોને ઝીનત અમાનની સલાહ
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
ઝીનત અમાને હાલમાં નાના દીકરા ઝહાન ખાન સાથે ગોવામાં રજાઓ માણી. ઝીનતે પોતાના સોશ્યલ મીડિયામાં આ ટ્રિપની કેટલીક સુંદર તસવીરો શૅર કરીને કૅપ્શન લખી કે ‘શું હું એકલી એવી મા છું જે ફરિયાદ કરે છે કે તેનાં મોટાં બાળકો તેની સાથે વધારે સમય નથી વિતાવતાં? મને એવું લાગતું હતું કે સાથે સારો સમય ન વિતાવવાની મારી ફરિયાદ કોઈ સાંભળતું જ નથી, પરંતુ સ્પષ્ટ છે કે હું ખોટી હતી. આ મહિનાની શરૂઆતમાં મારા નાના દીકરાએ અમારા માટે ‘એલ્સવેર ગોવા’માં મા-દીકરાનું એક વેકેશન બુક કર્યું અને એનાથી મારી આત્માને સંપૂર્ણ શાંતિ મળી. આ બિલકુલ એવી આરામદાયક, એકાંત અને શાંત રજા હતી જેની મને બહુ ઇચ્છા હતી.’
ઝીનતે પોતાની પોસ્ટમાં આગળ લખ્યું કે ‘જો તમે એવાં વયસ્ક બાળકોનાં માતા-પિતા છો જે ખૂબ વ્યસ્ત રહે છે તો આ તમારા માટે સંકેત છે કે તમે તેમનું થોડું ધ્યાન ખેંચો. જો તમે પોતે મોટાં સંતાન છો તો હું તમને યાદ કરાવું છું કે તમારાં માતા-પિતા હંમેશાં તમારી સાથે નહીં રહે, સાથે વિતાવેલો સમય યાદગાર બનાવો.’
