પ્રવાસીઓની સેફ્ટીનો વિચાર કરી ટ્રેનો સવારના ૭.૧૦ વાગ્યાથી જ બંધ કરી દેવામાં આવી હતી. એ પછી સવારના ૮.૧૫ વાગ્યાથી એ ગર્ડરના રીસ્ટોરેશનનું કામ હાથ ધરવામાં આવ્યું હતું.
થાણે અને ઐરોલી વચ્ચેના બ્રિજનો ગર્ડર બેસાડતી વખતે વાંકો વળવાથી ટ્રેનો અટવાઈ
સેન્ટ્રલ રેલવેના થાણેથી વાશીના ટ્રાન્સ-હાર્બર રૂટ પર ગઈ કાલે સવારે ટ્રેનો મોડી પડતાં ઑફિસ જવા માગતા નોકરિયાતો અને વાશીની ઍગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટીમાં જવા માગતા વેપારીઓ, ગુમાસ્તાઓ અને અન્ય કર્મચારીઓ સહિત અનેક લોકોએ હેરાનગતિ ભોગવવી પડી હતી.
થાણે અને વાશી વચ્ચે બની રહેલા બ્રિજનો ગર્ડર બેસાડાઈ રહ્યો હતો. જોકે એ ગર્ડર વાંકો વળી જતાં આ સમસ્યા સર્જાઈ હતી. સેન્ટ્રલ રેલવેના પ્રવક્તાએ આ વિશે માહિતી આપતાં કહ્યું હતું કે ‘મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA)એ ઐરોલીના કટઈ નાકા ખાતે બની રહેલા બ્રિજ પર ગુરુવારે મધરાત બાદ એક વાગ્યાથી શુક્રવારે સવારના ૪ વાગ્યા સુધીમાં ૧૦ ગર્ડર બેસાડ્યા હતા. જોકે એમાંનો એક ગર્ડર વાંકો થઈ જતાં ટ્રેનોને અસર પહોંચી હતી. પ્રવાસીઓની સેફ્ટીનો વિચાર કરી ટ્રેનો સવારના ૭.૧૦ વાગ્યાથી જ બંધ કરી દેવામાં આવી હતી. એ પછી સવારના ૮.૧૫ વાગ્યાથી એ ગર્ડરના રીસ્ટોરેશનનું કામ હાથ ધરવામાં આવ્યું હતું.’

