BKCથી વરલીના આચાર્ય અત્રે ચોક સુધીના બીજા તબક્કાનું ઉદ્ઘાટન થયું : દેવેન્દ્ર ફડણવીસ કહે છે કે વરલીથી કફ પરેડનો ત્રીજો તબક્કો ઑગસ્ટમાં શરૂ કરવાનો વિચાર
BKCથી વરલીના મેટ્રો-૩ના તબક્કાને લીલી ઝંડી દેખાડીને ગઈ કાલે એમાં સિદ્ધિવિનાયક સુધી પ્રવાસ કર્યો હતો દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદેએ. તસવીરોઃ સૈયદ સમીર અબેદી
મેટ્રો-૩ના બીજા તબક્કાનું બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (BKC)થી વરલીના આચાર્ય અત્રે ચોકનું ગઈ કાલે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ઉદ્ઘાટન કર્યું હતું. તેમની સાથે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને મેટ્રો રેલવેના ઉચ્ચ અધિકારીઓ પણ હતા. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘અમે બધી જ પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાં વાપરી શકાય એવું મલ્ટિમોડ ટિકિટિંગ લાવવાનું વિચારી રહ્યા છીએ. ફક્ત મુંબઈ જ નહીં, આખા મુંબઈ મેટ્રોપૉલિટન રીજનમાં વાપરી શકાય એવી ગોઠવણ કરવામાં આવશે. વળી મેટ્રો-૩નો અંતિમ વરલીથી કફ પરેડનો તબક્કો પણ ઑગસ્ટમાં ચાલુ કરવાનો વિચાર છે.’
આમ ઑગસ્ટ સુધીમાં આરેથી કફ પરેડ સુધી મેટ્રો-૩ દોડતી થઈ જશે. BKCમાં બીજા તબક્કાનું ઉદ્ઘાટન કર્યા બાદ દેવેન્દ્ર ફડણવીસે BKCથી સિદ્ધિવિનાયક સુધી મેટ્રો-૩માં પ્રવાસ પણ કર્યો હતો. સામાન્ય જનતા આજથી મેટ્રો-૩ના આ બીજા તબક્કાની મુસાફરી કરી શકશે.
ADVERTISEMENT
મેટ્રો-૩નાં સ્ટેશન
આરે - JVLR
સીપ્ઝ
MIDC - અંધેરી
મરોલ નાકા
CSMI ઍરપોર્ટ - T2
સહાર રોડ
CSMI ઍરપોર્ટ – T1
સાંતાક્રુઝ મેટ્રો
બાંદરા કૉલોની
બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ
ધારાવી
શીતલાદેવી મંદિર
દાદર મેટ્રો
સિદ્ધિવિનાયક
વરલી
આચાર્ય અત્રે ચોક
મુંબઈ મેટ્રો લાઇન-૩ માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી. એ ભવિષ્યના મુંબઈની કરોડરજ્જુ બની રહેશે. આ દેશનો સૌથી લાંબો અન્ડરગ્રાઉન્ડ મેટ્રો રૂટ છે જેમાં ૨૬ સ્ટેટ ઑફ ધ આર્ટ સ્ટેશન આવેલાં છે અને જે મલ્ટિપલ કનેક્ટિવિટી પૉઇન્ટ ધરાવે છે.- દેવેન્દ્ર ફડણવીસ

